તમારા માટે, તમારી સાથે, સતત…

એક સુરતી બિલ્ડરની પોચટ ગુજ્જુથી ‘આયર્નમેન’ સુધીની સફર

'આયર્નમેન ટ્રાઇથ્લોન' તરીકે ઓળખાતી આ સ્પર્ધા સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગની સંયુક્ત રમત છે

0 79
  • સ્પોર્ટ્સ – નરેશ મકવાણા

ગુજરાતીઓ વિશે દેશદુનિયામાં કેટલીક ચોક્કસ માન્યતાઓ છે. એ કદી સાહસિક રમતોમાં ભાગ ન લે, બેઠાં બેઠાં રૃપિયા રળાય એવા જ ધંધામાં પડે, શરીરને કષ્ટ પડે એવાં સાહસો અને કામથી સદાય દૂર રહેવા પ્રયત્ન કરે વગેરે. જોકે સુરતના બિલ્ડર મહેશ પ્રજાપતિ આ માન્યતાઓમાં ફિટ બેસતા નથી. સળંગ બે વર્ષ દુનિયાની સૌથી સાહસિક અને અઘરી મનાતી આયર્નમેનસ્પર્ધા જીતીને તેમણે ગુજ્જુઓ પરના પોચટ તરીકેના મેણાને ભાંગ્યું છે. કેવી રીતે તેઓ સુરતથી મલેશિયા સુધી આ સ્પર્ધા જીતવા સુધી પહોંચ્યા તેની દિલધડક વાતો અહીં પ્રસ્તુત છે…

સામાન્ય છાપ એવી છે કે ગુજરાતીઓ એટલે ઢીલાં. એટલે જ આ પ્રજા કદી કોઈ કઠિન ફિલ્ડમાં જાય જ નહીં. તન તોડવાનું હોય એવી એકેય રમતમાં ફરજિયાત ન હોય ત્યાં સુધી ભાગ ન લે એ ગુજરાતી. આવી તો બીજી પણ અનેક વાતો દેશ અને દુનિયામાં ગુજરાતીઓ વિશે ફેલાયેલી છે. એક સમય હતો, જ્યારે ગુજરાતીઓ માટે આ પૈકીની કેટલીક માન્યતાઓ ઠીક-ઠીક પ્રમાણમાં સાચી હતી, પણ વૈશ્વિકરણના આ જમાનામાં હવે એવું નથી રહ્યું. અનેક ગુજરાતીઓ આવી ધારણાઓને સજ્જડ રીતે તોડી રહ્યા છે. સાહસિક રમતો, સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં હવે તેઓ ન માત્ર હિસ્સો લઈ રહ્યા છે બલ્કે જીતી બતાવે છે અને એનું તાજું ઉદાહરણ સુરતના મહેશભાઈ પ્રજાપતિ છે. વ્યવસાયે બિલ્ડર રહેલા મહેશભાઈએ છેલ્લાં બે વર્ષમાં બંને વખત દુનિયાની સૌથી અઘરી મનાતી ટ્રાઇથ્લોન સ્પર્ધા જીતીને છાકો પાડી દીધો છે. અહીં આપણે મહેશભાઈના એ સાહસની તૈયારીઓની સાથે સ્પર્ધા કેટલી પડકારજનક તથા થકવી દેનારી છે તેની વિગતે વાત કરવી છે, પણ એ પહેલાં ‘આયર્નમેન’ તરીકે જાણીતી આ સ્પર્ધા વિશે સામાન્ય જાણકારી મેળવી લઈએ.

આયર્નમેન ટ્રાઇથ્લોનઃ શા માટે દુનિયાની સૌથી અઘરી સ્પર્ધા છે?
૨૬મી ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મલેશિયાના લંકાવી આઈલેન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર મહેશભાઈ એકમાત્ર ગુજરાતી સ્પર્ધક હતા. ‘આયર્નમેન ટ્રાઇથ્લોન’ તરીકે ઓળખાતી આ સ્પર્ધા સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગની સંયુક્ત રમત છે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરનારને ‘આયર્નમેન’નું બિરુદ અપાય છે. હવે આ સ્પર્ધા શા માટે અઘરી ગણાય છે તે પણ જાણી લો. આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી આ સ્પર્ધામાં સ્પર્ધકે ૨.૪ માઈલ (૩.૮૬ કિ.મી.) સ્વિમિંગ, ૧૧૨ માઈલ (૧૮૦.૨૫ કિ.મી.) સાઇક્લિંગ અને ૨૬.૨ માઈલ (૪૨.૨ કિ.મી.) રનિંગ કરવાનું હોય છે. આ બધું સ્પર્ધકે ૧૭ કલાકની નિયત સમયમર્યાદામાં, કોઈ પણ પ્રકારનો આરામ લીધા વિના પૂરું કરવાનું હોય છે. અહીં ત્રણેય રમતનો અલગ અલગ કટ ઓફ ટાઇમ હોય છે. જેમ કે સ્વિમિંગ ૨.૨૦ કલાકમાં, સાઇક્લિંગ ૮ કલાકમાં અને રનિંગ ૬.૩૦ કલાકમાં પૂરું કરવાનું હોય છે. એકવાર સ્પર્ધા ચાલુ થઈ ગયા પછી વચ્ચે આરામ મળતો નથી, સાઇકલમાં પંક્ચર પડે અથવા અન્ય કોઈ પણ પ્રકારની મેડિકલ જરૃરિયાત ઊભી થાય તો તે માટેનો સમય પણ બાદ મળતો નથી. ટૂંકમાં, સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ એમ બધું મળીને સ્પર્ધકે ૧૪૦.૬ માઈલનું અંતર ૧૭ કલાકમાં કાપવાનું. હવે સમજાયું શા માટે તેને ‘આયર્નમેન’ તરીકે ઓળખવામાં આવે છે? જે લોકો આટલી અઘરી સ્પર્ધામાં ભાગ ન લઈ શકતા હોય તેમના માટે વળી તેનાથી અડધા અંતરની ‘આયર્નમેન ૭૦.૩’ સ્પર્ધા યોજાય છે. જેમાં સ્પર્ધકે ત્રણેય ફોર્મેટમાં મુખ્ય સ્પર્ધા કરતાં અડધું અંતર કાપવાનું હોય છે.

Related Posts
1 of 142

સુરતનું પૂર અને અપંગ મહિલાનું સાહસ પ્રેરણા બન્યાં
ટ્રાઇથ્લોન સ્પર્ધાની જાણકારી કેવી રીતે મળેલી તેની વાત કરતાં મહેશભાઈ કહે છે, ‘એકવાર સોશિયલ મીડિયા પર મેં એક વીડિયો જોયેલો. જેમાં એક મહિલા, જેનો એક પગ કપાયેલો હતો, છતાં દરિયામાં તરી રહી હતી, સાઇકલ ચલાવતી હતી અને દોડતી પણ હતી. એ વીડિયોમાં તેણે આખી સ્પર્ધા પુરી કરી હોવાનું બતાવાયું હતું. એ વખતે મને એમ જ પોતાની જાતને પડકારવાની ઇચ્છા થઈ અને પછી એક દિવસ નક્કી કરી નાખ્યું કે, જો એ મહિલા કપાયેલા પગ સાથે આ સ્પર્ધા પૂર્ણ કરી શકતી હોય તો આપણને તો ભગવાને સશક્ત શરીર આપ્યું છે. બસ, એ પછી તેના માટેની ગંભીર તૈયારીઓ શરૃ કરી અને તેનું પરિણામ આપણી સામે છે.’

તમને જોકે એ જાણીને નવાઈ લાગશે કે તેમને આ બધું કરવાની પ્રેરણા ૨૦૦૬માં સુરતમાં આવેલા પૂરમાંથી મળેલી અને તરતા ન આવડતું હોવાથી તેમણે ત્રણ દિવસ લાચાર બનીને ઘરમાં બેસી રહેવું પડ્યું હતું. તેમાંથી બોધપાઠ લઈને તેમણે સ્વિમિંગ શીખવાનો નિર્ધાર કરેલો અને તરવામાં તેમણે કુશળતા હાંસલ કરી લીધી. એ જ રીતે ક્રિકેટ રમતી વખતે ઘૂંટણનો તીવ્ર દુઃખાવો થયો ત્યારે નક્કી કર્યું કે થોડું દોડવું જોઈએ અને એમાંથી નિયમિત પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. સાઇક્લિંગ તેમણે શોખ ખાતર ચાલું કરેલું, પણ સ્પર્ધામાં જવાનું મન બનાવી લીધું પછી વધારે કડકાઈથી મહેનત કરવા લાગેલા. શરૃઆતમાં તેમણે આ બધું માત્ર શોખ ખાતર શરૃ કર્યું હતું, પણ પછી પેલી મહિલાનો વીડિયો જોયો અને ગંભીરતાથી મહેનત કરવી શરૃ કરેલી.

આયર્નમેન સ્પર્ધાના અનુભવની વાત કરતાં મહેશભાઈ કહે છે, ‘સ્પર્ધા સવારે આઠ વાગ્યે શરૃ થયેલી જેમાં સૌથી પહેલાં જ દરિયાનાં પાણીમાં સ્વિમિંગ કરવાનું હતું. આ પહેલા ટાસ્કમાં જ ઘણા સ્પર્ધકો બહાર થઈ ગયા હતા. કેમ કે દરિયાનાં મોજાં સામે તરવું અતિશય કપરું હોય છે. મેં દોઢ કલાકમાં આ ટાસ્ક પૂરો કર્યો હતો. ત્યાર બાદ ટ્રાન્ઝિશન એરિયામાં જઈને શક્ય એટલા ઓછા સમયમાં સાઇક્લિંગ માટે જરૃરી તૈયારીઓ કરીને શક્ય તેટલું ઝડપથી નીકળી પડવાનું હોય છે. મલેશિયામાં રોલિંગ હિલ્સ પર ચડતી વખતે સાઇકલની સ્પીડ ત્રણ કે ચાર કિ.મી. પર આવી જતી હતી. ઘણા સ્પર્ધકો તો સાઇકલ પરથી ઊતરી, ખેંચીને ચઢાણ કરતા હતા, પણ પ્રેક્ટિસને કારણે મારે એવું ન કરવું પડ્યું. ચઢાણ પછી જ્યારે ઉતરાણ આવે ત્યારે સાઇકલની સ્પીડ ૬૦-૭૦ કિ.મી. સુધી જતી રહેતી હતી. એ વખતે તેના પર નિયંત્રણ રાખવું ઘણુ અઘરું પડતું હતું. અચાનક આવતા વળાંકો અવરજવરને કારણે લપસણા બની ગયા હતા. જેના કારણે ઘણા સ્પર્ધકો સાઇકલ પર કાબૂ ન રાખી શકતાં પડી ગયા હતા. એમાંના ઘણા ઘાયલ થવાથી અથવા તો સાઇકલને ભારે નુકસાન થવાથી સ્પર્ધા છોડીને જતા રહ્યા હતા. મેં અગાઉ સુરતમાં સાઇક્લિંગની સારી એવી પ્રેક્ટિસ કરી હતી, જેનો ફાયદો મને અહીં મળ્યો અને મેં એકેય વખત સાઇકલ પરથી ઊતર્યા વિના તે ટાસ્ક ૭.૩૦ કલાકમાં પુરો કર્યો હતો. એ પછી ૪૦ ડિગ્રી તાપમાનમાં ૪૨.૨ કિ.મી. દોડવાનું હતું. મલેશિયાની હવામાં એ વખતે ભેજનું પ્રમાણ અતિશય ઊંચું હોવાથી દોડવામાં મુશ્કેલી પડતી હતી. શરીરમાંથી પાણીનું પ્રમાણ સતત ઘટતું જતું હોવાથી અહીં સુધી પહોંચ્યા પછી પણ અનેક લોકોએ હાર સ્વીકારીને સ્પર્ધા છોડી દીધી હતી. જોકે મને આપણા દેશના ગરમ વાતાવરણમાં કરેલી દોડની પ્રેક્ટિસે સાથ આપ્યો અને ૫.૫૫ કલાકમાં એ ટાસ્ક પણ પુરો કરીને મેં હાથમાં તિરંગો લહેરાવીને ફિનિશ લાઈન ક્રોસ કરી હતી. એ રીતે ૧૭ કલાકનો ત્રણેય રમતનો ટાસ્ક મેં ૧૫ઃ૨૫ કલાકમાં પૂર્ણ કરીને સતત બીજા વર્ષે ‘આયર્નમેન’નું બિરુદ મેળવ્યું હતું.’

ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના દરરોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તેઓ ત્રણ કલાક દોડવાની પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે વીકએન્ડમાં ત્રણેય ફોર્મેટની પ્રેક્ટિસ ૬-૮ કલાક સુધી ચાલતી રહેતી. સાઇક્લિંગની પ્રેક્ટિસ માટે તેઓ સુરત નજીકના વિલ્સન હિલ, અજમલ ગઢ અને સાપુતારા જેવા વળાંક અને ચઢાવ-ઉતારવાળા રસ્તાઓ પર નિયમિત જતા હતા. તેનું જ પરિણામ હતું કે અનેક સ્પર્ધકો જ્યાં ઢોળાવો પર ગબડીને પરત ફરી જતા હતા ત્યાં મહેશભાઈ સફળતાપૂર્વક એ કપરાં ચઢાણો પાર કરી શક્યા હતા. સતત પ્રેક્ટિસને કારણે જ તેઓ દરિયામાં તરતી વખતે ધીરજથી કામ લઈ શકેલા. આ રીતે શરીરને આરામ પણ મળે અને તરી પણ શકાય. સાઇક્લિંગ અને સ્વિમિંગમાં એ રીતે પગ કરતાં હાથનો ઉપયોગ વધારે કરીને તેમણે છેલ્લે સુધી એનર્જી જાળવી રાખી જેનો ફાયદો મળ્યો. હાલ સળંગ બે વર્ષ આ સ્પર્ધા જીતનાર તેઓ એકમાત્ર ગુજરાતી છે. અગાઉની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધામાં ભાગ લેનાર તેઓ એકમાત્ર ગુજરાતી સ્પર્ધક હતા. તેમના આ સાહસને બિરદાવતાં હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. મહેશભાઈ જેવા સાહસી લોકોના કારણે જ એક આખા સમાજ માટે ઘર કરી ગયેલી માન્યતાઓ ભાંગતી હોય છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »