- ફૂડ સ્પેશિયલ – સુચિતા બોઘાણી કનર
કચ્છી મીઠાઈઓનો સ્વાદ જિંદગીભર દાઢે વળગી રહે તેવો હોય છે. જે જમાનામાં બહુ ગુલાબ ઊગતાં ન હતાં તે જમાનાથી માત્ર કચ્છમાં જ બનતાં ગુલાબપાકે દેશવિદેશમાં પોતાની મીઠાશ ફેલાવી હતી. આજે પણ રાજસ્થાનથી સૂકવેલાં ગુલાબ મગાવીને ગુલાબપાક બને છે અને દેશવિદેશમાં વસતા કચ્છી સહિતના ભારતીયો હોંશે હોંશે ખાય છે.
કચ્છની મીઠાઈઓ દેશભરમાં તેના સ્વાદ માટે પ્રખ્યાત છે. ગુલાબ પાક, અડદિયા, ગુંદર પાક, મેસુક, મીઠો માવો જેવી કચ્છી મીઠાઈઓ અને પકવાન કે દાબેલી જેવા ફરસાણ કચ્છની દેન છે. રાજાશાહી જમાનાથી અહીંની મીઠાઈઓ દેશદેશાવર વસતા ભારતીયોને પ્રિય હતી. જ્યાં પણ કચ્છી રહેતો હોય તેને શિયાળો આવે કે અડદિયા અને ઉનાળામાં ગુલાબ પાક યાદ આવે જ. તેથી જ મોટા પ્રમાણમાં આ મીઠાઈઓ વિદેશ પણ જાય છે. સામાન્ય રીતે કચ્છમાં અડદિયા રોજના ૪થી ૫ હજાર કિલો અને ગુલાબ પાક ૧૨૦૦થી ૧૫૦૦ કિલો વેચાતો હોવાનો એક અંદાજ છે. વસાણાથી ભરપૂર અડદિયા શિયાળાના ત્રણ મહિના પૂરતા જ મળે છે જ્યારે ગુલાબ પાક તો આખું વર્ષ ઉપલબ્ધ હોય છે.
ચાર પેઢીથી ભુજમાં મીઠાઈઓ બનાવતા વિનોદભાઈ મોહનલાલ કંદોઈ જણાવે છે, ‘કચ્છ સતત દુષ્કાળ અને અનિયમિત વરસાદની સ્થિતિનો સામનો કરતું હોવા છતાં અહીં મીઠાઈ અને ફરસાણની ભારે વિવિધતા જોવા મળે છે. મારા દાદા કંદોઈ વેલજી કારા રાજદરબારના કંદોઈ હતા. તેમની વિશેષતા ખારા પકવાન બનાવવામાં તો હતી જ ઉપરાંત તેઓ ગુલાબ પાક જેવી મીઠાઈઓ પણ બનાવતા હતા. કચ્છમાં તે જમાનામાં પણ એટલા ગુલાબ ઊગતાં ન હતાં કે તેમાંથી જથ્થાબંધ મીઠાઈ બનાવી શકાય, પરંતુ શુભપ્રસંગોએ રાજદરબારમાં રાજસ્થાનથી ગુલાબ મગાવાતાં. આ ગુલાબની સુકવણી કરીને દૂધમાં ઉકાળીને પછી દૂધના માવાને શેકીને તેમાં ભેળવીને ગુલાબ પાક બનાવાતો. આ ગુલાબ પાક લાંબો સમય રહે છે અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે. આજે કદાચ અન્યત્ર બનાવાતો હશે, પરંતુ કચ્છની વિશિષ્ટ આબોહવાના કારણે અહીં જેવો સ્વાદ બીજે ક્યાંય પણ બનેલા ગુલાબ પાકમાં આવતો નથી.’
ભુજમાં વર્ષોથી મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલા કેયુર જેઠાલાલ દાવડા અડદિયાની વાત કરતા કહે છે, ‘કચ્છની ઠંડીથી બચવા પીપરીમૂળ, ગંઠોડા, કાળી અને ધોળી મૂસળી, કાળા અને સફેદ મરી જેવા ૫૦-૬૦ જાતના વસાણા નાખીને અડદના લોટ, ગંુદર અને માવા સાથે અડદિયા બનાવાય છે, જે શિયાળામાં ખૂબ ખવાય છે. મારા વડીલો છેલ્લાં ૫૦ વર્ષથી ગુલાબ પાક, અડદિયા, સાલમ પાક જેવી મીઠાઈઓ બનાવે છે. કચ્છમાં ગુલાબ મળતાં નથી આથી અમે સુકા ગુલાબ અજમેરથી મગાવીએ છીએ. ‘
કચ્છી મીઠાઈઓની જેમ જ અહીં બનતા પકવાનની પણ તેની વિશિષ્ટતા છે. સ્વાદમાં થોડા થોડા પોરબંદરની ખાજલી જેવા લાગતા પકવાનની બનાવટ તદ્દન અલગ હોય છે. આધુનિક જમાનામાં અનેક મશીનો આવ્યાં, અનેક મીઠાઈ અને ફરસાણ મશીનની મદદથી બને છે, પરંતુ મેંદા અને ઘીમાંથી બનતી આ વાનગી માટે હજુ કોઈ મશીન શોધાયું નથી. તે તો હાથેથી જ બનાવવી પડે છે.
ગુલાબ પાક, અડદિયા, સિવાય સાલમ પાક, ગુંદર પાક, સિંગ પાક, ખજૂર પાક, અંજીર પાક, મેથીના લાડુ જેવી કચ્છમાં બનતી મીઠાઈઓનો સ્વાદ તદ્દન અનોખો જ હોય છે. વિદેશોમાં વસતા કચ્છીઓ જ્યારે જ્યારે વતન આવે છે ત્યારે ત્યારે મીઠાઈઓ પોતાની સાથે લઈ જાય છે અને જ્યારે આવી ન શકે ત્યારે કુરિયરથી મગાવે છે.
——————-