તમારા માટે, તમારી સાથે, સતત…

અમદાવાદ અને ગાંધીનગર એક હૃદય, બે શહેર

અમદાવાદનો ઇતિહાસ એટલે ગઢ, પોળ અને પરાંનો અધ્યાય!

0 409
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

અમદાવાદ અને ગાંધીનગર ઃ આધુનિક ગુજરાતનાં આ બે નગરોને ‘પાટનગર’ હોવાનું નસીબ મળ્યું એટલે ૧૯૬૦થી તો મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને સરકારોની પરંપરા રહી. ડૉ. જીવરાજ મહેતાથી વિજય રૃપાણી ઃ આની વચ્ચે એક વીરલો રાજપુરુષ મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સિદ્ધિએ પહોંચ્યો. ‘ભૂતપૂર્વ’ બની ગયેલા કેટલાક મુખ્યમંત્રીઓ કેન્દ્રમાં મંત્રી પણ બન્યા, રાજ્યપાલ થયા.

એકવાર ‘કુમાર’-તંત્રી બચુભાઈ રાવતે મને પૂછ્યું હતું ઃ તમે ‘એક અધૂરું પાટનગર’ એવો લેખ કેમ લખ્યો? મેં કહ્યું કે, ૧૯૬૭માં સ્ટેશન પાસેની મણિબાઈ ધર્મશાળામાં પહેલીવાર બે રાત ગાળી ત્યારથી, સલાપોસ રોડની ‘મનસુરી બિલ્ડિંગ’માં પત્રકારત્વનો પ્રયાસ કર્યો ત્યાં સુધી (હવે તેમાં બીજાં ઠામ-ઠેકાણા ઉમેરાયાં છે!) મેં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણનું દેહદળ વધારેલા શેઠિયા જેવા આ શહેરને જોયું – અનુભવ્યું છે, ને હજુ ‘અધૂરું’ જ લાગ્યું છે, બદનથી નહીં, માનસિકતાથી!

અમદાવાદ પણ જિલ્લો છે અને ગાંધીનગર પણ! એકબીજાના પૂરક, જોડિયા ભાઈ જેવા. અમદાવાદ ૧૯૬૦થી; ૧૦ તાલુકા ઃ અમદાવાદ શહેર, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણિનગર, નારોલ, દસ્ક્રોઈ, દેત્રોજ, માંડલ, વીરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા.

Related Posts
1 of 142

આમાંના ઘણા તો મૂળ અમદાવાદની આસપાસ ઊગી નીકળેલાં ગામ અથવા પરાં. આજે તો અમદાવાદ એક દોદળું મહાનગર બની ગયું, એક સમયે તે ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવાતું, હવે આ માન્ચેસ્ટરની કાપડ મિલો ‘માંદી’ પડીને સ્વર્ગસ્થ થઈ ગઈ, પણ બીજા ઉદ્યોગો વિકસ્યા છે. અમદાવાદનો ઇતિહાસ એટલે ગઢ, પોળ અને પરાંનો અધ્યાય! અસંખ્ય મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા- અગિયારી, હવે તો રિવર-ફ્રન્ટ અને આધુનિક ઇમારતો, થોડાંક સભાગૃહો, લગભગ મૃતપાય સરખી મોટા ભાગની લાઇબ્રેરી, ગાંધીની આવડે તેવી સ્મૃતિ જાળવતો સાબરમતી- કોચરબ આશ્રમો અને ગૂજરાત વિદ્યાપીઠ, બેશક-નવજીવન પ્રેસ અને એ અતિથિગૃહ, જ્યાં ગાંધીજી પરનો યાદગાર મુકદ્દમો ચાલ્યો હતો. રાજભવનમાંથી પળોટાયેલું સરદાર સ્મારક, ભદ્રના ભરચક ચોકમાં ઊભેલું ૧૯૫૬ના શહીદોનું સ્મારક, નવાં અને જૂનાં અખબારોનાં સફળ-નિષ્ફળ કાર્યાલયો, ઇલેક્ટ્રોનિક મીડિયાની ચેનલો, એનઆઈડી અને અટીરા, અમદાવાદ મૅનેજમૅન્ટ એસો., સાયન્સ સિટી, કર્ણમુક્તેશ્વરથી તિરુપતિ બાલાજી મંદિર, સ્વામિનારાયણ મંદિરો અને વૈષ્ણવ હવેલી… અમદાવાદમાં ઇમારતોની જેમ એક પછી એક ઉમેરાતું જાય છે. તેના તાલુકામાં સાબરમતીએ જાણીતી જેલને સાચવી છે, માંડલમાં દુર્લભ સૂર્યપ્રતિમા હતી તે કોઈ ઉઠાવી ગયું છે. વીરમગામ એટલે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (સૌરાષ્ટ્રથી અમદાવાદ આવનારાઓની ઓળખ જ ‘વાયા વિ.-જિ.!’) ધોળકા-ધંધુકા-ધોલેરા સત્યગ્રહભૂમિ. ધંધુકાની કોર્ટમાં મેઘાણીને સજા અને ગીત, હવે ઉદ્યોગ તરફ વળતું ‘સર’ ધોલેરા. આમ તો અહીં ૨૦૦થી વધુ તળાવો હતાં, બુભુક્ષિત વસતી વધારાથી નામશેષ થઈ ગયાં અને છે તે સંતોષજનક હાલતમાં નથી. ઢગલાબંધ યુનિવર્સિટીઓ અને કૉલેજો. ગણનાપાત્ર ગુજરાત યુનિવર્સિટી. અમદાવાદના નગરદેવતા ભગવાન જગન્નાથ. ૧૯૬૯માં રમખાણ શરૃ થયાં હતાં. ગાય અને કુરાનને તેમાં નિમિત્ત બનાવ્યાં હતાં. નગરદેવી ભદ્રકાળી- ભદ્ર પાસે પ્રતિષ્ઠિત છે. સરખેજમાં મહેમુદ બેગડો સૂતો છે. સરખેજના રોજાનો આગવો અંદાજ છે. ધોળકા-મૂળ ધવલ્લક, ધાવલ્લકપુર અને વિરાટનગર. મીનળકથાનું મલાવ તળાવ છે, એવું જ વીરમગામમાં તેનું ‘મુનસર’ તળાવ. નળ સરોવરે દેશી-વિદેશી પંખીઓ ઊતરી પડે છે અને લોથલ આપણી ૫૦૦૦ વર્ષ પુરાણી સંસ્કૃતિનું સ્થાન. વિનાશ અને નિર્માણ તેનાં ખંડિયરોમાં પડ્યાં છે. ચાર વાર ત્સુનામીમાં નષ્ટ આ નગર લોકોએ ફરી બેઠું કર્યું હતું. ખંડહર બતા રહે હૈ, ઇમારતે કિતની સુંદર ઔર મજબૂત થી!

ગાંધીનગર ૧૯૬૪થી જિલ્લો બન્યું. ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલ. ૧૯૭૧માં પાટનગર અમદાવાદથી ગાંધીનગરમાં ખસેડાયંુ. આજે વિધાનસભા ગૃહ, સ્વર્ણિમ સંકુલ, મહાત્મા મંદિર, નેશનલ લૉ યુનિવર્સિટીથી એવી બીજી યુનિવર્સિટીઓ, ગાંધીનગરમાં આડા-ઊભા રસ્તાઓ કક્કો બારાક્ષરી શિખવાડે. બાજુમાં ઇન્દ્રોડા પ્રાણી-ઉદ્યાન. અડાલજની વાવ, મહુડીના ઘંટાકર્ણ દેવ, ઈફ્કોથી જાણીતું કલોલ, વાસણિયા મહાદેવનું વાસણ અને પલ્લીના મેળાનું રૃપાલ ઃ આ થોડાંક જાણીતાં સ્થાનો જેમ અમદાવાદમાં સાહિત્ય પરિષદ છે તેમ ગાંધીનગરમાં સાહિત્ય અકાદમીઓ (ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-ઉર્દૂ-કચ્છી-સિંધી) છે. કવિઓ, નવલકથાકારો, નાટ્યમંડળીઓ, કલાકારો, સ્થપતિઓ, ફિલ્મકારો, શાયરોની અહીં બોલબાલા છે.

અમદાવાદ-ગાંધીનગરનું હૃદય એક જ છે. થોડું સરકારી, અધિક વ્યાપારી અને પરિશ્રમી. તવારીખ કહે છે કે બધાં મોટાં આંદોલનો અમદાવાદથી શરૃ થયાં હતાં..!

———————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »