તમારા માટે, તમારી સાથે, સતત…

સર્વે રસોમાં સર્વોપરી પ્રેમ અને શૃંગાર

આખું વિશ્વ એકબીજાના સહારે સુંદર લાગે છે

0 1,105
  • કવર સ્ટોરી –  નિસર્ગ આહીર

ભાનુદત્ત નામના સંસ્કૃત ભાષાના વિદ્વાન રસમંજરીમાં પ્રેમ માટેના અનેક શબ્દોને સ્પષ્ટ કરે છે. તેમના મત અનુસાર રમ્ય વસ્તુ કે વ્યક્તિને પ્રથમ વાર જોવાની ઇચ્છાને પ્રેમકહે છે, એની ચિંતાને અભિલાષાકહે છે, તે માટેની આસક્તિને રાગકહે છે, આસક્તિની અધિકતા પ્રણયછે, એમાંથી જન્મતા વિયોગની અસહ્યતા પ્રેમછે, સાથે રહેવાની સ્થિતિ રતિકહેવાય છે, પ્રેમની ક્રિયા વડે સંયોગ થાય તેને શૃંગારકહે છે.

આખું વિશ્વ એકબીજાના સહારે સુંદર લાગે છે. જગત ટકે છે જ જડ-ચેતનના અરસપરસના ગાઢ સંબંધથી. પરસ્પરના આકર્ષણ અને આધારથી જગતનું ચક્ર ચાલે છે. માણસમાં એ આકર્ષણ અને આધારની સુંદરતા પ્રગટે છે ‘પ્રેમ’ શબ્દમાં. કુદરતમાં ઉત્પત્તિ અને સ્થિતિનું ચક્ર ચલાવવા માટે સહજ જ નર અને માદા વચ્ચે આકર્ષણ હોય છે. આ આકર્ષણ પ્રકૃતિની દેન છે. એ સહજ છે. વિજાતીય આકર્ષણ હોવું એ જ સામાન્ય છે. જો આકર્ષણ ન હોય તો અસામાન્ય બાબત કહેવાય. આકર્ષણ પ્રાકૃતિક છે. એને સંસ્કારીને માણસે ‘પ્રેમ’ નામથી ભવ્ય-દિવ્ય સંસ્કૃતિ રચી. યાદ રહે કે પ્રેમ માત્ર માણસ પાસે છે, બાકી પશુપશુકીટ પાસે તો સાહજિક વૃત્તિઓ છે. માણસ જ છે જેણે સાહજિક વૃત્તિઓને ઉન્નત કરીને પ્રેમનાં અનેક સુંદર રૃપ જન્માવ્યાં. લગ્નસંસ્થા શરૃ કરીને સંસારજીવનની મધુરતા સ્થાપી. બીજી બાજુ ધર્મ, જાતિ, મોભો એવાં અનેક બંધનો પ્રેમને નડતરરૃપ પણ બન્યાં. એક તરફ સંસ્કૃતિ અને બીજી તરફ સહજમાં થઈ જતો પણ પછીથી ટકી નહિ શકતો પ્રેમ આપણા જીવનનું મુખ્ય પરિબળ છે. પ્રેમનાં સુંદરતમ અને અમર્યાદ રૃપો જીવનમાં પૂર્ણપણે પામવાં શક્ય નથી. એ અપૂર્ણતાને પૂર્ણ કરવાનું, પ્રેમની ખોટને પૂરી કરવાનું કામ સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, નાટક, નૃત્ય જેવી કલાકૃતિઓ કરે છે. માણસમાં પ્રેમની ઇચ્છા કેન્દ્રસ્થાને હોય છે, કેમ કે જ એ જ સહજ છે, સત્ય છે. એટલે જ જગતભરમાં સૌથી વધારે કલાકૃતિઓ પ્રેમ પર જ રચાઈ છે.

જીવનમાં પ્રેમ એક ભાવ છે, પણ સાહિત્ય જેવી કલાઓ દ્વારા પમાતો પ્રેમ શૃંગાર કહેવાય છે. સાહિત્ય વગેરે કલાઓના નવ રસ છે, જેમાં શૃંગાર જ મુખ્ય રસ છે. નવ રસમાં સૌથી વધારે ચર્ચા શૃંગારરસ વિશે જ થઈ છે. ભાનુદત્ત નામના સંસ્કૃત ભાષાના વિદ્વાન ‘રસમંજરી’માં પ્રેમ માટેના અનેક શબ્દોને સ્પષ્ટ કરે છે. તેમના મત અનુસાર રમ્ય વસ્તુ કે વ્યક્તિને પ્રથમ વાર જોવાની ઇચ્છાને ‘પ્રેમ’ કહે છે, એની ચિંતાને ‘અભિલાષા’ કહે છે, તે માટેની આસક્તિને ‘રાગ’ કહે છે, આસક્તિની અધિકતા ‘પ્રણય’ છે, એમાંથી જન્મતા વિયોગની અસહ્યતા ‘પ્રેમ’ છે, સાથે રહેવાની સ્થિતિ ‘રતિ’ કહેવાય છે, પ્રેમની ક્રિયા વડે સંયોગ થાય તેને ‘શૃંગાર’ કહે છે.

શૃંગાર રસ જ મૂળ રસ છે. બીજા બધા રસ એમાં સમાયેલા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે શૃંગાર જ પ્રકૃતિ રસ છે. બીજા રસ એની વિકૃતિ માત્ર છે. શૃંગાર રતિ ભાવમાંથી નિષ્પન્ન થાય છે. રતિ એટલે સ્ત્રી અને પુરુષની એકબીજાના થઈ રહેવાની ઇચ્છા. આ રતિ ઉત્તરોત્તર વિકસિત થતી થતી પ્રેમ, માન, પ્રણય, સ્નેહ, રાગ અને અનુરાગમાં પૂર્ણતા પામે છે. રતિનો આ ઉત્તરોત્તર વિકાસ જ ‘શૃંગ’ શબ્દથી વ્યક્ત થાય છે. રતિ જ્યારે ચરમ રસરૃપે પ્રગટે છે એને જ શૃંગાર કહેવાય છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે બધા જ ભાવોમાં જે શ્રેષ્ઠ હોય એને ‘શૃંગ’ કહે છે. એ ઉત્તમ દશા સુધી પહોંચાડે છે તે જ શૃંગાર.

શૃંગાર બધા રસનો નાયક છે. પરસ્પર અત્યંત અનુરક્ત સ્ત્રીપુરુષોની રતિથી ઉત્પન્ન થયેલી ચેષ્ટા શૃંગાર છે. શૃંગાર કામના આરંભ અને વૃદ્ધિમાં સહાયક બને છે. તેમાંથી જ કામની ઉત્પત્તિ થાય છે. ‘શૃંગારપ્રકાશ’ નામના  શૃંગારરસના ઉત્તમ ગ્રંથમાં ભોજ કહે છે કે શૃંગાર બધા રસોમાં સર્વાધિક વ્યાપક અને પ્રભાવી છે. ભોજ શૃંગારને જ મુખ્ય માને છે અને બીજા બધા રસની ઉત્પત્તિ શૃંગારમાંથી જ થઈ છે એમ કહે છે. આ શૃંગાર રસ જીવનનો અભિન્ન, મુખ્ય ભાવ છે એટલે એનું ઊર્ધ્વીકરણ કરવું અને વિસ્તરણ કરવું જરૃરી છે. એટલે જ શૃંગાર રસની રચનાઓ વધારે મળે છે. માણસને સૌથી વધારે ગમે પણ એ જ રસ.

પ્રાણીમાત્રમાં નર-માદાનું એકબીજાની તરફ, અરસપરસ આકર્ષણ સૃષ્ટિના આરંભથી જ જોવા મળે છે. પરસ્પર એકબીજામાં એકરૃપ થવાની આતુરતા રહે છે. સૃષ્ટિએ આ આકર્ષણને એટલું ઉન્માદક બનાવ્યું છે કે એની આગળ મનુષ્યનો સંયમ, ધૈર્ય, સમજણ એ બધું જ વ્યર્થ બની જાય છે. વિશ્વની પ્રાચીનતમ રચના ‘ઋગ્વેદ’ના યમ-યમી સંવાદ, ઉર્વશી-પુરૃરવા સંવાદ ઇત્યાદિ એનાં સાક્ષી છે. શૃંગારનું આ સ્વરૃપ રચનાઓમાં બહુ પહેલેથી પ્રચલિત હતું. શૃંગાર રસ સંદર્ભે હાલની ‘ગાથાસપ્તશતી’, એના અનુકરણ પરની ગોવર્ધનની ‘આર્યાસપ્તશતી’ જાણીતાં છે. અમરુકની ‘અમરુશતક’, ભર્તૃહરિની ‘શૃંગારશતક’, બિલ્હણની ‘ચૌરપંચાશિકા’ જેવી અનેક કૃતિઓ શૃંગારનાં અત્યંત મનભાવન, રમણીય અને વૈવિધ્યયુક્ત રૃપો પ્રગટ કરે છે. સંસ્કૃત, પ્રાકૃત મુક્તકોનો આખો ભંડાર ભર્યો છે. દુહાઓ અને લોકગીતોમાં પ્રેમનું માધુર્ય છલકે છે. ભક્તિસાહિત્યમાં રાધા અને કૃષ્ણની પ્રેમલીલા સમગ્ર વિશ્વમાં ભવ્યતમ સ્થાન ધરાવે છે. ખજુરાહો, કોણાર્ક સહિતનાં ભારતભરનાં મંદિરોનાં શિલ્પ અત્યંત શૃંગારિક છે. અજંતાથી લઈને મિનિએચર-લઘુચિત્રો સહિત ચિત્રની એક ખૂબ જ સમૃદ્ધ પરંપરામાં પ્રેમ ચિત્રિત થયો છે. સંગીત, નાટક, નૃત્યની લોક અને શિષ્ટ બેય પરંપરા છે. કહેવાનો આશય એ છે કે ભારત પ્રેમનું અને શૃંગારનું મહત્ત્વ કરનારો, કલામાં એને સમગ્ર રીતે પ્રગટ કરનારો દેશ છે. વસંતમાં કામદેવની પૂજા થતી. લોકો મદનોત્સવ ઊજવતા. બધે મુક્તિ હતી, પ્રેમ માટે મોકળાશ હતી. આપણા પૂર્વજો જડ, અરસિક કે દંભી નહોતા. સાહિત્યમાં વ્યક્ત થયેલા શૃંગારનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈશું તો એ તથ્ય સમજાશે. શૃંગાર રસ કૃતિઓની ભારતમાં સુદીર્ઘ ‘ને અત્યંત સમૃદ્ધ પરંપરા છે.

પ્રેમનો ઉદ્ભવ, પ્રથમ દૃષ્ટિનો પ્રેમ, પ્રિયપાત્ર માટેની તડપન, પ્રિયજનના સૌંદર્યનું પાન, પ્રેમીઓનું મિલન, મિલનમાં રચાતા વિવિધ ભાવપલટા, વિદાય, જુદા પડવાનું દુઃખ, ઉત્કંઠા, અભિલાષા, આરત, બેચેની, અજંપો એ બધું પ્રેમમાં સહજ જ હોય છે. લજ્જા, સંકોચ, દિલની ધડકન, આંખની બંકિમ છટા, પ્રેમભર્યું સંબોધન, મીઠી મીઠી વાતો, મશ્કરી, નખરાં, સ્પર્શ, ચુંબન, આલિંગન, રુદન, નિસાસા, દર્શનની ઇચ્છા, પ્રતીક્ષા એવા એવા પ્રીતિના વખતોવખત બદલાતા રંગો હોય છે. ભારતમાં તો પ્રેમની દસ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે ઃ અભિલાષ, ચિંતન, અનુસ્મૃતિ, ગુણ, કીર્તન, ઉદ્વેગ, વિલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા અને મરણ. આપણે ત્યાં કામકલા માટેનું કામશાસ્ત્ર નામનું સ્વતંત્ર શાસ્ત્ર છે. એમાંનો ‘કામસૂત્ર’ ગ્રંથ તો સમગ્ર વિશ્વમાં બેનમૂન છે. એમાં નખક્ષત, દંતક્ષત, મર્દન, કેશગ્રહણ, જિહ્વાગ્રહણ અને રતિકલાનાં અનેક આસનોનું નિરૃપણ છે એ પણ શૃંગાર રસના નિરૃપણમાં અગત્યનાં બની રહે છે.

જીવનમાં પ્રેમ એ સહજ ક્રિયા છે, જ્યારે કલારૃપે રસ, આનંદ અને સૌંદર્ય માણસની મૂળ વૃત્તિના પોષણ અને પ્રગટીકરણ માટે અનિવાર્ય છે. શૃંગારમાં સ્ત્રી મુખ્ય આલંબન છે, એટલે સ્ત્રીકેન્દ્રી આલેખન કલામાં મુખ્ય હોય છે. કલાઓમાં સ્ત્રીનું સૌંદર્ય, લાવણ્ય, ચારુતા, નખરાં, પ્રેમભાવ, વિલાસ ખૂબ જ મહત્ત્વનાં હોય છે. સ્ત્રીવાદીઓ જે વિરોધ કરે છે તે સામાજિક ધોરણે સાચો છે, કલાની દૃષ્ટિએ ખોટો છે. કલામાં તો સ્ત્રી શૃંગાર, પ્રેમ, સૌંદર્ય, રસ અને આનંદનું ચાલકબળ છે. આપણી પરંપરામાં નાયિકાભેદ અને નાયિકાનું આલેખન એક ખૂબ જ સમૃદ્ધ અંગ છે. વયસંધિ, યૌવન, પ્રેમની અવસ્થાઓના આધારે થયેલું સ્ત્રીનું આલેખન વિશ્વસાહિત્યમાં અજોડ છે.

આમ, ભારતીયતાની દૃષ્ટિએ જોઈએ તો પ્રેમ અને શૃંગારનું ખૂબ જ સૂક્ષ્મ, વ્યાપક અને સમગ્રલક્ષી આલેખન કલાકૃતિઓમાં થયું છે. સહવાસની મધુરતા, જીનનની ધન્યતા, જીવનમરણના સંઘર્ષો, સપનાં અને ઇચ્છા, મિલન અને વિરહ એવાં એવાં પ્રેમનાં વિવિધ રૃપોને લઈને સર્જકોએ અત્યંત સુંદર કૃતિઓ રચી છે. એવી કૃતિ સુખાત્મક હોય કે દુઃખાત્મક, પ્રત્યેક કૃતિ પ્રેમના ભાવને વધારે ને વધારે સુંદર, વ્યાપક, ગહન કરતી હોય છે. કેટલીક રચનાઓ જોઈએ તો આ બાબત વધારે સ્પષ્ટ થશે.

બીજી સદીની ‘ગાથાસપ્તશતી’ નામની શૃંગારરસથી ભરપૂર કૃતિ મળે છે. એમાં સાતસો પ્રાકૃત પદ્યો છે. એક પદ્ય (ક્રમાંક ૧.૬૭) જોઈએ. કોઈ યુવક કોઈ યુવતીના પ્રેમમાં છે એ વાતનો પોતાના મિત્રો પાસે ઇનકાર કરે છે એટલે ચતુર મિત્રો પ્રશ્ન પૂછે છે ઃ હે સુભગ! જો તે ભીની માટીથી પગ બગડવાના ડરથી તારાં પગલાંમાં કૂદી કૂદીને પગ મૂકતી ચાલી તો તારા અંગ પર સ્પષ્ટ રૃપે દેખાઈ આવતો રોમાંચ કેમ છે?

પ્રિયા ભીની માટીવાળી જગ્યામાં પ્રિયતમ જ્યાં ચાલ્યો હતો એ જ પગલામાં પગ મૂકતી ચાલે છે. એને જોઈને પ્રેમમાં પડેલા યુવકને રોમાંચ થાય છે. કેટલી નાજુક ક્ષણ છે આ! ને મિત્રો એને પકડી પાડે છે!

આ જ પ્રકારનાં સુંદર મુક્તકો સંસ્કૃત ભાષામાં ‘આર્યાસપ્તશતી’માં છે. એમાંના એક પદ્ય (૧પ૯)નો અનુવાદ જુઓ ઃ પ્રેમ શું નથી કરી શકતો? જે લગ્ન પહેલાં સાપની ચર્ચાથી પણ ડરી જતી હતી તે પાર્વતી આજે લગ્ન પછી શિવના હાથ પરના સાપની ફેણનું ઓશિકું કરીને સૂએ છે!

‘વજ્જાલગ’માં પ્રાકૃત પદ્યો છે. એમાં પણ કેટલાંક અત્યંત સુંદર શૃંગારિક કાવ્ય છે. એક પદ્ય (૪૯ર)માં વ્યભિચારિણી સ્ત્રી આડકતરી રીતે અજાણ્યા મહેમાનને પોતાની સાથે પ્રેમસંબંધ બાંધવા માટેની અનુકૂળ સ્થિતિ છે એ ખૂબ જ કુશળતાથી કહી દે છે. ના દ્વારા હા પાડવાની આ રીત જુઓ ઃ સાસુ આંધળી અને બહેરી છે, ગામ આખું વિવાહના પ્રસંગે વ્યસ્ત છે, મારો પતિ પરદેશમાં છે. આવી અવસ્થામાં તને રાતનો ઉતારો કોણ આપે?

સંસ્કૃત મુક્તકસંગ્રહોમાં અમરુકના ‘અમરુશતક’ને કોઈ ન પહોંચે. પ્રેમના એટલા તો સૂક્ષ્મ-નાજુક ભાવ એમાં છે કે ભાવકનું હૈૈયું રસતરબોળ થઈ જાય. એક અનુવાદ (મુક્તક ૧૯) જોઈએ ઃ એક જ આસન પર બે પ્રિયતમાઓને બેઠેલી જોઈને પાછળથી જઈને આદરપૂર્વક એક પ્રિયાનાં નેત્રોને આંખ દબાવવાની રમત રમતો હોય એમ છળથી બંધ કરીને, સહેજ નમેલી ડોકવાળો, રોમાંચિત થયેલો ધૂર્ત પ્રેમથી ઉભરાતાં મનવાળી, મનોમન હસવાથી શોભતા ગાલની લાલીવાળી બીજી પ્રિયાને ચૂમી લે છે.

ભર્તૃહરિના ‘શૃંગારશતક’માં નાજુક-નમણાં પદ્યો છે. પ્રેમીઓ માટે વરસાદના ખરાબ દિવસો પણ કેવા પ્રણયગાઢ બની જાય છે તેને વ્યક્ત કરતો એક અનુવાદ (મુક્તક ૯પ) જોઈએ ઃ વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઈ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે. જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને ખરેખર દુર્દિન પણ સારા દિવસ બની જાય છે.

આજથી બારસો વર્ષ પહેલાં ગુજરાતમાં કેવી તો રસિકતા હતી એ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’માં ટાંકેલા તેે વખતના દુહાઓ પરથી જાણી શકાય છે. જૂની ગુજરાતીના એ દુહાઓનો ભાવાનુવાદ જોઈએ. પારકા પુરુષને પ્રેમ કરતી સ્ત્રીના ભાવને પણ વ્યક્ત કરવાનો છોછ નહોતો. જેમ કે (ક્રમાંક ૩૯૬.પ) ઃ અસતી સ્ત્રીઓએ ચંદ્રનું ગ્રહણ જોયું કે નિઃશંક રીતે હસી ઊઠી ઃ હે રાહુ! પ્રિયજનનો વિયોગ કરાવનારા ચંદ્રને ગળી જા, ગળી જા!

કોઈ સુંદર યુવતીના સૌંદર્યને કેવું તો કલાત્મક રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે (ક્રમાંક ૪રર.૧ર) ઃ ‘હે બાળા, ઉતાવળાં વળતાં નેત્રથી જેઓને તેં જોયા છે તેમના પર યૌવનનો સમય આવ્યા પહેલાં જ કામદેવ આક્રમણ કરે છે!’

Related Posts
1 of 262

દુહાઓનો આવો શૃંગાર હજી સુધી જળવાઈ રહ્યો છે. વિરહભાવને પ્રગટ કરતા આ બે દુહાઓ કેવા તો રમણીય છે ! –

દિન ગણતાં માસ ગયા, વરસે આંતરિયા;
સૂરત ભૂલી સાયબા
, તોય હૈયે ના વીસરિયા.

મળશે કોઈ દિન માનવી, દેશ-વિદેશ ગિયાં;
વો સાજણ નહિ સાંપડે
, જે ધરતી ઢંક થિયાં.

હિન્દીના પદ્યનો ભાવ કેટલો કરુણ છે – પ્રેમીની વાટ જોઈ જોઈને પાગલ જેવી થઈ ગયેલી પ્રિયતમાને કાગડાઓ ટોચી ખાય છે. પ્રેમિકા કહે છે કે કાગડાઓ, તમે મારા શરીરમાંથી જે માંસ ખાવું હોય એ ખાજો, પણ મારી બે આંખો ન ખાતા, કારણ કે હજી પણ મારા પ્રિયતમને આવવાની આશા છે. તમે જો આંખો ખાઈ જશો તો હું પ્રિયતમને જોઈશ કેવી રીતે? –

કાગા સબ તન ખાઈઓ, ચૂન ચૂન ખાઓ માંસ;
મેરે દો નૈનાં મત ખાઈઓ
, મોહે પિયા-મિલનકી આશ.
ઉર્દૂ ગઝલમાં શૃંગારની એક જુદા જ પ્રકારની મધુરતા છે. શાયર દાગના એક શે’રમાં અત્યંત સુંદર યુવતી પોતાના ચહેરાના સૌંદર્યને, ચહેરાની સામે મીણબત્તી રાખીને ચકાસવા માગે છે કે પતંગિયું કોની પાસે આવે છે એ જોઉં – મીણબત્તી પાસે કે પોતાના ચહેરા પાસે? –

રુખે-રૌશન કે આગે શમ્અ રખકર વો યે કહતે હૈં,
ઉધર જાતા હૈ
, દેખેં, યા ઈધર પરવાના આતા હૈ.

શાયર અંજુમ એક ભોળી અને ખૂબસૂરત યુવતીને પૂછી બેસે છે તારું સૌંદર્ય મોહક અને ભોળપણભરી આ તારી વાતો! તું જ કહે કે તારા પર પ્રેમ આવે કે ન આવે? –

યે સૂરત ઔર ભોલી ભોલી બાતેં,
તુમ્હી બતાઓ
, પ્યાર આએ કિ ન આએ.

ગાલિબ તો એમ કહે કે જે લડે છે, પણ હાથમાં તલવાર જ નથી એવી માસૂમ યુવતી પર તો કોણ ફિદા ન થાય! –

ઈસ સાદગી પે કૌન ન મર જાએ એ ખુદા,
લડતેં હૈં ઔર હાથ મેં તલવાર ભી નહીં!

આ બધી લૌકિક પ્રેમની સામે દિવ્ય પ્રેમની, ભક્તિશૃંગારની કવિતાઓ પણ અમાપ છે. સૂરદાસ, કેશવ, રસખાન, મતિરામ, બિહારી, વિદ્યાપતિની રચનાઓમાં ભક્તિશૃંગાર અનેક છટાઓ લઈને આવે છે. રીતિકાલીન સાહિત્યમાં શૃંગાર રસ ખૂબ ખીલ્યો છે. આપણા ભક્તકવિ નરસિંહે

પણ શૃંગારનાં અનેક પદ આપ્યાં છે. ઉદાહરણરૃપે એક અંશ

જોઈએ ઃ

નાચતાં નાચતાં નયણ-નયણાં મળ્યાં, મદભર્યા નાથને બાથ ભરતાં;
ઝમકતે ઝાંઝરે તાળી દે તારુણી
, કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં.

પ્રેમદા પ્રેમ-શું અધર ચુંબન કરે, પિયુ-સંગ પરવરી સબળ બાળા;
તાળ-મૃદંગ મધ્ય ઘમઘમે ઘૂઘરી
, શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા.

ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમે, જેહને જ્યમ ગમે ત્યમ રમતાં;
ભણે નરસૈયો
, રંગરેલ ઝકોળ ત્યાં, રસ ઠર્યો સપ્તસ્વર ગાન કરતાં.

આ તો માત્ર આચમન. ભારતીય કલાઓમાંની પ્રેમની મધુરતા એની સમગ્રતામાં તો હજી આપણી સામે આવી જ નથી.

પ્રેમનું જેટલું મહત્ત્વ ભારતમાં થયું છે એટલું વિશ્વમાં બીજે ક્યાંય થયું નથી. પ્રેમ અને કલામાં એના ભવ્ય, વ્યાપક આલેખનથી આપણને આપણા પૂર્વજો એટલું જ કહેવા માગે છે કે પ્રેમ જ જીવનનો મૂળ મધુરમતમ પદાર્થ છે. પ્રેમમય બની રહેવું એ જ અસ્તિત્વનો ઉત્સવ છે.

—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »