તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છમાં વર્ષોથી રહેતી પાકિસ્તાની મહિલાઓમાં ચિંતાનો માહોલ

ભારતમાં નાગરિકતા સુધાર કાયદો બનવાથી પાકિસ્તાનથી આવેલા હિંદુઓમાં આનંદની લાગણી વ્યાપી છે

0 231
  • ફેમિલી ઝોન – સુચિતા બોઘાણી કનર

પાકિસ્તાનથી પરણીને ભારત આવેલી અનેક મુસ્લિમ મહિલાઓ પાસે આજે નથી ભારતની કે પાકિસ્તાની નાગરિકતા, નથી બેમાંથી એક પણ દેશનો પાસપોર્ટ. તેઓ રહે છે કાં તો લોંગ ટર્મ વિઝા પર અથવા રેસિડેન્ટ પરમિટના આધારે. કાયદેસર રીતે ભારત આવેલી અને સાત કે વધુ વર્ષોથી રહેતી, ભારતીય નાગરિકોને પરણેલી મહિલાઓને ભારતીય નાગરિકતા આપવાની માગણી જોર પકડી રહી છે.

ભારતમાં નાગરિકતા સુધાર કાયદો બનવાથી પાકિસ્તાનથી આવેલા હિંદુઓમાં આનંદની લાગણી વ્યાપી છે ત્યારે પાકિસ્તાનથી ભારતીય નાગરિકને પરણીને કાયદેસર રીતે વર્ષોથી ભારતમાં આવેલી મહિલાઓ અને તેના પરિવારજનોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. આ કાયદાના કારણે પોતાનાં પતિ, સંતાનો, સાસરિયાં સહિતનો પરિવાર, પોતાનો દેશ છોડવો તો પડશે નહીં ને તેવી દહેશત સાથે આ મહિલાઓ જિંદગી વ્યતીત કરી રહી છે. વર્ષોથી ભારતમાં રહેતી અનેક પાકિસ્તાની મહિલાઓ પાસે ભારતીય નાગરિકતા તો છે જ નહીં, પરંતુ તેમની પાસે નથી પાકિસ્તાની નાગરિકતા, નથી બંનેમાંથી એક પણ દેશના પાસપોર્ટ કે અન્ય કોઈ આધાર- પુરાવા. કચ્છમાં અત્યાર સુધી ૬૦૦થી વધુ મહિલાઓ પાસે ભારતીય નાગરિકતા ન હતી. જોકે છેલ્લા થોડા સમયમાં તેમાંથી ૩૦૦ જેટલી મહિલાઓને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે. બાકીની મહિલાઓની ફાઇલો વર્ષોથી તંત્રની તુમારશાહીમાં અટવાયેલી છે. આ મહિલાઓને સત્વરે નાગરિકતા આપવાની માગ ઊઠી છે.

આ મહિલાઓ પૈકીની અમુક મહિલાઓ તો ૮૦ વર્ષ આસપાસની ઉંમરની પણ છે. જે બહુ જ નાનપણમાં ભારતમાં આવી ગઈ હતી, પરંતુ હજુ સુધી તેમને દેશની નાગરિકતા મળી નથી. તો મોટા ભાગની મહિલાઓ એવી છે, જેમણે ૨૦-૨૨ વર્ષની ઉંમરમાં ભારતીય નાગરિકને પરણીને પોતાનું પિયર- પાકિસ્તાન છોડ્યું, પરંતુ આજે ૩૦-૪૦ વર્ષથી તે ત્યાં ક્યારેય જઈ શકી નથી. માતાપિતા કે અન્ય સગાંસંબંધીઓના મોઢા પણ તે આખરી સમયે સુદ્ધાં જોઈ શકી નથી. જો તેમની પાસે ભારતીય નાગરિકતા હોત તો તેઓ અન્ય લોકોની જેમ જ પાકિસ્તાન જઈને સગાંઓને મળી શકત. ભારતીય બંધારણ મુજબ સતત સાત વર્ષથી ભારતમાં રહેતી વ્યક્તિઓને ભારતીય નાગરિકત્વ આપવું પડે, પરંતુ આજે વર્ષોના વર્ષથી ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલાઓને નાગરિકત્વ મળ્યું નથી.

Related Posts
1 of 289

આ મહિલાઓને બનતી ત્વરાએ ભારતીય નાગરિકતા મળે તે માટે પ્રયત્નશીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના લઘુમતી વિભાગના વાઇસ ચૅરમેન જુમા ઇશા નોડેએ જણાવ્યું હતું કે, ‘આઝાદી પહેલાં કચ્છની જેમ જ સિંધ- કરાચી ભારતનો ભાગ હતો. બંને પ્રદેશોના લોકો વચ્ચે લોહીના સંબંધો છે. આઝાદી પછી ભાગલા થયા પરંતુ તેમની વચ્ચેનો લગ્ન વ્યવહાર પહેલાંની જેમ જ ચાલે છે. આથી જ ભારતમાં જન્મેલી દીકરી પરણીને પાકિસ્તાન જાય અને ત્યાં જન્મેલી દીકરી વહુ બનીને ભારત આવે તે સ્વાભાવિક છે. ભુજ, અબડાસા, લખપત, નખત્રાણા તાલુકામાં વસતા મુસ્લિમ પરિવારોનો સિંધ સાથે વધુ સંબંધ છે જ્યારે મુન્દ્રા અને માંડવીમાં થોડાક પરિવારો વસે છે. પૂર્વ કચ્છમાં પાકિસ્તાન સાથે લગ્ન વ્યવહારથી જોડાયેલા હોય તેવા પરિવારો ખૂબ ઓછા છે. લગ્ન કરીને ભારત આવતી મહિલાઓ કાયદેસર રીતે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, નિકાહનામા, પાસપોર્ટ, વિઝા વગેરે તમામ કાયદાકીય ડોક્યુમેન્ટ સાથે આવે છે, પરંતુ વર્ષોના વસવાટ પછી તેમના પાસપોર્ટની મુદત, પહેલી વખત મેળવેલા વિઝાની મુદત પૂરી થઈ જાય પછી તેઓ લોંગ ટર્મ વિઝા પર અથવા રેસિડેન્ટ પરમિટ પર રહે છે. દિલ્હી ખાતેની પાકિસ્તાન એમ્બેસી તેમનો પાસપોર્ટ રિન્યુ કરવા કે અમુક કિસ્સામાં જરૃરી હોય ત્યારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં અખાડા કરે છે. કચ્છના સાવ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી, ખૂબ ઓછું ભણેલી કે નિરક્ષર મહિલા અને તેના પરિવારજનો વધુ મુશ્કેલીમાં મુકાય છે. કચ્છની અમુક મહિલાઓની નાગરિકતા માટેની ફાઇલો કલેક્ટર અથવા એસ.પી. કચેરીમાં પણ પેન્ડિંગ પડી છે. આઝાદી પછી કચ્છમાં અંદાજે ૭થી ૮ હજાર પાકિસ્તાની મહિલાઓ પરણીને કચ્છમાં આવી છે.’

ભારતના આધાર કાર્ડ જેવું જ પાકિસ્તાનનું એક કાર્ડ (સામાન્ય બોલચાલની ભાષામાં તેને સનાતી કાર્ડ કહેવાય છે) હોય છે. આ કાર્ડ પણ દર પાંચ વર્ષે રિન્યુ કરાવવું પડે છે. ભારતમાં રહેતી પાકિસ્તાની મહિલાઓને આ કાર્ડ રિન્યુ કરાવવા માટે પાકિસ્તાન જવું પડે. તે માટે નોરિ વિઝાની જરૃર પડે. જો આ વિઝા મળે અને તે જેટલો સમય પાકિસ્તાનમાં રહી આવે તેટલો સમય ૭ વર્ષમાંથી ઓછો થયેલો ગણાય, ત્યાર પછી તે સતત સાત વર્ષ ભારતમાં રહે તે પછી કલેક્ટર પાસે તેની ફાઇલ મોકલાય અને ત્યાંથી તેને રેસિડેન્ટ પરમિટ અપાય. જેમાં તેની તમામ વિગતો હોય છે. જેવી કે તે ક્યાંથી, ક્યા રસ્તે, ક્યા વાહનથી ભારત આવી, કઈ જગ્યાએ રહે છે, કેટલા સમયથી ત્યાં રહે છે વગેરે તમામ વિગતો તેમાં હોય છે.

ભુજમાં રહેતી ૬૨ વર્ષની ફાતમાબાઈ ઇસાક ઘાંચી નામની વૃદ્ધા હૉસ્પિટલના બિછાનેથી ગળગળી થઈને વાત કરતાં જણાવે છે કે, ‘હું ૧૯૭૮માં ભારત આવી છું. મારાં લગ્ન થયાં ત્યારે મારી ઉંમર ૨૦ વર્ષની હતી. પાસપોર્ટ, વિઝા વગેરે તમામ કાગળિયા સાથે હું અહીં આવી હતી, પરંતુ મારો મૂળ પાસપોર્ટ હું આવી ત્યારે જ મારી પાસેથી સરકારી અધિકારીઓએ લઈ લીધો હતો. તેમણે તે લીધો છે તેની રસીદ આજે પણ મારી પાસે છે. તે સમયે મેં પાકિસ્તાન છોડ્યું પછી ક્યારેય મારાં મા-બાપ કે ભાઈઓને મળી નથી. ૪૦ વર્ષના ગાળામાં મારાં માતા-પિતા, ભાઈ વગેરે ગુજરી ગયા, પરંતુ હું તેમના છેલ્લાં દર્શન પણ કરી ન શકી. મારી આખરી ઇચ્છા એકવાર પાકિસ્તાન જઈને મારા હયાત સગાંઓને મળવાની છે. તે પૂરી થશે કે કેમ તેનો કોઈ ખ્યાલ નથી. મારા નાગરિકત્વ માટેની ફાઇલ સરકારી ખાતાઓને મોકલાઈ છે, પરંતુ તે આગળ વધતી નથી. સરકાર અમને વહેલી તકે નાગરિકત્વ આપે તો મારી જેવી મહિલાઓના આખરી દિવસો કંઈક રાહતભર્યા થશે.’

અન્ય એક ૩૫ વર્ષીય મહિલા જુલેખાબહેન હુસેન ઘાંચી જણાવે છે કે, ‘હું ૧૯૮૬માં લગ્ન કરીને ભારત આવી છું. મારો પાસપોર્ટ રિન્યુ કરવા માટે પાકિસ્તાન એમ્બેસી દાદ દેતી નથી. કહે છે કે, તમારી ફાઇલ મળતી નથી. મારું સનાતી કાર્ડ પણ રીન્યુ થયું નથી. મારાં મા ગુજરી ગયાં ત્યારે મારે પાકિસ્તાન જવું હતું, પરંતુ જઈ શકી નથી. જ્યાં બાળપણ ગુજાર્યું હોય ત્યાં ફરી જવાની ઇચ્છા તો થાય જ ને? પરંતુ સરકારી કાગળોએ અમને અમારા પિયરથી દૂર કરી નાખ્યા છે. અમે અહીં કાયદેસર જ આવ્યા છીએ. અમને ભારતની નાગરિકતા જોઈએ છે. તે મળવી જોઈએ.’

અબડાસા તાલુકાના નાની વમોટીમાં રહેતા અશીબાઈ ૧૯૬૪માં, તો નખત્રાણાના મુરૃ (ઢોરો) ગામે રહેતા હાજરાબાઈ ૧૯૫૫માં, માંડવી તાલુકાના મોટા સલાયામાં રહેતા ખાતુબાઈ ૧૯૫૬માં, માંડવી તાલુકાના મોટી સાભરાઈના રહિમાબાઈ ૧૯૫૯માં કચ્છમાં આવ્યાં છે. અહીં પતિ અને સંતાનો છે, પરંતુ પોતે હજુ ભારતીય નાગરિકતાની રાહમાં છે. સરકારે આ મહિલાઓને સત્વરે ભારતીય નાગરિક બનાવીને તેમની દ્વિધાનો અંત આણવો જોઈએ.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »