તમારા માટે, તમારી સાથે, સતત…

યોગાસનએ યોગ નથીઃ બનાવટી ગુરુઓથી ચેતો…

'યોગ એ કોઈ ચમત્કાર નથી, પણ એક વિજ્ઞાન છે.

0 377
  • કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

‘યોગ એ કોઈ ચર્ચાનો નહીં, અનુભૂતિનો વિષય છે. યોગ એક સાધના છે, પણ આજે યોગ એક ફેશન કે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. બિલાડીના ટોપની જેમ યોગા ક્લાસીસ ફૂટી નીકળ્યા છે, એવી જ રીતે પૂરતી સજ્જતા અને સાધના વિનાના બનાવટી યોગગુરુઓ ફરી રહ્યા છે. તેનાથી પણ ચેતવાની જરૃર છે. તા. ર૧મીએ યોગ દિવસ છે. આ દિને ચારેકોર યોગની ખૂબ ચર્ચા થશે, પણ વાસ્તવિકતા જુદી છે. માત્ર એક દિવસ યોગનો દેખાડો કરનારો વર્ગ મોટો હશે. યોગાસન એટલે યોગ, એવી અનેક ગેરમાન્યતાઓ આજે સમાજમાં પ્રવર્તી રહી છે. ખરેખર યોગ એ એક સાધના છે અને યોગાસન એ તો માત્ર યોગનો એક અંશ છે.’ તેવી સાફ વાત સાથે લોકોને સાવચેત કરતા સમર્પણ ધ્યાન કેન્દ્રના પ્રણેતા શિવકૃપાનંદજીએ જણાવ્યું હતું.

વર્ષો સુધી હિમાલયમાં યોગ સાધના કર્યા બાદ ગુજરાતની ઐતિહાસિક દાંડી ભૂમિમાં મુખ્ય આશ્રમ સ્થાપી સરળ એવી સમર્પણ ધ્યાનની પદ્ધતિને વિશ્વ સ્તરે પહોંચાડનાર શિવકૃપાનંદજી સ્વામીને અનુયાયીઓ બાબા સ્વામીના નામથી ઓળખે છે. સ્વામીજીએ દાંડીના દરિયા કિનારે આવેલા આશ્રમ ખાતે ‘અભિયાન’ને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘વર્તમાન સમયમાં ભાગદોડભરી જિંદગીમાં વ્યક્તિનંુ જીવન તનાવયુક્ત થઈ રહ્યું છે. સફળતા મળી રહી છે, પણ શાંતિ મળતી નથી. પૈસાથી શાંતિ ખરીદી શકાતી નથી. ફિટનેસની સાથે માનસિક શાંતિની ખોજમાં લોકો ભટકી રહ્યા છે અને યોગ તરફ વળી રહ્યા છે. યોગ કરવા વિશે જાગૃતિ આવી રહી છે તે સારી બાબત છે, પણ યોગ વિશેની ગેરસમજો પણ સાથે સાથે વધતી જાય છે. યોગ એ માત્ર કોઈ શારીરિક ક્રિયા નથી. મોટા ભાગના લોકો એમ માની રહ્યા છે યોગાસન એટલે યોગ. યોગ એ ભારતની પ્રાચીન પરંપરા છે. યોગાસન એ તો માત્ર યોગનો એક ભાગ છે. માત્ર યોગ દિવસ પૂરતી કે અમુક સપ્તાહ પૂરતંુ સીમિત આ કાર્ય નથી. યોગવિદ્યા તો નિરંતર અને ગહન કાર્ય સાધના છે. આ સાધનામાં એવી તાકાત છે કે વ્યક્તિની તમામ સમસ્યાઓનંુ સમાધાન તેના થકી મળી શકે છે. ઉત્તમ સ્વાસ્થ્યની સાથે આધ્યાત્મિક સ્તરના શિખર સુધી પહોંચી શકાય છે.’

Related Posts
1 of 262

નેપાળના વડાપ્રધાને જેમને ગત સપ્તાહે જ નેપાળ પ્રવાસનનો ગુડ વીલ એમ્બેસેડરનો ઍવૉર્ડ એનાયત કર્યો હતો એવા શિવકૃપાનંદ સ્વામી યોગ વિશે બીજી એક ગેરમાન્યતા અંગે કહે છે, ‘આખા દિવસમાં માત્ર અર્ધો કલાક શાંતચિત્તે બેસીને ધ્યાન કરો. એવું માનો કે દિવસ ર૩.૩૦ કલાકનો છે. ધ્યાન લાગે કે ન લાગે એ સાધકોનો વિષય નથી. સાધકોએ માત્ર અર્ધો કલાક સમય ફાળવવાનો છે. તેનંુ પરિણામ એવંુ આવશે જેની કલ્પના નહીં કરી શકો. માત્ર અર્ધો કલાક ધ્યાન કરવાથી દિવસભરના દૂષિત વિચારોથી મનને મુક્તિ મળે છે. શક્ય બને તો વહેલી સવારના સમયે ધ્યાન કરવામાં આવે તો અધિકતમ ઊર્જા મળે છે.

‘યોગ કે ધ્યાન એકાંતમાં થાય તો જ તેનંુ પરિણામ મળે છે, એ પણ ખોટી માન્યતા છે. હકીકતમાં તો ધ્યાન કે સાધના એ સમૂહમાં કરવામાં આવે તો તેની અસરકારતા વધુ જોવા મળે છે. સમૂહમાં ધ્યાન કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. હકારાત્મક ઊર્જા વચ્ચે રહેવાથી જીવન ખુશાલીથી ભરાઈ જાય છે. કમસે કમ અઠવાડિયામાં એક વખત સમૂહમાં ધ્યાન કરવું જોઈએ.

‘ઘરની એક વ્યક્તિ પણ ધ્યાન કરે તો તેનો પ્રભાવ આખા પરિવાર પર પડે છે. એક વ્યક્તિ હકારાત્મક ઊર્જાથી ભરપૂર હશે તો તેના નિર્ણયોની અસર આખા કુટુંબ પર પડે છે. યોગવિદ્યા જ વિશ્વમાં વસુધેવ કુટુંબકમની ભાવનાને શક્ય બનાવશે. નાત, જાત, ધર્મ કે પ્રાંતવાદના વાડાઓથી પર રહીને યોગવિદ્યા વિશ્વના દરેક વ્યક્તિને જોડવાનંુ કામ કરે છે.’

સ્વામીજી કહે છે, ‘યોગ એ કોઈ ચમત્કાર નથી, પણ એક વિજ્ઞાન છે. મનમાં ભરાયેલી દૂષિત ઘટનાઓ નીકળી જાય એટલે ચિત્ત શાંત થઈ જાય છે. આત્મવિશ્વાસ અને એકાગ્રતા વધે છે. હું એક વખત મુંબઈમાં વહેલી સવારે ચાર વાગ્યે ધ્યાન કરતો હતો ત્યારે એક આઈટી કંપનીના મેનેજર ત્યાં આવ્યા. ધ્યાન વિશે પૂછ્યું. મેં તેમને સમર્પણ ધ્યાન અંગે પ્રાથમિક માહિતી આપી. તેમણે ધ્યાન કરવાનંુ શરૃ કર્યું. થોડા દિવસ પછી એ વ્યક્તિ ફરી મને મળ્યા તો કહે, સ્વામીજી ચમત્કાર થયો. હું કંપનીના એક પ્રોજેક્ટમાં સતત નિષ્ફળ જતો હતો. તે પ્રોજેક્ટ મારો સફળ થયો છે. સામાન્ય વ્યક્તિઓ આવી સફળતાને ચમત્કાર માનીને ગુરુઓને ભગવાન માને છે, પણ આવો કોઈ ચમત્કાર હોતો નથી. માત્ર તમારા મનની એકાગ્રતાથી સફળતા મળી હોય છે.’
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »