તમારા માટે, તમારી સાથે, સતત…

મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર

પ્રતિષ્ઠિત લેખક મોહમ્મદ માંકડને 'સાહિત્ય ગૌરવ' પુરસ્કારથી સન્માનિત

0 559
  • સાંપ્રત

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૨૮ નવેમ્બરની સાંજ ગુજરાતી સાહિત્યના ગૌરવની સંધ્યા બની રહી. અવસર હતો ગુજરાતી સાહિત્યના યશસ્વી હસ્તાક્ષર પ્રતિષ્ઠિત લેખક મોહમ્મદ માંકડને ‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત કરવાનો. આ પુરસ્કાર પ્રતિ વર્ષ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનારા સાહિત્યકારોને અપાય છે. ૨૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર વાર્તા, નવલકથા અને જીવનલક્ષી ચિંતનાત્મક નિબંધોથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને અર્પણ કરવાનું ઘોષિત થયું હતું. ૯૨ વર્ષની જૈફ વયે પહોંચેલા મોહમ્મદભાઈનો સ્વાસ્થ્યનાં કારણોસર આ પુરસ્કાર અર્પણ કરવા માટેનો સમારોહ તેમના સુપુત્ર અનિશ માંકડના નિવાસસ્થાને યોજાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ સામે ચાલીને એ માટે મોહમ્મદભાઈના ઘરે આવવાની તૈયારી દર્શાવી હતી એટલે અકાદમીએ તેમના નિવાસ નજીક જ નાનકડા સમારોહનું આયોજન કર્યું હતું. એ સમારોહમાં રઘુવીર ચૌધરી, હસુ યાજ્ઞિક, ચંદ્રકાંત શેઠ, રતિલાલ બોરિસાગર, રજનીકુમાર પંડ્યા, કુમારપાળ દેસાઈ, ભાગ્યેશ ઝા, કેશુભાઈ દેસાઈ, દૌલત ભટ્ટ સહિતના અનેક વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત લેખકોની ઉપસ્થિતિએ સમારોહને વધુ ગૌરવશાળી અને ગરિમામય બનાવ્યો હતો. સમારોહના આરંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતી સાહિત્યની અનોખી જુગલજોડી દિવંગત ભૂપત વડોદરિયા અને મોહમ્મદ માંકડની મૈત્રીનો ઉલ્લેખ કરીને દિલગીરી સાથે કહ્યું હતું કે જો ભૂપતભાઈ હયાત હોત તો આજે તેમને પણ આ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હોત. તેમણે આ પ્રસંગે ગાંધીનગરમાં નિર્માણ થનારા ભવ્ય અકાદમી ભવનની પણ માહિતી આપી હતી.

શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રાસંગિક ઉદ્બોધન માટે ઊભા થયા ત્યારે વ્હીલચૅર સાથે સાથે મંચ પર ઉપસ્થિત મોહમ્મદભાઈના મુખમાંથી એવા ઉદ્ગાર સરી પડ્યા હતા કે આ સન્માન મારું નહીં, તમારા બધાનું છે, ગુજરાતી સાહિત્યનું છે. ભૂપેન્દ્રસિંહે આ શબ્દો સાંભળ્યા અને તેમણે પોતાનું સંબોધન શરૃ કરતાં પહેલાં મોહમ્મદભાઈની લાગણીથી સૌને વાકેફ કરતાં એ શબ્દો દોહરાવ્યા ત્યારે સૌએ તાળીઓથી અભિવાદન કર્યું. પોતાનું સન્માન સૌને સમર્પિત કરવાની આ વાત પણ અનોખી હતી. ભૂપેન્દ્રસિંહે મોહમ્મદભાઈના સાહિત્યને સંસ્કારની સુવાસ પ્રસરાવનાર ગણાવી આવા સાહિત્યના વારસાને જાળવી રાખવાની હિમાયત કરી હતી.

મોહમ્મદભાઈને સન્માન પત્ર, શાલ, સ્મૃતિ ચિહ્ન અને ચેક અર્પણ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કર્યા બાદ તેમના સંબોધનમાં મોહમ્મદભાઈ જેવા લેખકોના સાહિત્યને ગુજરાતી સાહિત્યની ધરોહર ગણાવી તેને સંવર્ધિત કરવા તેમજ તેના વધુ વ્યાપ અને પ્રસારની હિમાયત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસામાંથી ભવિષ્યની પેઢી પણ પ્રેરણા લઈ આપણા આ મહામૂલા વારસાને સમજે-સાચવે, આત્મસાત કરે તેની આવશ્યકતા છે.

Related Posts
1 of 142

મોહમ્મદ માંકડે ૭ દાયકાથી વધુ સમયથી સંસ્કારી અને ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય-ભાષા જગતની ઉત્તમોત્તમ સેવા કરી હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેમણે અવિરત અને એકધારું યોગદાન આપીને પોતાની લેખની દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉજાળ્યું છે. મુખ્યમંત્રીએ મોહમ્મદ માંકડના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરતાં તેઓ હજુ વધુ સુંદર ઉત્કૃષ્ટ સાહિત્ય આપણને આપે તથા નવી પેઢીમાં સાહિત્ય સંસ્કારના સિંચનમાં અવિરત પ્રદાન કરતા રહે, એવી લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીના સંબોધન બાદ સન્માનના પ્રતિભાવ રૃપે મોહમ્મદ માંકડ બહુ બોલી શકે તેમ ન હોવાથી તેમણે તૈયાર કરેલા નિવેદનને તેમના પુત્ર અનિશ માંકડે વાંચી સંભળાવ્યું હતું, જેમાં તેમણે સન્માન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી, મુખ્યપ્રધાન વિજય રૃપાણી અને કાર્યક્રમમાં પધારેલા લેખકો, કવિઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મોહમ્મદભાઈ તેમના આ પ્રતિભાવમાં તેમના દિવંગત પ્રિય મિત્ર ભૂપત વડોદરિયાને યાદ કરવાનું ભૂલ્યા ન હતા.

આ પ્રસંગે એક ચિત્રકારે તૈયાર કરેલ મોહમ્મદભાઈનું તૈલચિત્ર તેમને અર્પણ કરાયું હતું. સમારોહ પૂર્ણ થયા બાદ કવિ-લેખકો, શુભેચ્છકોએ મોહમ્મદભાઈને પુષ્પગુચ્છ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. વડોદરિયા પરિવાર વતી શૈલેષભાઈ વડોદરિયાએ મોહમ્મદભાઈને શાલ ઓઢાડી અભિવાદન કર્યું ત્યારે મોહમ્મદભાઈ ભાવવિહ્વળ બની ગયા હતા અને હર્ષ વ્યક્ત કર્યો હતો.

—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »