તમારા માટે, તમારી સાથે, સતત…

નામ હોય તો અર્થપૂર્ણઃ નવો ટ્રેન્ડ

ટીવી સિરિયલોમાં આવતાં નામ પણ આજકાલ ઘણા સાંભળવા મળે છે

0 402
  • યુવા – હેતલ રાવ

કોઈ પણ વ્યક્તિના જીવનમાં તેનું નામ સૌથી મહત્ત્વનું હોય છે. એમ પણ કહી શકાય કે નામ એ વ્યક્તિ માટે ઓળખ છે. પહેલાંના સમયમાં રાખવામાં આવતાં નામ કરતાં છેલ્લા દાયકાથી યુનિક નામની જાણે પ્રણાલી શરૃ થઈ ગઈ છે. યુવાન કપલ માટે તો સારા મિનિંગવાળા નામ રાખવાનો ટ્રેન્ડ બની ગયો છે.

‘રાહુલ.. નામ તો સૂના હી હોગા’ દિલ તો પાગલ હૈ ફિલ્મનો આ ડાયલોગ આજે પણ લોકોમાં પ્રિય છે અને એ ફિલ્મ પછી તો રાહુલ નામ રાખવાની પરંપરા જ શરૃ થઈ ગઈ હતી. જોકે આજની જનરેશન પોતાનાં સંતાનોનાં નામ રાખવામાં ઉતાવળ નથી કરતી. સમજી વિચારીને સારા અર્થવાળા નામ રાખે છે. ખાસ કરીને  બોલિવૂડ કિડ્સમાં આવા નામ વધુ જોવા મળે છે. શાહીદ કપૂરની દીકરીનું નામ મીશા છે. આ નામ જ્યારે રાખવામાં આવ્યું ત્યારે તેના ચાહકોને વિચાર પણ આવ્યો હશે કે આ તે વળી કેવું નામ. ઘણા લોકોએ તો જાતે જ નક્કી કરી લીધું હતંુ કે શાહીદ અને તેની પત્ની મીરાનાં નામ પરથી જ આ નામ રાખવામાં આવ્યું છે. આ વાત સાચી તો છે, પરંતુ સાથે મીશા નામ રાખવા પાછળ શાહીદ અને મીરાનો આશય તેનો સુંદર અર્થ હતો. મીશા એટલે ભગવાનની આપેલી ભેટ, ‘ને દીકરી તો ભગવાનની આપેલી સુંદર ભેટમાંથી એક હોય છે. માટે જ આ નામ પસંદ કરવામાં આવ્યું. એવી જ રીતે અજય દેવગણ અને કાજોલની દીકરીનું હટકે નામ છે ન્યાશા જેનો અર્થ છે, નવી શરૃઆત અથવા ધ્યેય.

Related Posts
1 of 289

બોલિવૂડની દેખાદેખી કહો કે પછી નવો ટ્રેન્ડ કહો, આજની જનરેશન પોતાનાં બાળકોનાં નામ ડબ્બુ, ગબ્બુ, મુન્નો, પિન્ટુ, ભયલુ, નાનકો, કે પછી બેબો, બબલી, મુન્ની રાખવાની જગ્યાએ અર્થપૂર્ણ અને માત્ર એક જ નામ રાખવાની શરૃઆત કરી છે. એટલે કે હુલામણુ અને ઓરિજિનલ એક જ નામ, તે પણ અર્થપૂર્ણ.

કિંજલ સરવૈયા કહે છે, ‘મારી દીકરી માટે ઘણા બધાં નામ વિચાર્યાં હતાં, પરંતુ અમને ગરિમા નામ સારું લાગ્યું. દાયકા પહેલાંનું નામ છે, પરંતુ તેનો અર્થ અમને ખૂબ જ ગમ્યો. અમારી દીકરી અમારું ગૌરવ છે. માટે અમે પણ તેનું નામ ગરિમા રાખ્યુ.’ આનંદ પટેલ કહે છે, ‘મારા ઘરે બે મહિના પહેલાં જ દીકરાનો જન્મ થયો છે. રાશિ પ્રમાણે અને અર્થ પણ સારો હોય તેવા નામ માટે અમે અનેક નામ વિચાર્યાં. સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. ફેસબુક, ઇન્સ્ટા ફ્રેન્ડ્સે પણ સારાં નામ માટે હેલ્પ કરી. અંતે અમને બધાને જ્ઞાન નામ ગમ્યું. આજની જનરેશનમાં આ નામ અમે ઘણુ ઓછું સાંભળ્યું છે. તેનો અર્થ પણ સરસ છે.’

ટીવી સિરિયલોમાં આવતાં નામ પણ આજકાલ ઘણા સાંભળવા મળે છે, પરંતુ એક વાત માનવી રહી કે યુનિક, અર્થપૂર્ણ નામની સાથે ધાર્મિક નામ પણ રાખવામાં આવે છે. જેમ કે વેદ દાયકાઓ જૂનું નામ છે, પરંતુ આજે પણ લોકો ધર્મ સાથે જોડાયેલું હોવાના કારણે રાખે છે. વેદાંત, ધ્યાન, ધાર્મિક, વૈદેહી, જાનકી, પ્રાર્થના જેવાં અનેક નામ છે. એક સમય હતો જ્યારે ચાર-પાંચ અક્ષરનાં નામ રાખવામાં આવતાં. પછી ત્રણ અક્ષરના નામનો ટ્રેન્ડ આવ્યો અને એક સમય એવો પણ આવ્યો કે માત્ર બે જ શબ્દનું નામ રાખવામાં આવતું, પરંતુ વર્તમાનની વાત કરીએ તો સારો અર્થ હોય તો નામ ટૂંકું છે કે લાંબું તે જોવામાં નથી આવતું. જેમ કે સાંનિધ્ય, સ્વમાન, જન્મેજય, કાર્તિકેય, હેલી, આકાંક્ષા, હિરણ્ય, લાસ્ય, નિત્યા જેવા નામોનું લિસ્ટ ઘણુ જ લાંબું છે.
—————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »