તમારા માટે, તમારી સાથે, સતત…

૨૧મી સદીનો અભિશાપ કોરોના વાઇરસ

આજની પરિસ્થિતિમાં પણ જ્યારે ચીને તેનાં અસંખ્ય શહેરોને સીલ કર્યાં છે

0 255
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

કોરોના વાઇરસનો ચેપ જે ઝડપથી વિશ્વના દેશોમાં અને વ્યક્તિઓમાં ફેલાઈ રહ્યો છે એ સ્થિતિ અને સંજોગોમાં આ વાઇરસના અસરગ્રસ્ત દર્દીઓ અને તેનાથી થયેલાં મૃત્યુના આંકડા સવાર-સાંજ બદલાતા રહે છે. કોઈ આંક અંતિમ નથી. સંખ્યામાં અવિરત વધારો થતો જાય છે અને જ્યાં સુધી આ વૃદ્ધિ ચાલુ રહે ત્યાં સુધી આ વાઇરસથી થતાં રોગને નિયંત્રિત કરાયાનો દાવો થઈ શકે તેમ નથી. ચીનની વ્યવસ્થા અને તંત્ર ઘણી બધી બાબતોમાં રહસ્યમય છે. એટલે તેના દાવાઓ પર વિશ્વ જલ્દી વિશ્વાસ કરતું નથી, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના મામલામાં ચીન અસાધારણ રીતે વિશ્વના દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) સાથે સહકારથી વર્તી રહ્યું છે. ૨૦૦૨ની સાલમાં સાર્સ નામનો વાઇરસ પણ ચીનથી જ ફેલાયો હતો, પરંતુ એ વખતે ચીનની સરકાર લાંબો સમય ઇનકાર કરતી રહી હતી. પરિણામ એ આવ્યું કે બહુ ઝડપથી એ વાઇરસ ૩૪ દેશોમાં ફેલાઈ ગયો હતો અને તેનો મૃત્યુઆંક આઠસોની આસપાસ પહોંચી ગયો હતો. કોરોના વાઇરસનું સંક્રમણ ઉજાગર થયે ત્રણેક સપ્તાહનો સમય થયો છે અને ચીને તેના નિયંત્રણ માટે જે ઝડપથી આક્રમક પગલાંઓ લીધાં છે એ જોતાં જો આમ ન થયું હોત તો અત્યાર સુધીમાં આ વાઇરસે સમગ્ર વિશ્વને ભરડો લઈ લીધો હોત.

Related Posts
1 of 262

આજની પરિસ્થિતિમાં પણ જ્યારે ચીને તેનાં અસંખ્ય શહેરોને સીલ કર્યાં છે અને હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી છે ત્યારે પણ આ વાઇરસના ભરડામાં વધુ ને વધુ દેશો અને નાગરિકો સપડાતા રહે છે. મૃત્યુઆંક સતત વધતો જાય છે. પશુ-પ્રાણીઓમાંથી સંક્રમિત થતાં આવા વાઇરસના રોગ અને નિદાનમાં, તેની પહેચાનમાં સમય લાગે છે અને ત્યાં સુધીમાં દર્દી મૃત્યુના સકંજામાં આવી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અત્યંત સાવચેત બની અને ચીન પાસેથી વિગતો માગી ત્યારે ચીને અથથી અત્યાર સુધીની વિગતો આપી અને સતત તેના સંપર્કમાં રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તાકીદની અનેક બેઠકોમાં સતત સમીક્ષા પછી પણ કોરોના વાઇરસના સંક્રમણની દહેશત અંગે આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનું મુનાસિબ માન્યું નથી. કોરોના વાઇરસને હજુ ૨૦૦૨ના સાર્સ જેટલો ખતરનાક કે ગંભીર ગણવામાં આવ્યો નથી. બની શકે કે આ તારણ પ્રારંભિક હોય અને તેમાં બદલાવ કરવો પણ પડે. ચીનનાં શહેરોમાં જે કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે તેનાથી જનજીવન પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે, કારણ કે લોકોની અવર-જવર અને ખરીદ-વેચાણ, ખાન-પાન અને સ્વચ્છતા સહિતના તમામ ક્રિયાકલાપો નિયંત્રિત થઈ ગયા છે. ચીનની એકહથ્થુ સામ્યવાદી શાસન પ્રણાલીમાં એ શક્ય બની શકે છે. લોકતાંત્રિક દેશોમાં તો શહેરોને સીલ કરવાની કલ્પના થઈ શકતી નથી. જોકે નિષ્ણાતો એવું કહે છે કે આવા ઉપાયો પણ વાઇરસના ફેલાવાને રોકવામાં અસરકારક નિવડતા નથી.

વિશ્વના દેશો એકબીજા સાથે એટલી હદે જોડાયેલા છે કે આજની વિશ્વ વ્યવસ્થામાં આવા પ્રકારના સંકટથી અન્ય દેશો અલિપ્ત રહી શકતા નથી. આ લખાય છે ત્યાં સુધીમાં કોરોના વાઇરસ એક ડઝન જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યા છે. તેમાં અમેરિકા અને યુરોપ પણ સામેલ છે. અમેરિકામાં આ વાઇરસના સંક્રમણથી પીડિત બે દર્દીઓની સારવાર રૉબોટ દ્વારા કરવામાં આવી રહી છે. આજે જેને કોરોના વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે એવો આ એક જ વાઇરસ નથી. અત્યાર સુધી પાંચ કોરોના વાઇરસની ઓળખ કરવામાં આવી હતી. જેમાં સાર્સ, મર્સ વગેરેનો પણ સમાવેશ થાય છે. અત્યારે જેનું સંક્રમણ થઈ રહ્યું છે એ છઠ્ઠા પ્રકારનો કોરોના વાઇરસ છે અને તેને અંતિમ માની શકાય તેમ નથી. તેને ઝૂનોટિક વાઇરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પ્રાણી દ્વારા માનવમાં ફેલાય છે. હાલનો કોરોના વાઇરસ સી ફૂડ કે સાપમાંથી આવ્યો હોવાનું કહેવાય છે. તેની ચોક્સાઈ હજુ બાકી છે. માનવ શરીર માટે આ બધા વાઇરસ નવા હોવાથી તેની સારવાર માટે તબીબી ક્ષેત્રમાં તત્કાલ કોઈ કારગત દવા ઉપલબ્ધ હોતી નથી. આવા વાઇરસથી ઝડપભેર મૃત્યુ થવાનું આ પણ એક કારણ છે. તબીબી નિષ્ણાતો તેની સારવાર માટે દવાઓનો કોઈ ચોક્કસ કોર્સ નક્કી કરે તેમાં સમય લાગે છે. મનુષ્યમાં અત્યાર સુધીમાં પશુ-પ્રાણીમાંથી સંક્રમિત થયેલા આવા વાઇરસોને નિયંત્રણમાં લેવાયા હોય તો પણ તેને નાબૂદ કરી શકાયા નથી અને એટલે જ સાર્સ, મર્સ કે ઇબોલા સહિતના વાઇરસ ગમે ત્યારે ફરી બેકાબૂ બનીને માનવજાત સામે જોખમ ખડું કરી શકે છે. આ તમામ વાઇરસ ફરી ત્રાટકે છે ત્યારે વધુ શક્તિશાળી બનીને આવે છે અને તેની પ્રતિકાર ક્ષમતા વધેલી હોય છે એટલે દવાઓને જલ્દી દાદ આપતા નથી. માનવીના આહારમાં બિન-શાકાહારી અને સી-ફૂડ પ્રકારના ભોજનમાં વૃદ્ધિ થઈ રહી છે. માંસાહારી વાનગીઓની બનાવટની પ્રક્રિયા અને તેને આરોગવાલાયક બનાવવા માટેનાં ચુસ્ત ધોરણો હોય એવું કશું ધ્યાનમાં નથી. એ સ્થિતિમાં આવા અવનવા વાઇરસ ભવિષ્યમાં પણ માનવજાત સામે ખતરો પેદા કરતા રહેશે. આપણી આરોગ્ય સેવાઓનો વ્યાપ અને તેનાં ધોરણો એટલાં કથળેલાં છે કે આવા સંક્રમણ રોગો સામે સારવાર બહુ મુશ્કેલ બની રહે છે. ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ, નિપા વાઇરસ, જાપાની તાવ જેવા રોગો સામે ભારતમાં હજુ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી. ત્યાં વૈશ્વિક સ્તરે એક નવા કોરોના વાઇરસે જોખમ ઊભું કર્યું છે. જ્યાંથી આ વાઇરસ ફેલાયો છે ત્યાં ભારતના બારસો જેટલા વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ સંક્રમણથી બચીને સ્વદેશ પાછા આવે તે માટેની આપણી ચિંતા છે.

આ પ્રકારના વાઇરસના સંક્રમણ કોઈ એકાદ દેશની નહીં તો સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થાને અસર કરે છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે વૈશ્વિક અર્થ વ્યવસ્થાને સાડા ત્રણ લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. તેમાં વધારો પણ થઈ શકે છે. કેમ કે વુહાન શહેર ચીનના આર્થિક રીતે મહત્ત્વનાં શહેરોમાં ગણાય છે. ત્યાં મોટા પાયે વિદેશી રોકાણ થયેલું છે અને મોટા ઔદ્યોગિક સંકુલો નિર્માણ થયેલાં છે. ચીનના અર્થતંત્રમાં તેનું મોટું પ્રદાન છે. તેને સીલ કરવાનો નિર્ણય ચીન માટે પણ મુશ્કેલ બન્યો હશે. ગુજરાત જેવા રાજ્યને અને રાજ્યના સુરત જેવા શહેરને ચીનનાં નિયંત્રણોને કારણે આર્થિક, ઔદ્યોગિક રીતે ફટકો પડી રહ્યો છે, ત્યારે ભારત સહિત વિશ્વના દેશોનાં અર્થતંત્ર પર તેની વિપરીત અસરનો અંદાજ મેળવવામાં સમય લાગશે. ઉદ્યોગ-વ્યવસાય ક્ષેત્રના લોકો તેના વિકલ્પ વિચારવા લાગે એ સ્વાભાવિક છે. કેમ કે આ વાઇરસના સંક્રમણની લાંબાગાળાની અસરો નિહાળ્યા પછી અને સ્વાસ્થ્ય સુરક્ષાની ચોક્સાઈ થયા પછી જ ચીન સાથેના વ્યવહારમાં આગળ વધી શકાશે. ૨૧મી સદીના માત્ર બે દાયકામાં જ આવા વાઇરસો આક્રમક અને સંક્રમણ બની રહ્યા છે, ત્યારે ભવિષ્યના દાયકાઓ આરોગ્યની દૃષ્ટિએ પણ ઓછા પડકારજનક નહીં જ હોય.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »