તમારા માટે, તમારી સાથે, સતત…

દોસ્તીના દિવસો નહીં, દાયકાઓ હોય

બાલ મંદિરથી લઈને શાળા, પ્રાઇમરી, વિદ્યાનગરની હાઈસ્કૂલ કૉલેજ બધું જ નજર સમક્ષ તરવરે છે

0 357
  • સમાજ – હેતલ રાવ

દોસ્તાને દોસ્તાને જુદી છે દોસ્તી, હૃદયથી હૃદય મળે તો જ મજાની છે દોસ્તી.મિત્રતાની કેટલી સાચી અને સુંદર વાત છે. ઘણી વાર બાળપણની દોસ્તી મોટા થતાં તૂટી જાય છે. તો ઘણી વાર શાળાની મિત્રતા શાળામાં જ રહી જાય છે. કૉલેજની ગોષ્ઠિ નોકરી, કામ, પરિવાર અને બાળકોના ઉછેરમાં ક્યાંય ખોવાઈ જતી હોય છે. એવી દોસ્તી પણ છે જે દાયકાઓથી જોડાયેલી રહી છે, આજે અહીં એવા જ મિત્રોને મળવાનું છે.

૫૮ વર્ષના નગીનભાઈ નિવૃત્ત થવાની તૈયારીમાં હતા, પરંતુ આજે પણ તેમના નિયમિત જીવનમાં કોઈ જ ફેરફાર નથી થયો. એક જ પોળમાં સાથે ઉછરેલા તેમના મિત્રો બકુલભાઈ અને હસમુખભાઈ રહેતા. જુદાં-જુદાં ઘરમાં પણ એક ખોળિયંુ અને ત્રણ જીવ કહી શકાય. કેટલાં સુખ-દુઃખ તેમણે સાથે જોયાં. શાળા, કૉલેજ, નોકરી, લગ્ન, બાળકોનો ઉછેર, આર્થિક સ્થિતિ સામે ઝઝૂમવું, માતા-પિતાની સમજ સાથે પોતાના વિચારોને મેચ કરવા વગેરે જેવી અગણિત વાતોનું લિસ્ટ તેમના જીવન સાથે વણાયેલું હતંુ. આજે પણ સવારે નોકરી પર જતાં પહેલાં નગીનભાઈ બકુલિયા અને હસુ કહીને બૂમ પાડીને જ આગળ નીકળતા. બકુલભાઈનું ઘર તો તેમને રસ્તામાં જ પડતું, પણ હસમુખભાઈને હેપી મોર્નિંગ કહેવા હવે બીજી સોસાયટીનો ફેરો મારવો પડતો પણ દોસ્તી છે. આ ત્રણ મિત્રો સિવાય પણ શાળા, કૉલેજનું ગ્રૂપ હતું જે જુદાં-જુદાં શહેરોમાં રહેતા પણ દાયકાઓથી એકબીજાના સંપર્કમાં હતા. તે સમયે તો મોબાઇલ ફોનનો આવિષ્કાર થયો ન હતો. છતાં પણ મળવા માટે કોઈ ફોન કે મેસેજની રાહ જોવાતી નહીં. આવા અનેક ગ્રૂપ દોસ્તીના છે જે ૨૫-૩૦ વર્ષથી પોતાની મિત્રતાના સંભારણા જાળવીને બેઠાં છે.

Related Posts
1 of 289

શાળાના એક મિત્રને અચાનક જ મળવાનું થયું અને તે પણ તેની જ ઑફિસમાં. હું તેને ઓળખી ગયો, પણ તે મને ઓળખી ન શક્યો. ઓળખે પણ કેવી રીતે, વર્ષોથી મળ્યા જ નહોતા. હું તેને જોતો રહ્યો, તે પણ મને નિહાળતો હતો. ઘણા સમય પછી તે બોલી ઊઠ્યો, ‘મુકેશ, તું..!’ અને અમે બંને ભેટી પડ્યા. પછી તો કલાકો વીતી ગયા વાતોમાં, ફરી જલ્દી મલીશું કહીને છૂટા પડ્યા. આ છે અમદાવાદમાં જન્મેલા અને સુરતમાં સર્જન તરીકે ફરજ નિભાવતા જીવનની ત્રણ ઇનિંગ પૂર્ણ કરનારા ડૉ. મુકેશ વાઘેલા. ‘અભિયાન’ સાથે વાત કરતા કહે છે, ‘આજે પણ જ્યારે સવારમાં હું ઘર મંદિરમાં પૂજા-પાઠ કરું છું ત્યારે ભૂતકાળમાં સરી પડું છું. બાલ મંદિરથી લઈને શાળા, પ્રાઇમરી, વિદ્યાનગરની હાઈસ્કૂલ કૉલેજ બધું જ નજર સમક્ષ તરવરે છે. ઘણા મિત્રો એટલા નજીક હતા જેમની સવારે યાદ આવી જ જાય. ઘણા સારા દિવસો હતા, જેને યાદ કરી જીવનની ઘણી કપરી ક્ષણોમાં પણ ચહેરા પર સ્મિત આવી જાય છે. પછી વિચાર આવ્યો કે આજે તો સોશિયલ મીડિયાનો યુગ છે, બધા ફરી સાથે મળીને યાદોને વાગોળીએ તો..? પણ આ વિચાર, બધાને સાથે કરવા એ બધું સરળ નહોતંુ, પણ કહેવાય છે ને ‘જ્યાં ચાહ ત્યાં રાહ’ ૩૫ વર્ષ જૂના મિત્રો એક થયા અને બસ, પછી શંુ, એ જ મસ્તીભરી યાદોને જીવવાની નવી તક મેળવી. હવે તો અમે સમય પ્રમાણે મળતા રહીએ છીએ. અમારા ગ્રૂપના દરેક મિત્ર ખાસ છે, અમે બધા એકબીજાના નજીક છીએ. જીવનમાં મિત્ર તો હોવા જ જોઈએ અને તમે જો સહેલાઈથી કોઈની સામે રડી શકો, તમારી વાત રજૂ કરી શકો તો સાચું માનજો તેનાથી વધારે ખાસ મિત્ર તમારી માટે કોઈ જ નહીં હોય.’

ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઓફ ફાઇન-આર્ટના જૂના વિદ્યાર્થી  અને ઇન્ડસ્ટ્રિયલ ઉદ્યોગપતિ અશોક પટેલ સાથે વાત કરતા લાગ્યું કે, જાણે તેમના માટે મિત્રતા તે બધાથી પર છે. તે કહે છે, ‘દોસ્તી કૃષ્ણ અને સુદામા જેવી જ હોવી જોઈએ જેમાં કોઈ રંક નહીં અને કોઈ રાજા નહીં. તાજેતરમાં જ વિદ્યાનગરમાં અમે ચારેક મિત્રોએ સાથે મળીને અમારા ક્લાસમેટને સાથે લાવવાનો નાનકડો પ્રયત્ન કર્યો અને તે પણ સહ પરિવાર. તમે સાચંુ નહીં માનો, પણ એ દિવસ અમારા જીવનનો બેસ્ટ દિવસ કહી શકાય. ઘણા લોકોને તો ઓળખવા પણ મુશ્કેલ હતા. વિનોદ ચૌહાણ, ઉમેશ ક્યાડા, સંદીપ ઉપાધ્યાય, નિકુંજ જાની કોની-કોની વાત કરું, કારણ કે જ્યારે અમે મળ્યા ત્યારે દરેકના ચહેરા પર જે સ્મિત હતું તે અમૂલ્ય હતંુ. દોસ્તીની વાતો તો કરતા હોઈએ છીએ, પણ જ્યારે દોસ્તીને જીવીએ ત્યારે જ તેનું મૂલ્ય સમજાય છે. શાળા કૉલેજની દોસ્તી એક સમય પછી જીવનની ગૂંથણીઓમાં ખોવાઈ જતી હોય છે. હા, તેને ભૂલી નથી શકાતી, પણ જવાબદારીઓ સામે ઘણીવાર યાદોને પણ માત્ર યાદ કરી છોડી દેવી પડે છે, પણ હવે એવું નથી. અમે દરેક મિત્રોનો સંપર્ક કર્યો, તેમને નિમંત્રણ પાઠવ્યા અને દોસ્તીનો તહેવાર ઊજવ્યો. હવે આ તહેવારની મોસમ નિરંતર ચાલુ રહેશે. અમે બધા જ મિત્રો દોસ્તીને જીવીએ છીએ. હવે જીવન પર્યંત આ યાદોના સ્મરણ સાથે રહેશે અને હા, દોસ્તો પણ..!’ જ્યારે દોસ્તીના ગ્રૂપનો જીવ કહી શકાય તેવા જીવણભાઈ વાડોદરિયાની વાત જ જુદી છે. તે કહે છે, ‘હું મારા કોઈ મિત્રને યાદ નથી કરતો, કારણ કે તેમને ભૂલી જ નથી શક્યો. સગાં અને વ્હાલાંનું લિસ્ટ જ્યારે પણ બને ત્યારે દોસ્તો વ્હાલાંના લિસ્ટમાં આવે છે. ઘણીવાર એવું બને છે કે તમારે ઘણું બધું કહેવંુ હોય પણ શબ્દો ઓછા પડે. મારી સાથે પણ એવું જ કંઈક બન્યંુ છે. મારા દોસ્તો માટે હું એટલું જ કહી શકીશ કે ગમે ત્યાં રહીએ, ભલે રોજ ના મળીએ, પણ જેમ શરીરમાં હૃદય હોય છે તે જ રીતે મારા માટે મારા મિત્રો છે.’

આવી જ કંઈ વાત છે ફ્રેન્ડ સર્કલની સહેલીઓની. હા, બાળપણની આ દોસ્તી વર્ષો પછી પણ એવી ને એવી જ છે. થોડા જુદા પ્રકારના મિત્રો છે. જુદી-જુદી જગ્યાએ રહે છે. છતાં દાયકાઓ પછી પણ સાથે છે. અમદાવાદમાં રહેતી દીક્ષિતા કહે છે, ‘મારાં માટે ફ્રેન્ડ સર્કલ ઘણુ ખાસ છે. વડોદરામાં રહેતી સપના બ્રહ્મભટ્ટ શાંત અને સરળ, પણ બધાથી અલગ છે. લંડનમાં વસેલી પાયલ, સુરતમાં રહેતી પ્રિયા, રાજકોટની ભુકુલ કે પછી કેનેડામાં સ્થાયી થયેલી પુરવા અને પ્રાર્થના બધાં જ દૂર છે. છતાં એક-બીજા સાથે જોડાયેલાં છે. અમારે મળવાનું ઘણુ ઓછંુ થાય છે, પણ બધાની સવાર ફ્રેન્ડ સર્કલ નામના વૉટ્સઍપ ગ્રૂપથી જ થાય છે. નવરાત્રિ, ગણેશ ઉત્સવ, મકરસંક્રાંતિ, ગૌરીવ્રત, ઉનાળુ વૅકેશન અને દિવાળીની મસ્તી. ક્યા-કયા દિવસોની યાદોની વાત કરું, કારણ કે અમે સાથે વીતાવેલા દિવસોની વાત કરવા બેસીશ તો કદાચ વર્ષો વીતી જશે. સપનાના ઘરનું ટૅરેસ, પુરવા-પ્રાર્થનાના ઘરનો દિવાળીનો નાસ્તો, ભુકુલની એનજીઓના કાર્યક્રમો. નવરાત્રિમાં ચણિયાચોળીની પસંદમાં પ્રિયાનાં નાટકો અને હંમેશાં વેસ્ટર્ન કપડાંમાં બધાંનું દિલ જીતતી અને મારી સાથે લડતી પાયલ. કંઈ વાત કરું અને કંઈ છોડંુ, ખબર જ નથી. બસ, એટલી ખબર છે અમે ખૂબ જ સારા દિવસો જીવ્યા છીએ અને અત્યારે પણ જીવીએ છીએ. બધાંનાં લગ્ન થઈ ગયા છે. બાળકો, પરિવાર, સામાજિક પ્રસંગોમાં પરોવાઈ ગયા, છતાં આજે પણ દોસ્તીના એ દિવસોની યાદો જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે.’ આવા તો એક-બે નહીં, પણ ઘણા ગ્રૂપ છે જે ઢળતી ઉંમરે પણ દોસ્તીને મનભરીને માણે છે. ઘણા રોજ મળે છે તો ઘણા સમય અનુસાર, ઘણા કાર્યક્રમો ગોઠવે છે, તો ઘણા પિકનિક. પોતાનાં સંતાનો ‘ને તેમનાં પણ સંતાનો સાથે દોસ્તીના દિવસો અને યાદોને હંમેશાં માણતા રહે છે. દોસ્તો સાથે મસ્તી કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી.
———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »