તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વ પર પાંચ દિવસનો શબ્દોત્સવ

સૌરાષ્ટ્ર બુક ફેરની સાથે લિટરેચર ફેસ્ટિવલ તા. રપથી ર૯ દરમિયાન યોજાશે,

0 161
  • પુસ્તક પર્વ – દેવેન્દ્ર જાની

પ્રજાસત્તાક પર્વ તા. ર૬ જાન્યુઆરીનો રાજ્ય કક્ષાનો મહોત્સવ રાજકોટના આંગણે ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૃપે સોનામાં સુગંધ ભળે તેવા શબ્દોત્સવનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ કોર્પોરેશનના સહયોગથી  કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર બુક ફેરની સાથે લિટરેચર ફેસ્ટિવલ તા. રપથી ર૯ દરમિયાન યોજાશે, જેની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.

Related Posts
1 of 142

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પહેલી વાર પાંચ દિવસના સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ અને બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શબ્દોત્સવને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ આ વર્ષે ફરી રાજકોટના આંગણે આવું આયોજન કરવામાં આવ્યું છે. શબ્દોના સાધકોનું મન મોહી લે તેવા અનેકવિધ કાર્યક્રમો પાંચ દિવસ દરમિયાન યોજાશે. પુસ્તક મેળામાં રરપથી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ૧પ૦થી વધુ જાણીતા પ્રકાશકોનાં પુસ્તકો ઉપલબ્ધ થશે. યુવા વર્ગને કેન્દ્રમાં રાખીને આ વર્ષે ઉદ્યોગ સાહસિકતા પર ભાર મૂકતા કાર્યક્રમોનંુ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી યુવાનોને ભવિષ્યમાં પોતાના બળે કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો તેને ખૂબ ઉપયોગી બને.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડૉ. વિજય દેસાણી, સિન્ડિકેટ સભ્ય અને પ્રોજેક્ટ કો – ઓર્ડિનેટર મેહુલભાઈ રૃપાણીના માર્ગદર્શન હેઠળ વર્ષ ર૦ર૦ના આ શબ્દોત્સવનંુ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ કોર્પોરેશનના મેયરના માર્ગદર્શન હેઠળ ટીમ પણ સમગ્ર આયોજનની સફળતા માટે સહયોગ આપી રહી છે. રાજકોટની વિખ્યાત ડી.એચ. કૉલેજના વિશાળ ગ્રાઉન્ડમાં તા. રપથી ર૯ જાન્યુઆરી દરમિયાન પાંચ દિવસ રાજ્યના જાણીતા લેખકો, સાહિત્યકારો, પત્રકારો, કલાકારો અને ઉદ્યોગકારો મળી સિત્તેરથી વધુ મહાનુભાવો વિચાર મંથન કરવા આવી રહ્યા છે. તા. રપ જાન્યુઆરીએ બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્દઘાટન જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૃપાણીની ઉપસ્થિતિમાં થશે. રાષ્ટ્રીય સ્તરે જાણીતા મૉટિવૅશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પણ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે. પુસ્તક મેળાની સાથે વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યાં છે. તેમાં સાહિત્ય વિભાગમાં શબ્દ સંવાદ તરવરાટ સાહિત્ય સંસ્થા અને કિડ્ઝ કોર્નરનો સમાવેશ થાય છે. સાહિત્ય સંધ્યામાં જય વસાવડા, શાહબુદ્દીન રાઠોડ, કાજલ ઓઝા, જગદીશ ત્રિવેદી સહિતના સાહિત્યના ક્ષેત્રના અનેક મહાનુભાવો હાજર રહેશે. આ ઉપરાંત વિશેષ ઉદ્યોગ સાહસિકો માટે ખાસ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં શૂન્યમાંથી સર્જન કરનાર ઉદ્યોગપતિઓ જયંતીભાઈ ચાન્દ્રા, મૌલેશભાઈ ઉકાણી, રામભાઈ મોકરિયા, બિપીનભાઈ હદવાણી, કિરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા સહિતના ઉદ્યોગપતિઓ યુવા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરશે અને તેમને સફળતાના પાઠ શીખવશે. ઉદ્યોગ સાહસિકો માટે સાંજે ૩થી પાંચ અલગ-અલગ ઉદ્યોગપતિઓના સેશન રાખવામાં આવ્યાં છે. કોઈ પુસ્તક મેળામાં આવું આયોજન પહેલી વાર થઈ રહ્યંુ છે.

આ બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલના આયોજકો કંઈક કંઈક હટકે કરવા માગે છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી કરાવતાં ચિત્રો, વૅલકમ ટેબ્લોની સાથે યુવાનોને આકર્ષવા સેલ્ફી પોઇન્ટ, ફૂડ કોર્ટના અલગ ડોમ ઊભા કરવામાં આવશે. બાળકો શોર્ટ ફિલ્મ બનાવતા થાય, બ્લોગ રાઇટિંગથી કરિયર, વન મિનટ ગેઇમ્સ, ક્રિએટિવ ક્રાફ્ટ જેવા વિભાગોનંુ આકર્ષણ ઉમેર્યું છે. રાજકોટની ૬૦૦થી વધુ શાળાઓ, ૧૦૦થી વધુ કૉલેજો અને ર૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને આમંત્રણો અપાયા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સાહિત્ય રસિકો આવશે. પાંચ દિવસના આ આયોજનમાં પાંચ લાખ લોકો આવશે તેવો અંદાજ છે. ઇવેન્ટ કો-ઓર્ડિનેટર નિલેશ સોનીની રાહબરી હેઠળ વિવિધ ટીમ આયોજનને સફળ બનાવવા મહેનત કરી રહી છે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રભક્તિના રંગની સાથે સાહિત્ય અને વાંચનનો અનેરો સંગમ રચાવા જઈ રહ્યો છે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »