- પ્રવાસ – હિંમત કાતરિયા
ગુજરાતીઓ હવે વિલાસી પ્રવાસના વૅકેશનને છોડીને એડવેન્ચર કેમ્પો તરફ વળ્યા છે. આ મોટો બદલાવ છે. સગવડ સુવિધાના આદી એવા વિશ્વ પ્રવાસી ગુજરાતીઓ પહાડો ખૂંદવા તરફ વળ્યા છે. સિતારા હોટલના ચિલ્ડ એ.સી. છોડીને ખુલ્લાં મેદાનોમાં તંબુઓમાં રાતવાસો કરવા ટેવાયા છે અને આ વાત અદ્ધરતાલ નથી થઈ રહી, ગુજરાતી એડવેન્ચર ટૂરિસ્ટોના આંકડાઓ તેના બોલતા પુરાવા છે. વૉલન્ટિયરની મદદથી પાંચ વર્ષ પહેલાં કૉલેજિયન ગુજરાતીઓએ ઊભી કરેલી, એડવેન્ચર કેમ્પ કરાવતી ગુજરાતની સંસ્થા આજે દેશની આ ક્ષેત્રની નંબર-૧ સંસ્થા બની છે. ગુજરાતીઓની પ્રવાસની ટેવો કેવી રીતે બદલાઈ છે અને કોણે એમાં ઉદ્દીપકનું કામ કર્યું છે એના કયા આકર્ષણો છે અને તેમાંથી શું નિષ્પન્ન થઈ રહ્યું છે, કયા એડવેન્ચર ડેસ્ટિનેશન્સનું ગુજરાતીઓને ઘેલું લાગ્યું છે અને તેમાંથી તેઓ શું મેળવી રહ્યા છે, વિલાસી ગુજરાતી પ્રવાસીનું સાહસિક પ્રવાસીમાં તબદીલ થવાથી ગુજરાતીઓના આરોગ્ય ઉપર કેવી લાંબા ગાળાની અસરો જોવાઈ રહી છે, આ બધી બાબતો જાણવી રસપ્રદ નથી શું?
ગુજરાતમાં પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કેમ્પ શરૃ કરાવનારા હતા, જસદણ રાજવી લવકુમાર ખાચર. અત્યારે આખા ગુજરાતમાં પ્રકૃતિ ક્ષેત્રે જે કંઈ સંસ્થાઓ કે નેચર ક્લબ કાર્યરત છે પછી તે અનાલા આઉટડોર હોય, સીઈઈ(સેન્ટર ફોર ઍન્વાયરન્મૅન્ટ) હોય કે અન્ય કોઈ, તેમાંની મોટા ભાગની સંસ્થાઓને એમની પ્રેરણા અને માર્ગદર્શન મળ્યાં છે એમ કહી શકાય.
પ્રવાસ બે પ્રકારનો છે, ઇકો ટૂરિઝમ અને એડવેન્ચર કેમ્પિંગ. ઇકો ટૂરિઝમ એટલે પ્રાકૃતિક સુંદરતા ધરાવતી જગ્યાઓ, સુંદર વાતાવરણવાળી જગ્યાઓ પર જઈને રહેવું અને શાંતિનો અનુભવ મેળવવો. આવી જગ્યાઓ પર હોટલ, રિસોર્ટમાં બધી સગવડતા સાથે રહેવું. સુંદરતા અને સગવડતાનો આ જૂનો કોન્સેપ્ટ હતો. તેમાં શરીરને તકલીફ પડે એવી કોઈ બાબતોનો ભાગ્યે જ સમાવેશ થતો હતો. તેનું ફોકસ આઉટડોર લર્નિંગ ઉપર વધારે હતું. નહીં નફાના ધોરણે કેટલીક સંસ્થાઓએ શરૃ કરેલા એડવેન્ચર ટૂરિઝમમાં શક્ય બાબતોને ટૂરિસ્ટે જાતે સંભાળવાની હોય છે. ટેન્ટ લગાવવાથી લઈને પ્લેટ સાફ કરવા સુધીથી બધી કામગીરી. આ કામગીરી બહુ માફક આવી ગઈ.
નહીં નફાના ધોરણે ચાલતી અને પાર્ટિસિપન્ટ્સને સામાન્ય કરતાં ત્રીજા ભાગના ખર્ચમાં ટ્રેકિંગ અને એડવેન્ચર કેમ્પ કરાવતી સંસ્થાઓને કારણે જ ગુજરાતમાં સાહસિક પ્રવાસનું આકર્ષણ ઘણુ વધ્યંુ છે.
ગુજરાતી પ્રવાસીઓ હવે ભારતભરમાં સાહસિક ટ્રેકિંગ કેમ્પ કરતા થયા છે. આવા કેટલાક કેમ્પની વિગતો જોઈએ તો, કેદારનાથમાં બરફનો કુલ ૨૦ કિલોમીટરનો ટ્રેક છે અને અઠવાડિયાના આ કેમ્પનો ખર્ચ ૭૦૦૦ જેટલો થાય છે. આઠ દિવસના મનાલી એડવેન્ચર કેમ્પનો ખર્ચ ૭૦૦૦ રૃપિયા (ટ્રેન ટિકિટ અને રહેવા જમવા સાથે) જેટલો થાય છે અને તેમાં ટ્રેકની કુલ લંબાઈ ૧૬ કિલોમીટર છે. દલાઈ લામા અને તિબેટિયનો જ્યાં વસે છે તે ધર્મશાલામાં અઠવાડિયાના ટ્રેકિંગ કેમ્પનો ખર્ચ ૫૩૦૦ રૃપિયા થાય છે અને અહીં કુલ ૨૫ કિલોમીટરનો ટ્રેક છે. હિમાચલ પ્રદેશના રમણીય વિસ્તાર ડેલહાઉસીના અઠવાડિયાના કેમ્પનો ખર્ચ ૬૦૦૦ રૃપિયા થાય છે. અહીં કુલ ૨૭ કિલોમીટરનો ટ્રેક છે. અહીં હિમાલયની પિરપંજાલ રેન્જના ચંબા જિલ્લાના સૌથી ઊંચા શિખર દૈનકુંડને ટ્રેક કરવાનો છે અને અહીં ઊંચાઈ ઉપર પાંચ ફૂટનો બરફ જામેલો હોય છે. ૧૦ દિવસના નૈનિતાલનો વિન્ટર કેમ્પનો ખર્ચ ૬૫૦૦ રૃપિયા જેટલો થાય છે. ચાર દિવસ અને પાંચ રાત્રિના જેસલમેરના ડેઝર્ટ કેમ્પનો ખર્ચ ૩૦૦૦ રૃપિયા જેટલો થાય છે. અહીં ટ્રેકની લંબાઈ ૭ કિલોમીટર જેટલી છે. હિમાચલના કુલ્લુ જિલ્લામાં આવેલા ભૃગુ તળાવનો ટ્રેકિંગ કેમ્પ સૌથી રોમાંચક કેમ્પ પૈકીનો એક છે. ૧૪,૧૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું ગ્લેશિયરમાંથી બનેલું ભૃગુ તળાવ છે અને ક્યારેક તે આખું થીજી ગયેલું જોવા મળે છે. અહીંથી હિમાલયની બે રેન્જ પિર પંજાલ રેન્જ અને ધૌલાધાર રેન્જનું અફાટ સૌંદર્ય જોતા આંખો ધરાતી નથી. આ ટ્રેક કુલ ૩૮ કિલોમીટર જેટલો લાંબોે છે. એટલે અહીં ઢીલા પોચાનું કામ નથી. અઠવાડિયાના આ કેમ્પનો કુલ ખર્ચ ૭૫૦૦ રૃપિયા જેટલો થાય છે. હમ્ટા પાસ ચંદ્ર તાલ ટ્રેકિંગ પણ જરા મુશ્કેલ છે. હમ્ટા પાસ મનાલી વેલીથી સ્પિતિ વેલીનું પ્રવેશદ્વાર છે અને ૧૪૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અઠવાડિયાના આ કેમ્પનો ખર્ચ ૧૦,૬૦૦ રૃપિયા જેટલો થાય છે. લેહ-લદ્દાખનું એક્સપેડિશન જેમણે કર્યું છે તેમના માટે એ જીવનભરનું સંભારણુ બની રહે છે. ૧૭,૫૮૦ ફૂટની ઊંચાઈએ
પૃથ્વી પરના સ્વર્ગ લદ્દાખનું દર્શન કરવું એ બધાના નસીબમાં નથી લખાયંુ હોતું. જોકે કેટલીક જગ્યાએ સરકારી ફી ભરવાની થતી હોઈ આ કેમ્પ થોડો ખર્ચાળ છે. ૧૫ દિવસના આ કેમ્પનો ખર્ચ ૧૭૫૦૦ રૃપિયા જેટલો થાય છે. ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા સ્પિતી વેલીનો ૧૦ દિવસના ટ્રેકિંગનો ખર્ચ ૧૨૬૦૦ જેટલો થાય છે. ૯ દિવસના મણિમહેશ કૈલાસ ટ્રેકનો ખર્ચ ૭૦૦૦ રૃપિયા જેટલો થાય છે. લોનાવાલા, મહારાષ્ટ્રમાં આવેલું કઠિન શિખર તૈલબેલા આરોહણ કરવા માટે ઉત્સુક સાહસિકને આ બે દિવસના સાહસનો માત્ર ૫૦૦ રૃપિયા ખર્ચ થાય છે.
સૌથી કઠિન અને દુર્ગમ ટ્રેકિંગ કેમ્પમાં વેલી ઓફ ફ્લાવરના કેમ્પની ગણના થાય છે. ૧૫,૨૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા હેમકુંડ સાહિબનાં દર્શન કરવા ભારે થકવી નાખતો અને ઊર્જાથી સરાબોર કરાવતો અનુભવ બની રહે છે. આ લક્ષ્મણની તપસ્થલી પણ છે. કુલ ૪૬ કિલોમીટરની પહાડીઓની લંબાઈ ધરાવતા આ કેમ્પમાં ફૂલોની વાદીમાં કુદરતી રીતે તૈયાર થતાં, કિલોમીટરોના વિસ્તારમાં પથરાયેલાં ફૂલોના બેડિંગ કુદરતના કરિશ્માને જોઈને અવાક થઈ જવાય છે. માત્ર બે મહિના માટે જ અહીં બરફ પીગળે છે અને ફૂલોની વાદી સર્જાય છે. લાખો ભમરાઓ અહીં પરાગનયન કરે છે અને દેવતાઓ માટે ફૂલોની ઘાટી તૈયાર કરે છે. ક્યાંથી આટલી ઊંચાઈએ આટલા બધા ભમરાઓ આવતા હશે અને પાછા ક્યાં અદ્રશ્ય થઈ જતા હશે? રામ જાણે.
મુખ્ય તેની વેબસાઇટમાં દરેક કેમ્પની વિગત પૂર્વે સૂચના મુકે છે જે વાંચવા જેવી છે. લખે છે કે, કૃપયા એ વાતની નમ્ર નોંધ લેશો કે આ યુવાને એડવેન્ચર અને હિમાલયન એક્સપ્લોરેશન માટેનું સાહસિક કેમ્પિંગ છે, આને મહેરબાની કરીને ટૂર તરીકે અને ઇન્વિન્સિબલને ટૂર ઓપરેટર તરીકે ગણવું નહીં. અમારો વિચાર અણિશુદ્ધ રીતે હેરિટેજ ટચ સાથે એડવેન્ચર પિરસવાનો છે. સંસ્થાના સ્થાપક ઋષિરાજભાઈ મોરી કહે છે, ‘આ લખવાનું કારણ એ છે કે કોઈ અમને ટૂર ઓપરેટર ન ધારી લે. ટૂર તરીકે કોઈ કેમ્પમાં આવે ત્યારે તેમની અપેક્ષાઓ અલગ હોય છે. અમારી કામ કરવાની પદ્ધતિ તેમનાથી અલગ હોય છે અને પછી બંનેનું સંકલન કરવામાં ઘણુ નુકસાન થતું હોય છે, એટલે અમે અમારા બ્રોશર સહિત દરેક સામગ્રીમાં મથાળે જ આ વૉર્નિંગ છાપી દઈએ છીએ. સંસ્થા શરૃ થઈ ત્યારથી તેનો ટૂરિઝમ સાથે કોઈ સંબંધ નહોતો, અમારો મુખ્ય વિચાર એવો હતો કે કૉલેજિયન યુવક અને યુવતીઓ એવા સ્થળે જાય જ્યાં તેમને શિખવા મળે અને મસ્તિષ્કને બહુ આયામ મળે. માનવ સિવાયની સૃષ્ટિ કેવી રીતે ચાલે છે તે જુએ.’
ઇન્વિન્સિબલનું અનુસરણ કરતી અને તેમાંથી જ પ્રેરણા લઈને બીજી કેટલીક સંસ્થાઓ આવા પ્રવાસ કરાવી રહી છે. આવી સંસ્થાઓની બિન-નફાકારક કામગીરીને કારણે આ પ્રવાસનું સ્વરૃપ બદલાયું. ઉદાહરણ સાથે કહીએ તો આ ક્ષેત્રની એક સૌથી જૂની કંપની વ્યાવસાયિક ૨૦૧૪માં ડેલહાઉસીના ૯ દિવસના કેમ્પની ફી ૧૫ હજાર રૃપિયા હતી. તે વખતે નોન-પ્રોફિટ ધોરણે ચાલતી સંસ્થાની ડેલહાઉસીના કેમ્પની ફી તેના ત્રીજા ભાગ જેટલી ૫,૨૫૦ રૃપિયા જ હતી.
અમદાવાદની ઇન્વિન્સિબલ સંસ્થા આજે ટ્રેકિંગ અને એડવેન્ચર કેમ્પ કરાવતી ભારતની સૌથી મોટી સંસ્થા બની ગઈ છે. છ વર્ષ પહેલાં શરૃ થયેલી આ સંસ્થા દ્વારા આયોજિત કેમ્પમાં પહેલા વર્ષે ૮૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ આંકડો રૉકેટ ગતિએ વધતા ગત વર્ષે ૧૮૦૦૦ પાર્ટિસિપન્ટ પર પહોંચ્યો છે. છ વર્ષમાં આ સંસ્થાએ ૧૪૫૦ જેટલા ટ્રેકિંગ અને એડવેન્ચર કેમ્પનું આયોજન કર્યું છે. કેટલીક સાઇટના કેમ્પ મહત્તમ ક્ષમતાએ પહોંચી ગયા છે. જેમ કે ડેલહાઉસી ટ્રેકિંગ કેમ્પ દોઢ મહિના માટે જ ચાલે છે. અહીં પ્રત્યેક કેમ્પમાં મહત્તમ ૬૦ પાર્ટિસિપન્ટને સમાવવામાં આવે છે. આવા કેમ્પની ૪૦ બેચ જાય છે અને કુલ ૨૪૦૦ પાર્ટિસિપન્ટ આ કેમ્પમાં જોડાઈ શકે છે. એથી વધુને સમાવી શકાય તેવી કોઈ ગુંજાશ નથી રહી.
સોશિયલ મીડિયાએ આમાં ઘણી મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. યુવાનો આવી સાઇટ પર ટ્રેકિંગ કરી આવ્યા પછી તેમના ખૂબસૂરત ફોટોગ્રાફ વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર શેઅર કરે છે અને મિત્ર વર્તુળ અને અન્યો જુએ છે અને આવા સ્થળો પર જવા માટે એડવેન્ચર કેમ્પોમાં જોડાવાનું મન બનાવે છે. સંસ્થાઓ પણ સોશિયલ મીડિયાનો આ માટે ભરપૂર ઉપયોગ કરી રહી છે. અત્યારે શાળા કૉલેજમાં જઈને સાહસિક કેમ્પ વિશેની સમજ આપવાથી હજાર ગણુ વધુ ફળ સોશિયલ મીડિયા પર એકવાર કરેલા પ્રચારથી મળે છે.
રૃટિન કામથી કંટાળીને અઠવાડિયા-દસ દિવસના કેમ્પમાં હિમાલયનું શરણુ લેતાં યુવાનો એ વાતની પણ પરવા કરતા નથી કે ત્યાં મોબાઇલ નેટવર્ક પકડાશે કે નહીં. મોટા ભાગના એની પૃચ્છા સુદ્ધાં કરતા નથી. અત્યારે માર્કેટમાં એડવેન્ચર કેમ્પો કરાવવાની હોડ જામી છે અને ઇન્વિન્સિબલ જેવી મોટી સંસ્થાના બ્રોશર સહિતના સાહિત્યની બેઠી નકલ કરવામાં આવી રહી છે. આ સ્પર્ધાને નવા લેવલ પર જઈ રહી છે. અત્યારે વર્ચ્યુઅલ રિઆલિટીને આધાર બનાવીને કેમ્પસાઇટના ૩૬૦ ડિગ્રી કેમેરાથી શૂટ કરેલા વીડિયો બ્રોશર બની રહ્યા છે.
પોલો ફોરેસ્ટ, સાપુતારા, બાકોર અને જાંબુઘોડા આ ચાર કેમ્પ સાઇટને ટ્રેકિંગ અને એડવેન્ચર કેમ્પ સાઇટ તરીકે ડેવલપ કરવાનું સઘળું શ્રેય ઇન્વિન્સિબલ સંસ્થાને જાય છે. પહેલા તેનો ઉપયોગ અલગ પ્રકારે થતો હતો. જેમ અત્યારે દીવ કે માઉન્ટ આબુ જવાને લઈને જે પહેલો વિચાર આવે એ પ્રકારના આ સ્થળો હતાં. બાકોર અને જાંબુઘોડામાં તો ભાગ્યે જ કોઈ જતું હતું. અત્યારે સાપુતારા અને પોલો ફોરેસ્ટના દર વિકેન્ડમાં કેમ્પ જાય છે. પોલોમાં ટ્રેકિંગના ગ્રૂપની સ્ટ્રેન્થ પ્રમાણેના ચાર કિલોમીટરથી લઈને ૧૩ કિલોમીટર સુધીના અલગ અલગ પ્રકારના ચાર ટ્રેક છે. બાકોરમાં ૬ કિલોમીટરનો ટ્રેક છે. જાંબુઘોડામાં પણ બે કિલોમીટરથી લઈને સાડા આઠ કિલોમીટર સુધીના ત્રણ જેટલા ટ્રેક છે.
આ કેમ્પ સાઇટોને ડેવલપ કરવામાં ઘણી બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે. પોલો જેવા જંગલો તો ગુજરાતમાં સેંકડો જગ્યાએ છે. ઇન્વિન્સિબલે પોલોમાં માત્ર જંગલને ફોકસ નહીં કરતા ત્રણ બાબતોને તેમાં સમાવી છે. એડવેન્ચર એક્ટિવિટી, જૂના ઐતિહાસિક અવશેષોને લઈને હેરિટેજ અને તેમાં ત્રીજા ક્રમે જંગલ આવે છે. જાંબુઘોડા ઊડીને આંખે એટલા માટે વળગે છે કે ચાંપાનેર ગુજરાતની બે વર્લ્ડ હેરિટેજ સાઇટ પૈકીની એક સાઇટ છે અને તેના અવશેષો વિશાળ વિસ્તારમાં વેરવિખેર પડ્યા છે.
આવા કેમ્પોમાં કેમ્પફાયર એક ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. મોટા ભાગના કેમ્પફાયરમાં ઠઠ્ઠામશ્કરીઓ થતી હોય છે અને પછી નિમ્નસ્તરની વાતો તરફ પણ કેમ્પફાયર ફંટાતો હોય છે. કેટલીક સંસ્થાઓ આ બાબતની તકેદારી લે છે અને કેમ્પફાયરને જ્ઞાનસત્રના સ્વરૃપમાં લઈને તેમાં ઐતિહાસિક ધરોહર, યોગિક સાયન્સના રસપ્રદ પાસાઓની ચર્ચા છેડીને પાર્ટિસિપન્ટ્સની ચેતનાને સંકોરવાનું કામ કરે છે. એનાથી પાર્ટિસિપન્ટ્સના ધ્યેય નિર્ધારણ અને વિચારશક્તિ ઉપર ઘણો ફરક પડે છે. એવું પણ બન્યંુ છે કે પારિવારિક સમસ્યામાં પિડાતો છોકરો કેમ્પ પુરો થયા પછી કેમ્પ ઇન્સ્ટ્રક્ટરને રિવરફ્રન્ટ જેવી જગ્યાએ અંગત રીતે મળીને પોતાની સઘળી વ્યથા ઠાલવીને ખુલ્લા મને રડી લીધંુ અને ઇન્સ્ટ્રક્ટરે આખો મામલો સંભાળીને તેને તે સમસ્યામાંથી બહાર કાઢ્યો અને આજે એ છોકરો સંસ્થાનો ઉમદા વૉલન્ટિયર બન્યો છે. આવા ૭૦-૮૦ કેસ છે.
શું ફરક પડ્યો છે પાર્ટિસિપન્ટના પહેલાના અને અત્યારના વલણમાં? પ્રશ્નના જવાબમાં ઋષિરાજભાઈ કહે છે, ‘પહેલા કેમ્પની ઇન્વાયરી કરવા આવતા ત્યારે મોટા ભાગના પૂછતા હતા કે વધારે ઠંડી તો નહીં હોયને. હવે પ્રશ્નો ત્યાંની જોવા-જાણવાલાયક વસ્તુઓને લઈને હોય છે. પહેલાંની સ્થિતિ એવી હતી કે અમારે ટ્રેકિંગ માટે સવારમાં પાર્ટિસિપન્ટને તૈયાર કરવા પડતા હતા. બેઝ કેમ્પ પર અટકી પડતા પાર્ટિસિપન્ટનું પ્રમાણ પચાસ ટકા જેટલું હતું. અત્યારે સ્થિતિ એવી થઈ છે કે ઊંચો પહાડ ચડવાનો હોય અને હવામાન એકદમ ખરાબ હોય, ત્યાં ન જઈ શકાય એવું હોય તે વખતે અમારે પાર્ટિસિપન્ટ્સ સાથે ઘર્ષણ ઊભું થઈ જાય છે. એમની જીદ્દ હોય છે કે કોઈ પણ ભોગે જવું જ છે. ૭૦-૮૦ લોકો એવું કહે છે કે ભલે ગમે તે થાય, અડધે સુધી જઈને પાછું આવવું પડે તો પણ જવું છે. આ લોકોના વલણમાં આવેલો મોટો બદલાવ છે.’
આવા કેમ્પમાંથી બદલાવ સાથે પરત ફરેલ એક યુવક કહે છે કે, બે વર્ષ પહેલાં મેં વેલી ઓફ ફ્લાવરનો કેમ્પ કર્યો હતો. ટ્રેનમાં અમે હરિદ્વાર પહોંચ્યા એટલે કેમ્પ ઇન્સ્ટ્રક્ટરે કડકાઈપૂર્વક સમગ્ર કેમ્પ દરમિયાન પાળવાના નિયમો જણાવી દીધા. એમાં એક નિયમ એવો હતો કે તમાકુથી લઈને કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન કરતા કોઈ પકડાશે તો તેને તે સ્થળે જ કેમ્પમાંથી બેદખલ કરવામાં આવશે. મને સિગારેટ પીવાની આદત હતી. ખિસ્સામાં સિગારેટના બે પેકેટ હતાં. ૧૦ દિવસનો કેમ્પ હતો. મેં બંને પેકેટ કાઢીને તુરંત લારી ચલાવતા કામદારને આપી દીધા અને પછી ધૂમ્રપાન છૂટી જ ગયું. એ ઘટનાને આજે બે વર્ષ થયા. એકાદવાર સિગારેટ પીવાનો પ્રયત્ન પણ કરી જોયો, પણ મજા ન આવી અને એક કશ મારીને ફેંકી દીધી.
સંસ્થાઓને કેટલાક નેગેટિવ અનુભવ પણ થાય છે, જેમ કે કસોલ સારપાસનો એક કેમ્પ છે. કસોલ મિની ઇઝરાયેલ તરીકે કુખ્યાત છે. અહીં એટલા બધા વિદેશીઓ હોવાનું કારણ ડ્રગ છે. કસોલ શહેરની બાજુમાં આવેલું મલાના નામનું ગામ ડ્રગ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે કુખ્યાત છે. કૉલેજના લવરમૂછિયા કસોલના માર્કેટમાંથી ડ્રગ છેક અહીં લઈ આવે છે. કડક દેખરેખ હોવા છતાં આવા કેસ પકડાયા છે. હિમાચલમાં બધા પ્રકારના અનુભવ કરાવે તેવા અઘરા ટ્રેક જોઈએ તો તેમાં સારપાસનો નંબર આવે છે, પણ કસોલના આ દૂષણને કારણે એક સંસ્થા કેમ્પસાઇટ કસોલથી દસેક કિલોમીટર દૂર લઈ જઈ રહી છે.
શિસ્તભંગ થતો હોય અને સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તો તમે શું કરો? પ્રશ્નના જવાબમાં ઋષિરાજભાઈ કહે છે, ‘બે દાખલા આપું. સૌથી પહેલાં ડેલહાઉસીના કેમ્પમાં એક ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા. પહેલા જ દિવસે મેં જાહેરાત કરી હતી કે શરાબ કે સિગરેટ જેવા નશીલા પદાર્થોનો કેમ્પમાં નિષેધ છે. કેમ્પ પુરો થવાના ત્રણ દિવસ પહેલાં ડેપ્યુટી કલેક્ટર દારૃનો નશો કરતા પકડાયા. અમે એ જ રાત્રે માઇનસ ચાર ડિગ્રી તાપમાનમાં તેમને ત્યાં જ કેમ્પમાંથી દૂર કરી દીધા. આવા અનેક કેસ છે. અમારે ઑફિસમાં આખી ગેંગનો સામનો કરવો પડ્યો છે. બીજો એક દાખલો આપું. ગૂજરાત વિદ્યાપીઠનો એક સ્પેશિયલ કેમ્પ હતો. કુલ બે બસના એ કેમ્પમાં વિદ્યાપીઠનાં એક મહિલા ફેકલ્ટી કો-ઓર્ડિનેટર તરીકે આવેલાં. કેમ્પ બુક કરાવતી વખતે અને પહેલા દિવસે પણ તેમને કહી દેવાયું હતું કે અહીં નશીલા પદાર્થોનું સેવન કરવું નિષેધ છે. કેમ્પ દરમિયાન બે છોકરાઓને તમાકુના સેવન બદલ વૉર્નિંગ આપી છતાં છોકરાઓ અને ફેકલ્ટી ન અટક્યા. ઇન્વિન્સિબલ સર્વિસ પ્રોવાઇડર નથી, ઓર્ગેનાઇઝર છે. આખરે અમારે તમામને ત્યાં છોડીને ખાલી બસો દોડાવવી પડી.’
આવા પ્રવાસોથી આરોગ્ય સંબંધિત પણ ઘણા સકારાત્મક ફેરફારો થાય છે. આવા કેમ્પ આયોજકોનો અનુભવ કહે છે કે, ૨૦૦૦ પછીની સાલમાં જન્મેલા પૈકી ઘણા એવા છે કે જેમણે જીવનમાં કદી સૂર્યોદય કે સૂર્યાસ્ત નથી જોયો. હિમાલયની ગોદમાં આઠ હજાર ફૂટની ઊંચાઈ ઉપર બેઠેલો પાર્ટિસિપન્ટ સૂર્યોદય જુએ ત્યારે તેની અંદર વિશિષ્ટ ફેરફારો થાય છે અને કદાચ તે જીવનભર તેની સાથે રહે છે. ઋષિરાજભાઈ કહે છે કે, કેમ્પના શરૃઆતના દિવસોમાં બહુ બોલબોલ કરતા છોકરાઓ કેમ્પમાં પાંચમા-છઠ્ઠા દિવસથી મૌન, અંતર્મુખી થઈ જતા જોયા છે. જે માણસ પંદર જણાના સમજાવવાથી પણ નહોતો સમજતો એને આ પહાડો, આ હવામાન મૌન કરી દે છે. પહેલા દિવસે અમારે બધાને માત્ર એટલી જ સૂચના આપવાની રહે છે કે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ બધી હરિયાળી પગદંડીઓ છે. ત્યાં આપણે પ્લાસ્ટિક છોડીને પાછા નહીં આવીએ. બસ, પછી આખા કેમ્પ દરમિયાન બીજી વખત આ વાત યાદ દેવડાવવી નથી પડતી અને ત્રણ-ચાર દિવસ પછી ટ્રેક પરથી પાછા આવતા પાર્ટિસિપન્ટ બેગપેકના પાણીની બોટલ રાખવાના ખાનામાંથી પ્લાસ્ટિક કાઢીને ડસ્ટબિનમાં નાખે છે. ટ્રેકથી ૧૦-૧૫ ફૂટ ઊડીને ગયેલું બીજાએ ફેંકેલું પ્લાસ્ટિક એ લઈને આવે એ મોટો ફરક છે.
પહાડોનું દુર્ગમ ટ્રેકિંગ શરીરમાં રહેલા વિષાક્ત કચરાને દૂર કરવાનું કામ કરે છે, શરીરના શુદ્ધીકરણ જેવું કામ કરે છે. જો પાર્ટિસિપન્ટ સચેત હોય તો તેને આજીવન આરોગ્ય સમસ્યા ન સતાવે તેવી જીવનશૈલી તે આવા કેમ્પોમાંથી મેળવી શકે છે અને કેટલાક મેળવે પણ છે. જોકે આહારવિહાર બાબતે બહુ ઝાઝું નહીં વિચારતા લોકોમાં ફરક પડતો નથી.
ટ્રેકિંગ અને એડવેન્ચરના પ્રવાસો વધ્યા તેની અસર મોજશોખના પ્રવાસો ઉપર કેટલી પડી છે? પ્રશ્નના ઉત્તરમાં ઋષિરાજભાઈ કહે છે, ‘તેની આકારણી કરવી મુશ્કેલ છે. હા, અમુક કંપનીઓની હિસ્સેદારી નાટકીય રીતે ઘટી છે. જે એ બતાવે છે કે એક મોટો સમૂહ વિલાસી ટૂરથી સાહસી કેમ્પમાં સ્થળાંતરિત થયો છે. આર્થિક બાબત એ આનું કદાચ મોટું કારણ હોઈ શકે. જેમ કે લેહ-લદ્દાખની ટૂરમાં કોઈ અમદાવાદથી જાય તો તેનું સામાન્ય બજેટ માથાદીઠ ૩૫ હજાર જેટલું થાય છે જ્યારે ઇન્વિન્સિબલ જેવી સંસ્થાના કેમ્પમાં આ બજેટ ૧૬-૧૭ હજાર જેટલું જ થાય છે. મનાલીમાં ઉનાળામાં હોટલમાં રહેવા જતા લોકોનો ખર્ચ ૨૫ હજારે પહોંચી જાય છે જ્યારે કેમ્પમાં ૬-૭ હજાર રૃપિયામાં પ્રવાસ પુરો થઈ જાય છે. વિલાસી ટૂરમાં હોટલની બારી કે અટારીમાંથી જોવા મળતી ખૂબસૂરતી ઉપરાંત બહુ ઓછું રખડવાનું બને છે અથવા તો તે બંધ ગાડીમાં રખડવાનું બને છે જ્યારે કેમ્પમાં પાર્ટિસિપન્ટ ઘણા દિવસો સુધી ખુલ્લા મેદાનોમાં પ્રવાસ કરતો રહે છે. ખુલ્લા આકાશ નીચે તંબુમાં સૂએ છે તેથી તેની પાસે સમૃદ્ધ અનુભવનું ભાથંુ આવે છે.’
ઇન્વિન્સિબલ પાસે કૉલેજિયન વૉલન્ટિયરની વિશાળ ફોજ છે. એ કારણે જ આ અઘરી કામગીરી શક્ય બને છે. ઋષિરાજભાઈ કહે છે, ‘અત્યારે અમારી પાસે ૧૧૫૦ વૉલન્ટિયર નોંધાયેલા છે અને તેમાંથી ૪૫૦ જેટલા સક્રિય વૉલન્ટિયર છે. વૉલન્ટિયરની પણ આકરી તાલીમને અંતે પસંદગી કરવામાં આવે છે.
‘એક દુખદ બાબત એ છે કે, ગુજરાત સરકારનું આમાં બહુ જ મર્યાદિત અને દિશાહીન યોગદાન રહ્યું છે. દેશમાં બહુ ઓછાં રાજ્યો છે જેમની પાસે પોતાની રૉક ક્લાઇમ્બિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ગુજરાત રાજ્યની પોતાની રૉક ક્લાઇમ્બિંગ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટ આબુમાં ચાલે છે. આ સુંદર સેટઅપનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો. જે રીતે પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર તેના યૂથ-બિલ્ડિંગમાં એડવેન્ચરને લે છે તેની સરખામણીએ. કદાચ આનું એક મુખ્ય ખામીયુક્ત પાસું એ છે કે ગુજરાતે એડવેન્ચરને ટૂરિઝમ તરીકે પ્રમોટ કર્યું છે. સાપુતારા, પાવાગઢના પેરાગ્લાઇડિંગ, કચ્છમાં પેરાસેઇલિંગ, આ બધાને ટૂરિઝમ તરીકે ડેવલપ કર્યું છે.’
અલબત્ત, યુનિવર્સિટીઓના કુલપતિઓએ એડવેન્ચરને પ્રોત્સાહન આપવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટી વર્ષોથી તેમના વિદ્યાર્થીઓને દ્વારકા મોકલે છે. ભાવનગર યુનિવર્સિટી વર્ષોથી તેમના વિદ્યાર્થીઓને હિમાલયન એક્સપેડિશનમાં મોકલે છે. આમાં ઇન્વિન્સિબલે તાજેતરમાં એક નવો વિચાર મુક્યો છે. સાપુતારા અને પોલો ફોરેસ્ટમાં આ સંસ્થાની લોન્ગ લિઝ પર લીધેલી કેમ્પ સાઇટ છે. અન્યત્ર બધે તે ભાડેથી ચલાવે છે. આમ સાપુતારા અને પોલોની સાઇટનો માત્ર વિકેન્ડ કેમ્પોમાં જ સંસ્થા ઉપયોગ કરી રહી છે. બાકીના દિવસોમાં કોઈ પણ શિક્ષણ સંસ્થાઓએ આ કેમ્પ સાઇટનો ઉપયોગ કરવો હોય તો તે નિઃશુલ્ક કરી શકે એવી યોજના બનાવી છે. આગામી પેઢીના પ્રતિનિધિ એવા આઠમા ધોરણથી બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને મજબૂત અને સક્ષમ બનાવવા આ દિશામાં કામ કરવું એ સમયની આવશ્યકતા છે.
——.
ગિરનારમાં કેમ કોઈ એડવેન્ચર કેમ્પ નથી?
ગિરનાર અને ગીર સહ-અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જૂના સમયમાં પણ ત્યાં માણસો રહેતા હતા અને સિંહ ભેગા જ રહેતા હતા, પરંતુ અત્યારે માણસને અહીં વન વિસ્તારથી દૂર રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પગથિયાં બનેલાં હોય ત્યાં ટ્રેકિંગ ન થાય. ગિરનાર આરોહણ એ ટ્રેકિંગ ન કહી શકાય. ગિરનારના જંગલની અનુભૂતિ અદ્વિતીય છે. ત્યાં કેમ્પિંગ કરવાનું સરકારે આયોજન કરવું જોઈએ અથવા સરકારે મંજૂરી આપવી જોઈએ. થયું છે ઊલટું, જૂનાગઢમાં કાર્યરત પંડિત દિનદયાલ પર્વતારોહણ સંસ્થા બંધ પડી છે. એનું કારણ, ફોરેસ્ટમાં જવાની પરમિશન સરકારી સંસ્થાને જ નથી મળી રહી. ગીરની બાજુની બરડા ડુંગર ઘણી જગ્યાઓ પર આ પ્રવૃત્તિ શક્ય છે. આ સહઅસ્તિત્વને વન વિભાગે સમજવું પડશે. જે રીતે ઉત્તરાખંડ અને હિમાચલમાં વન વિભાગ આ સમીકરણને સમજ્યું છે તે સમીકરણ ગુજરાત વન વિભાગે સમજવું પડશે. સંસ્થાઓને એડવેન્ચર કેમ્પની પરમિશન માટે ચોક્કસ નીતિ-નિયમો સાથેની ગાઇડલાઇન બને તે દિશામાં ગુજરાતના વન-વિભાગે જોવું જોઈએ.
———.
ગુજરાત પણ એડવેન્ચરમાં કમ નથી
હજુ થોડાં વર્ષો પહેલાં ગુજરાતના એડવેન્ચર ડેસ્ટિનેશન્સ વિશે જ મોટા ભાગના લોકો અજાણ હતા. દુનિયાની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીમાં હિમાલયના ડેસ્ટિનેશન્સની હરોળમાં ઊભા રહેવાની ક્ષમતા છે. પોળોનું જંગલ એનું ઉદાહરણ છે. આદિવાસી વિસ્તાર વિજયનગરમાં આવેલા પોળોના જંગલનો વિસ્તાર વિશાળ છે અને વિજયનગર ૬૦૦ વર્ષ પહેલાં રાજધાની હતી. આ પ્રાચીન નગર જૈન અને શૈવપંથીઓનું યાત્રાસ્થળ હતું. એક કાળનું નગર અને આજના જંગલમાં ચારે દિશામાં સુંદર કોતરણીવાળા ચાર દરવાજા હતા. હરણાવ નદીના કાંઠે આ નગર વસાવવામાં આવ્યું હતું અને સુંદર સ્થાપત્યના નમૂનારૃપ અહીંના મંદિરોને મુગલ આક્રમણકારીઓએ તોડી પાડ્યા હતા. આજે આ વિસ્તાર હેરિટેજ સાઇટ છે. ધોલવણી રેન્જમાં આવતા આ જંગલમાં ૬૦૦થી વધુ પ્રકારનાં વૃક્ષો છે.
પ્રકૃતિનું શિક્ષણ આપવા અને પ્રવાસન સ્થળ વિકસાવવા માટે સરકારે અહીં કેમ્પસાઇટ વિકસાવી છે. આ કેમ્પમાં પ્રવાસીઓને હરણાવ ડેમ, શરણેશ્વર મંદિર, વિરેશ્વર મંદિર, રૉક ગાર્ડન, ઇડરિયો ગઢ, રાણી તળાવ અને પોલો ફોરેસ્ટનો ટ્રેક કરાવવામાં આવે છે. બે દિવસનો પોલો ફોરેસ્ટનો કેમ્પ ૧૦૦૦ રૃપિયામાં થાય છે.
સાપુતારાના પહાડને રોમાંચક ટ્રેક કરીને ચડવો અને દરમિયાન સહ્યાદ્રિ ગિરિમાળાના ડાંગ પ્રદેશને કુદરતે આપેલી સૌંદર્ય બક્ષિશને માણવી એ કોન્સેપ્ટ હવે ગુજરાતી પ્રવાસીઓ સારી પેઠે સમજતા થયા છે. ચોમાસાના પહેલા વરસાદ સાથે જ આ આખો પ્રદેશ હરિયાળી ચાદર ઓઢી લે છે. ગીરા વૉટરફોલ્સ એના સૌંદર્યને નિખારે છે. ૩ દિવસનો સાપુતારાનો કેમ્પ ૧૮૦૦ રૃપિયામાં થાય છે.
ગુજરાતીઓ બકાથી પરિચિત હતા, પણ બકોરનો પરિચય તાજેતરનાં વર્ષોમાં મળ્યો છે. મહીસાગર જિલ્લામાં આવેલા આ ખૂબસૂરત ગામમાં રાજસ્થાન સરહદે કેમ્પસાઇટ છે. ચોમાસામાં બકોરના સૌંદર્યને જોતા આંખો ધરાતી નથી. આ જંગલને આદિવાસીઓ હિડિમ્બાવન કહે છે. નજીકની હેરિટેજ સાઇટમાં પહાડી પર આવેલા કલેશ્વરીનાં મંદિરો છે. કલેશ્વરી પરિસરમાં સાવ અડોઅડ આવેલી બે સાસુ-વહુની વાવ એક કોયડો છે. શા માટે સાવ અડોઅડ બે ભવ્ય વાવ બાંધવામાં આવી હશે? શા માટે એકનું નામ સાસુની વાવ અને બીજીનું વહુની વાવ નામ આપવામાં આવ્યું હશે? રામ જાણે. ગામની અંદર આવેલો અને મોટા ભાગે ટૂરિસ્ટોથી અજાણ એવો ખૂબસૂરત ધોધ ધ્યાનીઓ અને ફોટોગ્રાફરો માટે ઉત્તમ સ્થળ છે. અહીં ફોરેસ્ટ ટ્રેક સાથે રાઇફલ શૂટિંગ, હોર્સ રાઇડિંગ શિખવવામાં આવે છે. બે દિવસના ચાંપાનેરના કેમ્પનો અને બે દિવસના બાકોર નેચર કેમ્પનો ખર્ચ ૧૨૦૦ રૃપિયા જેટલો થાય છે.
ધોરડો, કચ્છનું સફેદ રણ આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેણ છે. રણોત્સવ દરમિયાન લાખો લોકો સફેદ રણની મુલાકાત લે છે. જોકે એક નજરથી સફેદ રણને જોઈને પાછા ફરી જવું અને એડવેન્ચર કેમ્પમાં સફેદ રણ, બન્નીના ઘાસનાં મેદાનો, ટપકેશ્વર મંદિર અને ગુફાઓનો પ્રવાસ, કાળો ડુંગરનું ચઢાણ અને સવિશેષ તો જિપ્સીની નજરથી ખરી કચ્છી જીવનશૈલીનું અવલોકન કરવું એ બંને અલગ બાબત છે. બે દિવસ ૩ રાત્રિના કચ્છના રણના કેમ્પનો ખર્ચ ૨૦૦૦ રૃપિયા જેટલો થાય છે.
જાંબુઘોડા જંગલ જાંબુઘોડાના રાજવી પરિવારનું ખાનગી જંગલ છે અને તે વૈવિધ્યસભર વન્યસૃષ્ટિ ધરાવે છે. માખણિયા ડુંગરની નજીકની આ કેમ્પસાઇટ વિવિધ
પ્રવૃત્તિઓ ‘ને ટ્રેકથી સભર છે. અહીં રૉક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, બોલ્ડરિંગ, કેવિંગ, હાથણી વૉટરફોલ્સ વગેરે આકર્ષણો છે.
બેટ દ્વારકા પ્રવાસીઓ માટે અનોખું છે. અહીં ટૂરિસ્ટ દરિયાકાંઠે ૨-૩ દિવસ દરિયાઈ સૃષ્ટિ સાથે વિતાવે છે અને મરીન બાયોડાયવર્સિટી અને સ્થાનિક લોકોની જીવનશૈલીનો અભ્યાસ કરે છે. અહીં કોસ્ટલ ટ્રેકિંગ કરવા જેવું છે. બે દિવસ ૩ રાત્રિના બેટ દ્વારિકાના ટાપુના કેમ્પનો ખર્ચ ૧૯૦૦ રૃપિયા જેટલો થાય છે.
—————————