તમારા માટે, તમારી સાથે, સતત…

સંરક્ષણના પડકાર સામે સૈન્યનું બજેટ ઓછું કેમ?

રાતોરાત ૧૧ હજાર ૭૩૯ કરોડ રૃપિયાનાં શસ્ત્રો ખરીદવા પડ્યાં

0 246
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

મોદી સરકારે પણ ૨૦૧૮ સુધીનાં ચાર વરસમાં ખાસ કંઈ ઉકાળ્યંુ ન હતું. ૨૦૧૮માં પણ દસ દિવસના સઘનયુદ્ધમાં ચાલે એટલો સરંજામ ભારત પાસે ન હતો. સામાન્ય લડાઈમાં જોઈએ તેના કરતાં ત્રણ ગણો સરંજામ, જેવો કે આર્ટિલરી, રૉકેટ્સ, બોમ્બ વગેરેની જરૃર પડે તેને ટેન (આઈ) અથવા દસ દિવસનું સઘન યુદ્ધ કહે છે. વરસ ૨૦૧૮માં નિર્મલા સિતારામન સંરક્ષણ મંત્રી હતાં, જે આજે નાણા મંત્રી છે. વરસ ૨૦૧૮માં જે બજેટ સંરક્ષણ માટે એલોટ થયું હતું તે દસ દિવસના સઘન યુદ્ધ માટે જે ખામીઓ હતી તેની ભરપાઈ કરે એટલું ન હતું. આ કારણથી સેનાની છાવણીમાં ખુશી ન હતી. સેનાએ શસ્ત્ર ખરીદી અને વિકાસની ૧૨૫ સ્કીમો માટે રૃપિયા ૩૭,૧૨૧ કરોડની માગણી મુકી હતી, જેની સામે તેને ૨૧,૩૩૮ કરોડ રૃપિયા ફાળવાયા હતા. રૃપિયા પંદર હજાર ૭૮૩ કરોડ રૃપિયાનો સીધો કાપ મૂકાયો. સરકાર મનમોહનની હોય કે મોદીની હોય, આર્મી તો ઠેરની ઠેર જ હતી.

મનમોહન સિંહની યુપીએ સરકારના છેલ્લાં વરસોમાં ભારતના ઓડિટર એન્ડ કમ્પટ્રોલર જનરલ (સીએજી) દ્વારા રિપોર્ટ અપાયો હતો કે ભારતે ચીન અને પાકિસ્તાન બંને સરહદે લડવાનું બને તો માત્ર વીસ દિવસ ચાલે એટલો દારૃગોળો ભારતનાં સંરક્ષણ દળો પાસે નથી. નિયમ મુજબ ચાલીસ દિવસ ચાલે એટલાં શસ્ત્રસરંજામની વ્યવસ્થા હોવી જોઈએ. ૨૦૧૪ બાદ ભાજપ સરકાર આવી ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ નાટયાત્મક સુધારો ૨૦૧૮ સુધી જોવા મળ્યો ન હતો. હમણાના તાજા અહેવાલમાં સીએજી દ્વારા જણાવાયું છે કે દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા સૈનિકો માટે પૂરતાં અને જરૃરી બૂટ, ગોગલ્સ અને બીજાં સાધનો નથી. ખાસ તો એ કે પર્વતીય વિસ્તારોમાં બરફમાં ફરજ બજાવતા જવાનોને યોગ્ય ખોરાક પણ પૂરો પડાતો નથી. તેઓને બરફમાં ટકી રહેવા માટે જે જરૃરી કેલેરી મળવી જોઈએ તેમાં ઘણી ઊણપ રહે છે. વડાપ્રધાન બીજી વખતની ચૂંટણી ભારતીય સેનાની શહાદત અને પરાક્રમોને આધારે જીત્યા છે. એમણે દુશ્મનોને તેઓના ઘરમાં ઘૂસીને મારવાની વાત કરી છે એટલે ફરક એ પડ્યો છે કે મનમોહન સિંહના સમયમાં સીએજીના રિપોર્ટને ગાંઠવામાં આવતો ન હતો. અભરાઈએ ચડાવાતો હતો. સેના લાચાર અને ઓશિયાળી બની ગઈ હતી. હેમરાજ વગેરે શહીદોનાં માથાં કાપીને પાક. લશ્કર લઈ ગયું હતું ત્યારે અંતિમ વિધિમાં ત્યારના જનરલ વિક્રમ સિંહે બડાઈઓ ખૂબ મારી હતી. ભારત જરૃર બદલો લેશે અને તે માટેનો સમય ભારતની સેના નક્કી કરશે એવું એ પત્રકાર પરિષદમાં બોલ્યા હતા, પણ એ સમય ક્યારે આવ્યો નહીં. લડાઈ લડ્યા વગર વિક્રમ સિંહ નિવૃત્ત થઈ ગયા. એમને લડવી હોત તો પણ સોનિયા અને મનમોહને રજા આપી ન હોત. પૂરતાં શસ્ત્રો જ ન હતાં.

વરસ ૨૦૧૮ આવતા સુધીમાં ફરક પડ્યો હતો, પણ સેનાને સમૃદ્ધ બનાવવાની પરેશાની તો હતી જ. મોદી સરકારના પ્રથમ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ૨૦૧૭માં કહ્યું હતું કે, ‘ધીમે ધીમે સરંજામોની આપૂર્તિ થઈ રહી છે. સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.’ પરંતુ વરસ ૨૦૧૮માં, સંરક્ષણ બાબતોની સંસદની સ્થાયી સમિતિ સમક્ષ જુબાની આપતી વેળાએ ત્યારના સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ શરત ચંદે કહ્યું હતું કે, ‘સેનાનાં ૬૫ ટકા જેટલાં આયુધો અને શસ્ત્રો કામમાં ના આવે એટલા જરીપુરાણા બની ગયાં છે.’ બંને મોરચે લડવા માટે જરૃરી એવી રણગાડીઓ, વાહનો, હેલિકૉપ્ટરો અને મિસાઇલો ભારત પાસે ન હતાં. આપણે ગયા વરસના પ્રારંભ સુધી જોયું કે મિગ-૨૧ જેવા ચાલીસ વરસ જૂના વિમાન સાથે અભિનંદનને પાકિસ્તાનના (અમેરિકન) એફ-૧૬ સામે લડવા મોકલાયો હતો. મિગ-૨૧ કોંગ્રેસની ભ્રષ્ટ નીતિઓની દેન હતી. જેણે ડઝનબંધ પાઇલટોના જીવ લીધા છતાં ચાલુ રખાયા હતા.

અભિનંદન એટલા માટે ફસાઈ ગયો હતો કે મિગ-૨૧માં જૂના સમયથી રેડિયો ફ્રિક્વન્સી આધારિત સંદેશાવ્યવહાર પદ્ધતિ બેસાડેલી હતી. તેને જામ કરી દેવાનું આસાન હોય છે અને પાકિસ્તાને તે કરી નાખી હતી. તેથી અભિનંદનનો સંપર્ક કપાઈ ગયો હતો. આજકાલ એન્ક્રીપ્ટેડ સિગ્નલ વ્યવસ્થાનાં સાધનો નજીવી કિંમતે મળે છે. તેને જામ પણ ના કરી શકાય અને ત્રીજી પાર્ટી વાંચી-સાંભળી પણ ના શકે, પરંતુ ભારતીય સેનાએ આ તસ્દી લીધી ન હતી. આ મહાગંભીર લાપરવાહી કહેવાય.

મોદી સરકારે પણ ૨૦૧૮ સુધીનાં ચાર વરસમાં ખાસ કંઈ ઉકાળ્યંુ ન હતું. ૨૦૧૮માં પણ દસ દિવસના ‘સઘન’ યુદ્ધમાં ચાલે એટલો સરંજામ ભારત પાસે ન હતો. સામાન્ય લડાઈમાં જોઈએ તેના કરતાં ત્રણ ગણો સરંજામ, જેવો કે આર્ટિલરી, રૉકેટ્સ, બોમ્બ વગેરેની જરૃર પડે તેને ટેન (આઈ) અથવા દસ દિવસનું સઘન યુદ્ધ કહે છે.

વરસ ૨૦૧૮માં નિર્મલા સિતારામન સંરક્ષણ મંત્રી હતાં, જે આજે નાણા મંત્રી છે. વરસ ૨૦૧૮માં જે બજેટ સંરક્ષણ માટે એલોટ થયું હતું તે દસ દિવસના સઘન યુદ્ધ માટે જે ખામીઓ હતી તેની ભરપાઈ કરે એટલું ન હતું. આ કારણથી સેનાની છાવણીમાં ખુશી ન હતી. સેનાએ શસ્ત્ર ખરીદી અને વિકાસની ૧૨૫ સ્કીમો માટે રૃપિયા ૩૭,૧૨૧ કરોડની માગણી મુકી હતી, જેની સામે તેને ૨૧,૩૩૮ કરોડ રૃપિયા ફાળવાયા હતા. રૃપિયા પંદર હજાર ૭૮૩ કરોડ રૃપિયાનો સીધો કાપ મૂકાયો. સરકાર મનમોહનની હોય કે મોદીની હોય, આર્મી તો ઠેરની ઠેર જ હતી.

આર્મીને જે ૨૧,૩૩૮ કરોડ રૃપિયા મળ્યા તે તમામ રકમ અગાઉથી નિયત થયેલા રેવન્યુ ખર્ચાઓમાં વપરાઈ જાય. તેમાં સેનાનો પગાર, સાધનોની મરમ્મત, યુનિફોર્મ, વગેરેનો સમાવેશ થાય. જે મોંઘા સાધનો, વિમાનો, ટેન્કો, રૉકેટો, મિસાઇલો વસાવવા માટેનો કેપિટલ એકસ્પેન્ડીચર (ખર્ચ) કરવો પડે તે થાય જ નહીં. પૈસા બચે તો થાય. લગભગ ૨૦૦૮ બાદ સેનાને એટલા જ પૈસા ફાળવાતાં જે તેના નિભાવ કે નિર્વાહ માટે જરૃરી હોય. ૨૦૦૫ બાદ યુપીએ સરકારે રાફેલ વિમાનો ખરીદવાની સ્કીમ પણ અભરાઈએ ચડાવી દીધી હતી. સરકારને લાગુ પડેલા પૉલિસી પક્ષઘાતની અસર આર્મીના અવયવો પર પડી. આર્મીએ અગાઉ ખરીદેલાં શસ્ત્રોના હપ્તા (જેને તમે ઈએમઆઈ કહી શકો) પણ ભરવાના હોય છે. પરિણામે ૨૦૧૮માં ખરીદીની ૧૨૫ સ્કીમ બાજુએ રહી ગઈ અને રૃપિયા પંદર હજાર કરોડ રૃપિયાની ઘટ પડી. આ બધું શરત ચંદની જુબાનીમાં જણાવાયું હતું. આર્મીને ઍન્ટિ ટેન્ક મિસાઇલો, લાઈટ યુટિલિટી હેલિકૉપ્ટરો, ઍર ડિફેન્સ મિસાઇલો, રાઇફલો, મશીન ગન્સ અને કારબાઈનો વગેરેની જરૃર હતી. આ સામગ્રીઓ દસેક વરસથી ખરીદવાની બાકી હતી અને ‘હવે આવતા વરસે જોઈશું’ની શૈલીમાં તેને ખરીદવાનો ખર્ચ રૃપિયા ૪૩ હજાર કરોડ પર પહોંચી ગયો હતો. તે સ્થિતિમાં થોડો ફરક પડ્યો છે. હિન્દુસ્તાન ઍરોનોટિક્સે તેજસ વિમાન વિકસાવ્યું છે. એલએન્ડટીએ રણગાડીઓ (ટેન્કો) તૈયાર કરી છે. રશિયા પાસેથી ઍન્ટિ મિસાઇલ સિસ્ટમ ખરીદવામાં આવી છે. અમેરિકા તેથી નારાજ થયું છે તે અલગ વાત છે. રાફેલ વિમાનો અને ચિનૂક હેલિકૉપ્ટરો ખરીદવામાં આવ્યાં છે અને હજી કેટલીક યોજનાઓ પાઈપલાઈનમાં છે. મેઇક ઇન ઇન્ડિયા યોજના હેઠળ ઘરઆંગણે શસ્ત્રોનું નિર્માણ થઈ રહ્યું છે. સંરક્ષણની ત્રણેય પાંખોના વહીવટ અને વ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે જેથી રેવન્યુ ખર્ચ ઘટે અને કેપિટલ ખર્ચ વધારી શકાય. બીજા અર્થમાં કહીએ તો પગારનાં ચુકવણાની રકમ ઘટે અને શસ્ત્રો માટે વધુ રકમ વાપરી શકાય. નવી વ્યવસ્થામાં નિવૃત્ત સેનાઅધ્યક્ષ બિપિન રાવતને ત્રણેય પાંખના વડા અર્થાત ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ તરીકે નિયુક્ત કરાયા છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ પદ પ્રથમ વખત ઊભું કરાયું છે. અગાઉ જનરલ માણેકશાને એમની ‘ઇન્દુ’ (ઇન્દિરા ગાંધી)એ ફિલ્ડમાર્શલ તરીકે નીમ્યા હતા, પણ એ પદ વધારે મોભાનું હતું અને સંરક્ષણ દળોની વ્યવસ્થામાં તેનાથી કોઈ મોટો ફરક પડ્યો ન હતો. શ્રી બિપિન રાવતને તો સંરક્ષણ દળોમાં શકવર્તી મહત્ત્વના સુધારા કરવાના આશયથી નિમવામાં આવ્યા છે. આ હોદ્દો કાયમી છે.

હમણા સુધી એવું થતું આવ્યું છે કે સેના કોઈ રકમ ૨૦૧૭માં ચૂકવી ના શકે તો તેને ૨૦૧૮માં ચૂકવવા બાકી તરીકે ખેંચવામાં આવે. ૨૦૧૮ની ૨૦૧૯માં ખેંચવામાં આવે. આખરે બોજો વધતો જાય. નાણા મંત્રાલય બજેટની બહાર જઈને વધારાના નાણા ક્યારેય ફાળવે નહીં. પ્રથમ વખત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી પછી ખબર પડી કે સ્થિતિ વણસે તો આપણી પાસે અમુક ક્ષમતાનાં શસ્ત્રો નથી. રાતોરાત ૧૧ હજાર ૭૩૯ કરોડ રૃપિયાનાં શસ્ત્રો ખરીદવા પડ્યાં, પણ ત્યાર પછીના બજેટમાં ફાળવાયેલી રકમમાંથી તે ૧૧,૭૩૯ કરોડ રૃપિયા કાપી લેવામાં આવ્યા.

વરસ ૨૦૧૮માં પણ ભારતીય સેનાની એટલી કદર થતી ન હતી, જેટલી જાહેર કરવામાં આવતી હતી. જે કોન્ટ્રેક્ટ થયા હોય તેના માટે નાણા છૂટા કરવામાં આવતાં ન હતાં. જાહેરાતો ઘણી થતી, પણ કરારો ખૂબ ઓછા થતા હતા. ક્યારેક સંરક્ષણ મંત્રાલય જેટલી સાહેબ સંભાળતા તો ક્યારેક નિર્મલાબહેન. જેટલી પાસે સાથે સાથે નાણા ખાતું પણ હોય અને પોતે સતત બીમાર રહેતા. ત્યાં સુધી કે લશ્કરની ઝેડયુ-૨૩ પ્રકારની ૪૬૮ વિમાન-વિરોધી તોપોને અપગ્રેડ કરવાનો કોન્ટ્રેક્ટ મેઇક ઇન ઇન્ડિયાના ભાગ તરીકે પુંજ લોઈડ કંપનીને આપવાનો હતો. તેની ફાઇલ છ મહિના જેટલા સમય માટે સંરક્ષણ મંત્રાલયમાં અટવાઈને પડી રહી હતી.

શરત ચંદે સંસદીય સમિતિને ભાર દઈને જણાવ્યું હતું કે, ‘બંને મોરચે (પાકિસ્તાન અને ચીન) યુદ્ધ થાય તે શક્ય છે તેથી આ બાબતમાં આપણે જાગૃત રહીએ તે ઘણુ મહત્ત્વનું છે. આપણે આપણી ક્ષતિઓની પૂર્તિ કરવી અને આધુનિકરણ કરવું ખૂબ જરૃરી છે.’ ત્યાર બાદ પણ ૨૦૧૮ના બજેટમાં કોઈ ખાસ પ્રાવધાનો થયાં નહીં.

હમણા ચીન સાથે સંબંધો સુધર્યા છે. પાકિસ્તાન સાથે ગયા ફેબ્રુઆરીમાં ચકમક થઈ તો પણ ચીન શાંત રહ્યું હતું. આમ છતાં બંને સરહદે સાવચેત રહેવું જરૃરી છે. પાકિસ્તાન સાથેની ૭૬૦ કિલોમીટરની લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર ૨૦૦૩ના સીઝફાયર બાદ રોજ અથડામણો થાય છે. ચીન સાથેની લગભગ ચાર હજાર કિલોમીટરની સરહદ પર ૨૦૧૭માં ડોકલામ (ભૂતાન) ખાતે ૭૨ દિવસ સુધી ચીની સૈનિકો ઘૂસેલા રહ્યા હતા. ભારતે અચાનક રણગાડીઓ અને સેના તે સરહદ તરફ રવાના કરવા પડ્યા હતા.સરજિલ ખાન નામનો મુસ્લિમ યુવક હમણા આસામને ભારતના ચીકન નેકથી અલગ પાડી દેવાની ધમકી આપતો હતો તે મરઘાની ગરદન જેવા બંગાળનો વિસ્તાર આ ડોકલામથી સાવ નજીક છે. આમેય ઉત્તર-પૂર્વના કેટલાક પ્રદેશો પર ચીન આજે પણ દાવો કરે છે. ડોકલામના અંટસનો ઑગસ્ટ-૨૦૧૭માં રાજદ્વારી રીતે ઉકેલ આણવામાં આવ્યો, પરંતુ તે અગાઉ ભારતની સેના અને સંરક્ષણ દળોને પોતાના ધ્યાનમાં પોતાની જ ખામીઓ આવી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ તરસ લાગી ત્યારે કૂવો ખોદ્યો તેમ ડોકલામ વખતે પણ સમજાયું કે કેટલાક પુલ, બ્રિજ અને રસ્તાનાં બાંધકામો કરવા ખૂબ જરૃરી છે. ભારત વરસના રક્ષા બજેટમાં ૪૫ અબજ અમેરિકન ડૉલર વાપરે છે, તેની સામે ચીન ૧૭૫ અબજ ડૉલર ખર્ચે છે, જે રકમ ચાર ગણીથી સહેજ ઓછી છે.

ભારતના ત્રણ સંરક્ષણ દળોના ત્રણ વડા. દર વરસે પોતપોતાની પાંખની સ્થિતિ વિષે સરકારને અહેવાલ મોકલે. આ સિવાય રાજકીય વડા સાથે વિમર્શ કરવાની કોઈ કડી ન હતી. આ કવાયત આખરે પત્ર લખવાની કવાયત બનીને રહી ગઈ. વરસ ૨૦૧૨માં ત્યારના એના અધ્યક્ષ જનરલ વિક્રમ સિંહે સરકારને આવો પત્ર લખ્યો તેમાં જણાવ્યું હતું કે સેના દળ અવગણનાને કારણે ખોખલું બની ગયું છે. ટેન્કો છે, પરંતુ દારૃગોળો નથી, હવાઈ સંરક્ષણ માટેનાં વિમાનોમાં મિસાઇલ નથી અને પાયદળ (ઇન્ફાન્ટ્રી) પાસે ટેન્ક-વિરોધી મિસાઇલો નથી. આ પત્ર મીડિયામાં લીક થઈ ગયો. પત્ર લીક થયો તે પણ મોટું જોખમ છે. દુશ્મન દેશ ચડાઈ પણ કરી દે. ત્યાર બાદ આ પત્ર લખવાની પ્રથા પણ બંધ કરવામાં આવી. પછી ફરિયાદ કરવાની કોઈ રીત વડાઓ પાસે બચી નહીં. સિવાય કે તેઓને સંસદની સ્થાયી સમિતિ દ્વારા પૂછવામાં આવે. આર્મીને પ્લાનિંગ અને એક્વિઝિશન (આયોજન અને પ્રાપ્તિ)નું કામકાજ જે-તે પાંખના નાયબ વડાના શિરે હોય છે. તેઓ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત કરે છે. તે દરેકે જે ચિતાર આપ્યો હતો અને નાણાના અભાવમાં લશ્કર ખાડે ગયું છે તેવો એકસરખો સૂર કાઢ્યો હતો તે ચિંતાજનક અને ચોંકાવનારો હતો. ૨૦૧૫માં સેનાના નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ ફિલિપ કેમ્પોઝે સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે, સેનાનાં લગભગ ૫૦ ટકા સાધનો જરીપુરાણા બની ગયાં છે. ત્યાર પછીનાં બે વરસ બાદ, ૨૦૧૭માં જનરલ શરત ચંદની જુબાની પ્રમાણે એ જરીપુરાણા સાધનોનું પ્રમાણ વધીને ૬૫ ટકા થઈ ગયું હતું. ૩૫ ટકા જ વપરાશમાં લઈ શકાય તેમ હતાં.

સરકારી કંપનીઓ અને સંસ્થાઓ દેશની સેનાને અને સંરક્ષણ દળોને સાધન સરંજામ પૂરો પાડવામાં નિષ્ફળ ગઈ હતી. મિલિટરીના પોતાના ઔદ્યોગિક એકમો ઠપ થઈ ગયાં હતાં. પરિણામે સાધનોની સાથે દારૃગોળો પણ આયાત કરવાની ફરજ પડી અને ભારતનું લશ્કર દુનિયાનું સૌથી મોટું શસ્ત્રસરંજામ આયાતકાર બની ગયું. આયાતી શસ્ત્રો અને સરંજામ વડે દસ દિવસનું પ્રચંડ કે સઘન (ઇન્ટેન્ઝ) યુદ્ધ લડવાનું ખૂબ મોંઘું પડે. થોડાં વરસો અગાઉ તો ૪૦ દિવસના સઘન (ઇન્ટેન્ઝ) યુદ્ધની તૈયારીને પૂરી તૈયારી ગણવામાં આવતી હતી, પણ આવી જોગવાઈ શક્ય બનતી ન હતી તેથી આર્મીએ દસ દિવસના સઘન યુદ્ધને નવો અને નીચો લક્ષ્યાંક (નિશાન) નક્કી કર્યો હતો. વડાઓના પત્રો અને જુબાની પરથી જણાય છે કે આ દસ દિવસના લક્ષ્યાંકને પહોંચી વળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. સરકાર પાસે પણ એટલાં નાણા ન હતાં. સરકારે સબસિડીઓ આપીને પોતાની વોટબેન્કોને રાજી રાખવી પડે છે અથવા નવી ઊભી કરવી પડે છે. ૨૦૧૮માં નિર્મલા સિતારામને રક્ષા મંત્રી તરીકે નિવેદન આપ્યું કે, ‘ફંડનો મહત્તમ ઉપયોગ થાય તેની કાળજી અમે લઈ રહ્યાં છીએ અને અગ્રતાના ધોરણે તેની ફાળવણી થાય છે.’

ત્યાર પછીના થોડા દિવસો બાદ સરકારે રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત ડોભાલના અધ્યક્ષપદે ‘ડિફેન્સ પ્લાનિંગ કમિટી’ સ્થાપવાની જાહેરાત કરી. સમિતિનું કાર્યક્ષેત્ર સંરક્ષણના આયોજનનો નકશો તૈયાર કરવાનું, વ્યૂહાત્મક અને સલામતીને લગતી રૃપરેખા અને સિદ્ધાંતો નક્કી કરવાનું, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહ તેમજ ક્ષમતાના વિકાસ માટેની યોજનાઓ ઘડવાનું છે.

સંરક્ષણ માટેનાં જે સાધનોની તત્કાળ જરૃર હોય તેને અગ્રતા આપવાના નિર્મલા સિતારામનના વિચારથી સંરક્ષણ દળોને વાકેફ કરવામાં આવ્યા. એટલા માટે કે બધી સ્કીમો માટે સરકાર પાસે નાણા નથી. આ કારણથી જ રાફેલનો ઓર્ડર ૧૩૬ નંગ પરથી ઘટાડીને ૩૬નો થયો. સરકાર દેશ માટે માળખાકીય સવલતો ઊભી કરવા પાછળ વધુ નાણા વાપરવા માગતી હતી. તેથી ૨૦૧૮ના બજેટમાં તે માટે લગભગ છ લાખ કરોડ રૃપિયા ફાળવાયા હતા. ૨૦૧૪-૧૫માં જે ફાળવાયા હતા તેના કરતાં ત્રણ ગણા વધુ.

પરંતુ રક્ષા મંત્રાલયને જે રકમ ફાળવાઈ હતી તેનો સરંજામ ખરીદવા માટે અસરકારક ઉપયોગ કરવો હોય તો પણ ક્યાં કરવો તેથી મથામણ થઈ પડી હતી. શર્ટ લેવું કે પેન્ટ? ઘણીવાર બંને ખરીદવાં જરૃરી હોય, પણ પાસે પૈસા માત્ર એકના જ હોય. નવેમ્બર ૨૦૧૭માં આ મુદ્દા પર અને સંરક્ષણ મંત્રાલયના કામકાજના તૌરતરીકા પર રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી સુભાષ ભામરેએ વડાપ્રધાન સમક્ષ ખૂબ આકરી રજૂઆત કરી. એક અભ્યાસમાં જણાયું હતું કે, ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન જે ૧૪૪ સ્કીમોના કોન્ટ્રેક્ટ અપાયા હતા તે નિયમ મુજબ ૧૬થી ૨૨ મહિનામાં પૂરા થઈ જવા જોઈએ, તેને બદલે સરેરાશ ૫૨ (બાવન) મહિનાનો સમય લાગ્યો હતો. આ લાસરિયાવેડા માટે સંરક્ષણ મંત્રાલયનું ઢીલુંઢાલું વહીવટીય માળખું અને તેમાં ઊભા થયેલાં અનેક સ્તરો જવાબદાર હતાં. જવાબદારીનું કોઈ એક ચોક્કસ કેન્દ્ર ન હતું. એકને બદલે અનેક નિર્ણાયક અધિકારીઓ, એકની એક પ્રોસેસ વારંવાર શરૃ કરવામાં આવે, અધિકારીઓ એકની એક બાબતનું વારંવાર પુનરાવર્તન કરે, અભિપ્રાયો લખવામાં ઢીલ કરે, નિર્ણયો લેવામાં મોડું કરે અને નિર્ણય લે તો તેનો અમલ કરવામાં ઢીલ કરે, કોનટ્રેક્ટના કામકાજનું કોઈ મોનિટરિંગ નહીં, પ્રોજેક્ટ અને પ્રોગ્રામ પ્રમાણે તેને પૂરો કરવાનો એપ્રોચ અપનાવવો પડે તેનો સદંતર અભાવ અને કામમાં આગળ વધવાને બદલે તેમાંથી ભૂલો કાઢવાની વૃત્તિને કારણે ડિફેન્સના તમામ પ્રોજેક્ટ્સ મોડા પડતા હતા.

ભારતના નિવૃત્ત સૈનિકોના પેન્શનની ચુકવણીમાં વરસે એક લાખ પાંચ હજાર કરોડ રૃપિયા ખર્ચાઈ જાય છે. તેની સામે પાકિસ્તાનનું સમગ્ર રક્ષા બજેટ ૬૭ હજાર કરોડ ભારતીય રૃપિયાનું હોય છે. ભારતમાં પેન્શનની રકમ સંરક્ષણ મંત્રાલયના બજેટમાંથી ચૂકવવામાં આવે છે તો પણ નાણા મંત્રી તેને રક્ષા બજેટ તરીકે ગણાવે છે. આર્મીને જે રકમ ફાળવવામાં આવે છે તેમાંથી ૮૩ ટકા રકમ રેવન્યુ ખર્ચમાં, પગાર વગેરેની ચુકવણીમાં વપરાઈ જાય છે. રેવન્યુ ખર્ચની ટકાવારી વરસોથી ધીમે ધીમે વધી રહી છે અને જો આ ટ્રેન્ડ ચાલુ રહે આવતાં થોડાં વરસોમાં રેવન્યુ ખર્ચનું પ્રમાણ ૯૦ ટકા અને કેપિટલ ખર્ચનું પ્રમાણ માત્ર દસ ટકા જ રહી શકે. આ ખૂબ ગંભીર સ્થિતિ કહેવાય જેમાં સેનાને નિભાવવામાં જ ૯૦ ટકા રકમ વપરાઈ જાય અને સરંજામ વસાવવા માટે માત્ર દસ ટકા રકમ જ બચે. આદર્શ સ્થિતિ ૬૦ ઃ ૪૦ની ગણાય છે જેમાં ચાલીસ ટકા રકમ શસ્ત્રો ખરીદવા માટે ખર્ચે. રેવન્યુ ખર્ચ ફિક્સ્ડ હોય છે. જો સરકાર વધુ રકમ ફાળવે તો કેપિટલ ખર્ચ માટે વધુ નાણા મળે, પણ સરકારો પાસે આજકાલ નાણા જ ક્યાં હોય છે. બીજો ઉપાય એ છે કે રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવામાં આવે. તે માટેના પણ અનેક ઉપાયો અને પગલાં છે. આજકાલ અદ્યતન યાંત્રિક શસ્ત્રો આવ્યાં છે. તાલીમ પણ સઘન બની છે. કોમ્પ્યુટરો લશ્કરને પાતળું અને છતાં કાર્યક્ષમ અને દુરસ્ત રાખી શકે છે. ભારત અને ચીનમાં પણ સૈનિકોની સંખ્યા ખૂબ મોટી છે. આવાં દળો સ્થૂળ અથવા જાડા ગણાય છે. ચીન તેના ૨૧થી ૨૩ લાખ જેટલા સૈનિકોમાંથી દસ લાખ ઘટાડવા માગે છે. ભારત પણ સેનાને સ્લીમ અને ટ્રીમ બનાવવા ધારે છે. ભારતમાં સેના અને સરકાર વચ્ચે કોઈ સિંગલ-પોઈન્ટ કોન્ટેક્ટ (સંપર્કસેતુ) ન હતો. તેની પૂર્તિ કરવા માટે પણ જનરલ બિપિન રાવતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નીમવામાં આવ્યા છે. શ્રી રાવત પાસે ઘણા મહત્ત્વનાં કામ છે.

Related Posts
1 of 262

રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ત્યારના રક્ષા રાજ્યમંત્રી અરુણ સિંહ ત્રણેય પાંખોની ઉપર સમન્વય માટે એક વડાની નિમણૂક કરવા માગતા હતા. અરુણ સિંહે તેની રૃપરેખા પણ ઘડી હતી, પરંતુ બાદમાં એ કોઈક વ્યક્તિગત કારણોસર નાની ઉંમરમાં દિલ્હી છોડી અરણ્યમાં વસવા માટે જતા રહ્યા અને રાજીવ ગાંધી બોફોર્સમાં ફસાઈ ગયા હતા. તેથી આ બાબત આગળ વધી નહીં. સંરક્ષણ દળોની ત્રણેય પાંખો વચ્ચે સંકલન અને સમન્વય નથી. જ્યારે જરૃર પડે ત્યારે ત્રણેય પોતપોતાની રીતે લડે. આ ઉચિત ન ગણાય. આ ખામી નિવારવા માટે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક જરૃરી હતી. આઝાદીનાં ૭૨ વરસમાં આ હોદ્દો પ્રથમ વખત ઊભો કરવામાં આવ્યો છે.

દુનિયામાં શસ્ત્રો પાછળ સૌથી વધુ ખર્ચ કરનારા પ્રથમ પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે તો પણ ભારતનાં રક્ષા દળોનું આધુનિકીકરણ દુનિયાના અનેક દેશો કરતાં પાછળ રહે છે. શસ્ત્રો માટે ભારત રશિયા કરતાં પણ એક અબજ ડૉલર વધુ ખર્ચ કરે છે. ૨૦૧૮-૧૯માં અમેરિકાએ પોતાના બજેટમાં ૬૦૨ અબજ ડૉલર, ચીને ૧૭૫ અબજ, ફ્રાન્સે ૫૧ અબજ, બ્રિટને ૫૦ અબજ, ભારતે ૪૬ અને રશિયાએ ૪૫ અબજ ડૉલર ફાળવ્યા હતા. અમેરિકા એની કુલ રાષ્ટ્રીય આવક (જીડીપી)નો ૩.૧ (ત્રણ પોઈન્ટ એક) ટકા હિસ્સો અર્થાત ૬૦૨ અબજ ડૉલર સંરક્ષણ પાછળ વાપરે છે. ચીન ૧.૯, બ્રિટન ૨ (બે), ફ્રાન્સ ૩, ભારત દોઢ (૧.૫) અને રશિયા ૨.૮ ટકા વાપરે છે. જીડીપીના ટકાવારીની દૃષ્ટિએ ભારતનું પ્રમાણ સૌથી ઓછું છે, પણ રકમની દૃષ્ટિએ ૪૬ અબજ ડૉલર છે. બ્રિટન (યુકે)ની સરહદો નાની છે, ટાપુ છે. ખાસ દુશ્મનો નથી તેથી સૈનિકોની મોટા પાયે ભરતી કરવી પડતી નથી. તેથી એ મોટી રકમ શસ્ત્રોનાં વિકાસ અને ખરીદી માટે વાપરી શકે. જ્યારે ભારતની લગભગ તમામ સરહદે દુશ્મનો છે. સરહદ ખૂબ લાંબી છે. ૧૨થી ૧૪ લાખ સૈનિકો રાખવા જરૃરી બની જાય છે. તેઓને પગાર ચૂકવવામાં બજેટ ખલાસ થઈ જાય. આ સ્થિતિ ટાળવા આજથી ૨૧ વરસ અગાઉ ૧૯૯૮માં જનરલ વી.પી. મલ્લિકે સૈનિકો સિવાયના બીજા વિભાગોમાં ૫૦ હજારનો સ્ટાફ ઘટાડવાની અને એ બચેલી રકમ શસ્ત્રો ખરીદવા પાછળ વાપરવાની સરકાર પાસેથી ખાતરી મેળવી હતી, પરંતુ રક્ષા મંત્રાલયે આ ખાતરીનું પાલન કર્યું ન હતું અને તેના બીજા વરસે કારગિલનું યુદ્ધ થયું ત્યારે આર્મીએ આ દરખાસ્ત (યોજના) અભરાઈ પર ચડાવી દીધી હતી. આપણી સરકારો જ પોતાની ખાતરીનું પાલન કરી શકતી નથી. એ સમયે તો વડાપ્રધાન વિશ્વાસ લાયક અટલ બિહારી હતા.

કારગિલ યુદ્ધમાં બોફોર્સ તોપે ભારતના પક્ષમાં પાસું પલટાવ્યું હતું અને વિજય અપાવ્યો હતો, પરંતુ ૧૫૫ એમએમની આ તોપ માટેના દારૃગોળાની અછત સર્જાઈ ત્યારે જનરલ મલ્લિકે જાહેર કર્યું હતું કે, ‘આર્મી પોતાની પાસે જે અને જેવાં છે તેવાં શસ્ત્રોથી લડશે.’

જનરલ રાવતે પણ લગભગ વીસ વરસ બાદ આ મંત્ર અપનાવ્યો હતો. એમણે ૨૦૧૮માં કહ્યું હતું કે, ‘બજેટનો ઉપયોગ અગ્રતાના આધારે થશે. તેનો અર્થ એ નથી કે સૈનિકો માટે આવાસો બાંધવા જરૃરી નથી, પરંતુ તેમાં સમય લાગે તો ચાલે. યુદ્ધ માટે તૈયાર રહેવા માટે અમે અંદાજપત્રમાં સમતુલા જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખીએ છીએ.’ ટૂંકમાં, જે ખર્ચની જ્યારે જરૃર પડે તે કરવાની તૈયારી સેના રાખે છે. જે ભવિષ્ય પર ટાળી શકાય તેને ટાળે છે, પરંતુ આ સ્થિતિનો માઈનસ પોઈન્ટ એ છે કે અચાનક જરૃર પેદા થાય તો શસ્ત્રોની પૂર્તિ થઈ શકતી નથી. નવી દિલ્હીમાં એપ્રિલ, ૨૦૧૮માં આર્મી કમાન્ડરોની દ્વિવાર્ષિક મિટિંગ મળી તેમાં જનરલ રાવતે ચીવટપૂર્વક અગ્રતાઓ નક્કી કરવા પર ભાર મૂક્યો હતો જેથી નાણાનો સદુપયોગ થાય. ઘણા શસ્ત્ર-અસ્ત્ર ખરીદી લેવામાં આવે પણ પડ્યાં રહે. કામમાં ના આવે તેનો શો અર્થ? જનરલ રાવતે વાજબી ખર્ચ કરીને દળોને આધુનિક બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. એમની દરખાસ્તોનું સરકાર પાલન કરશે તો સેનાને અવશ્ય મહત્તમ ફાયદો થશે.

એક સમયે શસ્ત્રોની એટલી મોટી ઘટ જણાઈ કે સંરક્ષણ દળોના વડાઓએ જાહેરમાં તે બાબત સ્વીકારવા માંડી. તેઓને થયું કે જો પરિસ્થિતિ જાહેર કરાશે તો જ સરકારોને શરમ આવશે અને જરૃરી પગલાં લેવાશે. અગાઉ બધું જાજમ નીચે છુપાવી દેવાતું હતું, પરંતુ શ્રી મલ્લિકે શરૃઆત કરી. સેનામાં ગુપ્તતાના નામે કૌભાંડો પણ ખૂબ થયાં. શસ્ત્રો જરૃરી હતાં એટલાં માટે નહીં, પણ કંપનીઓ મોટી કટકી આપે તે માટે ખરીદાતાં હતાં.

ભારતનાં સંરક્ષણ દળો અને સંરક્ષણ મંત્રાલય એક વણલખ્યા સિદ્ધાંતને આધારે સેનાની તૈયારીઓ કરતા હતા. એ સિદ્ધાંત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ચીન તેમાં કૂદી નહીં પડે, પરંતુ જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન તેમાં અવશ્ય કૂદી પડશે. ભારતની આર્મી અને હવાઈ દળ બે મોરચે ગોઠવાયેલાં રહે છે. જેમાં નોર્ધર્ન કમાન્ડ ચીન સામે અને વેસ્ટર્ન કમાન્ડ પાકિસ્તાન સામે ખડે પગે તૈયાર રહે છે. જ્યારે બંને કમાન્ડોએ મળીને માત્ર એક મોરચે લડવાનું હોય તો સૈનિકો અને સાધનોને તત્કાળ ત્યાં ખસેડી શકાય તેવી યંત્રણા રચવામાં આવી છે, પણ જો બંને મોરચે એકસાથે યુદ્ધ થાય તો એક બીજા સીમાડા વચ્ચે શસ્ત્રાસ્ત્રની હેરફેર થઈ શકે નહીં. ત્યાં જે ઉપલબ્ધ હોય તે શસ્ત્રોથી જ લડવું પડે. આજે ચીન એટલું સમૃદ્ધ થયું છે કે ભારત સાથે યુદ્ધમાં પડવાનું તેને પોસાય નહીં. યુદ્ધ કરતાં તેના વેપારી હિતો ભારતમાં મોટાં છે અને પોતાને ઘરઆંગણે નુકસાન થાય તો પોતાની જ ગતિ ખોરવાઈ જાય. ટપોરી પાકિસ્તાનને જ યુદ્ધ કરવાનું ચાનક ચડે, કારણ કે નાગો ન્હાય શું અને નિચોવે શું?

બે મોરચે યુદ્ધ થાય તો શક્ય છે કે તે અઢી મોરચામાં ફેરવાઈ જાય. અરધો વધારે એટલા માટે કે કાશ્મીરમાં અને ઈશાન મોરચે ભારત વિરોધી દેશદ્રોહી તાકાતો પણ દુશ્મનોને મદદ કરવા નીકળી પડે. શરજીલ ઈમામની માફક, પરંતુ આવાં ક્ષેત્રોમાં કંઈ પણ વધુ સવાલ કર્યા વગર સરંજામ પૂરો પાડવાનો વણલખ્યો નિયમ છે. છતાં એક વખત ચંડીગઢ ખાતે એક સેમિનારમાં લેફ્ટનન્ટ જનરલ સુરિન્દર સિંહે જાહેરમાં મંતવ્ય આપ્યું હતું કે, ‘એકના એક દળો એક સાથે બે મોરચે યુદ્ધ લડે તે બુદ્ધિપૂર્વકનો વિચાર નથી.’ જોકે જાહેરમાં આવા વિચારો વ્યક્ત કરવા બદલ એમને ખાનગીમાં ઠપકો આપવામાં આવ્યો હતો.

આવા બધા મનોમંથન વચ્ચે બુદ્ધિપૂર્વકનું સમગ્ર આયોજન કરવાની દિશામાં હાલની સરકાર, સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ દળો આગળ વધી રહ્યાં છે. દર બે વરસે સેનાના વડા અને એમના આઠ સિનિયરમોસ્ટ લેફ્ટનન્ટ જનરલોના અધ્યક્ષ સ્થાને આર્મી કમાન્ડરોની કોન્ફરન્સ યોજાય છે. ટોચના નિર્ણયો લેવા માટે આ નવ જણની બનેલી સર્વોચ્ચ બોડી ગણાય છે. ૨૦૧૮માં જનરલ રાવતે સેનાના બીજા પદાધિકારીઓ સમક્ષ એવો પ્લાન ખુલ્લો મૂક્યો હતો જેનો અગાઉના દશકોમાં ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. ગયા વરસના ફેબ્રુઆરીમાં જે બજેટ રજૂ થયું તેમાં નવાં સાધનો ખરીદવા માટે આર્મીને તેના ઇતિહાસની સૌથી ઓછી રકમ ફાળવવામાં આવી હતી. કુલ ૨૬,૮૨૬ કરોડના માત્ર તેર ટકા. એટલા માટે કે બજેટની ૮૭ ટકા રકમ પગાર ચૂકવવામાં, તેલ-ડીઝલ, ટાયરો અને અમુક દારૃગોળો ખરીદવા પાછળ વપરાઈ જવાની હતી. જનરલ રાવતે આવી વારંવારની સ્થિતિમાંથી છુટકારો મેળવવા યોજના ઘડી હતી. ઑક્ટોબરમાં ટોચના અધિકારીઓ ફરી મળ્યા. તેઓએ મળીને ચાર અભ્યાસ જૂથોની રચના કરી. જનરલ રાવત એ ચાર સ્ટડી ગ્રૂપોના નેતા હતા. એમનાં મિશનનાં લક્ષ્યાંકો પણ ચાર હતા. આર્મીને એક ચપળ, કામકાજમાં બાહોશ અને યુદ્ધ વખતે અસરકારક ફોર્સ તબદીલ કરવાની હતી, જે પરંપરા મુજબનાં અને મિશ્ર પ્રકારનાં બંને યુદ્ધો લડી શકે. શ્રી રાવતનો બીજો લક્ષ્યાંક નવી દિલ્હી ખાતેના આર્મી હેડક્વાર્ટરની વ્યવસ્થાની પુનઃરચના કરવાનો હતો. તેના ઘરડાઠાચર અને તુમારશાહીમાં રાચતા અધિકારીઓની જગ્યાએ યુવાનોને વધુ જવાબદારી સોંપવાની હતી. સૈનિકોની નોકરી, નિમણૂકો, પ્રમોશન વગેરે બાબતમાં નવી તરાહ દાખલ કરવાનો પણ એક લક્ષ્યાંક હતો.

ચીન પાસે દુનિયાનું સૌથી મોટું ૨૧ (એકવીસ) લાખ સૈનિકોનું દળ છે. ત્યાર બાદ ૧૨ (બાર) લાખ સૈનિકો સાથે ભારતનો બીજો ક્રમ છે. શ્રી રાવતની યોજના લગભગ એક લાખ સૈનિકોની સંખ્યા ઘટાડવાની છે, જેથી સેના વધુ સારી રીતે, વધુ સારાં સાધનો સાથે લડી શકે. મોટાં ડિવિઝનો કદનાં દળોને નાની નાની બ્રિગેડોમાં (ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રૂપ)માં તબદીલ કરવાની છે. આ કસરત પાછળનો ઉદ્દેશ્ય શ્રી રાવત જણાવે છે તે પ્રમાણે સેનાને ભવિષ્યનાં યુદ્ધો માટે તૈયાર કરવાનો, ક્ષમતાઓ વધારવાનો અને નાણાનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે.

બીજી તરફ પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવીને ખૂબ કૂદાકૂદ કરી રહ્યું હતું. યુદ્ધની શક્યતા ખૂબ મોટી હતી અને છે. રક્ષા મંત્રાલયે આર્મીના માળખામાં સુધારા કરવા માટે લેફ્ટનન્ટ જનરલ ડી.બી. શેકતકરના વડપણ હેઠળ સમિતિ નિમી હતી, તેનો રિપોર્ટ ડિસેમ્બર ૨૦૧૬માં રજૂ થયો હતો. તેની ભલામણો અનુસાર ઓફિસરો સહિત, સૈનિકો અને જુનિયર ઓફિસરો મળીને ૫૭૦૦ જણની બાબતમાં નવી વ્યવસ્થા કરવાની હતી. તે ભલામણોનો અમલ શરૃ થઈ ગયો છે. ગૌહાટી અને ઉધમપુર ખાતેના લશ્કરનાં બે એડવાન્સ્ડ વર્કશોપ બંધ કરવામાં આવ્યાં છે. બંનેમાં મળીને ત્રણ હજાર જણ કામ કરતા હતા, તેઓને આર્મી યુનિટ્સમાં ટ્રાન્સફર કરાયા છે. એ સિવાયનાં ૫૦ જેટલાં વર્કશોપ કે જેમાં લશ્કરી, નાગરિક અધિકારીઓ અને સેનાના એન્જિનિયરો સાથે મળીને કામ કરે છે તેને બંધ કરવામાં આવશે. તે કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક વેપારી ધોરણે ચાલતી સંસ્થા ઊભી કરાશે અને તેઓની સેવા ખાનગી ઉદ્યોગોને અપાશે. શાંતિના સમયમાં આર્મી કેટલીક મિલિટરી ફાર્મ્સની પ્રવૃત્તિઓ તેમ જ અન્ય ઉપક્રમો ચલાવે છે તે તમામ બંધ કરાશે. આર્મીના સપોર્ટ માટે કામ કરતા દળો જેવા કે પુરવઠા દળો, એન્જિનિયરો વગેરેમાં બિનજરૃરી ભરતી ખૂબ થઈ છે, તેનું પ્રમાણ ઘટાડાશે. જનરલ રાવત પોતાના મનની વાત જાહેર કરવા માટે જાણીતા છે. એમની વાતમાં નિર્ણાયકતા ઝળકતી હોય છે. એ બોલ્યા હતા કે સેનાની નોકરી સ્ત્રીઓ માટે યોગ્ય નથી ત્યારે કેપએક્ટિવ સ્ક્રીનો પર (સોશિયલ મીડિયા)માં યુદ્ધ ફાટી નીકળ્યું હતું, પણ પ્લાસ્ટિકના પરદા પર લડવું આસાન છે. રાવત તેનાથી ડર્યા કે ખચકાયા ન હતા. એમણે પીઢ સેનાનીઓની એક મિટિંગમાં કહ્યું હતું કે એ એમના અનુગામીને એક એવું સંગઠન સોંપીને જવા માગે છે જે સપ્રમાણ, ચપળ અને મિલિટરીના હેતુઓ સાર્થક કરવા માટે સક્ષમ હોય.

જનરલ બિપિન રાવત આર્મીના નિવૃત્ત નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ લચુ સિંહ રાવતના પુત્ર છે. ડિસેમ્બર ૨૦૧૬માં અન્ય બે સિનિયરોને બાયપાસ કરીને બિપિન રાવતની જનરલ તરીકે પસંદગી થઈ હતી. ત્યારથી શ્રી રાવત એમના ફિલ્ડ કમાન્ડરોને સતત જણાવતા રહે છે કે ટૂંકી નોટિસે લડવા તૈયાર થઈ જાય તેવી સેના તૈયાર કરો. ૨૦૦૧માં પાકિસ્તાનની સરહદે ભારતે દસ મહિના માટે સેના ગોઠવી દીધી હતી અને ત્યાર બાદ એ વ્યૂહરચના તૈયાર કરાઈ હતી જેમાં સેના ટૂંકી નોટિસમાં યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. આ વ્યૂહને ‘કૉલ્ડ સ્ટાર્ટ’ નામ અપાયું છે. જોકે આ જૂના વ્યૂહને શ્રી રાવત અમલી જામા પહેરાવી રહ્યા છે. તેમાં એક યોજના એવી છે કે ચીન સામે લડવા માટે આર્મીના ચાર કમાન્ડ તૈયાર રહે છે તેની સંખ્યા ઘટાડીને બે કરી નાખવી. અમેરિકન સેનાની માફક શસ્ત્રોથી સજ્જ નાની-નાની ઇન્ફ્રાન્ટ્રીઓ તૈયાર કરાશે, જેના વડા મેજર જનરલ હશે. ચીને પણ પોતાની સેનાના પુનઃગઠનમાં આ વ્યૂહ અપનાવ્યો છે. ઇન્ફ્રાન્ટ્રી ડિવિઝનની જગ્યાએ આઈબીજી (ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રૂપ)ની રચના થશે. તે કદમાં નાનાં અને ત્વરિત હશે. આજના પાયદળ ડિવિઝનમાં ૧૪ હજાર સૈનિકો હોય છે. તેની સાથે ૮૦ ટેન્કો (રણગાડીઓ) હોય છે. ૫૦૦ તોપોની આર્ટિલરી બ્રિગેડ હોય છે અને આ ડિવિઝન પોતાની રીતે ભૂમિયુદ્ધ લડી શકે છે. ભારતમાં આવા ૪૦ ડિવિઝન છે. અમુક નિષ્ણાતો ઇચ્છે છે કે આ ડિવિઝનો વિખેરી નાખી તેની જગ્યાએ ૧૪૦ જેટલી આઈબીજીની રચના કરવામાં આવે. જોકે અલગ-અલગ સરહદોના વિસ્તારોની ભૌગોલિક રચનાઓ અલગ-અલગ છે. ૨૯૦૦ કિલોમીટરની પાક સરહદ એકસરખી નથી. ક્યાંક કળણ, ક્યાંક રણ, ક્યાંક જંગલ, ક્યાંક પર્વતો અને ક્યાંક સખત બરફના ડુંગરો છે. તેથી તેને લગતા અનુભવો અને પ્રયોગોને આધારે આઈબીજી રચવાનો નિર્ણય લેવાશે. તે ગ્રૂપો પ્રદેશની રચના પ્રમાણે લડવા તાલીમબદ્ધ હશે અને સરંજામો ધરાવતાં હશે.

ડિવિઝનો વિખેરાઈ જવાની આ બેટલ ગ્રૂપો કોર્પ્સ હેડક્વાર્ટરના સંપર્કમાં રહેશે. તેઓ (૧૪૦)ને લીડ કરવા માટે ૯૫ જેટલા મેજર જનરલોની જરૃર પડશે. તેનાથી લોઅર રેન્કના ઓફિસરોને વધુ ઝડપથી પ્રમોશન મળશે. હાલમાં એક કર્નલને બ્રિગેડિયર બનવા માટે છથી આઠ વરસની રાહ જોવી પડશે. જોકે સેના એવા ફેરફારો કરવા પણ માગે છે જેમાં તમામ કર્નલો આપોઆપ નિયત સમયે બ્રિગેડિયર બની જશે. આથી તેઓને વધુ સારો પગાર મળવાની અને મેજર જનરલ બનવાની વધુ તકો મળશે. ડિવિઝનોનાં વડાં મથકો રદ કરાશે અને કારણ કે આઈબીજી સીધા કોર્પ્સ (ઉપરના વિભાગ)ના કન્ટ્રોલમાં હશે. એનસીસી ડિરેક્ટોરેટ અને મિલિટરી ટ્રેનિંગ ડિરેક્ટરોરેટ (વિભાગ) પણ બંધ થશે. કેટલાક અન્ય વિભાગોને જોડી કાઢવામાં આવશે. કેટલાક નવા વિભાગો જેમ કે હાઈબ્રિડ (મિશ્ર) વૉરફેરની રચના થશે. હાઈબ્રિડ વૉરફેર એક એવું યુદ્ધ હોય છે જેમાં પરંપરાગત શસ્ત્રકીય યુદ્ધની સાથે-સાથે અપરંપરાગત યુદ્ધો પણ થાય છે. જેમ કે નદીના પાણી બંધ કરી દેવા, કાયદાનું યુદ્ધ લડવું, સાઇબર યુદ્ધ કરવું અને રાજદ્વારી વાતોચીતોનો પણ સહારો લેવો. આ તમામ પ્રકારની લડાઈઓ એકસાથે લડવામાં આવે તો તે ઘાતક મિશ્રણ બની જાય છે.

પરંતુ આ બધાં યુદ્ધો લડવા માટે નાણા અને સાધનો જોઈએ. આવતાં દસ વરસમાં ભારતનાં સંરક્ષણ દળોને નવાં હેલિકૉપ્ટરો, મિસાઇલો વગેરે ખરીદવા માટે રૃપિયા એક લાખ કરોડની જરૃર પડશે. જૂનો સરંજામ, જે ૧૯૮૦થી આપણી પાસે છે તેની જગ્યાએ નવો ખરીદવો પડશે. આર્મી પાસે આઠ લાખ જવાનોનું પાયદળ છે. તેનો અર્થ એ થયો કે પ્રમાણમાં સસ્તી એસોલ્ટ રાઇફલો, કાર્બાઇન્સ, કે લાઈટ મશીન ગન ખરીદવાની હોય તો પણ રૃપિયા પંદર હજાર કરોડ ખર્ચવા પડે. પર્વતો પર લડી શકે તેવું માઉન્ટેન સ્ટ્રાઈક ફોર્સ ભારતે તૈયાર કર્યું છે. હજી ઘણુ અધૂરું છે, પણ ચીનમાં અંદર ઘૂસીને લડવાની જરૃર પડે તો આ ફોર્સના જવાનો જશે. આ બધા ખર્ચ માટે અંદાજપત્રમાં દર વરસે એલોકેશન વધારતું જવું પડે, પણ તેમ દર વરસે થતું નથી. ૨૦૧૯માં આર્મીએ માગ્યા હતા તેના કરતાં રેવન્યુ ખર્ચ પેટે ૧૭,૭૫૬ કરોડ રૃપિયા ઓછા અને કેપિટલ ખર્ચમાં રૃપિયા ૨૪,૭૫૫ કરોડ રૃપિયા ઓછા મળ્યા હતા. ડિફેન્સ બજેટમાં જે કુલ રકમ ફાળવવામાં આવે છે, તેમાંની ૫૫ ટકા રકમ આર્મી (ભૂસેના)ના ફાળે જાય છે. બાકીના ૪૫ ટકામાં વાયુદળ અને નૌસેનાને મળે છે, પરંતુ હકીકત જુદી છે. ત્રણેય સર્વિસો માટેના કુલ બજેટમાંથી ૬૯ ટકા રકમ આર્મી ઓહિયા કરી જાય છે. ૨૦૧૯માં જીડીપીના ૧.૫૮ ટકા ડિફેન્સને ફાળવવામાં આવ્યા તે ટકાવારીની રીતે છેલ્લાં ૫૦ વરસમાં સૌથી ઓછી રકમ હતી, પણ જીડીપીનો વ્યાપ ફેલાતો જાય છે અથવા કદ ફેલાતું જાય છે તે મુજબ ઘણી રકમ હતી. ૫૦ વરસની સૌથી ઓછી રકમ ન હતી. ૨૦૧૯માં ટોટલ ડિફેન્સ બજેટ ચાર લાખ ચાર હજાર કરોડનું હતું. માત્ર સશસ્ત્ર દળો પાછળ તેમાંથી બે લાખ નેવંુ હજાર કરોડ રૃપિયા સરકાર વાપરે છે. બાકીની રકમ પેન્શનની ચુકવણીમાં જાય છે. જોકે આ આંકડાઓની ભૂલભુલામણી છે. પેન્શનની રકમની અગાઉ ડિફેન્સ બજેટમાં ગણતરી થતી ન હતી. આ સરકાર કરે છે. તે મુજબ ૧૯૮૦ની સરખામણીમાં ૨૦૧૯માં બજેટમાં ૩૧ ટકાની વૃદ્ધિ થઈ ગણાય. સેના અને સરકાર વચ્ચે દલીલો થઈ ત્યારે સુભાષ ભામરેએ આવી રજૂઆત કરી હતી.

વરસ ૨૦૧૯માં નેવીએ ૩૭,૯૩૨ કરોડ રૃપિયા માગ્યા હતા તેની સામે માત્ર ૨૦,૮૪૮ કરોડ મળ્યા હતા. વાયુ દળે માગ્યા હતા તેના કરતાં ૪૧,૯૨૪ કરોડ રૃપિયા ઓછા મળ્યા હતા. વરસ ૨૦૨૦ માટે પૂર્વ રક્ષા મંત્રી અને હાલનાં નાણા મંત્રી નિર્મલા સિતારામને ગઈ એક તારીખે બજેટ રજૂ કર્યું તેમાં પેન્શનની રકમ ગણીને કુલ ૪ લાખ ૭૧ હજાર કરોડ રૃપિયા ફાળવ્યાં તેમાં પેન્શન માટે ખર્ચાઈ જનારી રકમ જ ૨૮ ટકા છે. જવાનો ૩૬થી ૩૭ વરસે નિવૃત્ત થઈ જાય છે અને નિવૃત્ત થનારા ડિફેન્સ કર્મચારીઓમાં દર વરસે નેવંુ ટકા સૈનિકો જ હોય છે. પરિણામે પેન્શનની રકમ ઉત્તરોત્તર વધતી જાય છે. આ વરસે વધીને એક લાખ ૩૩ હજાર કરોડ રૃપિયા પર પહોંચી, જે ગયા વરસ કરતાં લગભગ ૧૪ ટકા વધારે છે. આર્મીના કેપિટલ બજેટ એલોકેશનમાં માત્ર ત્રણ ટકા અર્થાત રૃપિયા ૩૪૦૦ કરોડનો ઇજાફો થયો તે કેપિટલ બજેટ માટે નગણ્ય ગણાય. ડિફેન્સ બજેટમાં કુલ ૧.૮૨ ટકાનો વધારો થયો જેથી શસ્ત્રોની પ્રાપ્તિ અને આધુનિકીકરણની પ્રક્રિયામાં ખલેલ પાડશે. જોકે સંરક્ષણ દળોને આ શીર્ષક હેઠળ કુલ એક લાખ, દસ હજાર, ૭૩૪ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે. આધુનિકીકરણમાં સૌથી વધુ રકમ વાયુદળને મળતી હોય છે, કારણ વિમાનો, મિસાઇલો વગેરેની કિંમતો ખૂબ ઊંચી હોય છે.

ખર્ચાઓ ઘટાડવા માટેનો એક પ્રસ્તાવ એવો છે જેમાં ૩૬ વરસે નિવૃત્ત થતાં જવાનોને આમેય આજીવન પેન્શન આપવું પડે છે. તો તેમને થોડો વધુ પગાર આપીને કોઈક ઉત્પાદક કામે કે નોકરીએ લગાડવા. જનરલ રાવતની યોજનામાં આ બાબતને આવરી લેવાઈ છે, પણ નોકરીઓ ક્યાં છે? સેનામાં જ કોઈક કામ અપાશે?

રેવન્યુ ખર્ચ ઘટાડવાની આ નીતિનો મોટો ડ્રોબૅક એ છે કે ત્રણેય પાંખ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહી છે, પરંતુ અમુક ક્ષેત્રો એવાં છે જેમાં સંયુક્ત પ્રકારે સમન્વય સાધી આગળ વધે તો પણ ઘણો લાભ થાય. જોઈન્ટ એપ્રોચ અપનાવાય તો તે સારો ઇલાજ છે. ભવિષ્યનાં યુદ્ધો માત્ર ભૂમિદળને કેન્દ્રમાં રાખીને લડવામાં નહીં આવે. બલ્કે આજે પણ વાયુદળની મોટી ભૂમિકા હોય છે. ત્રણેય સેવા સાથે મળીને લડે તે ખૂબ જરૃરી બની ગયું છે. શેકતકર સમિતિએ આ તારણ આપ્યું છે. સર્વિસો માટે સત્તર અલગ-અલગ કમાન્ડ્સની જરૃર શી છે? શા માટે સધર્ન નવલ કમાન્ડ કોચીમાં અને વાયુ દળનું સધર્ન કમાન્ડ થિરુવઅનંતપુરમમાં હોવું જોઈએ? શેકતકર સમિતિએ સુઝાવ આપ્યો છે કે તમામ ૧૭ કમાન્ડને એકસાથે જોડીને ત્રણ સંયુક્ત કમાન્ડ; ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમની રચના કરવામાં આવે. શ્રી રાવતની યોજના ત્રણ કમાન્ડોના અમુક અધિકારીઓને એક બીજાના કમાન્ડમાં નીમવામાં આવે જેથી વધુ સંકલન અને સમન્વય રચાય. એક જ પ્રકારનાં હેલિકૉપ્ટરો બે અલગ-અલગ સેવાઓ માટે અલગ-અલગ ખરીદવામાં આવ્યાં છે. શા માટે? આવા ખર્ચ નિવારી શકાય. કુલ બજેટની માત્ર સત્તર ટકા રકમમાંથી સાધનો, સરંજામો ખરીદાય છે ત્યારે તેનો કરકસરયુક્ત ઉપયોગ થવો જોઈએ તેમ સુપરચીફ શ્રી રાવત માને છે.

ગઈ પંદરમી ઑગસ્ટે લાલ કિલ્લાની રાંગ પરથી બોલતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની જાહેરાત કરી હતી. ૭૨ વરસની આઝાદીમાં આ એક સૌથી મહત્ત્વની જાહેરાત હતી, પણ વર્તમાન સરકારની અન્ય જાહેરાતોની માફક આને પણ છેલ્લી ઘડી સુધી ગુપ્ત રખાઈ હતી. ત્યાં સુધી કે સેનાના અધિકારીઓ પણ અચંબો પામી ગયા હતા. કારગિલ યુદ્ધ બાદ લાલકૃષ્ણ અડવાણીની સમિતિએ પણ સીડીએસની નિમણૂક કરવાની ભલામણ કરી હતી. ગયા વરસે ત્રણેય પાંખના વડાઓની એક મિટિંગમાં સીડીએસની નિમણૂક બાબતમાં સહમતી સધાઈ હતી. તેઓએ આ હોદ્દાને ‘ચૅરમેન ઓફ ધ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસસી)’ નામ આપ્યું છે. તેઓએ વડાપ્રધાનની મંજૂરી માટે દરખાસ્ત લખી મોકલી હતી. ચૅરમેન તરીકે ફોર-સ્ટાર (ચાર પદક) ધરાવતા અધિકારીની નિમણૂક કરવાની ભલામણ કરી હતી, પરંતુ વડાપ્રધાને તેની જગ્યાએ સીડીએસ નીમવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, સુરક્ષાદળોના ટોચના અધિકારીઓમાં સંયુક્તપણાની ભાવના હોય તે ખૂબ જરૃરી છે અને તેની લાંબા ગાળાથી જરૃર છે.

મોદી સરકાર અણુશક્તિ ધરાવતા પાકિસ્તાનને કાબૂમાં રાખવા ભારત સંરક્ષણની બાબતમાં મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરે તે બાબતને જરૃરી માને છે. અગાઉની સરકારો સહન કરી લેવામાં માનતી હતી. મુંબઈ પરનો ખતરનાક હુમલો સહન કરી લીધો. તેથી પાકિસ્તાનને મનમાની કરવાની વધુ ચાનક ચડતી હતી. અણુશસ્ત્રોની ધમકી આપતું હતું, પણ આંખ સામે આંખ મિલાવીને વાત કરવાની મોદી નીતિ સફળ થઈ છે અને પાકિસ્તાનની હવા નીકળી ગઈ. ૨૦૧૬ ઉરી હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનમાં અચાનક છુપીને મારવાની રણનીતિ અપનાવી છે. ત્રાસવાદીઓનો રોજ સફાયો થાય છે. અગાઉના ત્રીસ વરસમાં હતાં તેના કરતાં સંરક્ષણ દળો તત્કાળ લડાઈ આદરવા માટે વધુ સજ્જ બન્યાં છે તેમ સંરક્ષણ અધિકારીઓ કબૂલ કરે છે.

નેશનલ સિક્યૉરિટીનો પ્રથમ ડ્રાફ્ટ શ્રી ડોભાલ આજકાલમાં સરકારને સોંપવાના હતા. કદાચ સોંપી દીધો હશે. શ્રી અજિત ડોભાલના વડપણ હેઠળની ડિફેન્સ પ્લાનિંગ કમિટી દ્વારા એ વ્યૂહરચનાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. ત્રણેય સર્વિસો સાથે મળીને કામ કરશે તો એકબીજાનાં સાધન સરંજામનો મહત્તમ ઉપયોગ કરી શકશે. ગુપ્તચર બાતમીઓની આપલે કરી શકશે. સંપર્ક વ્યવસ્થા, સર્વેલન્સ અને ઍર ડિફેન્સ સિસ્ટમનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બનશે. સેવાઓના વડાઓ એક નવી તાકાતની રચના માટે અને તાકાત પૂરી પાડવા માટે મદદરૃપ બનશે. પ્લાનિંગ અને ટ્રેનિંગનો સંયુક્તપણે લાભ ઉઠાવી શકાશે. દરેક સેવા (પાંખ) માટે અલગ-અલગ કર્મચારીઓ રોકવાને બદલે તેઓ ત્રણેય પાંખને સેવા આપી શકશે. દુનિયાના તમામ શક્તિશાળી લશ્કરો સિંગલ પોઈન્ટ મિલિટરી અધિકારીઓ અથવા વડાઓ ધરાવે છે. રાવતનો ઉત્સાહ જોતાં તેઓ આ કામ કુશળતાથી નિભાવશે.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »