તમારા માટે, તમારી સાથે, સતત…

દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બન્યું ઉધના રેલવે સ્ટેશન

ઉધના રેલવે સ્ટેશનથી દેશના કોઈ પણ ખૂણામાં જતો પ્રવાસી પોતાના માદરે વતનમાં વૃક્ષોની જાળવણી અને ઉછેરનો સંદેશ લઈને જાય છે

0 598
  • સાંપ્રત – હરીશ ગુર્જર

ગંદકીની દુર્ગંધ, ફેરિયાવાળાઓનો ત્રાસ, ચોમાસું ન હોય ત્યારે પણ જ્યાં ત્યાંથી વહેતું પાણી અને ઊભરાયેલી કચરા પેટી જેવા દ્રશ્યો સામાન્ય રીતે કોઈ પણ રેલવે સ્ટેશન પર જોવા મળે જ, પરંતુ જો તમે ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હશે તો, ચોક્કસ જ કહેશો કે રેલવે સ્ટેશન એટલે શુદ્ધ હવા મેળવવાનું સ્થળ. ગંદા-ગોબરા સ્ટેશનથી સ્વચ્છ-સુંદર અને સૌથી મહત્ત્વનું એટલે ગ્રીન (હરિયાળા) રેલવે સ્ટેશન સુધીની આ રેલવે સ્ટેશનની સફર જાણવા જેવી છે. તમને ચોક્કસ જ પ્રશ્ન પડ્યો હશે કે રેલવે સ્ટેશન અને તે વળી ગ્રીન, હા વાત બિલકુલ સાચી છે અને વિગતે જાણવા જેવી પણ છે.

ઔદ્યોગિક શહેર સુરતના પરાં વિસ્તારમાં આવેલું ઔદ્યોગિક વિસ્તારથી ઘેરાયેલું રેલવે જંક્શન ઉધના રેલવે સ્ટેશન આજે દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું બિરુદ ધરાવે છે. અમદાવાદથી મુંબઈ રેલવે માર્ગ પર એટલે કે પશ્ચિમ રેલ માર્ગ પરના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકીનું એક ઉધના રેલવે સ્ટેશનને ક્યારેય મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. સુરતથી મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટેનું આ જંક્શન પ્રવાસીઓ માટે તો મહત્ત્વનું છે જ, પરંતુ હવે તે એક પ્રવાસન સ્થળ પણ બન્યું છે.

મુંબઈ તરફ જતી લગભગ તમામ ટ્રેનો સુરત અને ઉધના રેલવે સ્ટેશન બંને પર રોકાય છે, પણ સુરતથી મુંબઈ તરફ જતાં પ્રવાસીઓ સુરત સ્ટેશનથી જ ટ્રેનમાં બેસવાનું પસંદ કરતા હતા, કારણ કે ઉધના રેલવે સ્ટેશનની ઇમેજ પહેલાંથી જ ગંદા-ગોબરા રેલવે સ્ટેશન તરીકેની હતી. મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત તરફ જતાં સુરતના મજૂર વર્ગના લોકો તેનો મોટા પાયે ઉપયોગ કરતા અને તેથી તેની છાપ મજૂરોના સ્ટેશન તરીકેની હતી, પરંતુ ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૯થી આ સ્ટેશનની કાયાપલટની શરૃઆત થઈ અને આજે અહીંથી પ્રવાસ શૃ કરનાર પ્રવાસી ટ્રેનમાં બેસતાં પહેલાં પોતાના મોબાઇલ ફોનમાં એક સેલ્ફી લેવાનું ચૂકતો નથી.

પશ્ચિમ રેલવે અને સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગકાર વિરલ દેસાઈની માત્ર ૯ મહિનાની મહેનત સ્ટેશન પર લીલો રંગ લઈને આવી છે. ૨૫ ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં ઉધના રેલવે સ્ટેશન પર નાનાં-મોટાં ૨૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યાં છે, તો ૩૦૦થી વધુ કૂંડાઓમાં વિવિધ ફૂલ-છોડથી સજાવટ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારની બંને તરફ પ્રથમ તબક્કામાં ૫થી ૬ ફૂટની ઊંચાઈનાં ૩૦૦

Related Posts
1 of 142

વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. માત્ર આટલાં વૃક્ષોના કારણે જ ઉધના સ્ટેશનની સુંદરતાને ચાર ચાંદ લાગી જતાં, તે સમયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર ગુપ્તાએ ‘હાટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશનના વિરલ દેસાઈ સહિત ‘છાંયડો’ અને ‘આરક્રોમ’ સંસ્થાને સમગ્ર ઉધના રેલવે સ્ટેશનના પરિસરમાં વૃક્ષારોપણ અને જરૃરી તમામ સુધારા-વધારાઓ કરવાની મંજૂરી આપી હતી. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની પરવાનગી બાદ સ્વયંસેવી સંસ્થાઓની કામગીરીને પ્રેરકબળ મળ્યું અને પછી તો દરરોજ નિતનવા ફેરફારો ઉધના રેલવે સ્ટેશનમાં થવાની શરૃઆત થઈ.

રેલવે સ્ટેશન પર ૨૫૦૦ વૃક્ષો અને ૩૦૦ ફૂલ-છોડનાં કૂંડાં હોય તો એ સ્ટેશન ઓછું અને ગાર્ડન વધુ લાગે એ સ્વાભાવિક છે. જોકે તેને વધુ ગ્રીન બનાવવા માટે વિરલ દેસાઈએ બીજા નુસખાઓ પણ અપનાવ્યા છે, એ વિષે જણાવતાં તેઓ કહે છે કે, ‘સૌ પ્રથમ અમે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૌનિકોની યાદમાં ૪૪ પામ ટ્રી વાવ્યાં હતાં. જેને અમે આવનારા દિવસોમાં એક સ્મારક તરીકે પણ વિકસાવવા જઈ રહ્યા છે. ત્યાર બાદ મારી સંસ્થા અને સહયોગી સંસ્થાઓએ ઔદ્યોગિક વિસ્તારની વચ્ચે આવેલા સ્ટેશનને ઓક્સિજનનું ઉત્સર્જન કરતાં વૃક્ષો વાવવાની શરૃઆત કરી, જેથી સ્ટેશનના વાતાવરણમાં ફર્ક પડ્યો. શરૃઆતમાં પ્રવાસીઓ ઝાડનાં કૂંડાંઓમાં કે વૃક્ષોની પાળી પર થૂંકતા. માટે અમે સમગ્ર સ્ટેશન વિસ્તારમાં નાનાં-મોટાં ૧૦૦થી વધુ ભીંતચિત્રો દોરાવ્યાં અને સ્લોગનો લખાવ્યાં, જેથી સ્ટેશન પર આવનારા દરેક પ્રવાસીને કુદરતની જરૃરિયાત સમજાય. જેનું પણ સારું પરિણામ અમને મળ્યું, કારણ કે આ સ્ટેશન પર આવતો પ્રવાસી મજૂર વર્ગનો હતો, એ એના જીવનની દોડધામમાં એટલે વ્યસ્ત રહેતો હોય છે કે એને કુદરત, ઍન્વાયરમૅન્ટ, પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ જેવી વાતોની કોઈ અસર થતી નથી, પણ જ્યારે તેને સરળ ભાષામાં સમજાવવામાં આવે તો ફાયદો ચોક્કસ થાય છે. આજે એન્ટરન્સથી ટિકિટબારી સુધીના વિસ્તારને કુદરતી અને કૃત્રિમ બંને રીતે ગ્રીન કરવામાં આવ્યા છે. પરિણામે ઉધના રેલવે સ્ટેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’

વિરલ દેસાઈ અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓનું માનવું છે કે, તેમના પ્રયત્નોથી સ્ટેશન ગ્રીન તો બન્યું છે, પણ એ લાંબો સમય ત્યારે જ ગ્રીન રહી શકે જો પ્રવાસીઓનો સહયોગ મળે. જોકે ફેબ્રુઆરી ૨૦૧૯થી અત્યાર સુધી સ્ટેશનમાં આવેલા સુધારાઓ અને સ્વચ્છતા જોતા પ્રવાસીઓનો સહયોગ મળ્યો હોય એ જણાઈ આવે છે. સુરતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ-શાળાઓ કુદરતની જાળવણીની સમજ માટે વિદ્યાર્થીઓને ઉધના રેલવે સ્ટેશનની મુલાકાતે લઈને આવે છે. તો બીજી તરફ સ્ટેશનને કારણે રોજગારી મેળવાતા રિક્ષાચાલકો, બૂટ પોલીસવાળા તેમજ નાના-મોટા દુકાનદારો પણ હવે

વૃક્ષોની જાળવણીમાં મદદરૃપ થઈ રહ્યા છે.
ઉધના રેલવે સ્ટેશનના હાલના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ વી.એન. કદમ આ સંદર્ભે જણાવતા કહે છે, ‘રેલવે સ્ટેશન પર સૌથી વધુ સમય પસાર કરતાં લોકોમાં અમારો સમાવેશ થાય છે. ઉધના રેલવે સ્ટેશન પર કામ કરતાં તમામ કર્મચારીઓ કોઈ બગીચામાં નોકરી કરતાં હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. પહેલી વાર સ્ટેશનની મુલાકાત લેતાં ઘણા પ્રવાસીઓ ગ્રીન રેલવે સ્ટેશનને નિહાળ્યા બાદ મને મળવા આવે છે અને મારો આભાર માને છે. મને ખબર છે કે, હું આ આભારનો સાચો હકદાર નથી, પણ હું અહીં સતત હાજર રહું છું એટલે અભિનંદન મને જ મળે છે. હવે અમારી જવાબદારી આજની સુંદરતાને લાંબો સમય સુધી જાળવવાની છે, એ માટે અમારા ટિકિટ ચેકર તેમજ સ્ટાફના લોકો ટ્રેનમાંથી ઉતરતાં પ્રવાસીઓ સાથે સંવાદ સાધીએ છીએ, ઉધના ઉતરતાં પ્રવાસીઓને તેમની વૉટરબેગનું પાણી વૃક્ષોમાં નાંખવા જણાવીએ છીએ.’

વિરલ દેસાઈનું માનવું છે કે, ઉધના રેલવે સ્ટેશનથી દેશના કોઈ પણ ખૂણામાં જતો પ્રવાસી પોતાના માદરે વતનમાં વૃક્ષોની જાળવણી અને ઉછેરનો સંદેશ લઈને જાય તે માટે ક્લિન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા મિશન અંતર્ગત ઉધના રેલવે સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી. અમે જ્યારે સ્ટેશનની પસંદગી કરી ત્યારે ઉધનાનો નંબર દેશના સ્વચ્છ સ્ટેશનોની યાદીમાં ૨૦૦મા ક્રમે હતો અને આજે દેશનું પ્રથમ ગ્રીન સ્ટેશન બન્યું છે. હવે રેલવે સ્ટેશન પર ટ્રેનના હોર્ન ઉપરાંત વહેલી સવારે અને ઢળતી સાંજે વિવિધ પ્રકારનાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »