તમારા માટે, તમારી સાથે, સતત…

સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડમાં ફરી પ્રાણ ફૂંકાયો…

રાજાશાહીનો યુગ પુરો થયા બાદ આ શહેરની ઓળખ ધીરે-ધીરે બદલાતી ગઈ

0 469
  • વારસો – દેવેન્દ્ર જાની

તાંબા-પિત્તળના ગૃહ ઉદ્યોગ અને રોલિંગ મિલોથી જાણીતંુ ભાવનગર જિલ્લાનું સિહોર શહેર બારમી સદીનો પૌરાણિક ઇતિહાસ સાચવીને બેઠું છે. રાજાશાહીના સમયમાં આ શહેરનો દબદબો હતો. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહના સમયમાં નવનિર્માણ પામેલા સિહોરના બ્રહ્મકુંડને અંધશ્રદ્ધાનંુ ગ્રહણ લાગ્યું હતું, પણ સ્થાનિક આગેવાનોએ ફરી એક વખત શ્રદ્ધાના દીપ પ્રગટાવીને પૌરાણિક બ્રહ્મકુંડને ફરી સજીવન કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

ભાવનગરથી વીસેક કિ.મી. દૂર આવેલું સિહોર રાજાશાહીના સમયમાં ગોહિલવાડની રાજધાની તરીકે વિખ્યાત હતંુ. ગૌતમી નદીના કિનારે સિહોર શહેર વસેલંુ છે. સિહોરમાં પણ જામનગરની જેમ અનેક શિવ મંદિરો હોવાથી આ શહેરને એક સમયે છોટે કાશી કહેવાતું હતું. રાજાશાહીનો યુગ પુરો થયા બાદ આ શહેરની ઓળખ ધીરે-ધીરે બદલાતી ગઈ. તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનો ગૃહ ઉદ્યોગ અને અલંગના સ્ક્રેપમાંથી લોખંડના સળિયા બનાવવા માટે રોલિંગ મિલનો ઉદ્યોગ વિકસતા આ શહેરે છેલ્લા ત્રણેક દસકામાં નવી ઓળખ ઊભી કરી છે. સિહોરમાં આવેલો બ્રહ્મકુંડ તેના પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યકલાથી મશહૂર છે. સદીઓથી સિહોરની ઓળખ બનેલો બ્રહ્મકુંડ વરવા વર્તમાનકાળમાંથી પસાર થઈ રહ્યો છે. મોઢેરાના સૂર્ય મંદિર -રુદ્રમાળ સાથે સિહોરના બ્રહ્મકુંડનો ઇતિહાસ જોડાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બ્રહ્મકુંડ વિશે તરેહ તરેહની વાતો ફેલાઈ રહી છે. બ્રહ્મકુંડનંુ પાણી છેલ્લા કેટલાક સમયથી સૂકાતંુ હોવાથી અંધશ્રદ્ધાના પવનને વેગ મળતો ગયો. તેના કારણે બ્રહ્મકુંડનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતી જતી હતી. આ સ્થિતિમાં આ પાવન સ્થળે શ્રદ્ધાનો દીપ પ્રગટાવીને ફરી આ કુંડને સજીવન કરવા સ્થાનિક આગેવાનો આગળ આવી રહ્યા છે. બ્રહ્મકુંડનો ઇતિહાસ સજીવન થઈ રહ્યો હોઈ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિહોરનો પ્રસિદ્ધ બ્રહ્મકુંડ સોલંકી કાળનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. આ બ્રહ્મકુંડની કોતરણી જોનારા આજે પણ દંગ રહી જાય છે. ઉત્તર ગુજરાતના મોઢેરાનું મંદિર – સૂર્યકુંડ અને પ્રસિદ્ધ પાટણની વાવ જેવી બાંધકામની શૈલી ધરાવતો આ બ્રહ્મકુંડ બારમી સદીમાં સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. જોકે આ કુંડ તો મહાભારત કાળનો ઇતિહાસ ધરાવતો હોવાની લોકવાયકા છે. એવું કહેવાય છે કે, પાંડવો ફરતા ફરતા જ્યારે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણની મુલાકાત અહીં થઈ હતી. પાંડવોએ ભગવાન કૃષ્ણના પગ આ સ્થળે ધોયા હતા. ત્યારથી આ કુંડના પાણીનો મહિમા વધી ગયો છે. એવું કહેવાય છે કે એક સમયે નાનો વીરડો હતો તેમાં પાણી ભરેલું રહેતંુ હતું. વટેમાર્ગુઓ નીકળતા તે અહીં પાણી પીતા હતા. લોકકથા મુજબ સિદ્ધરાજ જયસિંહ તેના રસાલા સાથે આ ધરતી પર આવ્યા ત્યારે તેમને તરસ લાગી. તેઓએ આ વીરડામાંથી થોડું પાણી પીધું તો ચમત્કાર થયો. તેમના શરીર પર સફેદ દાગ હતા તેનો ધીરે ધીરે રંગ બદલાવા લાગ્યો હતો. એવું કહેવાય છે કે રાજવી સિદ્ધરાજ જયસિંહને રાણકદેવીના શાપને કારણે કોઢ નીકળ્યો હતો. રાજવીએ સિહોરના આ વીરડાના પાણીથી સ્નાન કરતા જ ચમત્કાર સર્જાયો ‘ને ચર્મ રોગ દૂર થઈ ગયો. રાજવીએ માન્યું કે આ કોઈ સાધારણ કુંડ નથી. તેનંુ પાણી અતિ પવિત્ર છે. તરત જ તેમણે આ જગ્યાએ એક વિશાળ પથ્થરોની કોતરણીવાળો એક મોટો કુંડ બનાવવાનું નક્કી કર્યું. પાટણની વાવ જેવી શૈલીનો આ વિશાળ કુંડ બંધાવ્યો જેને બ્રહ્મકુંડ ઓળખવામાં આવ્યો હતો.

Related Posts
1 of 142

ગોહિલવાડની ધરતી પર સિહોરનો આ બ્રહ્મકુંડનો મહિમા સતત વધતો ગયો. ભાદરવી અમાસે અહીં મેળો ભરાતો હતો. શ્રદ્ધાળુઓ આ કુંડના પવિત્ર પાણીનું ચરણામૃત લેવા દૂર-દૂરથી આવવા લાગ્યા હતા. રાજાશાહીના સમયમાં સિહોર રાજધાની હતી. એ સમયે રાજવી દ્વારા પણ આ કુંડમાં દેવી-દેવતાઓની પૂજા અને દીપમાળા થતી હતી. બ્રહ્મકુંડમાં નાનાં-નાનાં મંદિરો છે તેમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. ૧ર૬ જેટલાં દેવી-દેવતાઓનાં મંદિરો અહીં છે. કુંડની સ્થાપત્યશૈલી કોઈ પણનું મન મોહી લે તેવી અદ્ભુત છે. તહેવારોમાં શ્રદ્ધાળુઓની અહીં ભીડ જોવા મળતી હતી. રાજાશાહી ખતમ થયા બાદ રાજધાની સિહોરથી ખસેડાઈને ભાવનગર લઈ જવાઈ હતી.

સમયના વહેણમાં બ્રહ્મકુંડનું પાણી સૂકાયું
સમયના વહેણમાં સિહોરના પ્રસિદ્ધ બ્રહ્મકુંડને પણ અસર થઈ છે. શહેરની વસતી સતત વધતી ગઈ. હાલ એક લાખની વસતી પહોંચવા આવી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ છે. લોકો પાણી મેળવવા બોર કરાવી રહ્યા હોઈ બ્રહ્મકુંડના પાણીના સ્ત્રોત ધીરે ધીરે સુકાઈ ગયા હતા. આવાં અનેક કારણોસર કુંડમાં પાણી ટકતું ન હતું. એક સમય હતો કે આખું વર્ષ પાણી ભરેલું રહેતું હતંુ. છેલ્લાં આઠેક વર્ષથી બ્રહ્મકુંડમાં પાણી સુકાઈ જતાં લોકોમાં અંધશ્રદ્ધા વધુ ને વધુ ફેલાતી ગઈ. વાત માત્ર આટલેથી અટકતી નથી. આ કુંડ અવાવરુ રહેતો હોવાથી અસામાજિક પ્રવૃત્તિ આ સ્થળ નજીક વધી હતી, જે ચિંતાનો વિષય હતો. અપમૃત્યુની ઘટનાઓ પણ બનતા લોકો તરેહ-તરેહની વાતો ફેલાવા લાગ્યા હતા. બ્રહ્મકુંડ દર વર્ષે કોઈનો ભોગ લે છે તેવી અંધશ્રદ્ધા પણ ફેલાવવામાં આવતી હતી. જેના કારણે ભાવિકોનો પ્રવાહ ઘટતો ગયો હતો. આ એક અતિ પવિત્ર કુંડ છે અને તેના બાંધકામની શૈલી – સ્થાપત્ય ઉચ્ચકોટીનંુ હોવાથી ઇતિહાસ અને સ્થાપત્યશૈલીના અભ્યાસુઓ માટે આ સ્થળની મુલાકાત લેવા જેવી છે. બ્રહ્મકુંડના પરિસરમાં જ સામુદ્રીમાતા, કામનાથ, હનુમાનજી સહિતનાં મંદિરો આવેલાં છે. આ એક પૌરાણિક સ્થળ હોવાથી દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતાં હોય છે.

શહેરના કેટલાક આગેવાનોએ બીડું ઝડપી બ્રહ્મકુંડની મુલાકાતે ફરી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતાં થાય તે માટેના પ્રયાસો શરૃ કર્યા છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમાસે બ્રહ્મકુંડમાં આવેલાં મંદિરોમાં દીપમાળા કરીને શ્રદ્ધાનો દીપ ફરી પ્રગટાવવા માટે પ્રયાસો કર્યા હતા. ટ્રસ્ટના અગ્રણી અનિલભાઈ મહેતા કહે છે, ‘દીપમાળા, રામાયણના પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો બ્રહ્મકુંડમાં અમે શરૃ કર્યા છે. ગામ લોકોનો અને જિલ્લાના આગેવાનો, સાધુ-સંતોનો સહયોગ મળી રહ્યો છે. ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ બ્રહ્મકુંડનાં દર્શન માટે આવ્યા હતા. તેમણે અહીં ધૂપ દીવા અને આરતી કરી હતી. ધીરે-ધીરે લોકોનો વિશ્વાસ ફરી મજબૂત થઈ રહ્યો છે. અંધશ્રદ્ધા દૂર થઈ રહી છે. અમાસનો આ સ્થળનો મોટો મહિમા છે. આ દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ભાદરવી અમાસે મોટો મેળો ભરાતો હોય છે.

ગામના આગેવાનોનો પ્રયાસ એ છે કે વધુ ને વધુ ધાર્મિક આયોજનો અને ધૂપ  દીપમાળ કરીને લોકોમાંથી આ કુંડ પ્રત્યેની ગેરમાન્યતા ફેલાતી અટકાવવાની છે અને તેમાં ધીરે-ધીરે સફળતા મળી રહી છે. આ વર્ષે મેઘરાજાએ મહેરબાની કરી હોવાથી બ્રહ્મકુંડમાં પાણી ભરેલું છે. વર્ષોથી ખાલીખમ રહેતા કુંડમાં નીર આવતાં જ લોકોમાં ખુશી છે. બ્રહ્મકુંડ ઐતિહાસિક સ્થળની સાથે પૂજાપાઠ અને શ્રાદ્ધ વિધિ માટે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પણ છે. શ્રદ્ધાળુઓ અહીં ફરી આવતા થયા છે. ભાવનગરની વીસ કિ.મી. દૂર આવેલા સિહોરના પૌરાણિક સ્થળને એક ટૂરિઝમ સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે. સિહોરની નજીક પાલિતાણા શેત્રુંજી પર્વત, ગોપનાથ, ખોડિયાર મંદિર ઉપરાંત વેળાવદરનું અભયારણ્ય પણ નજીક આવેલું છે. ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનારા સિહોરનો આ બ્રહ્મકુંડ જોવા આવે તે માટે સરકારના પ્રવાસન વિભાગે પ્રયાસો કરવા જોઈએ. આ વિસ્તારમાં પ્રવાસન વધશે તો લોકોની રોજગારી પણ વધશે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »