તમારા માટે, તમારી સાથે, સતત…

ખોરાકનો બગાડ અટકાવવા યુવાનોની પહેલ

સારું ભોજન હોય તો તેને ત્યાં મુકીને આવવાની જગ્યાએ પેક કરાવી જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે.

0 1,176
  • યુવા – હેતલ રાવ

યુવાનો કૉલેજ કેન્ટીનમાં તો ક્યારેક, રેસ્ટોરન્ટમાં તો વળી ક્યારેક કોઈ પાર્ટીમાં મસ્તી કરતા અને ખાણી-પીણીની લુત્ફ ઉઠાવતા જોવા મળે છે, પરંતુ એવા પણ યુવાનો છે જે હોટલ કે રેસ્ટોરન્ટમાં લંચ, ડિનર માટે ગયા હોય અને ખોરાક એંઠો ન થયો હોય અને તેનો બગાડ થતો હોય તો તેને પેક કરી જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે.

Related Posts
1 of 289

સમાજમાં સેવાભાવથી અન્નદાન કરતા લોકોની કોઈ કમી નથી, પરંતુ હોટલ રેસ્ટોરન્ટમાં બગાડ ન થયો હોય તેવા ખોરાકને એંઠવાડો બનાવી દેતાં લોકોની સંખ્યાની ગણતરી પણ કરી શકાય તેમ નથી. પરિવાર સાથે કે પછી મિત્રો સાથે પાર્ટીની મજા માણવા ગયા હોઈએ કે પછી લંચ ડિનરનું આયોજન કરીએ ત્યારે સામાન્ય રીતે ત્રણ-ચાર પ્રકારનું શાક, રોટલી, રાઇસ, દાળ અને અનેક આઇટમો વગર વિચારે જ મંગાવી લઈએ છીએ. તેમાં પણ મોટા ભાગના રેસ્ટોરન્ટમાં તો વેઇટર જ સ્પૂન દ્વારા જમવાનું સર્વ કરતા હોય છે. આવા સમયે ભરપેટ જમ્યા પછી પણ બાકી રહેલો ખોરાક સારો હોવા છતાં પણ આપણે ઉપયોગમાં નથી લેતા અને તે રેસ્ટોરન્ટની ગટર ભેગો થાય છે. આઠ-દસ વ્યક્તિએ વિચાર કર્યા વિના મંગાવેલું ભોજન ત્રણ-ચાર વ્યક્તિ જમે એટલું વધે છે. છતાં પણ આપણે આવા ભોજનને વધેલું ભોજન સમજી હોટલમાં જ મુકીને આવીએ છીએ, પણ હવે નહીં, કારણ કે શહેરમાં ઘણા એવા યુવાનો છે જે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જમવા જાય અને સારું ભોજન હોય તો તેને ત્યાં મુકીને આવવાની જગ્યાએ પેક કરાવી જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. ઘણીવાર તો શાક સારું હોય અને તે પેક કરાવે તો તેની સાથે પૈસા ઉમેરીને રોટલી પણ ખરીદી લે છે. પાણીના બચાવની જેમ યુવાનો સારા ભોજનનો યોગ્ય ઉપયોગ કરી યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે.

અનિકા ચૌહાણ કહે છે, ‘અમે વીક એન્ડ પર તો કઝિન્સ ભેગા મળીને લાંબી લટાર મારવા નિકળીએ જ છીએ. ક્યારેક ફાસ્ટ ફૂડ તો ક્યારેક ડિનર કરીએ છીએ. ફાસ્ટ ફૂડમાં તો નહીં, પરંતુ ડિનરમાં જો અમે વધારે જમવાનું મંગાવી લીધું હોય અને તે એંઠુ થયું ન હોય તો તેને પેક કરાવી એવા લોકોને આપીએ છીએ જેને ખરેખર તેની જરૃર હોય. આ કામ મારા ઘરમાં સૌથી પહેલાં મેં જ શરૃ કર્યું હતું. અમારા ગ્રૂપમાં મારા મિત્ર અંગદની બર્થ-ડે હતી ત્યારે અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. બધાએ ભેગા મળીને જે મન આવ્યંુ તે મંગાવ્યું. ત્યાં વેઇટર સારી રીતે અમને સર્વ કરતા હતા. હવે જ્યારે ડિનર પૂર્ણ થયંુ ત્યારે જોયંુ તો ઘણુ બધું જમવાનું એમનું એમ જ બાકી રહ્યું હતું. અમે બધા એકબીજાની સામે જોઈને અંગદને સોરી કહેવા લાગ્યા ત્યારે તેણે અમારી સામે સ્માઇલ કરી અને કહ્યું, ચીલ યારો.., અંગદે વેઇટરને ઓર્ડર આપ્યો કે આ બધું જ સારી રીતે પેક કરો અને દસ રોટલી એકસ્ટ્રા પેક કરજો. અમે તો વિચારતા જ રહ્યા કે આ ભોજનનું તે કરશે શું..? જ્યારે તે બધાને ઘરે ડ્રોપ કરવા આવ્યો ત્યારે રસ્તામાં તેને આ ભોજન એવા લોકોને આપ્યું જે તેની રાહ જોઈ રહ્યા હતા. ભલે રોજ આ કામ ના કરી શકીએ, પરંતુ જ્યારે ખરેખર ખોરાક સારો હોય અને તેનો બગાડ થતો હોય તો આવી સેવા કરવી જ જોઈએ. બસ ત્યારથી અમારા મિત્રોમાં આ ચેઇન શરૃ થઈ છે. હવે પરિવાર પણ આ રીતે અનાજનો બગાડ અટકાવે છે. બસ શરત એટલી કે જે ભોજન કોઈને આપીએ તે એઠું ના હોવું જોઈએ.’  યુવાનોનો આ ટ્રેન્ડ આપણે પણ અપનાવવા જેવો છે.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »