પાણી માટે સ્વાવલંબી બન્ની આજે બન્યું પરાવલંબી
બન્નીમાં એક જમાનામાં એશિયાનું શ્રેષ્ઠ પ્રકારનું ઘાસ ઊગતું હતું.
- પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર
રણથી થોડી ઊંચાણમાં આવેલી અને મોટી સંખ્યામાં પશુધન ધરાવતાં બન્નીની આગવી પાણી વ્યવસ્થા હતી. વરસાદી પાણી, નદીઓનું વહેતું પાણી ‘ઝીલ‘ તરીકે ઓળખાતી નાની તલાવડીઓમાં સંગ્રહિત થતું. શિયાળામાં ઝીલનું પાણી વપરાતું અને ઉનાળામાં ઝીલમાં વીરડા ખોદીને જમીનમાં ઊતરેલું પાણી મેળવાતું. પાઇપલાઇન મારફત પાણી મળવા લાગતાં અનેક ગામોમાં આ પરંપરાગત વ્યવસ્થા વિસરાઈ રહી છે. વંશપરંપરાથી ચાલી આવતી આ વ્યવસ્થાને પુનર્જીવિત કરવાની જરૃર છે.
જમીનમાં ઊંડે ઊતરેલું પાણી કુદરતી રીતે ફિલ્ટર થઈને મળતું હોવાથી વીરડાનું પાણી ખૂબ આરોગ્યપ્રદ મનાય છે. પથરી, ચામડીના કે દાંતના રોગના દર્દીઓ આ વિસ્તારમાં ઘણા ઓછા હોવાનું કારણ પણ આ ઝીલનું પાણી જ હોવાનું માનવામાં આવે છે.
કચ્છ અને દુષ્કાળને જુગ જૂનો નાતો છે. ત્રણ દિશામાં જમીન અને એક બાજુએ દરિયા વડે ઘેરાયેલા કચ્છના અનેક વિસ્તારો રણની તદ્દન નજીક આવેલા છે. આવા વિસ્તારમાં કાં તો પાણી મળતું જ નથી અથવા જે મળે છે તે તદ્દન ખારું અથવા ભાંભરું હોય છે. આજે મોટા ભાગનો આવો વિસ્તાર પાણી પુરવઠા વિભાગે બિછાવેલી પાઇપલાઇન પર આધારિત બન્યો છે, ત્યારે બન્ની તરીકે ઓળખાતો રણ નજીકનો વિસ્તાર પાણી માટે એક જમાનામાં સ્વાવલંબી હતો. આજે પરંપરાગત એવી પાણીની વ્યવસ્થા પડી ભાંગી હોવાથી અનેક ગામો પાઇપલાઇન પર આધાર રાખતા થયા છે અને તેના પરિણામે વારંવાર પાણીની તંગીનો ભોગ બને છે.
રણોત્સવના કારણે જાણીતો બનેલો હોડકો ગામ આસપાસનો વિસ્તાર મુખ્યત્વે બન્નીનો ભાગ છે. ભુજ તાલુકાના ખાવડા તહેસીલમાં આવતું બન્ની રણથી થોડી ઊંચાઈ પર આવેલું છે. તેની આસપાસના પહાડો પરથી ચોમાસામાં વહેતી નદીઓનું પાણી રકાબી આકારની બન્નીમાં ઠલવાય છે. ત્યાં તે જમા થાય છે અને શિયાળા પછી તે જમીનમાં ઊતરે છે. ઉનાળામાં જ્યારે ભૂસપાટી પરનું પાણી ખલાસ થઈ જાય ત્યારે ભૂગર્ભમાં ઊતરેલું પાણી વીરડા ગાળીને પીવા માટે વપરાય છે. આવી વ્યવસ્થાના કારણે અહીં વસતા લોકો પાણી માટે સ્વાવલંબી હતા.
બન્નીમાં એક જમાનામાં એશિયાનું શ્રેષ્ઠ પ્રકારનું ઘાસ ઊગતું હતું. આ ઘાસના કારણે અહીં પશુપાલનનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. મુસલમાન માલધારી લોકો અહીંના મુખ્ય રહેવાસી છે. હસ્તકલા માટે વિખ્યાત એવા મેઘવાળ લોકો અને જંગલના આધારે જીવન જીવતા વાંઢ લોકો પણ બન્નીમાં વસે છે. માલધારી ઉપરાંત મેઘવાળ કોમના લોકો ગાય, ભેંસ, બકરાં અને ઘેટાં જેવા પશુઓને પાળે છે. આશરે ૩,૮૦૦ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલી બન્નીમાં ૫૪ જેટલાં ગામો અને ૧૦૦ જેટલી વાંઢો (નેસ જેવી નાની વસાહતો) છે. આશરે એકાદ લાખથી વધુનું પશુધન અહીંના લોકો ધરાવે છે. એક એક માલધારી કુટુંબ પાસે અંદાજે ૮૦થી ૧૦૦ જેટલી ગાય કે ભેંસ હોય છે. આથી જ અહીં પીવાનું પાણી પૂરતી માત્રામાં જોઈએ. તે માટે જ તેમણે પોતાની આગવી વ્યવસ્થા ગોઠવી છે.
આ વિસ્તારની ઝીલ અને વીરડાને પુનર્જીવિત કરવા માટે પ્રયત્નશીલ સંસ્થા ‘સહજીવન’ના બ્રિડિંગ પ્રોગ્રામના એન્કર રમેશ ભટ્ટી જણાવે છે કે, ‘અહીંના લોકોનું જીવન મુખ્યત્વે પશુપાલન પર આધારિત છે. પશુઓને પૂરતું પાણી પીવડાવવા માટે તેમની પોતાની પાણીની વ્યવસ્થા હોવી જરૃરી હોવાથી વર્ષોથી આ વિસ્તાર આગવી વ્યવસ્થા ધરાવે છે. મોટા ભાગના પરિવારોની પોતાની નાનકડી ઝીલ હોય છે. ચોમાસામાં વરસાદી અને નદીઓનું પાણી આ ઝીલમાં ભરાય છે. શિયાળા દરમિયાન આ પાણી વપરાય છે અને ઘણુ પાણી જમીનમાં ઊતરી જાય છે. ઉનાળામાં ઝીલ સુકાઈ જાય ત્યારે તેમાં વીરડા ગાળીને તેનું પાણી પીવા માટે અને પશુઓ માટે વપરાય છે. પાઇપલાઇન પથરાવાના કારણે અનેક ગામડાંમાં આ આગવી વ્યવસ્થા પડી ભાંગી છે, પરંતુ અમુક ગામોના લોકો આજે પણ કુદરતી રીતે સંગ્રહિત થયેલું પાણી જ પીવા માટે વાપરે છે. અમારી સંસ્થા જ્યાં ઝીલ અને વીરડા ભૂલાવા લાગ્યા છે, તેનું પુનર્નિર્માણ કાર્ય કરવા માટે લોકોને સમજાવે છે અને તે કાર્યમાં સહભાગી થાય છે.’
બન્ની ચારે તરફથી રણથી ઘેરાયેલો વિસ્તાર છે. રણની સપાટીથી બન્નીની જમીન ૨૦થી ૨૫ ફૂટ ઊંચી છે. અહીં નદીઓ અને વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. ચોમાસામાં માલધારીઓ પોતાની વાંઢમાં ૧૦થી ૧૫ ફૂટ ઊંડા તળાવો બનાવે છે, તે ઝીલ તરીકે ઓળખાય છે. જ્યાં પાણી ભરાતું હોય, આસપાસ થોડા ઝાડ હોય તેવી જગ્યાએ ઝીલ બને છે. સારો વરસાદ થાય તો આ વિસ્તારની ઝીલ છલકાઈ જાય છે. શિયાળા સુધીમાં આ પાણી જમીનમાં ઊતરી જાય છે. ઉનાળો આવે ત્યાં તો ઝીલ સૂકી થઈ જાય છે. પાણીની જરૃરિયાત આ સમયગાળા દરમિયાન જ વધુ હોય છે. તેથી માલધારીઓ માર્ચ મહિના પછી ઝીલમાં વીરડા ખોદવાનું શરૃ કરી દે છે.
ઝીલ અને વીરડા બનાવવાનું કામ સામૂહિક ભાગીદારીનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વીરડા બનાવવાની સામૂહિક કામગીરીને ‘આબથ’ તરીકે ઓળખાય છે. કોઈ એક પરિવારને જો ઝીલને સરખી કરવી હોય કે વીરડો બનાવવો હોય તો આસપાસના લોકો મદદ કરવા આવી પહોંચે છે. તેમનું જમવાનું કે ચા – નાસ્તાની વ્યવસ્થા યજમાન પરિવાર કરે છે. આખી વાંઢના અને આસપાસની વાંઢના અંદાજે ૬૦થી ૭૦ લોકો એકત્ર થાય છે. આ લોકો એકીસાથે ૨-૪ વીરડા ગાળવા માટે મહેનત કરે છે.
બન્ની વિસ્તારની માટી ખૂબ પોચી હોય છે. જો વ્યવસ્થિત રીતે ન ખોદાય તો માટી ધસી પડે છે અને ખોદેલો વીરડો પાછો બૂરાઈ શકે છે. પાંચ-સાત લોકો ઝીલમાં ઊતરીને વીરડો ખોદતા જાય, અમુક લોકો અધવચ્ચે અને અમુક ઉપર ઊભા રહે, ખોદાયેલી માટી હાથોહાથ એકબીજાને આપીને ઉપર પહોંચાડાય અને ઝીલના કિનારા પર તેનો ઢગલો કરાય. ૧૦-૧૫ ફૂટ વીરડો ગળાય ત્યાં તો તેમાં પાણી આવવા લાગે, માટી ફસકીને ફરી તેમાં પડે નહીં તે માટે લાકડાં અને ઘાસની આડશ ઊભી કરવામાં આવે છે. ખીજડા, બાવળ, કેરના ઝાડનું લાકડું વપરાય છે. આ લાકડાં ૫૦ વર્ષથી વધુ સમય સડતાં નથી. ઘાસના કારણે પાણી ફિલ્ટર થઈને આવે છે.
વહેલી સવારથી ચાલુ થયેલું કામ મોડી સાંજ સુધીમાં પૂરું થઈ જાય છે અને બીજા દિવસે સવારે તો પશુઓને પીવા માટેના અવાડા સહેલાઈથી ભરી શકાય તેટલું પાણી ભેગું થાય છે. વીરડામાં એકઠું થયેલું પાણી નાના ચામડાના કોસ (સ્થાનિક ભાષામાં તેને ચરાઈ તરીકે ઓળખાય છે)થી સિંચીને પશુઓને પીવા માટે અવાડા ભરાય છે.
બન્નીના માલધારી અગ્રણી હાજી ગુલ મોહમ્મદ હાલેપોત્રા જણાવે છે, ‘પહેલાંના જમાનામાં જ્યારે પાઇપલાઇનથી પાણી ગામેગામ પહોંચાડવાની વ્યવસ્થા ન હતી ત્યારે ઝીલ જ બન્નીનો આધાર હતી. ઝીલનું કેે વીરડાનું પાણી એકદમ શુદ્ધ હોય છે, આજના જમાનાના ફિલ્ટરના પાણીને પણ ટક્કર મારે તેવું આ પાણી હોય છે. અમારા વિસ્તારમાં ૨૦૦-૩૦૦ વર્ષ જૂની ઝીલ અને વીરડા છે. આ પાણી પીવાથી કોઈ પણ રોગ થતાં નથી. પથરી કે ચામડીના રોગ કે તાવ- શરદી જેવા રોગ આ પાણી પીનારા લોકોથી દૂર રહે છે.’
વીરડામાં એકીસાથે ૧૦૦ ચરાઈ ભરાય તેટલું પાણી હોય છે. એક ચરાઈમાં અંદાજે ૨૦ લિટર જેટલું પાણી સમાય છે. અવાડા ભરવા માટે એક વીરડાનું પાણી ખલાસ થયે બીજા વીરડાનું પાણી વપરાય છે. પાણી ખાલી થયાના બે કલાકમાં તો ફરી ૮૦ ચરાઈ જેટલું પાણી વીરડામાં ભેગું થઈ જાય છે. પશુ વગડામાંથી ચરીને સાંજે પરત આવે તે સમયે અવાડા ભરી રખાય છે અને ખાલી થયેલા વીરડા સવારના ફરી ભરાઈ જાય છે. આમ પાણીની ખેંચ પડતી નથી.
જોકે આ વ્યવસ્થા થોડો ઘણો વરસાદ પડ્યો હોય ત્યારે સુપેરે ચાલે છે, પરંતુ દુષ્કાળ અને તેમાં પણ જો ઉપરાઉપરી બે-ત્રણ વર્ષ દુષ્કાળ પડે તો ખોરવાઈ જાય છે. આ અંગે રમેશ ભટ્ટી જણાવે છે કે, ‘એકાદ વર્ષ સારો વરસાદ પડ્યો હોય તો જમીનમાં ઊતરેલું પાણી બે વર્ષ સહેલાઈથી ચાલી જાય છે, પરંતુ ત્રીજા વર્ષે મુશ્કેલી શરૃ થાય છે. વીરડાનું પાણી ઊંડું ઊતરી જાય છે અને તે ખારું હોય છે, પીવાલાયક રહેતું નથી. આમ પણ દુષ્કાળના બીજા કે ત્રીજા વર્ષે તો સીમનું ઘાસ પણ ખલાસ થઈ જવાથી પશુઓને જીવાડવા માટે માલધારીઓને હિજરત કરવી જ પડે છે. આથી વીરડાનો ઉપયોગ તેવા સમયે થતો નથી. ફરી વરસાદ આવે ઝીલમાં નવું, તાજું પાણી ભરાય છે અને વીરડા રિચાર્જ થઈ જાય છે.’
સહજીવન સંસ્થાએ ૪ વર્ષ પહેલાં કરેલા સરવેમાં બન્નીમાં ૨૫૫ ઝીલ હતી. એક વાંઢમાં ૫થી ૧૦ ઝીલ હોઈ શકે. આજે ૨૫૫ પૈકીની માત્ર ૧૦૦ ઝીલ જ વપરાય છે. બાકીની અવાવરું થઈ ગઈ છે. તેને પુનર્જીવિત કરવાનું કામ હાથ ધરાયું છે. બન્નીના બેરડો, લાખાબો, ઝમરીવાંઢ, નાની દદ્ધર, મીસરિયાડો જેવા ગામોમાં વીરડા ગાળવા આબથ કરવામાં આવે છે. તેમ જ હોડકો, સાડઇ, ડુમાડો, મહેરઅલીવાંઢ ગામોમાં પણ ઝીલ હયાત છે. જ્યારે આથમણી બન્નીનાં તમામ ગામોમાં ઝીલ હતી, પરંતુ આજે આ વ્યવસ્થા વિસરાઈ ગઈ છે.
જે ગામોમાં ઝીલ અને વીરડાની વ્યવસ્થા જીવંત છે તે ગામોને પાઈપલાઈનના પાણી ઉપર આધાર રાખવો પડતો નથી. કચ્છમાં પાઇપલાઇન દ્વારા આવતું પાણી નિયમિત રીતે અનિયમિત હોય છે. વારંવાર લાઈન તૂટી જવી, નર્મદાનું પાણી ન મળવું જેવા કારણોસર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આવે સમયે અન્યત્ર પાણીની મુશ્કેલી સર્જાય છે, પરંતુ ઝીલની વ્યવસ્થાવાળા ગામ કે વાંઢમાં તંગી રહેતી નથી. સ્વાદમાં મીઠા એવા સ્વાસ્થ્યપ્રદ પાણી માટે મૃત બનેલી ઝીલોને પુનર્જીવિત કરવાની જરૃર છે.
———————————