તમારા માટે, તમારી સાથે, સતત…

આર્કિટેક્ચરઃ કારકિર્દીને  કંડારવાનું અનોખું ક્ષેત્ર

ભારત સરકાર વર્ષ ૨૦૨૦ સુધી ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની યોજના પર કામ કરી રહી છે.

0 107
  • નવી ક્ષિતિજ – – હેતલ રાવ

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવનારી દરેક સરકારી અને ખાનગી યોજનાઓના કારણે આર્કિટેક્ચર ક્ષેત્રમાં રોજગારની વિપુલ પ્રમાણમાં તક ઊભી થઈ રહી છે. તો બીજી બાજુ વધતા રોજગારને કારણે આર્કિટેક્ચર ક્ષેત્રમાં અભ્યાસનું પ્રમાણ પણ વધ્યું છે.

નાનાં-મોટાં શહેરોમાં સુંદર બિલ્ડિંગો, બ્રિજ વગેરેનું નિર્માણ આર્કિટેક્ચર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ કરે છે. આવા પ્રોફેશનલ્સની જરૃર નવી બિલ્ડિંગ અથવા શહેરનું આયોજન કરવાથી લઈને તેના નિર્માણ સાથે જોડાયેલા દરેક કાર્યમાં હોય છે. આર્કિટેક્ટ કોઈ શહેર અથવા મકાનનો નકશો બનાવવાની સાથે તેની ડિઝાઇન પણ તૈયાર કરે છે. એમ કહી શકાય કે આર્કિટેક્ટ વગર કોઈ પણ શહેરની યોજના બનાવવી અથવા ઊંચા ઊંચા મકાનોનું નિર્માણ કરવંુ અશક્ય છે.

ભારતમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૃરિયાતના કારણે આર્કિટેક્ચરના ક્ષેત્રને ઉચ્ચ કારકિર્દીના સ્વરૃપમાં જોઈ શકાય છે. ભારત સરકાર વર્ષ ૨૦૨૦ સુધી ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આવી યોજનાને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં આર્કિટેક્ટની જરૃરિયાત ઊભી થઈ છે. આ ક્ષેત્રે કારકિર્દી બનાવનારા યુવાનો માટે રોજગારના અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે.

કલાત્મક રસ જરૃરી
આર્કિટેક્ચર એક એવું ક્ષેત્ર છે જ્યાં પ્રોફેશનલ્સ પાસે રોજ કંઈક નવંુ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. માટે ઉમેદવારોએ ગણિત અને અંગ્રેજી વિષય સાથે મૅનેજમૅન્ટમાં પણ નિપુણ હોવંુ આવશ્યક છે. કોમર્સ કે આટ્ર્સ સ્ટ્રીમ સાથે પણ તમે આ ક્ષેત્રમાં જઈ શકો છો. પાંચ વર્ષના બીઆર્ક(બેચલર ઓફ આર્કિટેક્ચર) કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ૫૦ ટકા સાથે ધોરણ બાર પાસ કરવું જરૃરી છે. આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ મેન્સ અને નાટાની એન્ટ્રેસ પરીક્ષા આપવાની હોય છે. જેમાં પાસ થયા પછી જ બીઆર્કમાં પ્રવેશ મળી શકે છે.

જો તમારી ઇચ્છા બીઆર્ક કોર્સ કરવાની છે તો ડ્રોઇંગ સારું હોવું અનિવાર્ય છે. જોકે માત્ર ચિત્રકામમાં નિપુણ હોવાથી તમે આર્કિટેક્ટ નથી બની શકતા. સારા આર્કિટેક્ટ બનવા માટે કલ્પનાશીલ વિચાર અને વિશ્લેષણ કૌશલ્ય પણ જરૃરી છે. પાંચ વર્ષનો આ કોર્સ બે ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન તમને માનવશાસ્ત્રથી લઈને વિજ્ઞાન સુધી દરેક વિષયનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યાર બાદ બે વર્ષ દરમિયાન કુશળ આર્કિટેક્ટ સાથે કામ કરવાની તક મળી રહે છે. આ ઉપરાંત દેશની જુદી-જુદી સંસ્થાઓમાં ઘણા કોર્સ જાણીતા છે. જેમાં ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર એન્જિનિયર, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર આસિસ્ટન્ટશિપ, બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન આર્કિટેક્ચર એન્જિનિયરિંગ, બેચલર ઓફ ટૅક્નોલોજી ઇન આર્કિટેક્ચર એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ટૅક્નોલોજી ઇન આર્કિટેક્ચર એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ટૅક્નોલોજી ઇન ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગનો સમાવેશ થાય છે.

પ્રતિભાને વધારવાની તક
આર્કિટેક્ચરનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની વિવિધ તકો રહેલી છે. આર્કિટેક્ચરમાં ઉચ્ચ અભ્યાસ કરનારા પસંદીદા વિદ્યાર્થીઓને આગા ખાન ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. ઉપેક્ષિત વર્ગમાંથી આવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નેશનલ ઓવરસિજ સ્કોલરશિપ્સનો લાભ પણ લઈ શકે છે. આ જ રીતે સરકાર તરફથી મળતી મદદ દ્વારા ઘણી સંસ્થાઓમાં આર્થિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.

આવક
કારકિર્દીની શરૃઆતમાં વીસ હજારથી લઈને ત્રીસ હજાર રૃપિયા સુધીનું વેતન મળી રહે છે. આર્કિટેક્ચરનો બે વર્ષનો અનુભવ તમારી કારકિર્દીને અપ કરે છે. આ ક્ષેત્રમાં અનુભવની સાથે-સાથે આવકમાં પણ વધારો થતો રહે છે. પાંચ વર્ષ પછી તમને પચાસ હજારથી લઈને એક લાખ સુધીનું વેતન મળી રહે છે. જોકે તેનો આધાર તમારી યોગ્યતા અને સર્જનાત્મકતા પર રહેલો છે. નોકરી કરવાની ઇચ્છા ન હોય તો તમે પોતાની કંપની પણ ખોલી શકો છો, પરંતુ પોતાનું કામ શરૃ કરતા પહેલાં કોઈ સારા આર્કિટેક્ટ સાથે રહીને કામનો અનુભવ અને ઝીણવટભરી માહિતી મેળવી લેવી અનિવાર્ય છે. કંપની શરૃ કરવા માટે તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ હોદ્દા પર મળશે કામ
આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યા પછી યુવાનો માટે મટીરિયલ રિસર્ચ (સામગ્રી સંશોધન) વ્યવસ્થા અને યોજના-નિર્માણ સાથે જોડાયેલા ઘણા મહત્ત્વપૂર્ણ કામ હોય છે. લેન્ડસ્કેપ, ઇન્ટીરિયર, પ્રોડક્ટ અથવા સેટ ડિઝાઇનિંગનું કામ પણ કરી શકો છે. અભ્યાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને લખવાનો શોખ છે તેવા યુવાનો આર્કિટેક્ચરલ જર્નાલિઝમમાં પણ તક મેળવી શકે છે. યુવાનો પોતાના કૌશલ્ય વધારવાની સાથે કોઈ પણ વિષયમાં નિપુણતા મેળવી શકે છે.

આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ મેનેજર  આ હોદ્દા પર પ્રોફેશનલ્સે નિર્માણ કામની યોજના બનાવવાથી લઈને વ્યવસ્થા સાથે જોડાયેલી દરેક જવાબદારી નિભાવવાની હોય છે.

સિવિલ એન્જિનિયર ઃ આ પ્રોફેશનલ્સ રસ્તા, હવાઈ માર્ગ, સુરંગ, પુલ ઉપરાંત પાણી  પુરવઠા અને ગટર વ્યવસ્થાની મૂળભૂત યોજનાઓ, સિસ્ટમનું નિર્માણ, ડિઝાઇન અને સંચાલન દરેક જવાબદારી સંભાળે છે.

બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર અને સર્વેયર ઃ આ હોદ્દા પર કામ કરતા પ્રોફેશનલ્સ ખાતરી આપે છે કે તેમના નેજા હેઠળ જે પણ મકાનનું નિર્માણ થઈ રહ્યંુ છે તેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય મકાન કોડ અને અધિનિયમનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે છે.

નિર્માણ પ્રબંધક ઃ આ પ્રોફેશનલ્સને કોઈ પણ મકાનના નિર્માણની શરૃઆતથી લઈને તેના અંત સુધીની જવાબદારી નિભાવવાની હોય છે.

પ્રવેશ માટે ગણિત જરૃરી
ભારતમાં આર્કિટેક્ચર ક્ષેત્રમાં ધોરણ ૧૨ પછી પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જેઇઇ મેન્સ પરીક્ષાના પેપર-૨ અથવા નાટા પરીક્ષા આપવાની રહે છે. વિદ્યાર્થીઓને જેઇઇ મેન્સ પેપર-૨માં બેસવા માટે ધોરણ ૧૨ વિજ્ઞાન વિષય સાથે પાસ કરવું જરૃરી છે. નાટા પરીક્ષાની વાત કરીએ તો નાટા વેબસાઇટ પર ૨૦૧૮ સુધીની આપેલી માહિતી પ્રમાણે ગણિત વિષયની સાથે ધોરણ બાર અથવા ધોરણ દસ અને ત્રણ વર્ષ ડિપ્લોમા કોર્સ કરેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકતા હતા. જોકે ગત બે-ત્રણ વર્ષથી નાટા પરીક્ષા માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયને ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે.
——————-.

Related Posts
1 of 289

મુખ્ય સંસ્થાઓ
દેશની ઘણી બધી કૉલેજોમાં આર્કિટેક્ચરનો અભ્યાસ ચાલે છે. આર્કિટેક્ટ બનવા માટે પાંચ વર્ષનો બીઆર્ક કોર્સ ઉપરાંત ડિપ્લોમા કોર્સ પણ ઉપલબ્ધ છે. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીને તેના માક્ર્સના આધારે કોઈ પણ કૉલેજમાં પ્રવેશ મળી રહે છે. આ કોર્સ માટે કેટલીક મુખ્ય સંસ્થાઓ પણ છે.

*           સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, નવી દિલ્હી

*           પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢ કૉલેજ ઓફ આર્કિટેક્ચર

*           સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સીઇપીટી, નવરંગપુરા, અમદાવાદ

*           લખનઉ યુનિવર્સિટી ગવર્મેન્ટ કૉલેજ ઓફ આર્કિટેક્ચર, લખનઉ

*           ગોવા યુનિવર્સિટી, ગોવા કૉલેજ ઓફ આર્કિટેક્ચર

*           સર જે. જે. કૉલેજ ઓફ આર્કિટેક્ચર મુંબઈ યુનિવર્સિટી

*           ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી કૉલેજ ઓફ આર્કિટેક્ચર, મુંબઈ

*           પૂણે યુનિવર્સિટી, મરાઠાવાડા મિત્ર મંડળ કૉલેજ ઓફ આર્કિટેક્ચર, પૂણે

*           જવાહરલાલ નહેરુ ટૅક્નોલોજિકલ યુનિવર્સિટી, સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર, હૈદરાબાદ

*           અન્ના યુનિવર્સિટી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ, ચેન્નાઈ
——————-.

પડકાર
આ ક્ષેત્રમાં માત્ર સારી આવક મળી રહે છે તેમ વિચારીને આવતા યુવાનો ચોક્કસથી નિષ્ફળ નિવડી શકે છે, કારણ કે ચમક-દમકવાળા આ પ્રોફેશનમાં સખત મહેનત અને પોતાની જાતને સાચી સાબિત કરવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે.

પાંચ વર્ષીય બી આર્ક કોર્સમાં પ્રવેશ મેળવવા જેઇઇ મેન્સ અને નાટા પ્રવેશ પરીક્ષાઓમાં ડ્રોઇંગ ટેસ્ટ હોય છે, પરંતુ માત્ર તેના આધારે સારા આર્કિટેક્ટ ન બની શકાય. સારા આર્કિટેક્ટ બનવા માટે વિચારશીલ અને કલ્પનાશીલ હોવું અનિવાર્ય છે.

તકનીક અને વૈશ્વીકરણ જેવા અનેક કારણોસર નોકરીઓનું સ્વરૃપ બદલાઈ રહ્યું છે. જેને અનુકૂળ થવા માટે નવા નવા વિષયોમાં નિપુણતા હોવી જોઈએ.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »