તમારા માટે, તમારી સાથે, સતત…

ગાયોની તસ્કરીમાં મોટાં માથાંઓની દખલ..

૨૦૧૬ પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગાયોની હેરાફેરીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

0 92
  • કોલકાતા કૉલિંગ –  – મુકેશ ઠક્કર

ભારત અને બાંગ્લાદેશની સરહદ પર સીમા સુરક્ષા બળ/બીએસએફ માટે ગાયોની મોટા પાયે થતી દાણચોરી એક પડકારરૃપ સમસ્યા બની રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આશરે ૪૦૦૦ કિલોમીટરની લાંબી સીમા રેખા છે જેમાં નદીઓ, પહાડ, હાઈવે અને કાચા રસ્તાઓ સહિતનો વિસ્તાર છે. બંને તરફ બોલાતી ભાષા બંગાળી સાધારણ ઉચ્ચારણોના ફરક સિવાય એક જ છે.

આમ તો ગાયો અને બળદોની તસ્કરી લાંબા સમયથી થતી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહારથી જે ગાયો દૂધ આપવાનું બંધ કરે તે બાંગ્લાદેશ વેચવા માટે મોકલી દેવામાં આવતી. ટ્રકો ભરીને મૂંગા પશુઓ કોલકાતાની એક હાટમાં પહોંચતાં અગાઉ બીએસએફના જવાનોના હાથમાં દાણચોરો સપડાતાં તો તે પશુઓ કસ્ટમ વિભાગ દ્વારા નિલામી ધોરણે વેચાતાં અને ગૌપાલકો તેને ખરીદી લેતાં, પણ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે મૂંગા પ્રાણીઓની હરાજી ન થાય એટલે બીએસએફ સામે બિનસરકારી સંસ્થાઓનો જ વિકલ્પ ખુલ્લો રહ્યો. આ એનજીઓ ગૌવંશનાં ભરણપોષણની જવાબદારી ઉપાડી લેતાં હોય છે. કોલકાતા અને આસપાસમાં અનેક સંસ્થાઓ/પાંજરાપોળ ગાય, બળદને સાચવી લેવાનું ઉમદા સેવાકાર્ય કરે છે, પણ દાણચોરીના જે બિનસત્તાવાર આંકડા આવ્યા છે તે ચિંતાજનક છે.આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ પણ આંકડા સહિતનો રિપોર્ટ બહાર પાડ્યો છે.

૨૦૧૬ પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગાયોની હેરાફેરીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.બાંગ્લાદેશનો ચર્મઉદ્યોગ નબળો પડ્યો હતો. બીએસએફની કડક નજર સીમાવર્તી વિસ્તારો પર રહેવાથી દાણચોરો માટે માલની હેરાફેરી કષ્ટદાયક થઈ ગઈ હતી.

તાજેતરમાં જે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા, દક્ષિણ ચોવીસ પરગણા, હાબરા, માલદા અને કૃષ્ણનગરથી ગાયોની દાણચોરી માટે વિચિત્ર હિલચાલ જોવા મળી. દક્ષિણ બંગાળની ૩૬૫ કિલોમીટર સરહદ પર કાંટાળી જાળ બિછાવેલી છે. બીએસએફના વિસ્તૃત રિપોર્ટના પગલે સીબીઆઈના અધિકારીઓએ સીમા પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે આકરી તપાસ કરી તો ખબર પડી કે ગેરકાનૂની કામ કરવા ગુનેગારોએ નવી તરકીબો અજમાવી છે.

Related Posts
1 of 142

દાણચોરોએ નાની ગાયને પેપ્સી નામ આપ્યું છે. મધ્યમ કદની ગાયને બોલ્ડર નામ આપ્યું છે. આ ઉપરાંત જે ગાયો બાંગ્લાદેશમાં ઘુસાડવાની હોય તેને હિંદી સિનેમાનાં નામો સાથે જોડી વિવિધ પાસવર્ડ આપવામાં આવે છે. કોડવર્ડનો ઉપયોગ કરી યોજના બનાવી ગેરકાનૂની હાથકંડા અજમાવ્યા હતા.

સીમા પર સુરક્ષા માટે વીજળીના તાર બિછાવેલા હોય છે તેને નિષ્ફળ બનાવવા ગાયનાં શરીર સાથે કેળાંનાં પાનમાં બૉમ્બ બાંધવામાં આવે છે, જેથી ધડાકો  થાય. સુરક્ષા કવચ તૂટે, જવાનો ઘાયલ થાય અને સહજ રીતે દાણચોરીનો માલ હેરાફેરી કરી શકાય.

સીબીઆઈને પ્રાથમિક તપાસ પછી આ ષડ્યંત્ર આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાનું જણાયું છે. એક તરફ સુરક્ષા વધુ ચોક્કસ કરવામાં આવી છે. તાજેતરની ઘટનાના સંદર્ભમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

એક અનુમાન પ્રમાણે સીબીઆઈના અધિકારીઓને મોટાં માથાંઓ, જેમની સત્તા સુધી પહોંચ હોય અને સરકારી અધિકારીઓ પણ આ તસ્કરીમાં સંડોવાયેલા હોવાનો સંદેહ છે.

છેલ્લા કેટલાક સમયથી સરહદ આસપાસના વિસ્તારોમાંથી ગાયોને સીમા પાર કરાવતાં જે અપરાધીઓ બીએસએફના અટકમાં ધરાયા છે તેમની સાથે પૂછતાછ દરમિયાન ઘણા સ્ફોટક રહસ્યો હાથ લાગ્યાં છે જે આધારે સીબીઆઈના અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકના વિસ્તારોમાં તપાસ ચલાવી રહ્યા છે. એક  પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી પાાઠવી આપ્યો છે.

સીમા પર સુરક્ષા વાહિનીને ગૌવંશની તસ્કરી ઉપરાંત સુરક્ષા કર્મીઓ પર ઘાતક હુમલો કરવાની તજવીજ પણ લાગે છે તે ધ્યાનમાં રાખી સુરક્ષા કડીઓ વધુ સખત કરી દેવામાં આવી છે.

સીબીઆઈ સૂત્રો પ્રમાણે ગાયો/બળદો અનેક રસ્તાઓથી બાંગ્લાદેશમાં દાખલ કરવાના ષડ્યંત્ર ધ્યાનમાં આવ્યાં છે. દરેક ખૂણે સુરક્ષા કડીની સમીક્ષા કરવામાં આવી છે. ગાયોની તસ્કરી રોકવા માટે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જવાનો પર ગાયોનો ટેકો લઈ તેમના શરીર પર ઘાતક બોમ્બ બાંધી હુમલો ન થાય તે માટે તત્કાળ સાવધાન રહેવા માટે જરૃરી નિર્દેશ આપવામાં આવ્યા છે.
————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »