તમારા માટે, તમારી સાથે, સતત…

રૂપાણી V/S ગેહલોત

ગુજરાતમાં ઘરે ઘરે દારૃ પીવાય છે.'

0 71
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

ગલી ગલી ગોરસ ફીરે, મદિરા બૈઠી બીકાય… જે લોકોને દૂધ, દહીં અને માખણ વેચવા છે એમને શેરીએ શેરીએ ફરીને સાદ પાડવા પડે છે. જ્યારે શરાબ વેચનાર એક જ જગ્યાએ બેઠો હોય તો ત્યાં ગ્રાહકો પહોંચી જાય છે. જે રીતે કથા-પ્રવચન કે સત્સંગ મફત હોય છે અને માનસિક કચરો (પ્રદૂષણ) ફેલાવનાર ફિલ્મોમાં પહેલાં ટિકિટ ખરીદવી પડે અને ત્યાર બાદ પ્રવેશ મળે છે એવી જ રીતે છાશ મફત મળે છે, દૂધ-દહીં ઉધાર મળે છે અને શરાબ રોકડા રૃપિયા આપીને ખરીદવી પડે છે.

‘શું વિચારો છો?’ પત્નીએ રસોડામાંથી દીવાનખંડમાં પ્રવેશતાં સવાલ કર્યો.

‘હું વિચારતો હતો કે નેતાઓનો બફાટ બહુ વધી ગયો છે.’ મેં કહ્યું.

‘અભણ માણસો પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એવું એક જ ક્ષેત્ર છે અને તે રાજકારણ છે.’ પત્નીએ ધડાકો કર્યો.

‘થોડા દિવસો પહેલાં હું ચંદુભાની ચાની હોટલ ઉપર બેઠો હતો. હોટલમાં ચા પીરસનાર દસ-બાર વરસના છોકરાને મેં કહ્યું કે તારે ખૂબ કમાણી કરવી હોય તો રાજકારણ અને ધર્મજગત બે ક્ષેત્ર ખૂબ હોટ ફેવરિટ છે.’ મેં શ્વાસ લીધો.

‘તમારી વાત બિલ્કુલ સાચી છે.’ પત્નીએ અનુમોદના આપી.

‘એણે તરત જ કહ્યું કે હું ભણુ છું. હું અભણ નથી એટલે રાજકારણમાં જઈ શકાય નહીં. બીજું હું કથાકાર કે ધાર્મિક પ્રવચનકાર પણ થઈ શકું નહીં.’

‘કેમ?’

‘એ છોકરો બોલ્યો કે ધાર્મિક પ્રવચનો કરવા માટે અભણ હોવાની સાથે અજ્ઞાની હોવું પણ ફરજિયાત છે.’

‘જોકે બધા કથાકાર કે પ્રવચનકાર અભણ અને અજ્ઞાની હોય છે એવું નથી.’ પત્નીએ સત્ય રજૂ કર્યું.

‘આપની વાત સાચી છે, પરંતુ એ છોકરો ટેલિવિઝન ઉપર સ્વરૃપ સંપત નામના હિન્દી વ્યંગકાર પાસેથી ઉપરોક્ત કટાક્ષ સાંભળી ગયો હતો. એ એણે યાદ રાખીને રજૂ કર્યો એ મોટી વાત છે.’

‘તમે કયા રાજકારણીની વાત કરતા હતા?’ પત્નીએ મૂળ મુદ્દાને પકડી લીધો.

‘રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ગેહલોતસાહેબે થોડા દિવસો પહેલાં દારૃ વિશે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે જેના લીધે રાજકારણ ગરમાયું છે. એમણે કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૃ પીવાય છે.’

‘એમની વાત અર્ધસત્ય છે.’ પત્ની બોલી.

‘સત્ય હંમેશાં પૂર્ણ હોય છે આ અડધું સત્ય ક્યાંથી લાવ્યા?’

‘ગુજરાતમાં ઘરે ઘરે દારૃ પીવાય છે એ વાત અસત્ય છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં દારૃ પીવાય છે એ સત્ય છે.’ પત્નીએ ફરી સાફ સાફ વાત કરી નાખી.

‘મને એ માટે પોલીસ જવાબદાર લાગે છે. મારું પોતાનું લખેલું પેલું પ્રતિકાવ્ય યાદ આવે છે? પોલીસમેન તો તેને રે કહીએ, જે પીડ અવરને આપે રે. ગાંધીના ગુજરાતમાં મદિરા પોલીસ કેરા પાપે રે…’

‘દારૃના હપતાનો ભાગ પોલીસ સાથે કોઈ બીજાને પણ મળતો હશે નહીંતર આ રીતે ગામોગામ દારૃ વેચાય નહીં. મહારાષ્ટ્ર કે રાજસ્થાન જેવા રાજ્યોમાં દારૃબંધી નથી છતાં બીજી ઑક્ટોબર જેવા પવિત્ર દિવસોમાં ડ્રાય ડે હોય છે. તે દિવસે કોઈને એક ટીપું વેચાતું પણ ન મળે એવું છાપામાં વાંચ્યું હતું.’

‘તમારી વાત સાચી છે.’

‘ગુજરાતમાં ગાંધી જયંતીના દિવસે પણ દારૃ વેચાતો મળે છે એ અમારા નારી જગતની બદનસીબી છે.’

‘શરાબ, સ્ત્રી-પુરુષ સૌને નુકસાન કરે છે.’ મેં કહ્યું.

Related Posts
1 of 26

‘શરાબથી મોત પુરુષનું થાય છે અને આજીવન સહન મૃતકની પત્નીને અને પરિવારને કરવું પડે છે.’… પત્નીએ વ્યથાકથા રજૂ કરી.

‘અંબાલાલને મેં કહ્યું કે શરાબથી અનેક માણસો મરે છે તો એણે એવી દલીલ કરી કે શરાબ કરતાં પાણી વધુ નુકસાનકારક છે.’

‘પાણી?’

‘હા… એણે કહ્યું કે અત્યાર સુધીમાં શરાબને કારણે કેટલા મર્યા? અને

પૂર-સુનામીને કારણે કેટલા મર્યા? માણસે પાણી પણ પીવાનું બંધ કરી દેવું જોઈએ.’

‘અંબાલાલભાઈને તર્ક કાયમ હાથવગો અને હોઠવગો હોય છે.’

‘બાજુવાળા મિશ્રાજી એકવાર અડધી રાત્રે ચિક્કાર દારૃ પીને આવ્યા. શરાબના નશામાં મકાનની ચાવી મોઢામાં મુકી અને સિગારેટથી તાળું ખોલવા લાગ્યા.’

‘શું વાત કરો છો?’

‘હા… હું તાજનો સાક્ષી છું. મેં કહ્યું કે મિશ્રાજી, સિગારેટને મોઢામાં મુકો અને ચાવીથી તાળંુ ખોલો. છતાં એટલા ડોલતા હતા કે તાળામાં ચાવી જતી જ નહોતી.’

‘પછી?’

‘પછી મને બોલાવ્યો. મને કહે, લેખક મહાશય… આપ મેરી થોડી મદદ કર દો. મેરા મકાન બહોત ડોલતા હે. આપ મકાન કો પકડકર રખ્ખો મેં તાલા ખોલતા હું.’

‘શું વાત કરો છો?’

‘હા… આવા લોકો પણ ગુજરાતમાં વસે છે. બીજું, મિલિટરીમેન નિવૃત્ત થઈ ગયો હોય અને પોતાના કોટાનો દારૃ લઈ આવીને ઉદ્યોગપતિઓને વેચતો હોય એવું પણ મેં મારી સગી આંખે જોયું છે.’ મેં વિસ્ફોટક વાત કરી.

‘નિવૃત્ત સૈનિક દારૃ વેચે?’

‘હા… મેં મારી સગી આંખે જોયું છે. તમને તો બરાબર ખબર છે કે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૫ સુધી હું પણ ક્યારેક ક્યારેક શરાબ પીતો હતો. મને ક્યારેય ગુજરાતમાં દારૃ મેળવવામાં તકલીફ પડી નથી એટલે ગેહલોત સાવ ખોટા તો નથી જ નથી.’

ગુજરાતમાં ઘરે ઘરે દારૃ પીવાય છે એમ કહીને એમણે પ્રત્યેક ગુજરાતીને દારૃડિયા કહ્યા એ એમનો વાંક છે.’ પત્નીએ ગુજરાતની ફેવરમાં દલીલ કરી.

‘એ આપની વાત સો ટકા સાચી છે. ગુજરાતમાં એવા લાખ્ખો માણસો છે જે ડુંગળી-લસણ પણ ખાતા નથી અને શરાબ પીવાની વાત દૂર રહી, પરંતુ ચા-કૉફી પણ પીતા નથી.’ મેં કહ્યું.

‘એમના રાજસ્થાનમાં પણ એવા માણસો રહે છે.’

‘બધા રાજ્યમાં વ્યસની પણ છે અને નિર્વ્યસની પણ છે. સવાલ દારૃબંધી કે દારૃની છુટ્ટીનો નથી, પરંતુ સવાલ માણસની માનસિકતાનો છે. પીવાવાળા દારૃબંધીમાં પણ પીવે છે અને જે નથી પીતા એ મહારાષ્ટ્રમાં પણ પીતા નથી.’ મેં કહ્યું.

‘માણસે શરાબ પીવો કે ન પીવો એ વ્યક્તિગત પ્રશ્ન છે, એ માણસ ઉપર છોડી દઈએ. આપણે કોઈ આખા રાજ્ય ઉપર આવા આક્ષેપ કરીને આખા રાજ્યની પ્રજાને બદનામ ન કરીએ તે ઇચ્છનીય છે.’

‘એક અર્થમાં આપણા મુખ્યમંત્રી રૃપાણી સાહેબનો આક્રોશ વાજબી છે. એમણે ગેહલોત સાહેબને પડકાર ફેંક્યો છે કે તમારામાં તાકાત હોય તો રાજસ્થાનમાં દારૃબંધી કરાવી જુઓ.’ મેં કહ્યું.

‘તમારી વાત સાથે સહમત છું.’

‘આપણે અહીં દારૃની ચર્ચા પૂરી કરીએ. તમે આપણા માટે સરસ ચા બનાવો એેટલે આપણે ચા પીતાં પીતાં કોઈ બીજા વિષય પર વાતો કરીએ.’ મેં ચર્ચાનું સમાપન કર્યું અને પત્ની ડ્રોઇંગરૃમમાંથી રસોડા તરફ આગળ વધ્યાં.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »