વીક-એન્ડ મુશાયરા વાહ..વાહ..
પહેલાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો નવો જ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળ્યો છે
- યુવા – હેતલ રાવ
નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ છે, યુવાનો હવે પરીક્ષાની તૈયારીમાં છે. રજાઓની તો હજુ થોડી રાહ જોવી પડે તેમ હોવાથી મૂડને રિચાર્જ કરવા વીક-એન્ડ મુશાયરાની મજા માણવાનો પ્લાન બનાવી રહ્યા છે. એમ પણ કહી શકાય કે પહેલાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો નવો જ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળ્યો છે.
હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ.. પણ ના કહો છો તેમાં પણ વ્યથા હોવી જોઈએ. મરીઝની આ સુંદર ગઝલને સ્વર મનહર ઉધાસે આપ્યો છે. યુવાનોમાં આવી ગઝલ કે શાયરીઓ લોકપ્રિય કેવી રીતે બની શકે તેવા પ્રશ્નો હવે ભૂતકાળ બની રહ્યા છે, કારણ કે આજના યુવાનો કઈ પણ કરી શકે તેના એક નહીં પણ અઢળક ઉદાહરણો છે. હવે યુવાનો રિચાર્જ એટલે કે ફ્રેશ થવા માટે માત્ર ફરવા જવાનો કે સોશિયલ મીડિયાનો જ સહારો નથી લેતા, પરંતુ વીક-એન્ડ મુશાયરા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. મુશાયરામાં ભાગ લેતા મિત્રો પાસે ભલે પોતાની રચિત કોઈ કવિતા કે શાયરી ન હોય, પરંતુ અન્ય કોઈ કવિની અને તેમની મનપસંદ શાયરીઓ, કવિતાઓ અને ગીતનો પણ આનંદ માને છે.
અર્ચિત કશ્યપ પંડ્યા કહે છે, ‘નવરાત્રિ પૂર્ણ થયા પછી જાણે લાંબા સમય સુધી અન્ય કોઈ વાતમાં મૂડ જ નથી આવતો. ત્યારે મારી એક મિત્રએ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરવાની વાત કરી. પાર્ટી શબ્દ સાંભળી અમને લાગ્યું કે બધાને ફ્રેશ કરવા માટે ઇશિતાએ પાર્ટીના નામે ડી.જે. પર ગરબા રમવાનું આયોજન કરશે, પણ જ્યારે તેણે અમારી સાથે વાત કરી તો અમે બધા અચંબિત થઈ ગયા. ઇશિતાએ કહ્યંુ કે, આપણે સાથે મળીશું, ડિનર કરીશું અને પછી દરેક વ્યક્તિ પોતાની ગમતી કવિતા, ગીત, ગઝલ કંઈ પણ બોલશે. હસ્તલિખિત ના હોય તો અન્ય શાયરની કવિતા પણ બોલી શકાશે અને આપણે એ દિવસને વીક-એન્ડ મુશાયરો નામ આપીશું. તેની વાત અમને બધાને ખૂબ જ સારી લાગી. આમ તો અમે બધા કિતાબી કીડી જ છીએ, પરંતુ આ પ્રકારનો નવો પ્રયત્ન અમને પણ ગમ્યો. સાચું કહું તો હવે અમે કોણ કેવી પોએમ, શાયરી બોલશે, કોની બોલશે, કોને કયા કવિ, શાયરની જાણકારી છે, કયા ગાયક, કેવા ગીતો ગમે છે તે દરેક વાતની અમને ખબર પડશે. અમારા આ મુશાયરામાં તો અમને ખૂબ જ મજા આવવાની છે.’
ચિન્મય દયાલ કહે છે, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે એક-બીજાના ઘરે જ આ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ. માટે અમારા પરિવાર પણ સાથે જોઈ શકે છે. મને આ વિચાર એટલો પસંદ આવ્યો છે કે હું તો મારા કઝિન સાથે મળીને પણ પુરા પરિવાર સાથે વીક-એન્ડ મુશાયરાનો પોગ્રામ કરીશું.’
આજના યુવાનોનો મુશાયરો કેવો હોય છે તે તો ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ ટ્રેન્ડ નવો અને હટકે છે.
——————————–