તમારા માટે, તમારી સાથે, સતત…

બાળકોનાં મોતનો મલાજો તો જાળવો.. 

ઇન્ફેક્શન સહિતનાં કારણો જવાબદાર હોય છે. કોઈ એક મહિનાના આંકડા લઈને કામગીરીનો અંદાજ બાંધી ન શકાય.

0 100
  • સ્વાસ્થ્ય – દેવેન્દ્ર જાની

રાજસ્થાનના કોટાની સરકારી હૉસ્પિટલમાં માસૂમ બાળકોનાં મોતના મામલે ગેહલોત સરકાર પર કેન્દ્રની સરકાર અને ભાજપની નેતાગીરીએ આડે હાથે લીધા બાદ અચાનક રાજકોટ અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બાળકોનાં મોતનો ચોંકાવનારો આંકડો સામે આવતાં જ ગુજરાત સરકાર ડિફેન્સ મોડમાં આવી ગઈ છે. સૌથી ઘૃણાસ્પદ વાત તો એ છે કે બાળકોનાં મોતના સંવેદનશીલ મામલે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે. બાળકોનાં મોતનો મલાજો જાળવી હૉસ્પિટલની સ્થિતિ સુધારવાના બદલે આંકડાઓની રાજકીય રમત રમાઈ રહી છે.

Related Posts
1 of 142

ઠંડીની મૌસમમાં બાળકોનાં મોતના મામલે રાજકીય ગરમી તેજ બની રહી છે. રાજસ્થાનના કોટામાં બાળકોનાં મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાં જ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ડિસેમ્બર ર૦૧૯ના એક જ મહિનામાં ૧૧૧ બાળકોએ દમ તોડ્યાનો આંકડો સામે આવતા જ રાજ્યની રૃપાણી સરકાર હરકતમાં આવી ગઈ હતી. રાજકોટ સિવિલમાં બાળકોનાં મોતનો મામલો કોંગ્રેસને રાજસ્થાન સરકારનો બચાવ કરવામાં અને રાજ્યની સરકારને ઘેરવામાં એક મોટંુ જાણે હથિયાર મળી ગયંુ છે. રાજકોટ અને અમદાવાદની સિવિલમાં એક જ મહિનામાં બસ્સો જેટલાં બાળકોનાં મોતની ખબર આવી છે, ત્યારથી રાજ્ય સરકારના પ્રધાનો અને આરોગ્ય અધિકારીઓ આંકડાઓનો સહારો લઈને બચાવ કરી રહી છે. આ એક સંવેદનશીલ મામલો હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા બાળકોનાં મોતના મામલે રાજકારણ ખેલવામાં આવી રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે. આટલો ઊહાપોહ બાદ પણ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સ્થિતિ સુધરી નથી. સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હૉસ્પિટલમાં બાળકોનાં મોતનો સિલસિલો જારી જ છે. આ લખાય છે ત્યારે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ ૧પ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. તંત્ર નીંભર બનીને જાણે તમાસો જોઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

રાજકોટની સિવિલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. હજુ થોડા દિવસ પહેલાં રાજકોટની મલ્ટિ સ્પેશિયાલિટી સિવિલ હૉસ્પિટલનું કરોડોના ખર્ચે નવી ઇમારતનંુ લોકાર્પણ કરવા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન અને મુખ્યપ્રધાન વિજય રૃપાણી આવ્યા હતા. રેડ કાર્પેટ સાથે મહેમાનોનંુ સ્વાગત કરાયું હતું, પણ દર્દીઓની કણસતી હાલત તરફ કોઈને જોવાની ફુરસત ન હતી. આજે પણ દર્દીઓ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સારવાર માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. માત્ર આધુનિક ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી લોકોના આરોગ્યની જાળવણી કરી શકાતી નથી. રાજકોટની હૉસ્પિટલમાં બાળકોનો મામલો ચર્ચામાં આવ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આંકડા જાહેર કરીને રાજ્યમાં બાળમૃત્યુ દર ઘટ્યો હોવાનું કહી આરોગ્ય તંત્રનો બચાવ કર્યો હતો. બીજી તરફ આ મામલો ગુજરાત કોંગ્રેસે તરત જ હાથમાં લઈ લીધો હતો. સોમવારે તા.૬ જાન્યુઆરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં રાજકોટ હૉસ્પિટલની સામે ધરણા યોજ્યા હતા. અમિત ચાવડાએ રાજકોટની સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ ધરણામાં ભાગ લીધો હતો. તેમણે બેનરો હાથમાં લઈને આરોગ્ય વિભાગ સામે રોષ વ્યક્ત કરતા એવું કહ્યું હતું કે, આ સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરી રહી છે, પણ રાજકોટની સિવિલમાં તંત્રની બેદરકારીને કારણે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૧૧૧ અને આખા વર્ષ દરમિયાન ૧ર૦૦ જેટલાં બાળકોનાં મોત થયાં છે. રાજ્યમાં છેલ્લાં રર વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આરોગ્ય વિભાગની આવી કથળેલી હાલત જ બતાવે છે કે સરકારની કામગીરી કેવી છે. બાળકોનાં મોત એ ગંભીર બાબત છે. આ મામલે અમે કોઈ રાજનીતિ કરવા માગતા નથી. સરકારની નિષ્ફળતા સામે અમારો વિરોધ છે.

રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હૉસ્પિટલ આમ પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી નવા નવા વિવાદમાં આવતી રહી છે. તબીબોની નિમણૂકના મામલે આંતરિક લડાઈનો ભોગ દર્દીઓને બનવું પડતંુ હોવાના અનેકવાર દાખલાઓ સામે આવ્યા છે. રાજકોટ હૉસ્પિટલની સમસ્યાઓના સમાધાન અને સુચારુ સંચાલન માટે સરકારી સ્તર પર રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે, પણ હાલ બાળકોનાં મોતનો મામલો ચર્ચામાં આવ્યો છે ત્યારે આ સમિતિની કામગીરીના મુદ્દે સવાલો સર્જાયા છે. સ્ટાફની અનેે સાધનોની ઘટ એ મુખ્ય છે. રાજકોટની સિવિલમાં બાળકોનાં મોતના મામલે અધિકારીઓએ એવાં કારણો આપ્યા હતા કે રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે અને મોટા ભાગના કિસ્સામાં સ્થાનિક સારવાર બાદ રાજકોટ રિફર થતા હોય છે ત્યારે બહુ મોડંુ થઈ ગયું હોય છે. ઇન્ફેક્શન સહિતનાં કારણો જવાબદાર હોય છે. કોઈ એક મહિનાના આંકડા લઈને કામગીરીનો અંદાજ બાંધી ન શકાય.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »