તમારા માટે, તમારી સાથે, સતત…

સફળતા માટે નાનકડી શરત

જગતને બતાવીશું કે અમે ખોટી લાઈન પસંદ કરી હતી, બાકી અમે ઠોઠ નિશાળિયા નહોતા.

0 244
  • જગદીશ ત્રિવેદી

અમારો જન્મ ૧૨ ઑક્ટોબર,

૧૯૬૭ વિજયાદશમીની સાંજે વઢવાણમાં થયો હતો. આમ તો મારો એકનો જ જન્મ થયો હતો, પરંતુ આપણી ભાષામાં પહેલો પુરુષ એકવચનને ઘણીવાર માનાર્થે બહુવચનમાં લખવાનો રિવાજ છે. અમને થયું કે જ્યાં સુધી ખુદ અમે અમને માન નહીં આપીએ ત્યાં સુધી આવો સુવિચાર અન્ય કોઈને આવશે નહીં.

વઢવાણની સરકારી હૉસ્પિટલની નર્સે બહાર આવીને અમારા ચિંતાતુર પિતાજીને સમાચાર આપ્યા કે બાબો આવ્યો છે એ સાંભળી પિતાજી રાજી થયા. ત્યાર બાદ નર્સે બીજી માહિતી આપી કે બાબો ત્રણ કિલોનો છે એ સાંભળી પિતાજીની ચિંતામાં વધારો થયો હતો. ૧૯૬૭માં પિતાજીને થયું કે શહેરમાં વજન ઉપર સુવાવડનું બિલ બનતું હશે એટલે એમણે નર્સને બે હાથ જોડીને કહ્યું કે હું ગામડાની પ્રાથમિક શાળામાં માસ્તર છું. આપ વાજબી ભાવ ભરજો.

અમે નાના હતા ત્યારે ખૂબ તોફાની હતા. અમારા તોફાનોથી કંટાળીને અમારા મા-બાપે અમને લીંબડીની બ્રાહ્મણ બૉર્ડિંગમાં દાખલ કર્યા. અમે અમારાં મા-બાપનું પ્રથમ સંતાન હતા. કોઈ ઉદ્યોગપતિ નવું કારખાનું શરૃ કરે અને મુહૂર્તનો માલ સંતોષકારક ન બને અને જે મૂંઝવણ ઉદ્યોગપતિને થાય એ પ્રકારની મૂંઝવણ અમારાં માબાપ અનુભવતાં હતાં. માવતર પછી થાકવાનો બીજો વારો બૉર્ડિંગના

ગૃહપતિનો હતો. અમને ખાવામાં રસ એટલો ન્હાવામાં રસ આજે પણ નથી.

બૉર્ડિંગની બાજુમાં ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ છે જ્યાં ભૂદેવોનાં બાળકોને મફત સંધ્યા શિખવવામાં આવતી હતી. અમારી બૉર્ડિંગમાંથી અમુક વિદ્યાર્થીઓ સંધ્યા શિખવા ગયા, પરંતુ અમને ખાસ રુચિ નહોતી. એ લોકો પહેલા જ દિવસે સમાચાર લાવ્યા કે જે વિદ્યાર્થી સંધ્યા શીખવા આવે એને મોટો ગ્લાસ ભરીને દૂધ આપવામાં આવે છે. એ દૂધમાં ઉદાર હાથે બદામ-પિસ્તા-ચારોળી વગેરે પણ નાખવામાં આવે છે. આ સમાચાર સાંભળી અમારી સંધ્યા શિખવાની ઇચ્છા પ્રબળ થઈ. જો સાવ સાચું લખું તો અમને સંધ્યા આવડી, પરંતુ શાંતિથી જીવન જીવતાં આવડ્યું નહીં. અમારા તોફાન દિનપ્રતિદિન વધતાં ગયાં.

Related Posts
1 of 29

એક દિવસ ગૃહપતિએ ટ્રસ્ટીઓને કહ્યું કે, નવા વરસે આપણી બૉર્ડિંગમાં ક્યા તો હું રહીશ અથવા સદરહુ વિદ્યાર્થી રહેશે. નવા વરસથી અમે બંને સાથે રહીશું નહીં. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી. મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હોવા છતાં સર્વાનુમતે નિર્ણય થયો. એમણે વિચાર્યું કે આટલા ટૂંકા પગારમાં બીજો ગૃહપતિ મળશે નહીં. એક વિદ્યાર્થી ઓછો હશે તો બૉર્ડિંગને કશો ફરક પડવાનો નથી. ૧૯૮૨ની સાલમાં અમને લીંબડીની બ્રાહ્મણ બૉર્ડિંગમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા. એ બૉર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં આ લખાય છે ત્યાં સુધી રસ્ટિકેટ થવાનું સૌભાગ્ય અમને એકને જ પ્રાપ્ત થયું છે.

* * *

અમારા રસ્ટિકેટ થયાના સુખદ સમાચાર સાંભળીને અમારાં માબાપ દોડીને લીંબડી આવ્યાં. એ ટ્રસ્ટીઓને ખૂબ કરગર્યા, કારણ માબાપની ઇચ્છા અમને બૉર્ડિંગમાં રાખવાની હતી. ટ્રસ્ટીઓની ઇચ્છા અમને અમારા ઘરે રાખવાની હતી. અમે અયોધ્યાની ગાદી જેવા થઈ ગયા હતા. અમને ન રામ રાખે ન ભરત રાખે એવી સ્થિતિ હતી. અંતે વચગાળાનો માર્ગ શોધવામાં આવ્યો. અમને લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે શુકલ પા શેરીમાં અમારા એક સગાના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યા. ત્રીજા નંબરે થાકવાનો વારો અમારી શાળાના શિક્ષકોનો હતો. એ સમયમાં ૧૧મુ ધોરણ સ્થાનિક પરીક્ષામાં હતું તેથી કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. અમારા તોફાનોથી તંગ આવીને અમારા શિક્ષકોએ અમને સજાના ભાગરૃપે ૧૧મા ધોરણમાં નાપાસ કર્યા. ૧૧મા ધોરણમાં શિક્ષકોએ અમને નાપાસ કર્યા અને બારમા ધોરણમાં અમે અમારી લાયકાતથી નાપાસ થઈને બતાવ્યું. અમને થયું કે આપણે એવા તે કેવા વિકલાંગ કે આપણી મેળે નાપાસ પણ ન થઈ શકીએ. આપણે નાપાસ થવા માટે પણ વિદ્યાગુરુઓનું અવલંબન લેવું પડે એ તો સાવ નાશરમી ગણાય. અમે બારમા ધોરણમાં ડંકેકી ચોટ પે સાબિત કરી દીધું કે અમને પણ અમારી મેળે નાપાસ થતાં આવડે છે.

અમારું બારમા ધોરણમાં નાપાસ થવાનું કારણ દેખાદેખીથી પસંદ કરેલો વિજ્ઞાન પ્રવાહ હતો. અમે અજ્ઞાનના માણસ અને વિજ્ઞાનમાં જઈ ચડ્યા હતા. બે વખત નાપાસ થવા છતાં અમે આપઘાત કરવા જેવો નબળો વિચાર ક્યારેય કર્યો નહોતો. અમે આપઘાત બદલે આત્મનિશ્ચય કર્યો. બે વખત નાપાસ થયા બાદ ભોગાવો નદીના કાંઠે અમે આખી રાત એકલા રડ્યા, કારણ જગત હસવામાં સાથ આપે છે એવો સાથ રડવામાં ક્યારેય આપતું નથી. એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો. અમે ભલે બે વખત નાપાસ થયા, પરંતુ હવે બે વખત પીએચ.ડી. કરીને જગતને બતાવીશું કે અમે ખોટી લાઈન પસંદ કરી હતી, બાકી અમે ઠોઠ નિશાળિયા નહોતા. આજે અમે બે બદલે ત્રણ વખત પીએચ.ડી. પૂરું કર્યું છે. કુલ સાઠ પુસ્તકો લખ્યા છે, પંચોતેરથી વધુ વિદેશયાત્રાઓ કરી છે અને ત્રણ હજારથી વધુ જાહેર કાર્યક્રમો કર્યા છે.

* * *

૧૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ અમે અમારી જિંદગીના બાવન વરસ પુરા કર્યા. ઘણુ ધ્યાન રાખ્યું છતાં બાવન પુરા થઈ ગયા. તે દિવસે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરના યજ્ઞનગર વિસ્તારમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે અમારા નામની સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૃપાલા, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને આશરે ત્રણસોથી વધુ કલાકારો, લેખકો કવિઓ ઉપસ્થિત રહ્યા.

૧૮ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૃપાણીના વરદહસ્તે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહૉલનું ભવ્ય લોકાર્પણ થયું. એ ટાઉનહૉલ સાથે જ જોડાયેલા પ્રતીક્ષાખંડને નગરપાલિકાએ અમારું નામ આપ્યું. બૉર્ડિંગમાંથી રસ્ટિકેટ થયેલા તોફાની વિદ્યાર્થીના નામનો સભાખંડ હોય અને બબ્બે વખત નાપાસ થયેલા ઠોઠ વિદ્યાર્થીના નામની સરકારી પ્રાથમિક શાળા હોય એને આપ શું કહેશો? અમે તો એને કેવળ અને કેવળ હરિકૃપા જ કહીશું. હરિકૃપા વરસાવવા તૈયાર છે, પરંતુ એના માટે એક નાનકડી શરત છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હિંમત હાર્યા વગર જીવતાં રહેવું ફરજિયાત છે.
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »