તમારા માટે, તમારી સાથે, સતત…

વૅલેન્ટાઇન ડેઃ સંબંધ કોઈ પણ, સરનામું છે માત્ર પ્રેમ

મને તું ચાહે એટલું જ બસ છે, લાગણીથી બંધાઈ છું

0 250
  • વૅલેન્ટાઇન – હેતલ રાવ

પ્રેમ એવી લાગણી છે જેને કોઈ કારણ, મર્યાદા કે અંતરનું બંધન નથી નડતું. આ એવી સુંદર લાગણી છે જેને શબ્દોમાં ઢાળી શકાતી નથી અને કોઈ એક સંબંધમાં પણ. પ્રેમી યુગલ જ વૅલેન્ટાઇન ડેની ઉજવણી કરી શકે તે વાત હવે જૂની થઈ, કારણ કે વૅલેન્ટાઇન ડે પ્રેમની પ્રતીતિ કરાવવાનો દિવસ હોય છે અને પ્રેમ તો તમે કોઈને પણ કરી શકો છો.

‘હાથમાં ગોળ, ઘી અને રોટલીની ડિશ લઈને મીતા આમથી તેમ હેલીની પાછળ દોડી રહી હતી. હેલી રીસાઈ હતી અને મીતા તેને મનાવતી હતી. પણ જીદે ચઢેલી હેલી સાંભળતી જ નહોતી. હેલી એટલે કૉલેજના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની યુવતી અને મીતા એટલે.. ના..ના.. તેની માતા નહીં, ઉચ્ચ હોદ્દા પર સરકારી નોકરી કરતી તેના મોટા ભાઈની પત્ની અને હેલીની ભાભી. મીતા જ્યારે પરણીને આવી ત્યારે હેલી નવમા ધોરણમાં ભણતી હતી. મોટા ભાઈ કરતાં પુરા ૧૧ વર્ષ નાની હેલીને ભાઈ-ભાભી દીકરી જ સમજતાં. માટે જ હેલીને રીસાવવાનો હક અને ભાભીને મનાવવાની ફરજ પડતી. જોકે હેલી ભાભીને પજવતી તેની સાથે પ્રેમ પણ કરતી. એટલો બધો પ્રેમ કે મમ્મી અને ભાભી બંનેને સમાન સન્માન આપતી. ભાભી પણ હેલીને નણંદ નહીં, નાની બહેન અને દીકરી સમજતાં. ભાભીની બર્થ-ડે હોય કે પછી લગ્નતિથિ, હેલી જુદી જ રીતે ઊજવતી. ઘરમાં ધમાલ ધમાલ કરી નાંખે. ખાસ કરીને વૅલેન્ટાઇન ડે આવે એટલે ભાભી માટે ગિફ્ટ, ફૂલ, કાર્ડ લઈ આવે અને કહે, હેપી વૅલેન્ટાઇન ડે માય વૅલેન્ટાઇન. ભાભી કહેતાં પણ ખરા કે અરે, હેલીબેન તમે મને આટલો બધો પ્રેમ કરો છો અને હેલી હરખથી કહેતી, આનાથી પણ વધારે, પણ શું કરું, પ્રેમ થોડો શબ્દોમાં રજૂ થાય! મીતા પણ હેલીને એટલંુ જ સાચવતી. પ્રેમની કોઈ પરિભાષા નથી, તે તો લાગણીના તાંતણે બંધાતું એ સંભારણુ છે જે કાયમ માટે કોઈની સાથે કોઈ પણ સ્વાર્થ વિના બંધાઈ જાય છે. સંબંધનું નામ કોઈ પણ હોય, પરંતુ સરનામું પ્રેમનું હોય.

લોકો વિચારતા રહ્યા, મેં કહ્યું, દીકરી
‘ઓછામાં ઓછા શબ્દોમાં ખુશીનું વર્ણન કરવાની હરીફાઈ હતી, લોકો વિચારતા રહ્યા અને મેં કહ્યું દીકરી.’ ખંભાતના આશિષ કવિ કહે છે, ‘પાંચ વર્ષની મારી દીકરી ઘણીવાર મને માતા બનીને ટ્રિટ કરે છે. દીકરી વ્હાલનો દરિયો હોય છે, એમ હંમેશાં સાંભળ્યું છે, પરંતુ જ્યારે ક્રિશાનો જન્મ થયો ત્યારે અનુભવ્યંુ પણ ખરા. દીકરાના જન્મથી અમે માતાપિતા બન્યાં, જ્યારે દીકરીના જન્મથી અમે ભાગ્યવાન બન્યાં. મારી ખુશીમાં ખુશ અને મારી થોડી પણ તકલીફની સૌથી વધુ અસર તેને થાય છે. દરેક બાળકોની જેમ તે નટખટ પણ છે, પરંતુ જ્યારે વાત મારી આવે ત્યારે દાદીમા બની જાય છે. ઘણીવાર વિચાર આવે છે કે આ માસૂમ ફૂલ જોડે કેવા બંધનમાં બંધાયો છું. તેને કશું જ સમજાવતો નથી છતાંય તે બધું સમજી જાય છે. મારી ક્રિશા મારી બેસ્ટ વૅલેન્ટાઇન છે. થેન્ક્સ ટુ ગોડ, તંે મને દીકરી સ્વરૃપે એવી વૅલેન્ટાઇન આપી જે કદાચ બધાના નસીબમાં નથી હોતી. ક્રિશા મોટી થશે ત્યારે તેની માટે માટે વૅલેન્ટાઇનની વ્યાખ્યા જરૃરથી બદલાશે, પરંતુ મારા માટે તો મારી વૅલેન્ટાઇન હંમેશાં મારી હસતી-રમતી, ઘરને ખુશીઓથી ભરી દેતી મારી લાડકી ક્રિશુ જ રહેશે.’

Related Posts
1 of 262

હેપ્પી વૅલેન્ટાઇન ડે પપ્પા
પ્રતીકે પપ્પાને ફોન જોડ્યો, સામે છેડેથી જવાબ આવ્યો, દીકરા તૈયાર છું, આવી જાવ. પત્નીને આવું છું કહી પ્રતીક બાઇક લઈને નીકળી ગયો. પ્રતીક ચોકસી કહે છે, ‘લગ્નને બાર વર્ષ થઈ ગયાં, પરંતુ ખબર નહીં પપ્પા સાથે દિલથી જોડાઈ ગયો છું. અરે, આમ શું સામે જુઓ છો, પપ્પા એટલે  મારા સસરાજી. કેમ માત્ર પુત્રવધૂને જ લખી આપ્યું છે કે સાસુસસરાને માતાપિતા સમજવા. જમાઈની કોઈ ફરજ નથી અને હું તો ફરજ નહીં, લાગણી નિભાવું છું.’ વધુમાં પ્રતીક કહે છે, ‘મારી પત્ની મોનલને એક ભાઈ પણ છે. છતાં પપ્પાએ અમારા વચ્ચે ક્યારેય ભેદ નથી રાખ્યો. દીકરો કહેતા જ નથી સમજે પણ છે.’ જ્યારે પ્રતીકના સસરા પ્રકાશભાઈ ઠક્કર કહે છે, ‘મારા જમાઈ મારો દીકરો જ છે. કોઈ દિવસ એવો નથી જ્યારે તે પડખે ના ઊભા હોય. સગાઈ જમાઈ-સસરાની છે, પરંતુ બાપ-દીકરા કરતાં જરાય ઓછી નથી. જ્યારે જમાઈ દીકરો બને ત્યારે દીકરીને સારા ઘરમાં વળાવ્યાનો આનંદ થાય છે. વ્હાલના અવસર પર આનાથી બીજા લાગણીસભર સંબંધ કયા હોઈ શકે.’

સંબંધમાં પ્રેમની મીઠાશ અકબંધ છે
સાસુને માતા અને વહુને દીકરી સમજવામાં આવે તો સમાજની ઘણીબધી સમસ્યાઓ ઓછી થઈ જાય, પરંતુ આ વાત માત્ર બોલવામાં, લખવામાં અને સાંભળવામાં જ સારી લાગે છે. તેને અનુસરવી ઘણી કપરી છે અને વિષય જ્યારે વ્હાલનો હોય તો આવા સંબંધની વાત જ ક્યાં આવે, પરંતુ ઘણી વહુ દીકરી અને ઘણી સાસુ માતા પણ બને છે. પ્રતીક્ષા પરીખ શહેરનાં જાણીતાં બ્યુટીશિયન છે. કામ માટે તેમને દુબઈ જવાનું હતું. પરિવારની સાથે આ ટ્રિપ કરવાની પ્રતીક્ષાને ઇચ્છા થઈ આવી. કામની સાથે ફેમિલી જોડે પણ સમય સ્પેન્ડ કરી શકાશે તેમ વિચારી દુબઈની ટિકિટ કરાવી. જ્યારે ટિકિટ આવી ત્યારે દીકરાએ કહ્યું કે મોમ, આ તો ચાર ટિકિટ છે. પ્રતીક્ષાએ લાડમાં દીકરાના ગાલ પર ટપલી મારતાં કહ્યું કે હા, ચાર જ હોયને, બા પણ આપણી સાથે આવશે.  પ્રતીક્ષા પરીખ કહે છે, ‘મારા અને મમ્મીના સંબંધ બિલકુલ નાળિયેર જેવા છે. બહારથી સખત અને અંદરથી નરમ. ઘર છે વાસણ ખખડે, પણ તેમાં ક્યારેય દરાર ન આવવી જોઈએ. મારાં સાસુ મારા પતિની માતા છે, મારા માટે તે મારી માતા કરતાં પણ વધારે છે. વ્હાલના અવસર પર જો કોઈ વ્હાલી વ્યક્તિનું નામ મને યાદ આવે તો તે મારા સાસુમા છે.’ અનસૂયાબહેન કહે છે, ‘દીકરાએ પોતાની ઇચ્છાથી લગ્ન કર્યાં હતાં. માટે એક ડર રહેતો કે વહુ કેવી હશે, પરંતુ જ્યારે પ્રતીક્ષા આવી ત્યારે દરેક સવાલોના જવાબ મળી ગયા. દૂધમાં સાકરના જેમ ભળી ગઈ. દીકરો તો માતાને સાચવે, પરંતુ મારી દીકરી(વહુ) મને દીકરા કરતાં પણ વધારે સાચવે છે. મારા પરિવારને એક તાંતણે બાંધી રાખવામાં મારી પ્રતીક્ષાનો સૌથી મોટો ફાળો છે. સાસુવહુના સંબંધમાં પ્રેમની મીઠાશ આજેય અકબંધ છે.’

બે બહેન… સંબંધ અનેક
નડિયાદમાં રહેતી બે બહેનો હીરલ-ભૂમિકા બારોટ બે જીવ અને એક ખોળિયું છે.  મક્કમ મનની ભૂમિકાએ ભાઈ બનીને હંમેશાં હિરલને સાચવી છે. તો હીરલ સમય આવે ભૂમિકાની માતા બની કાળજી લે છે.  હીરલ કહે છે, ‘ભૂમિ મારી બહેન જ નહીં, પણ દુનિયાનું સૌથી પ્રિય પાત્ર પણ છે. તેની સાથે હું હસી છું, રડી છું અને ઘણુબધું જીવી છું. મારા જીવનમાં મારા પતિ અને બાળકો પછી આવ્યા, પહેલાં મારી બહેન ભૂમિ આવી હતી. આજે પણ તેના માટે જુદી જ લાગણી છે. વૅલેન્ટાઇન ડે એટલે પ્રેમને પ્રગટ કરવાનો દિવસ. મારી નન્ના મારી પ્રથમ વૅલેન્ટાઇન છે.’ જ્યારે ભૂમિકા કહે છે, ‘હીરલનાં લગ્ન થયાં તે દિવસે તો એમ લાગતું હતું કે હવે તેના વગર કેમ કરી રહીશ. હીરલ લગ્ન કરી પોતાના ઘરે ચાલી ગઈ. લગ્નનાં થોડાં વર્ષો પછી તે કેનેડા ચાલી ગઈ ત્યારે વધુ એકલતા લાગી. દરેક સંબંધની એક જગ્યા હોય છે. મારા જીવનમાં મારી બહેન બધા જ સંબંધથી પર છે. સંજોગો એવા બન્યા કે હું પણ કેનેડા સ્થાયી થઈ. ફરી એકવાર અમે બંને બહેનો સાથે છીએ. અમારા બાળકોને એકબીજા સાથે રમતા-મસ્તી કરતા જોઈએ છીએ ત્યારે બાળપણ યાદ આવે છે. જ્યારે પણ પ્રેમ, લાગણી જેવા શબ્દોને વર્ણવવાની વાત હોય તો મારી બહેન હીરલ હંમેશાં મારા માટે પ્રથમ રહેશે.’

‘નથી કોઈ શર્ત તારો પ્રેમ મેળવવાની, મને તું ચાહે એટલું જ બસ છે, લાગણીથી બંધાઈ છું તારી સાથે, તું ચાલે મારી સાથે એટલું જ બસ છે.’ પ્રેમ વિશે કહેનારા કહી ગયા, લખનારા લખી ગયા ‘ને જીવનારા જીવી ગયા. છતાં અઢી અક્ષરોની ગૂઢતા આજેય અકબંધ છે ‘ને કદાચ સદાય અકબંધ જ રહેશે. પ્રેમને વ્યક્ત કરવાનાં સ્વરૃપ બદલાય છે, પણ પ્રેમની અનુભૂતિ હંમેશાં એક જેવી જ રહે છે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »