તમારા માટે, તમારી સાથે, સતત…

લેખક મળશે નહીં…

'નાદુરસ્ત તબિયતને કારણે...' અથવા તો 'પરદેશ જનાર હોવાથી ફલાણા લેખક બે મહિના માટે આ પાના નંબરથી તે પાના નંબર સુધી જોવા નહીં મળે.

0 192
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

આપણે ત્યાં રજાઓ ગાળવી એટલે પહેલાંના સમયમાં ઘરના લોકો સાથે ઘરમાં જ રહીને વગર પૈસે આનંદ માણવો તે! એકબીજા સાથે ખાઈપીને હસીમજાકમાં સમય પસાર કરવાને આપણે તહેવારની ઉજવણી ગણતાં. જમાનો બદલાય એમ કહીને આપણેય બદલાયા ને ઘરનાં લોકોને સાથે લઈને કશે ફરવા જવાને રજા ગાળવી કહેતા થયા. ખેર, જ્યાં સુધી આપણે દિવાળી ઊજવશું ત્યાં સુધી દિવાળીનું વૅકેશન રહેશે ને જ્યાં સુધી વૅકેશન રહેશે ત્યાં સુધી લોકો રજાઓ ગાળશે. રજાઓ ગાળશે ત્યાં સુધી લોકો ફરતાં રહેશે ને ફરતાં રહેશે ત્યાં સુધી દિવાળીના મૂડમાં રહેશે. દિવાળી મૂડ દિવસો સુધી રહેવાને કારણે દિવસો સુધી લોકો દિવાળીની ચર્ચાઓ કરશે. આવું બધું યાદ આવતાં અમે પણ ગયા વર્ષની વાતોને યાદ કરવા માંડેલી એટલે ઘરમાં વગર પૈસે દિવાળીનો મૂડ બની રહે. થયેલું એવું કે ગયે વર્ષે અમે દિવાળી વીતતા બજારમાં ફરવા નીકળેલાં! લાભપાંચમ સુધી તો સમજ્યા કે બજાર બંધ જ હોય, ફક્ત મુરત સાચવવા દુકાનો ખૂલે ને પછી બંધ પણ થઈ જાય. વધુ પાંચ દિવસ જવા દઈને અમે અગિયારસનું મુરત કાઢ્યું. દેવોની સાથે દુકાનદારો પણ ઊઠ્યા એટલે કે જાગી ગયા હોય તો બજારની હાલત જાણીએ. ખરીદી તો કંઈ કરવાની નહોતી, પણ બસ ટેવવશ બજાર નીકળી પડ્યા. બજારમાં કોઈ જ ન જાય તો દુકાનદારો નિરાશ થઈ જાય કે ની? પણ એમને બદલે અમે નિરાશ થયાં! જ્યાં ને ત્યાં સૂતેલા ને સુસ્ત દુકાનદારોને અમારે ખોંખારા ખાઈને ઉઠાડવા પડ્યા. એક દુકાનમાં તો દુકાનદારે બગાસું ખાતા અમને ટાળતા હોય તેમ આવકાર્યા!

હવે કોઈ દુકાનદારને ઊંઘમાંથી ઉઠાડવાનું પાપ કરીને પછી એને બોણી પણ ન કરાવીએ તો ડબલ પાપ લાગે કે ની? અમે બે ચાર ચાદર જોવા કઢાવી. જેમતેમ લથડિયાં ખાતા એણે ચાદરની થપ્પી અમારી સામે પટકી. ગમ ખાઈને અમે ચાદરને આમતેમ ઉથલાવીને પછી આદત મુજબ ન ગમી કહીને ટુવાલ જોવા માગ્યા. બે ચાર કંપનીના જાતજાતના ટુવાલ જોયા પછી એમાં સત્તર વાંધાવચકા કાઢીને નેપ્કિન જોવા માગ્યા! પેલા ભાઈની આંખો અર્ધમીંચેલી ને ઊંઘે ઘેરાયેલી તેમાં અચાનક જ પરિવર્તન આવતાં એકદમ જ ઝીણી થઈ ગઈ. એના મોં પરની નારાજીને અવગણીને બોણી કરાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે મોંના હાવભાવ સ્થિર જ રાખ્યા ને નૅપ્કિનની ક્વૉલિટી બહુ સારી નથી કહી રૃમાલ જોવા માગ્યા.

‘સારામાંના રૃમાલ બતાવો ને.’

‘બેન, તમારે આખરે જોઈએ છે શું?’

કહેવાનું મન તો થઈ ગયું કે અમે તો તમારી ઊંઘ ઉડાડવા જ ચાદરથી શરૃ કરીને રૃમાલ સુધી આવ્યાં, પણ હવે તો રૃમાલ લેવો જ પડશે. ફરી વાર ચાદરથી ચાલુ કરીશ તો તમારી હાલત મારાથી જોવાશે નહીં.

એમના સવાલના જવાબમાં ‘રૃમાલ’ કહી અમે સહાનુભૂતિ બતાવવા વાતો ચાલુ કરી.

Related Posts
1 of 29

‘આ દુકાનો કેમ બધી બંધ દેખાય છે? બહુ ઓછી દુકાનો ખુલ્લી છે.’

થોડો મૂડ ઠેકાણે આવતાં એમણે જવાબ વાળ્યો. ‘દિવાળીનો મૂડ છે, બીજું કંઈ નહીં.’

‘દિવાળી તો પતી ગઈ ને? હવે શું છે?’

‘એ તો એવું જ ચાલે. ઘરાકી ખાસ ન હોય ને તેમાં તમારા જેવા રડ્યાખડ્યા આવે (ફોગટિયા જેવા) એટલા ખાતર કોણ દુકાન ખોલે?’ (આ તો હું ઝડપાઈ ગયો બાકી આવતી દિવાળીએ તો હરામ બરાબર જો મહિના સુધી દુકાન ખોલું તો.)

અમે તો એક રૃમાલ લઈને નીકળી ગયાં પણ વિચારમાં પડ્યાં. શું જમાનો આવ્યો છે? બજારમાં ઘરાકી નહોતી નીકળી તેનું કારણ આપસમાં સમજૂતી હતું. અમને તો આની ખબર જ નહીં! ખેર, હવે બીજી વાર દિવાળી પછી શાકભાજી સિવાય કંઈ લેવા નીકળવું નહીં, એટલું તો સમજાઈ ગયું. પછીથી લાંબો વિચાર કરતા સમજાયું કે દિવાળીમાં અમુક જાહેરાતો આવે જ છે, પણ આપણે ધ્યાન નથી આપતા. જેમ કે, ‘ફલાણા ડૉક્ટર અમુક તારીખથી તમુક તારીખ સુધી મળશે નહીં.’ આનો અર્થ શો કાઢવો? ડૉ. પોતાના ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ફરવા જવાના છે એટલે એટલા દિવસ એમના પેશન્ટોએ માંદા ન પડવું? કે સંભવિત માંદગીની અગાઉથી દવા લઈ લેવી? પેશન્ટ બહુ આવે છે કે બહુ ઓછા આવે છે એમ સમજવું? કે પછી ડૉક્ટર પણ લેણદારોથી બચવા આવા કોઈ ગતકડાં કરે છે? કે… પછી…રજામાં પણ દવાખાનામાં બેસી રહેતા ને કશે ફરવા ન જતાં ડૉક્ટરોને જલાવવા આવી જાહેરાતો? ખરેખર આજે પણ આવી જાહેરાતો જોઈને મારું મગજ તો ચકરાવે જ ચડી જાય. તો પછી મારા જેવા લેખકનો શો વાંક? શું એ પણ આવી કોઈ જાહેરાત આપી શકે? ને આપે તો શું થાય? કેવી જાહેરાતો આવે? ‘ફલાણા લેખક રજાઓમાં ઘરમાં જ બેસવાના હોવાથી…’ અથવા તો ‘ઢીંકણા લેખક અમુક દિવસો બહારગામ જવાના હોવાથી…લખશે નહીં.’ તો, ‘હે વાચકો, દરગુજર કરશોજી’ અથવા ‘થોડા દિવસ રાહ જોશોજી’ અથવા તો ‘ચલાવી લેશોજી.’

આજ સુધી મેં તો આવી કોઈ જાહેરાતો જોઈ નથી જે લેખકોનું માન વધારતી હોય કે એમને પણ ડોક ટટ્ટાર કરવાનો મોકો આપતી હોય. હા, જે-તે મૅગેઝિન કે પેપરમાં જો એમની ધારાવાહિક ચાલતી હોય ને પાછી એ હિટ પણ હોય તો વાચકો આમતેમ ભાગી ન જાય એટલે બીજા હપ્તે પાછા ખેંચી લાવવા એમને જણાવાય છે કે, ‘નાદુરસ્ત તબિયતને કારણે…’ અથવા તો ‘પરદેશ જનાર હોવાથી ફલાણા લેખક બે મહિના માટે આ પાના નંબરથી તે પાના નંબર સુધી જોવા નહીં મળે. વાચકો યાદ રાખીને ફરીથી ધારાવાહિકમાં ડૂબકી મારવા હાજર થઈ જશો.’ શું તમને લાગે છે કે કોઈ વાચક આંખો ખેંચીને કોઈ લેખકની રાહ જોતો કે જોતી હશે? લેખકની ગેરહાજરી નોંધવા કોણ નવરું છે? તૂ નહીં ઔર સહી! તમે નહીં તો બીજા ઢગલો લેખકો હાજર છે. બસ, મારી આ એક જ ઇચ્છા અધૂરી રહેશે. કોણ જાણે ક્યારે મારા માટે લખાશે, ‘લેખક…થી…તારીખ સુધી મળશે નહિ.’

હશે – જેવાં નસીબ!
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »