તમારા માટે, તમારી સાથે, સતત…

ગ્રાફોથેરાપી મનોપચાર માટે ઉપયોગી

'આજે લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે.

0 150
  • ફેમિલી ઝોન   – સુચિતા બોઘાણી કનર

અનેક મહિલાઓને રોજી પૂરી પાડતું ભરતકામ હવે મનોરોગીઓની પણ વહારે ચડ્યું છે. મૂળ કચ્છનાં અને અમદાવાદમાં વસેલાં એક મહિલાએ મનોરોગીઓની સારવાર માટે વૈકલ્પિક પદ્ધતિ શોધી છે. આત્મવિશ્વાસનો અભાવ અને તાણ અનુભવતા લોકોને ગ્રાફોથેરાપીથી ઘણો ફાયદો થાય છે. કચ્છી લિપિ, ભરતકામ અને વિવિધ રંગોની મદદથી દર્દીમાં એકાગ્રતા, ધ્યાનનો વધારો થાય છે. જેના થકી તેમના મનના રોગો દૂર થવામાં મદદ મળે છે.

સતત તણાવ ભરેલી જીવનશૈલીના કારણે અનેક રોગો ઉદ્ભવ્યા છે. નાનાં બાળકો, યુવાનો અને મોટી ઉંમરની વ્યક્તિ સૌ કોઈ મનના અનેકવિધ રોગોથી પરેશાન હોય છે. તાણ કે તણાવ વધે એટલે લોકો દવા લેવા માટે તબીબો પાસે જવું પડે છે.લોકો દવા લેવી ન પડે અથવા ઓછી લેવી પડે તેવી સારવાર પદ્ધતિ શોધતા હોય છે. આવી પદ્ધતિ વૈકલ્પિક સારવાર પદ્ધતિ તરીકે ઓળખાય છે. તાણ, તણાવ, આત્મવિશ્વાસનો અભાવ, સતત અને સખત ગુસ્સાવાળો સ્વભાવ એ એવા રોગ છે જે સામાન્ય રીતે રોગ ગણાતા નથી, પરંતુ તેની અસર તળે માનવીનું જીવન આખું ધરમૂળથી બદલાઈ જાય છે. લાંબો સમય રહેતી આ માનસિક સમસ્યાઓ અન્ય મોટા માનસિક રોગોને જન્મ આપે છે. આથી જ આવી સમસ્યાઓ ઊગતા જ ડામી નાખવી જોઈએ. મનોપચારમાં ઉપયોગી આવી જ એક સારવાર પદ્ધતિ છે ગ્રાફોથેરાપી. આ થેરાપીમાં ગ્રાફ પેપર ઉપર કચ્છી ભરતકામની ડિઝાઇનમાં રંગ પૂરીને દર્દીની સારવાર કરવામાં આવે છે. ગ્રાફોથેરાપીમાં દર્દીની એકાગ્રતા વધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. તેની જ હકારાત્મક અસરથી દર્દી ઝડપથી સાજો થાય છે.

આ થેરાપીના સંશોધક એવા અમદાવાદ સ્થિત કચ્છી મહિલા ડૉ. રાજુલ શાહ જણાવે છે કે, ‘આજે લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષો પહેલાં કચ્છના અનેક લોકો રોજગારી માટે વતન છોડીને મુંબઈ, અમદાવાદ કે વિદેશમાં જતા. ખાસ કરીને પુરુષો જ બહાર જતા. ઘરે માત્ર મહિલાઓ અને બાળકો જ રહેતાં. તમામ જવાબદારી મહિલાઓના શિરે આવતી. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતે આર્થિક રીતે સ્વાવલંબી થવા માટે પોતાના હુન્નરનો ઉપયોગ કર્યો. તેમણે હસ્તકલાને ઉપાર્જનનું સાધન બનાવી આજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી છે. મહિલાઓ વધુ ભણેલી ન હતી, વર્ષનો મોટા ભાગનો સમય એકલી રહેતી હતી છતાં દુનિયાદારીથી ક્યારેય અળગી રહી ન હતી. દુનિયાને તેમણે પોતાની આવડત દેખાડી હતી. કચ્છની અલગ અલગ જાતિનું પોતાનું આગવું ભરતકામ હોય છે. ખાસ કરીને કચ્છી અથવા રબારી તરીકે ઓળખાતું ભરતકામ મને માનસિક રોગોથી પિડાતા દર્દીઓની સારવાર માટે ખૂબ ઉપયોગી લાગ્યું હતું. તેથી મેં આ ભરતકામ પર પ્રયોગો શરૃ કર્યા હતા. જે ભરતકામે મહિલાઓને આત્મવિશ્વાસસભર બનાવી, માનસિક રીતે મજબૂત બનાવી, તેમને તણાવરહિત રાખ્યાં, તે ભરતકામ મને મનોરોગીઓની સારવાર માટે ઉપયોગી લાગ્યું હતું.’

Related Posts
1 of 55

આ સારવાર કેવી રીતે થાય તે અંગે વાત કરતાં રાજુલબહેન કહે છે, ‘પહેલાં દર્દીઓના દર્દ વિશે જાણકારી મેળવીને તેમની સાથે સુદીર્ઘ વાતચીત કરીને તેમની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી તે નક્કી કરવામાં આવે છે. હાઈપર એક્ટિવ, સ્ટ્રેસ, મેન્ટલ ડિસઓર્ડર, ગુસ્સો, આત્મવિશ્વાસની કમી જેવા રોગ વિશે જાણીને તે મુજબના કચ્છી ભરત કે કચ્છી લિપિના આકારો ગ્રાફ પેપર ઉપર દોરીને તેમાં રોગને દૂર કરી શકાય તેવા રંગો (કલર થેરાપી) પૂરવાનું દર્દીને જણાવીએ છીએ. આ કામથી દર્દી તેનું મન સ્થિર રાખતા શીખે છે અને ધીરે ધીરે અન્ય કોઈ પણ કામમાં તે મનને સ્થિર કરી શકે છે. આ કામના કારણે તેની વિચાર પ્રક્રિયા પર કંટ્રોલ આવે છે. દર્દીઓને ૧ કલાકના એક સેશન એવા લગભગ ૩૦ સેશન કરવાના હોય છે. અમારી પાસે દર વર્ષે ૨૫૦ જેટલા દર્દીઓ આવે છે અને તેમને ફાયદો થાય છે. અમે દર્દીની ચાલુ દવા બંધ કરાવતા નથી. દર્દીને ફાયદો થતો જાય તેમ તેમ ડૉક્ટરની સલાહ મુજબ જ દવા ઘટાડવાની હોય છે.’

અત્યારે ગ્રાફોથેરાપીનાં ટ્રેનર તરીકે કામ કરતા સ્વીટી ગોસર પોતે અને તેમનો પુત્ર દર્દી હતાં. તેઓ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘મારો દીકરો જ્યારે દસેક વર્ષનો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તેને પરીક્ષાનો ખૂબ ભય લાગે છે, તેનામાં આત્મવિશ્વાસની પણ કમી છે. આટલા નાના દીકરાની બીજી કોઈ સારવાર કરાવવાના બદલે મેં વૈકલ્પિક સારવાર પસંદ કરી અને તેને ગ્રાફોથેરાપીની સારવાર કરાવી, તેને ૧૦-૧૨ સેશન એટલે કે છ માસની સારવાર કરાવી હતી. તેનામાં મોટો બદલાવ આવવા લાગ્યો હતો. મને લાગ્યું કે આ સારવારના ફાયદેમંદ છે. જરૃરતમંદોને જો તેનો લાભ મળે તો અનેકોને તેનો ફાયદો થઈ શકે. આથી મેં તેની ટ્રેનિંગ લીધી અને ટ્રેનર તરીકે કામ કરીને અનેક લોકોને સાજા કરું છું.’

આ જ વાત ટેકો આપતાં એક દર્દી મીતાબહેન (નામ બદલ્યું છે) જણાવે છે કે, ‘મને આ સારવારથી ખૂબ ફાયદો થયો છે. હું જાણે તદ્દન બદલાઈ ગઈ હોઉં તેવું લાગે છે. મારી સામે આવતી સમસ્યાઓનો હું હસતે મોઢે સામનો કરી શકું છું. એક સમય એવો હતો કે હું પરણીને અમદાવાદ આવી ત્યારે મારા પતિ કે સાસરિયા સાથે મારી જાતને ગોઠવી શકી ન હતી. મને ગુસ્સો બહુ આવતો, હું બહુ જીદ્દી હતી. નાની નાની વાતમાં મતભેદ અને ઝઘડા થતા. મને છૂટાછેડા લેવાનું મન થતું, મને લાગતું કે હવે હું જિંદગી હારી ગઈ છું. તેવા સમયે મને ગ્રાફોથેરાપી વિશે ખબર પડી, મેં તેમની મુલાકાત લીધી અને તેમની સલાહ લીધી, તે મુજબ પેપર વર્ક કર્યું. ૫-૭ સેશન પછી જ મને ફાયદો જણાવા લાગ્યો. મેં કુલ ૨૦ સેશન લીધાં હતાં, પરંતુ ત્યાર પછી અત્યાર સુધી મને ક્યારેય માનસિક તકલીફ થઈ નથી. મને આંતરિક શાંતિ મહેસૂસ થાય છે. હવે ગુસ્સે થતી નથી કે જીદ કરતી નથી. હવે મને મારા સાસરિયામાં પણ ગોઠી ગયું છે.’

આ થેરાપી અંગે ભુજના માનસિક રોગ તજજ્ઞ ડૉ. ટિલવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મનોરોગમાં સૌથી વધુ મહત્ત્વ મનની સ્થિરતાનું છે. તે કઈ થેરાપીથી સાધ્ય થાય છે તે મહત્ત્વનું નથી. અત્યારે અનેક વૈકલ્પિક થેરાપીઓ ચાલી રહી છે, જેવી કે એરોમા થેરાપી, સાઉન્ડ થેરાપી, કલર થેરાપી. જોકે કોઈ પણ થેરાપી ચાલુ હોય ત્યારે પોતાની જાતે દવા બંધ કરવી હિતાવહ નથી. તબીબી સલાહ પછી જ દવા ઓછી કે બંધ કરી શકાય. જોકે મનના જે જિનેટિક રોગ હોય છે, તેમાં આવી થેરાપી પછી કોઈ ફાયદો થતો નથી, પરંતુ સ્ટ્રેસના કારણે કે કોઈ અન્ય કારણોથી થોડા જ સમય પહેલાં થયેલા રોગમાં સારા પરિણામો જોવા મળે છે.’

તણાવ ભરેલી અત્યારની જીવનશૈલીમાં જ્યારે મનોરોગ બહુ સામાન્ય થયા છે ત્યારે લોકો તેની દવા તો લે જ છે, પરંતુ સાથે સાથે વૈકલ્પિક સારવાર પદ્ધતિ પણ શોધે છે. ગ્રાફોથેરાપી નવી છે. જો તેનું દર્દીઓને સારું પરિણામ મળતું હોય તો તે વધુ વિકસાવવા જેવી ખરી.
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »