તમારા માટે, તમારી સાથે, સતત…

હેલો એવરીવન, આઇ એમ યોર વ્યોમમિત્ર…

વ્યોમમિત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટૅક્નોલોજીથી સજજ છે.

0 175
  • વિજ્ઞાન – નિલેશ કવૈયા

હોલિવૂડના જાણીતા ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાનની સાયન્સ ફિક્શન ફિલ્મ ઇન્ટરસ્ટેલર ૨૦૧૪માં રજૂ થઈ ત્યારે દુનિયાભરમાં તહેલકો મચાવ્યો હતો. જેમાં ટાર્સ (્છઇજી) નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રૉબોટિક ટૅક્નોલોજીથી સજજ કમ્પ્યુટર સિસ્ટમ બતાવાઈ હતી, જે અંતરિક્ષના પ્રવાસે જનારા અંતરિક્ષયાત્રીઓ સાથે વાત કરે છે, તેમને મદદ કરે છે અને ઇમર્જન્સીમાં તેમનો જીવ પણ બચાવે છે.

Related Posts
1 of 142

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેટેલાઇટ લોન્ચિંગ સહિત અંતરિક્ષમાં મોટી હરણફાળ ભરનાર ઇસરોએ તેનું ગગનયાન મિશન લોન્ચ કરવાની તડામાર તૈયારીઓ શરૃ કરી છે. અંતરિક્ષયાત્રીને સ્પેસમાં મોકલતા પહેલાં ઇસરો બે માનવરહિત મિશન લોન્ચ કરશે. પહેલું મિશન ડિસેમ્બર, ૨૦૨૦માં લોન્ચ થશે. જેમાં મહિલા રૉબોટ વ્યોમમિત્ર ગગનયાનમાં બેસીને અંતરિક્ષમાં જશે. તે પછી બીજું માનવરહિત મિશન ૨૦૨૧ના જૂન અથવા જુલાઈમાં થશે. વ્યોમમિત્ર (સ્પેસફ્રેન્ડ) એક હાફ હ્યુમનોઇડ મહિલા રૉબોટ છે. હાફ હ્યુમનોઇડ એટલા માટે કે તેમાં ચહેરો અને હાથ છે, પરંતુ પગ નથી.ઇન્ટરસ્ટેલર ફિલ્મમાં ટાર્સ હ્યુમનોઇડ નથી, પરંતુ અનેક પ્રકારની ક્ષમતા ધરાવતી રૉબોટિક સિસ્ટમ છે. એક રીતે કહીએ તો વ્યોમમિત્ર ઇન્ટરસ્ટેલર ફિલ્મમાં દર્શાવાયેલી સિસ્ટમનું બેઝિક વર્ઝન છે. હ્યુમનોઇડ એટલે રૉબોટ અને માનવીનું સંયોજન. આ રૉબોટનો દેખાવ માનવી જેવો હોય છે. તે માનવીની જેમ હલનચલન કરે છે, બોલે છે અને પ્રતિભાવ પણ આપે છે.

અંતરિક્ષયાત્રીને મોકલતા પહેલાં હ્યુમનોઇડ મોકલવાનું એક ખાસ કારણ છે. વ્યોમમિત્ર દ્વારા ઇસરોને એ જાણકારી મળશે કે અંતરિક્ષમાં માનવીના શરીર પર કેવા ફેરફારો થાય છે. વ્યોમમિત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટૅક્નોલોજીથી સજજ છે. વિવિધ જાણકારી મેળવવા માટે તેમાં ખાસ પ્રકારના સેન્સર્સ અને ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. વ્યોમમિત્ર દ્વારા ઇસરો તેની માનવીને અંતરિક્ષમાં મોકલવાની ક્ષમતાની પણ ચકાસણી કરી લેશે. ગગનયાનમાં કોઈ ખામી હશે તો તેની પણ જાણકારી વ્યોમમિત્ર દ્વારા મળી જશે. વ્યોમમિત્રનું મિશન સફળ થયા બાદ ઇસરો ૨૦૨૨માં ત્રણ અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ સાત દિવસ ગગનયાનમાં ચક્કર લગાવ્યા બાદ અંતરિક્ષયાત્રીઓ પરત ફરશે. ઇસરોના ચૅરમેન ડૉ. કે. શિવનના જણાવ્યા મુજબ આ માટે ઍરફોર્સમાંથી ચાર ભાવિ અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરી લેવામાં આવી છે. જોકે હાલ તેમના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેમને ૧૧ મહિનાની ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે.રશિયાને પણ અમેરિકાની જેમ માનવીને સ્પેસમાં મોકલવાનો લાંબો અનુભવ છે. રશિયાથી પરત ફર્યા બાદ તેઓ ભારતમાં ક્રુ મોડ્યુલની ટ્રેનિંગ લેશે. બેંગ્લુરુમાં ઇસરોનું હેડકવાર્ટર છે તેથી ટ્રેનિંગ તેની નજીકના ચલકેરામાં થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ‘ને રશિયાએ માનવીને અંતરિક્ષમાં મોકલતા પહેલાં પ્રાણીઓને મોકલ્યા હતા. કેમ કે તે વખતે ટૅક્નોલોજી આટલી એડવાન્સ્ડ ન હતી. આજે રૉબોટની મદદથી તમામ ટેસ્ટિંગ કરી શકાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ ગૂગલ, એલેક્સા, સીરી, કોર્ટના જેવા વોઇસ આસિસ્ટન્ટની મદદથી આજે માણસ જેવા અનેક પ્રકારના કામ કરતાં રૉબોટ બનાવવાનું આસાન બન્યું છે. વ્યોમમિત્રને અંતરિક્ષમાં મોકલવાનો પ્રયોગ કેટલો સફળ થશે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ ઇસરોના વિજ્ઞાનીઓ તે માટે ભારે ઉત્સાહી અને આશાવાદી છે. વ્યોમમિત્રના સેન્સર્સ ગગનયાનના કેમેરા, સ્પીકર, માઇક્રોફોન, નેવિગેશન સિસ્ટમ બરોબર કામ કરે છે કે કેમ તેની ચકાસણી કરશે. પ્રથમ મિશનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો તેને દૂર કરી શકાશે.જેથી જ્યારે પાવરફુલ જીએસએલવી મેક -૩ રૉકેટ દ્વારા અંતરિક્ષયાત્રીઓને મોકલવામાં આવે અને તેમને સહીસલામત પૃથ્વી પર પાછા લાવવામાં આવે ત્યારે ત્યારે ભૂલ થવાની કોઈ શક્યતા ન રહે. આ રૉકેટને ફુલપ્રૂફ બનાવવા વિજ્ઞાનીઓ કોઈ કસર છોડવા માગતા નથી.અંતરિક્ષયાત્રીઓ પરત ફરશે તે ક્રુ મોડ્યુલનું પણ હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પ્રથમ મિશન અગાઉ ઇસરો તેને અંતરિક્ષમાં મોકલીને સફળતાપૂર્વક પાછા લાવવાના પણ પ્રયોગો હાથ ધરશે. વ્યોમમિત્રને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની રૉબોટિક્સ લેબોરેટરીમાં બનાવવામાં આવી છે. ઇસરોને તેના સ્પેસ મિશન માટેના રૉબોટિક્સનો પણ સારો એવો અનુભવ છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં લોન્ચ થયેલા ચંદ્રયાન-૨ મિશનના વિક્રમ લેન્ડરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મુખ્ય ભૂમિકા હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ રૉબોનોટને અંતરિક્ષમાં મોકલ્યો હતો.ત્યાર બાદ ૨૦૧૩માં જાપાને કિરોબો નામના રૉબોટને અને ૨૦૧૯માં રશિયાએ ફેડોર નામના રૉબોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યો હતો.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »