તમારા માટે, તમારી સાથે, સતત…

દાહોદથી શિયાણી શક્તિવાન ગુજરાતની કીર્તિ કથા!

૧૮૫૭ના સ્વાતંત્ર્યસંઘર્ષની સૌથી અઘરી અને લાંબી લડાઈ

0 290
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

આપણી આ લેખ-કથાનું શીર્ષક ‘બળવાન અને મજબૂત ગુજરાત’નું સૂઝે છે. શું તેમાં મુખ્યત્વે શારીરિક સ્વાસ્થ્યને લગતી વિગતો છે?

શક્તિવાન ગુજરાતના સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ -તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ – સંવાદ – સામંજસ્ય – સમન્વય અને સિદ્ધિ ઃ આ પંચાક્ષરી ‘સ’-કારમાં તેનો સ્વાભાવિક પરિચય છે.

હમણા યોગાનુયોગ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બે સ્થાનોએ જવાનું થયું; ગુજરાતના એક છેડે આવેલો પંચમહાલ અને વ્યારા, તો બીજી તરફ સૌરાષ્ટ્રનું જોમવંતંુ ઝાલાવાડ એટલે કે આજનો સુરેન્દ્રનગર જિલ્લો! એ પૂર્વે મે મહિનામાં વ્યારાના વનવાસીઓ વચ્ચેની સફર રહી, ત્યાં નજીકના સોનગઢની ડુંગરમાળના સાન્નિધ્યે આપણા પ્રથિતયશ સર્જક સુરેશ જોશીનું બાળપણ વીત્યું હતું, અને વેડછીમાં – છેક લખતરથી (તે ય વળી ઝાલાવાડનું નાનકડું ગામ) આજીવન બ્રહ્મચારી જુગતરામ દવે પહોંચી ગયા, સાથે સ્વામી આનંદ પણ ખરા. બંનેએ અહીં વસેલા વનવાસીઓની શિકલ બદલાવી નાખી. જેમને ‘દૂબળા’ ગણીને ધૂત્કારવામાં આવતા તેમને ‘હળપતિ’ નામની અહીં જ નવાજેશ થઈ હતી.

આ સ્વામી આનંદ એટલે આપણા ગુજરાતી ગદ્યના લોકાત્માને જગાડનાર લેખક. ક્રાંતિકારીઓથી માંડીને ગાંધીજનો સુધીનો તેમનો જીવન ફેરો ખરો પણ કોઈની કંઠી બાંધી નહીં. ‘સ્વામી અને સાંઈ’ પુસ્તકમાં મકરંદ દવે અને સ્વામી આનંદ વચ્ચેનો સુંદર સુદૃઢ પત્રવ્યવહાર છે એ ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો અંદાજ આપે છે.

આ દાહોદ અને આ બાજુ વઢવાણ ઃ તેના નામરૃપમાં ગુજરાતીપણાની છબિ કેવી છે? વરસતા વરસાદે દાહોદના ટાઉન હૉલમાં પાછલા ઇતિહાસને સાંભળવા એકઠા થયા તેમાં મોટો ભાગ જુવાનો અને મહિલાઓનો હતો! તેમને પોતાનાં મૂળિયાં ( Roots) સમજવાની મથામણ હતી અને આ દાહોદ-ઋષિવર દધીચિથી છેક ગેરિલા છાપામાર સ્વાતંત્ર્યવીર તાત્યાટોપે સુધીની વીરલ કથાની ભૂમિ છે. દો-હદ, બેહદ, માટે પંકાયેલા નગરમાં આજે તો તેની કચોરી, સેવ અને દાઉદી વોરા સમાજની જબાનનો દબદબો છે ત્યાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંઘર્ષની સૌથી અઘરી અને લાંબી લડાઈ થઈ હતી. મુંબઈથી બ્રિટિશ પોલિટિકલ એજન્ટે તો આદેશ કર્યો હતો કે જે ‘ફિતુરી’ઓ પકડાય તેને જેલ કે કાળાપાણીની સજા-ફજાના ફતરામાં ના પડશો, સીધા તોપના ગોળે ઉડાવી દેજો! અને એમ જ થયું. દાહોદથી થોડેક દૂર સંતરામપુરના સરકારી અતિથિ ગૃહના મેદાનમાં યે વિપ્લવીઓના પાળિયા છે, તો દાહોદથી રાજસ્થાન તરફ જતાં માનગઢની ટેકરીઓ આવે છે ત્યાં વનવાસી વિપ્લવી ગુરુ ગોવિંદે બધાંને એકત્રિત કરીને ધૂણી ધખાવી હતી. (‘ની માનું અંગરેજિયા…’ એ લોકગીત આજે ય સાંભળતાં રૃંવાડા ખડા થઈ જાય!) બ્રિટિશરોએ કેટલાંક રજવાડાંઓનો સાથ લઈને આ સમુદાયને ગોળીથી વીંધી નાખ્યો. દોઢ હજાર જેટલા આદિવાસીની લાશો ઢળી. અમૃતસરના જલિયાંવાલાની પૂર્વેનો આ ‘જલિયાંવાલા બાગ’ ગુજરાતની સરહદે રચાયો હતો. અમારા ઇતિહાસકારો અને ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોએ તે વિશે મૌનવ્રત પાળ્યું છે, વરસોથી! હવે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે દાહોદમાં જે નવી યુનિવર્સિટીની સ્થાપના થાય તેને ‘ગુરુ ગોવિંદ યુનિવર્સિટી’ નામ આપવું.

Related Posts
1 of 37

દાહોદ- માનગઢ- ઝાલોદ- ગોધરા- લુણાવાડા- સંતરામપુર… આ બધાં સ્થાનોનો પોતાનો ઇતિહાસ છે. ગોધરા તો ‘પ્રથમ રાજકીય પરિષદો’ની યે જન્મભૂમિ, જ્યાં એની બિસેન્ટ, લોકમાન્ય તિલક, વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ, બેરિસ્ટર મોહમ્મદઅલી જિન્નાહ જેવા રાષ્ટ્રનેતાઓએ આવીને પરિષદો લીધી હતી. તેમાંના જ એક વામનરાવ મુકાદમ હતા. પ્રખર રાજકીય નેતા; પણ પછી હાંસિયામાં ધકેલી દેવાયા. લોકમાન્ય પરનું તેમણે લખેલું બૃહદ જીવનચરિત એ સ્વાતંત્ર્યયુગનું સર્જન છે.

દાહોદથી વઢવાણ? જરાક અટપટું અનુસંધાન ગણાય! પણ એવું નથી. ઝાલાવાડમાં લોકકહાણી પારાવાર છે. સિદ્ધરાજના જન્મથી માંડીને રાણકદેવીના આત્મવિસર્જન સુધીની! એક તેતર પંખીને બચાવવા અહીં જીવલેણ યુદ્ધ થયું હતું અને એક દૂધવાળી બાઈએ સંકટમાં પડેલા રાજપરિવારને જાળવ્યો તેના નામે ‘મૂળી’ નગર વસ્યું. લોથલ પુરાતત્ત્વની દૃષ્ટિએ જેટલું જાણીતું એટલું રંગપુર નથી, પણ પ્રાચ્યવિદ્યાવિદ્ સ્વ. પ્રેમશંકર પંડ્યાએ તેનું ખોદકામ કરીને સાબિત કર્યું કે જેવું ધોળાવીરા, જેવું લોથલ તેવું આ રંગપુર પ્રાચીન સભ્યતાનું મથક હતું.

વઢવાણથી લીંબડી જતા રસ્તા પર કાન દઈને સાંભળો તો ૧૮૯૨ના યુવા સાધુ વિવેકાનંદનો પદરવ સાંભળવા મળે. આ અકિંચન અને અ-નામ યુવા સંન્યાસીનું ત્યારે તો નામ પણ વિવેકાનંદ નહોતું! લીંબડીના રાજવી જસવંતસિંહજી સાથેનો તેમનો આધ્યાત્મિક વાર્તાલાપ તો ગ્રંથસ્થ પણ થયો છે.

આ જ રસ્તે શિયાણી આવે છે! આ વાતના પ્રારંભે સ્વામી આનંદની જિકર કરી તે શિયાણીમાં જન્મ્યા હતા અને શિયાણીની બીજી ઓળખ તો એટલી જ અદ્ભુત છે. ૧૯૬૫માં આપણા રાજકીય ફિલસૂફ ડૉ. રામમનોહર લોહિયા સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યા હતા. કૉલેજના વિદ્યાર્થી તરીકે હું તેમને મળવા ગયો હતો. વાતચીતમાં તેમણે દેશના રાજકારણ વિશે તરેહવારની ચર્ચા તો કરી, પણ પછી પ્રશ્ન પૂછ્યો ઃ ‘મીરાબાઈ મેડતાથી દ્વારિકા જવા નીકળી હતી. એક રાજરાણી બની હતી રાજસંન્યાસિની! સમાજ અને સત્તાના પ્રચંડ વિરોધ અને નિંદા અને ધૂત્કારની વચ્ચે આ તેજસ્વિની નિકળી પડેલી; એ મેડતાથી દ્વારિકાના ક્યા રસ્તે નીકળી હતી?’

પછી કહે ઃ ‘મારે ય એ આખા મારગ પર એકવાર યાત્રા કરવાની ઇચ્છા છે!’

વઢવાણ – લીંબડીના રસ્તે શિયાણી આવ્યું ત્યારે ડૉ. લોહિયાનું સ્મરણ થઈ આવ્યું, તેમની મીરા-માર્ગની મુસાફરીની તીવ્ર ઇચ્છા પાછળના ઇતિહાસબોધનું સ્મરણ થઈ આવ્યું, કારણ એ હતું કે દ્વારિકા જતા આ રસ્તે મીરાએ શિયાણીમાં રાતવાસો કર્યો હતો. શિયાણીના રાજવીએ બહુ વિનંતી કરી, પણ મીરા કહે ઃ ‘મારો નાથ દ્વારિકાધીશ મને બોલાવે છે. આ તો એક વિસામો!’ અને મીરાની પ્રિય કૃષ્ણપ્રતિમા અહીંના મંદિરે આજે ય શોભે છે.

બોલો, આત્મીય શક્તિનું ગુજરાતનું આ કેવું અ-નોખું સ્વરૃપ છે!
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »