તમારા માટે, તમારી સાથે, સતત…

શરાબ, શાયરી અને શાશ્વત 1

શરાબ તથા શાયરીનો નાતો શાશ્વત વડે સાધનારા આ સર્જકો સૂફીવાદી હતા.

0 653
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

સ્વસ્થતા ને સ્વચ્છતાની સફાઈ છે કરમ ધરમનું
સ્વસ્તિ ને સ્વાર્થ સંપૂર્ણ સાફ કરવું મરમ પરમનું

શરાબ ચીજ હી એસી એટલું બબડો ત્યાં આગળના શબ્દો સાંભળનારના મુખ પર રમવા માંડશે ‘ને ‘ને તેમાંથી અમુક ડોલવા લાગશે. હમમ, ઘણાના મોં મચકોડાઈ જશે. શરાબના ગાન ગુજરાતમાં રેલાય કે ગુજરાતીઓ મધ્યે ગવાય તો શક્યતા ભારોભાર છે કે ઢગલાબંધ કાન એવાં ખૂલશે કે શરાબ શબ્દ પ્રવેશતાં વેંત ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કડક રીતે દરવાની કરે. કવિતાના કલકલાટ પરથી વાતાવરણ કોવિદના કકરાટ તરફ ચીકાશ તેમ જ ગંધ સાથે તુરંત જ આગળ ધપશે. ગ ગાંધીજીનો છે કે ગેહલોતનો કે ગરવી ગુજરાતનો એ ત્રિકોણિયો સવાલ સોલ્વ કરતાં સૌ જીભથી શુંનું શું પીવડાવી આપણને સુકર્ણ, કુકર્ણ ‘ને દુષ્કર્ણ બનાવી અંતે અકર્ણ બનવા પર મજબૂર કરી શકે છે. ગૈરશરાબી કે શરાબશત્રુ હોય તેમને ખાસ વંદન. શરાબ, શરાબી ‘ને શરાબબંધી અંગે સપ્તાહ, સમિતિ કે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચ બેસાડી શકાય છે એટલે અત્રે આપણે કેવળ શરાબ સાથે સંકળાયેલા ચંદ શેર વા શાયરી માણીશું.

સરદાર અંજૂમની એ ગઝલ પંકજ ઉધાસ દ્વારા ગાવામાં આવી ‘ને અસંખ્ય કેસેટ ગલ્લાથી માંડીને મહેલમાં ઘસાઈ ગયેલી. કોઈક કહેશે એના કરતાં તો પેલી મસ્ત છે. ઠુકરાઓ અબ કિ પ્યાર કરો, મેં નશે મેં હું. જગજિતસિંઘનો કંઠ ‘ને શબ્દો શાહિદ કબીરના. મુદ્દો શરાબ તથા શાયરીના સંબંધનો છે. ઘણુ લખાઈ ગયું છે. તેનાથી વધારે ચર્ચાઈ ગયું છે. વતેસર તો એટલે સુધી થઈ ચૂક્યું છે કે પ્રેમ તથા સ્ત્રી સિવાયનો જો કોઈ ફરજિયાત વિષય ગઝલકારો માટે હોય તો તે શરાબ છે. નશો, સાકી, મૈખાના, મૈકદા જેવા અલ્ફાઝ આવે એટલે મહેફિલમાં એક અનેરી મસ્તી આવી જાય. કેટલાય ગાયકો ‘ને શ્રોતાઓ માટે ત્યારે એડ્રીનાલીન-ઇવેન્ટ સર્જાય છે. વાહવાહ. ક્યા બાત હૈ. જે બાત. બહોત ખૂબ. દુબારા. ઉદ્ગાર આપોઆપ યંત્રવત રીતે એક સ્નિગ્ધ સ્મિત સાથે લસરી જ પડે. જી, એવું પણ થાય છે કે જે મદિરા પ્રત્યે નેગેટિવ ખયાલાત ધરાવે છે એમના માટે આ બધું એક લાલઘૂમ પ્રશ્નાર્થ ચિહ્ન સમું હોય છે.

વારુ, અચરજ તો એ વાતનું છે કે ઉર્દૂ, ફારસી કે હિન્દીમાં લખાયેલી જૂની બલકે પુરાણી અભિવ્યક્તિઓના મહદ સર્જકો ઇસ્લામિક બૅકગ્રાઉન્ડવાળા હતા. ઓફિશિયલી ઇસ્લામ પાળતા જ હતા. એક બાજુ આલ્કોહોલની વિરોધમાં સ્પષ્ટ ‘ને કટ્ટર સ્ટેન્ડ લેનારો ધર્મ અને તેને પાળનારા તેમજ તેના એન્ફોર્સર્સ, તો બીજી બાજુ અત્યંત લોકપ્રિય એવા મુસલમાન કૃતિકારો દારૃને લઈને વધામણા ગાય. તો શું એ બધાં રચનાકાર દારૃડિયા હશે? અંદરથી ઇસ્લામ વિરોધી કે કાફિર હશે? ઓબ્વિય્સલિ જવાબ ‘ના’ જ આવે. ઇસ્લામ તેમ જ તેના સેવકો તેમને આમ સુરા-ગાથાની છૂટ આપે? ના, એમણે ત્યારે પણ છૂટ નહોતી આપી ‘ને આજે પણ એમ છૂટોદોર નથી મૂકેલો. શરિયતની રાહે કે ધર્મના નિર્ણાયકોના મનસૂબાથી પગલાં લેવાયેલા છે. ફતવાઓ જારી થયેલા જ છે. તોય આ નરબંકાઓએ શરાબને ના જ છોડી.

કારણ ફક્ત અને માત્ર એટલું જ હતું કે સહી ઇસ્લામત્વ એમની રગોમાં વહેતું હતું. અલ્લા તેમના માટે સર્વસ્વ હતા અને એ લોકો દરેક ઇન્સાનને અલ્લાની રાહ પર જવાનો કીમિયો, નો-હાઉ કે મેન્યુઅલ આપવા માગતા હતા. એમના મતે શેખ, કાઝી, મુલ્લા વગેરે ઑથોરિટીઝ ‘ઇસ્લામ’ને ઘાયલ કરવામાં નંબર વન હતા. એ બધા સત્તાવાનો કહેતા કંઈક હતા અને પોતે કરતા કંઈક બીજું જ હતા. ધર્મના એ મોભીઓ દંભ, છેતરપિંંડી અને જોહુકમીથી લથબથ હતા અને એટલે જ એ કહેવાતા સાધકો ઉર્ફે પાખંડીઓ વાઇન આસપાસ રચાયેલી પોએટ્રીમાં એક લોકભોગ્ય વિષય બની ગયા. યસ, દારૃ શબ્દ આપણે ત્યાં સોફેસ્ટિકેટેડ એવમ સ્ટેટસફુલ પીનારા ગંદો ગણે છે. વાઇન એટલે ભલે ચોક્કસ બનાવટનો આસવ થાય, કોઈ પણ પ્રકારના શરાબ માટે વાઇન શબ્દ વાપરવો એ ભદ્ર વત્તા બિનસાદા લોકોમાં શુદ્ધતા ગણાય છે. એનિવેઝ, કઈ શક્તિ કામ કરતી હતી એ વાઇન-પોએટસ પાછળ?

કેમ એ વિરલાઓનાં કાવ્ય વિરાઇલ બન્યાં ‘ને વાયરલ થયાં? ઉત્તર સ્ટ્રેઇટ છે. પ્રેમ. શરાબ તથા શાયરીનો નાતો શાશ્વત વડે સાધનારા આ સર્જકો સૂફીવાદી હતા. તસ્સવૂફિ હતા. કોઈ એક પંથ કે સંપ્રદાયને વરેલા ન હતા. ઉપરવાળાને જોવા, મળવા ‘ને માણવાની એક ખાસ દ્રષ્ટિ ધરાવતા હતા. આવો નેક ખ્યાલ હોય તો પછી એમને શરાબના સહારાની શું જરૃર પડી? મહાશય, આ એક સિક્રેટ-મુવમેન્ટ જેવું પણ કશું હતું. ફેનટિક ચ ટ્રેડિશનલ ઇસ્લામવાદીઓને ખબર ના પડે એમ ગુપ્ત જ્ઞાન પ્રસારવાનું હતું. એમને ગુમરાહ કરવાની ચાલ હતી. એ અંધ કે વક્રદ્રષ્ટિવાનો બેપરવા રહે કે આભડછેટ રાખે એ જરૃરી હતું. વળી, શરાબ જેવી ભૌતિક છતાં અભૌતિકતા તરફ લઈ જતી વિભાવના તેમને આમજનોને મૂળ વાત કહેવા માટે તદ્દન હાથવગી લાગી. આખરે મામલો ઇશ્ક-એ-મઝાઝીથી ઇશ્ક-એ-હકીકીની તરફની યાત્રાનો હતો. શ્રાવક શરાબ, સાકી ‘ને મૈખાના જેવાં રૃપક સાથે એકરૃપતાથી જોડાઈ જાય પછી તેના મૂળમાં શું છે તે આજે નહિ તો કાલે ઝડપવાનો જ છે.

‘યુસુફો ઝુલૈખાં’માં મુલ્લા નુરુદ્દીન જામી ટાંકે છે કે સુરતનો જામ જેણે નથી પીધો એ મઅનીનો ઘૂંટડો પણ શું ચાખવાનો? અલા હુરટ ની. સુરત એટલે એક્સટર્નલ યાને બાહ્ય. મઅની યાને ઇન્ટર્નલ યાને ભીતરી. ભાવાર્થ એ કે જે આ ફાની દુનિયા માણવાની હિંમત નથી કરી શકતા તે પરમની વાત કરે એ નિરર્થક છે. જામી આવી વાત ટાંકી શકે તેનું કારણ એમના ફારસી શબ્દોમાં જોઈએ. મતાબ અજ ઇશ્ક રૃ ગરચે મજાજીસ્ત, કિ આં બહેરે હકીકત કારસાજીસ્ત. બલોહ અવ્વલ અલેફ બે તે ન કહાની, જે કુર્રાન દરસ ખાંદન કાય તબાની. ભાવાર્થ એ કે પ્રેમ બાજુથી તારું મોં ના ફેરવ, જોકે એ સાચો નથી છતાં, એ સાચા પ્રેમ માટે તને તૈયાર કરનાર છે. પાટી-પેન વડે કક્કો-બારાખડી નહીં ઘૂંટે તો કુરાન કેવી રીતે પઢી શકીશ?

Related Posts
1 of 281

પોઇન્ટ એ છે કે નશ્વર જગતના કોઈ જીવ કે નિર્જીવ કે વિભાવના પર જો પ્રેમ નહીં થાય તો પરમ પરનો પ્રેમ શું છે એ સમજવું કેવી રીતે શક્ય બનશે? સામાન્ય પ્રેમના જન્મ, ઉછેર ‘ને વિકાસ પછી તેની રિયલ મેચ્યોરિટી ક્યાં છે તેનું દિશા સૂચન છે. એક રસપ્રદ હદિઝ અહીં ઉલ્લેખનીય છે- અલ્મજાજો કંતરતુલ્હકીકત. શરાબનો નશો આ રીતે નવો અર્થ પામે છે. છતાં ‘પીઓ ઓર જીઓ’ એવો બકવાસ નથી. ખ્વાજા હાફિઝ ફરમાવે છે કે ગમે કુહન બ મયે સાલખુર્દહ દફઅ કુનીદ. ભાવાર્થ એ કે જૂનાં પુરાણા દુઃખ કે ગમગીનીને જૂના શરાબથી દૂર રાખો. સો, દુન્વયી કચકલહની વાતો છોડો અને ‘તે’ની વાત કરો. ખ્વાજાજી બીજે ક્યાંક કહે છે કે બયા તા ગુલ બાર અફ્શાનીમો મય દર સાગર અન્દાજીમ, ફલક રા સક્કફ બે શીગાફીમો તરહે નવ દર અન્દાજીમ. ભાવાર્થ છે કે આવો, આપણે ફૂલો પધરાવીએ તેમ પ્યાલીમાં શરાબ રેડીએ ‘ને એમ કરી આસમાનની છત ચીરી નાખીએ ‘ને નવો પાયો નાખીએ. એમને ખાતરી છે ઇશ્કની તાકાતની.

જરૃર જરૃરથી પરચો મળ્યો હશે જ એમને, એમ જ થોડું કે ઘણુ યાદ નહીં કર્યા કરતાં હોય તેમને. લોકજીભે વાઇન અર્થાત દારૃ, શરાબ, સુરા, મદ્ય કે મદિરા. કિન્તુ, સૂફી બાદશાહો માટે આ બધા શબ્દો કે અભિવ્યક્તિ સમય, કુદરત, માયા, બ્રહ્મ, પરમ, સત્ય, દિવ્ય, સનાતન, પ્રેમ, સચ્ચિદાનંદ વગેરેને લગતાં સર્વસામાન્ય પ્રતીક છે. જે એક છે તથા જેનાં અનેક નામ સાથે ઓળખાણ ‘ને સરનામાં છે તેનો સંદર્ભ છે. ફોકસ સતત, સર્વત્ર, સદૈવ છે એ શાશ્વત પર છે. અહીં અરબી ‘ને ફારસી ભાષાના તફાવતનો મુદ્દો દિમાગમાં આવી જાય છે. અરબી મોટે ભાગે બોલવાની-સાંભળવાની ભાષા છે, જ્યારે ફારસી ચિંતન-મનન એટલે કે ચગળવાની-પચાવવાની ભાષા છે. બહેરહાલ, આ બંને ભાષાના ઘણા શબ્દોના અર્થના વિ-અર્થ કે અન-અર્થ થઈ ગયા છે. સાકી અર્થાત જે દારૃ પિવડાવે કે ભરી આપે તે વ્યક્તિ. ઓલમોસ્ટ એ બાર-ટેન્ડર. પરંતુ, આ મહાનુભાવોએ આ શબ્દને નવી ઊંચાઈ આપી છે. એમના ભાવ-કોશ અનુસાર સાકી એટલે જે ખરા ઇશ્કનો જામ પીવડાવે તે.

બહુમતને જાણીને તાજ્જુબ થશે કે ‘તાલ’ ફિલ્મમાં ‘મૈં પ્રેમ દા પ્યાલા પી આયા’ લખનાર આનંદ બક્ષી સૂફી હતા. નુસરત ફતેહ અલી ખાન જોડે એમને ખાલી ભૂગોળનો સંબંધ નહોતો. દેશીમાં બૃહદ રીતે કહીએ તો ‘સાકી એટલે જે પિવડાવીને છાકટો કરી નાખે તે. અલખ જગાડનાર, ધૂણી ધખાવનાર. સૂફી શાયરનો શરાબ કે તેનો નશો એટલે સચ્ચિદાનંદની લટાર મરાવે તે. આ મુદ્દે ખાજા હાફિઝની ગઝલનો એક શેર અર્જ છે- સાકિયા બાર ખીજો દર દેહ જામ રા, ખાક બાર સર કુન રામેં અય્યામ રા. ઓ સાકી, ઉત્તિષ્ઠત એન્ડ જસ્ટ મેક મી એ પેગ રિઅલ ફાસ્ટ અને એમ કરીને તું જગતભરના દર્દને દફન કરી દે. હવે, ‘બાટલા હાઉસ’ મૂવીનું તનિષ્ક ‘ને દેવ લિખિત સોંગ ઓ સાકી સાકી રે ગાતા કે સાંભળતાં વન એન્ડ ઓન્લી ધ સાકીને સ્મરણમાં આવવા દઈ શકાય છે.

આવી જ રીતે મયખાના તથા ખરાબાત શબ્દોની રમત છે. અર્થ થાય છે કે જ્યાં શરાબ મળે છે એટલે કે ઇશ્કનો નશો મળે છે તે જગ્યા. દારૃનું પીઠું કે મદિરાલય કે શરાબગૃહ કે બાર એ ‘આપણો’ અર્થ છે. ખ્વાજા હાફિઝ બંધન તોડતા મુક્તિના ગીત ગાતા કહે છે કે દર ઇશ્ક ખાન્કાહો ખરાબાત શર્ત નિસ્ત, હર જા કેહ હસ્ત પરત્વે રુયે હબીબસ્ત. ભાવાર્થ છે કે બાર માટે કોઈ જ રૃલ કે લો ફરજિયાત નથી. ગમે ત્યાં કોઈ પણ સ્થળ આવકાર્ય છે જ્યાં મારા પ્રિયતમનું કેવળ પ્રતિબિંબ મળતું હોય. ગર્ભિત અર્થ છે કે પ્રત્યેક કણમાં મારા પ્યારાનાં પગલાં છે જ. એક શેર અપવાદ રૃપે જ કોઈને માલૂમ નહીં હોય. ઝાહિદ શરાબ પીને દે મસ્જિદ મૈં બૈઠ કર યા વો જગહ બતા દે જહાં પર ખુદા ના હો. આ શેર દાગ કે ગાલિબ કોણે લખ્યો એ અંગે વિવાદ છે. ભાવાર્થ અંગે નથી. એ જ તાર હસરત જયપુરીએ ‘મૈં નશે મેં હું’ના ટાઇટલ-સોંગમાં ‘સાહિબ’ સાદ દઈને છેડ્યો હતો. મુજ કો તો અપને ઘર કા પતા યાદ હી નહીં, તુમ મેરે આસપાસ રહો મૈં નશે મેં હું.

મસ્જિદ ખુદા કા ઘર હૈ, કોઈ પીને કી જગહ નહીં, કાફિર કે દિલ મેં જા, વહાં પર ખુદા નહીં. શાયર ઇકબાલ સૂફી નહોતા. વંદનીય અહમદ ફરાઝે ચોટદાર શેર અર્પેલો છે કે કાફિર કે દિલ સે આયા હું મૈં યે દેખ કર ખુદા મૌજૂદ હૈ વહાં ભી, કાફિર કો પતા નહીં. વસી કટાક્ષ મારે છે કે ખુદા મૌજૂદ હૈં પુરી દુનિયા મેં, કહીં ભી જગહ નહીં, તું જન્નત મેં  જા વહાં પીના મના નહીં. સાકી રજૂઆત કરે છે કે પીતા હું ગમ-એ- દુનિયા ભુલાને કે લિએ ઔર કુછ નહીં, જન્નત મેં કહાં ગમ હૈ વહાં પીને મેં મજા નહીં. મિર બોલ્યા કે હમ પીતે હૈ મજે કે લિએ, બેવજહ બદનામ ગમ હૈ, પુરી બોતલ પીકર દેખોં, ફિર દુનિયા ક્યા જન્નત સે કમ હૈં. આદમી તખ્ખલુસના નામે એક શેર છે કે લા ભાઈ દારૃ પિલા, બકવાસ ન બાંચો, જહાં મર્જી વહીં પિએંગે, ભાડ મેં જાએં પાંચો.

જનરલ નહીં સૂફી શાયરો સૂફીવાદની વિશાળતા એવમ ગૂઢતાને સામાન્ય તળપદી ટચ સાથે બખૂબી સાંકળી લે છે. ‘આપણી’ દુનિયામાં કોઈ પીધેલો રોડ ઉપર પડ્યો હોય તો આપણે ઉવાચીશું કે પીપીને પિત્તળ થઈ ગયો છે. શું આમ તો સોનું હતો, પણ દારૃ ચઢ્યો, ભાન ગુમાવ્યું ‘ને હોશ ખોયા તેથી પિત્તળમાં કન્વર્ટ થઈ ગયો? બાકીના ચળકતું સોનું છે? આવા જ નશા-એ-ધૂત અંગે ઉમર ખય્યામ એક રૃબાઈમાં સૂફીદર્શન આપતા જણાવે છે કે રિન્દી દીદમ નીશ્સ્તહ બાર રૃયે જમીન, ન કુફ્ર ન ઇસ્લામ ન દુનિયા ન દિન. નય હક્ક ન હકીકત ન શરિયત ન યકિન, દર હર દો જહાં કેરા બુઅદ જહરએ ઈન. મેં એક લંપટ અથવા નઠોર જમીન પર બેઠેલો જોયો હતો, જેનામાં કુફ્ર, ઇસ્લામ, દુનિયા, સત્ય, હકીકત, શરિયત કે શ્રદ્ધા-વિશ્વાસ જેવી કોઈ ફિલોસોફી જેવું કંઈ ના હતું. બોલો, બંને દુનિયામાં તેનાથી વધારે શક્તિમાન કોઈ ખરો? તત્ત્વતઃ ઈશ્વરના આવા પ્રેમીઓને પ્રણામ કરી આપણે આવતા અંકે આ વિષય પર બાકીની વાતો કરવા મળીશું.

બુઝારો 

કૃષ્ણને અર્પણ કર્યા વગર કશું પણ ચાખો કે ખાવ અથવા ચાટો કે પીવો કે પછી કૃષ્ણ તથા અન્યને છોડીને કેવળ પોતાના ‘ને પોતાનાઓ માટે જ રાંધો એ બધું પાપ ગ્રહણ કર્યું કહેવાય, અધર્મ કર્યો કહેવાય.

– ગીતાના ત્રીજા અધ્યાયના તેરમા શ્લોકને ટાંકી છઠ્ઠા અધ્યાયના સોળમા શ્લોક સમજાવતા ઇસ્કોનના પ્રણેતા પ્રભુપાદ સ્વામીએ કરેલી વાતનો સાર.
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »