દરેક દર્દની દવા છે, સોશિયલ મીડિયાના દોસ્તો પાસે
ફેસબુક પર લખાતી ઘણી એવી પોસ્ટ છે જે તમારા માટે મહત્ત્વની બની જાય છે
- યુવા – હેતલ રાવ
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવંુ અને રોજ નવી-નવી પોસ્ટ મૂકવી, કેટલી લાઇક્સ અને કેટલી કોમેન્ટ આવી છે, કેવી-કેવી કોમેન્ટ છે, આ બધી વાત હવે ઘણી જૂની થઈ, પરંતુ પોતાની શરદી, ખાંસી કે અન્ય બીમારી માટે ફેસબુક, ઇન્સ્ટા પર દોસ્તો પાસે સલાહ માગવી યુવાનોમાં ચાલી રહેલો લેટેસ્ટ ટ્રેેન્ડ છે.
‘દોસ્તો તમે જ મારા સખા, તમે જ મારા ગુગલ ગુરુ. મને ચાર દિવસથી શરદી થઈ છે કોઈ દેશી સરસ ઉપાય બતાવો ને…’ આ પોસ્ટ ફેસબુક પરની છે જેમાં પોતાની શરદીની સારવાર માટે મિત્રો પાસે હેલ્પ લેવામાં આવી રહી છે. એટલંુ જ નહીં, પોસ્ટના કોમેન્ટ બોક્સમાં દેશી ઉપચારોનું લાં…બંુ લિસ્ટ પણ છે. જે દર્શાવે છે કે સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં ભલે તમે રૃબરૃ ન મળ્યા હોય, પણ માત્ર ફેસબુક કે ઇન્સ્ટાના માધ્યમથી એવા દોસ્ત બની જાવ છો કે મુશ્કેલીમાં જાણે અસંખ્ય લોકો તમારી સાથે હોય તેવું ફીલ થાય. કોઈ મિત્ર દર્દની દવા પૂછે છે તો કોઈ મિત્ર વેકેશન માણવા માટેના સ્પોર્ટની માહિતી માગે છે. તો વળી કોઈ પોતાના બાળક માટે સારી શાળા, તો કોઈ બોર્ડ અભ્યાસ કરતા સંતાન માટે સારા ક્લાસીસનું સરનામું. હવે સોશિયલ મીડિયા માત્ર સેલ્ફી મૂકવા માટેનું ઘર જ નહીં, પણ કોઈની સમસ્યાનું સમાધાન મેળવવાનું સ્થળ પણ બની ગયું છે. દરેક સિક્કાની બે બાજુ હોય એટલે કે સારા નરસા બે પાસા હોય તેમ સોશિયલ મીડિયા પર શરૃ થયેલો આ ટ્રેન્ડ તેના સારા પાસા તરીકે ગણી શકાય.
શ્રીદા (નામ બદલ્યું છે) સરવૈયા કહે છે કે, ‘અંગત કારણોસર હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મને હજુ પણ યાદ છે કે એ સમયે ફેસબુક, ઇન્સ્ટા બધું જ બંધ કરી દીધું હતું. કશું જ ગમતંુ નહીં. એક દિવસે ગુસ્સામાં આવીને શેડ પોસ્ટ શેર કરી. થોડા જ કલાકોમાં તો મારા કોમેન્ટ બોક્સમાં એક પછી એક કોમેન્ટ આવવા લાગી. દરેક વ્યક્તિએ મારી પોસ્ટને પોતાની રીતે મૂલવી. ઘણા એવા મિત્રો હતા જેમણે એટલી સુંદર વાત લખી કે ધીમે-ધીમે હું ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગી. જે દોસ્ત મને ઓળખતા પણ નથી, મારા વિશે, મારી તકલીફ વિશે બરોબર જાણતાં પણ નથી છતાં મને પોતાની ઘણી ને સારી સલાહ આપી. તે દિવસે મને લાગ્યું કે હું એકલી નથી. મારી મુશ્કેલીના સમાધાન માટે તો અઢળક લોકો છે. ભલે બધા કહેતા હોય કે સલાહ મફતમાં અપાતી હોય છે માટે લોકો આપી દે છે, પરંતુ કોઈની સલાહથી તમારા જીવનમાં બદલાવ આવે તે અમૂલ્ય હોય છે. સોશિયલ મીડિયા મારી માટે મારું બીજું ઘર છે.’
પ્રતીક ચોક્સી કહે છે, ‘ફેસબુક પર લખાતી ઘણી એવી પોસ્ટ છે જે તમારા માટે મહત્ત્વની બની જાય છે. ઘણી વાર તો તમારી સમસ્યાનું સમાધાન પણ આવી પોસ્ટમાંથી મળી રહે છે. માટે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ હંમેશાં સારા માટે કરો, કારણ કે તમે જે વિચારો રજૂ કરો છો તે કોઈને હેલ્પફુલ બને છે.’
તો મિત્રો, તમે એકલા નથી સોશિયલ મીડિયા પર, તમારા દોસ્તોનું લિસ્ટ છે, તેમાં ઘણા એવા છે જેમને ખરેખર તમારી મુશ્કેલીના સાચા નિવારણમાં રસ હોય છે. તો કોઈની માટે સારા બનો, સારું લખો અને કોમેન્ટ બોક્સમાં તમારા સાચા વિચારો રજૂ કરો.
———————————–