તમારા માટે, તમારી સાથે, સતત…

ગંગા તીરે ગગનભેદી ધડાકા કેમ થયા?

જે ૯ જાન્યુઆરીએ બન્યું તે જ્વલનશીલ પદાર્થ નિષ્ક્રિય કરવાની જ ઘટના હતી

0 84
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

કોલકાતાથી આશરે ૪૫ કિલોમીટર દૂર નૈહાટી નામના ઉપનગરમાં ગુરુવાર, ૯ જાન્યુઆરીના બપોરે લગભગ બે કલાકે સ્થાનિક લોકોએ આંચકો આપી જાય અને કાનના પડદા ધ્રુજી ઊઠે, અલ્પ સમય માટે ફક્ત કંપનના ભણકારા જ મહેસૂસ કરી શકે એવો અનુભવ કર્યો. થોડા દિવસોથી ક્યાંક ફટાકડા ફૂટતા હોય તેવા છૂટાછવાયા અવાજ સંભળાતા પણ ગંગાના તીરે આગની જ્વાળા ગોળાકારે ભભૂકતી હોય અને ઘેરા ધુમાડા ભમરીની જેમ હવામાં ઊંચકાતા હોય એવું દ્રશ્ય પહેલીવાર દેખાયું હતું.

આ આગ સાધારણ નહોતી, સ્થાનિક પોલીસ થોડા દિવસોથી ગેરકાયદેસર ચાલતાં ફટાકડાનાટ કારખાનાંઓ પર તપાસ ચલાવી, બારુદ, બોમ્બ બનાવવાના રસાયણ, વિસ્ફોરક પદાર્થ કબજે કરવાનું અભિયાન ચલાવી રહી હતી. જે જથ્થો મળે તે ગંગા તીરે ડિફ્યૂઝ કરી તેનો નિકાલ કરી રહી હતી. બોમ્બ શાખાના નિપુણ અધિકારીઓ આ કાર્યને સુરક્ષિત ઢબે કરતા હતા. જોકે એવી કઈ ગફલત થઈ કે બોમ્બનો મસાલો દબાઈ જવાની બદલે ફાટી નીકળ્યો? જે અગન જ્વાળા દૂર સુધી દેખાઈ, લોકોએ નિરાંતે જેની વીડિયો ઉતાર્યો !

પશ્ચિમ બંગાળમાં દિવાળીના દિવસોમાં પર્યાવરણ સુરક્ષિત રાખવા ભારે અવાજ કરે તેવા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. બાળકોએ રોશની કરે તેવા ફટાકડા પેટાવી દિવાળી ઊજવી હતી. પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું તો વગર તહેવારે ફટાકડા ફૂટે તે પ્રશ્ન ઊભો થતો જ નથી. તે છતાં ૩ જાન્યુઆરીના આ ઉપનગરના મામુદપુર પંચાયત હેઠળ દેવક ગામના મસ્જિદ પાડા વિસ્તારમાં એક ગેરકાયદેસર ફટાકડા બનાવતાં કારખાનામાં વિસ્ફોટ થયો હતો. આગમાં કામ કરતા ચાર જણા અડફેટમાં આવતાં મરણ પામ્યાં હતાં. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી આ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતાં કારખાનાંઓની શોધખોળમાં લાગી ગઈ હતી. છાપામારીમાં જે જ્વલનશીલ પદાર્થ મળતો તેનો નિકાલ કરવામાં આવતો.

જે ૯ જાન્યુઆરીએ બન્યું તે જ્વલનશીલ પદાર્થ નિષ્ક્રિય કરવાની જ ઘટના હતી. આ કામગીરી બોમ્બ ડિસ્પોઝલ ટીમ કરી રહી હતી. સૂત્રો પ્રમાણે તે રૃટીન ક્રમ પ્રમાણે  થઈ રહ્યું હતું,

નૈહાટીના ગંગા તીરે રામઘાટના છાઈમાઠમાં દારૃગોળાનો ખડકલો થયો હતો તેને નિષ્ક્રિય બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે પ્રચંડ ધડાકાઓ સાથે જે હોનારત થઈ તેના પડઘા દૂરદૂર સુધી સંભળાયા. ગંગાની પેલે પાર ચુંચૂડા અને અન્ય નગરોમાં ઇમારતો ખખડી. બારી-બારણા તૂટ્યાં. દીવાલોમાં તડ પડી ગઈ. નૈહાટીના વૈષ્ણવપાડા, બેલતલા, રાજાપાડા, ચડકતલામાં મકાનોમાં તિરાડો પડી.

Related Posts
1 of 142

સ્થાનિક લોકોની પ્રતિક્રિયા, રોષ પોલીસ પર ઊતર્યો! લોકો એમ કહેતાં સંભળાયા કે મિની પરમાણુ કે ધરતીકંપ  હતો! લોકો અસલામતીની અસરમાં દેખાયાં!

આ ઘટના પછી ઘણા રહસ્યો સવાલ બની ઊભા થઈ ગયા છે.આ પહેલાં બાર ખટારાઓ ભરીને દારૃગોળો ઝડપાયો હતો. સામાન્ય અપવાદ સિવાય તેને બિલ્કુલ નકામો બનાવી દેવામાં આવ્યો હતો. તે પ્રમાણમાં આ વખતે બહુ ઓછો જથ્થો હતો અને તેનો આંચકો બહુ મોટો પડ્યો. ફોરેન્સિક તપાસ થઈ રહી છે. ફટાકડા એકસાથે ઢગલાબંધ ફૂટે તો તેના લગલગાટ અવાજ સાથે તણખલા ઊડે, આગના ગોળા ન ઊડે!

ધ્વનિ પ્રદૂષણ એ વર્તમાનની મોટી સમસ્યા છે. એટલે અદાલતો  અવાજ મર્યાદાના નિર્દેશ આપે છે. જ્યાં દિવાળી અને દેવદિવાળી પણ ઘોંઘાટ વગર પસાર થઈ ત્યાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાનાં કારખાનાં કઈ રીતે ચાલતાં હશે? ફટાકડા સિઝનનો વેપાર છે તે તહેવારમાં ન ખપે તો ભારે પડે!

નાગરિકોને ખબર છે કે કાનૂની પરવાનગી વગર આતશબાજી માટે દઝાડે તેવી ગુપ્ત ફેક્ટરીઓ ચાલી રહી છે તો અવગણના તેમને મોંઘી પડશે!

રાજ્ય સરકાર માલ કે સામાનના નુકસાનની ભરપાઈ કરી આપશે, તિરાડો ભરી આપશે, તૂટ્યા દરવાજા, બારીનું સમારકામ કરાવી આપશે. જે જ્વાળા નજરે પડી, જે અવાજો સાંભળી કાન થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા તે ચિંતા ઊભી કરી ગયા છે.

રહસ્યો ધીમે-ધીમે બહાર આવશે.અનૈતિક કાર્યમાં ઘણા લોકોએ અગાઉ પોતાના જ હાથ બાળ્યા છે. બાળવા કરતાં ઠારવાનું કામ અનેકગણુ કપરું છે. લોકોને ભૂલી જવાની ટેવ છે એવું માનનારાને કદાચ ખ્યાલ નહીં હોય કે કેટલીક ઘટનાઓનો દૂરગામી પ્રભાવ હોય છે..!
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »