તમારા માટે, તમારી સાથે, સતત…

મોનોક્રોમેટિક ટ્રેન્ડ યુવાનોમાં હોટ ફેવરિટ

હવે યુવાનો મોનોક્રોમેટિક કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે

0 174
  • ફેમિલી ઝોન – (યુવા) -હેતલ રાવ

યુવાનો હંમેશાં અવનવું ટ્રાય કરતા રહેતા હોય છે. તેમાં ખાસ કરીને કપડાંની ચોઇસ કરતા સમયે પોતાના લુક વિશે ખાસ વિચારે છે અને પોતાનાં વસ્ત્રો જ બેસ્ટ હોય તેવો પ્રયત્ન પણ કરે છે. જોકે યુવાનોમાં વસ્ત્રો હોય કે પછી અન્ય કોઈ વસ્તુ, તેમાં સતત ટ્રેન્ડ બદલાતો રહે છે. હાલમાં મોનોક્રોમેટિક ટ્રેન્ડ યુવાનોમાં વધુ જોવા મળે છે.

પહેલાંના સમયમાં માતા-પિતા એક સરખાં કપડાં જ બાળકોને અપાવતાં હતાં. એવું પણ કહી શકાય કે, ઘરમાં બે-ત્રણ કે વધુ બાળકો હોય તો તેમનાં વસ્ત્રો એક સરખા તાકામાંથી સીવડાવી દેવામાં આવતાં હતાં, પરંતુ બદલાતા સમય સાથે પહેરવેશ પણ બદલાતો રહ્યો. પછીનો સમય એવો આવ્યો કે એક સરખાં કપડાં પહેરવાની વાત તો દૂર પરંતુ કપડાંનું મેચિંગ પણ કરવામાં આવતંુ નહીં, પણ હવે ફરી એકવાર યુવાનોમાં મેચિંગ કપડાંનો ટ્રેન્ડ શરૃ થયો છે. મોનોક્રોમેટિક ટ્રેન્ડ, મોનો એટલે એક અને ક્રોમેટિક એટલે રંગ ઉપરથી લઈને નીચે સુધીનાં કપડાં એક જ રંગમાં જોવા મળે છે. સામાન્ય રીતે આવાં કપડાં યુવતીઓ વધુ પહેરતી હોય છે, પરંતુ હવે યુવકો પણ બ્લૂ જિન્સ અને બ્લૂ ટી-શર્ટ કે શર્ટ પહેરતાં હોય છે. આ ઉપરાંત પણ બ્લેક કલર અને વ્હાઇટ કલર પણ યુવકોમાં ફેવરિટ છે.

આ વિશે વાત કરતી ફેશન ડિઝાઇનર આહના કપૂર કહે છે, ‘હવે યુવાનો મોનોક્રોમેટિક કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને મારા બુટિકમાં આવનારી યુવતીઓ આ પ્રમાણેના ક્લોથની વધુ ડિમાન્ડ કરે છે. હાલના તબક્કે મોનોક્રોમેટિક ક્લોથ પહેરવા તે માત્ર ફેશન સુધી સીમિત નથી. હવે યુવાનોમાં આ એક ટ્રેન્ડ બની ગયો છે. એક સમયે મિસ-મેચ કપડાં પહેરવાનો ટ્રેન્ડ યુવાનોમાં વધુ ચાલી રહ્યો હતો, પરંતુ હવે આ ટ્રેન્ડની ડિમાન્ડ જોવા મળે છે.’

Related Posts
1 of 289

ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરતી પ્રાચી જેશવાલ  કહે છે, ‘અમારા ગ્રૂપમાં મોનોક્રોમેટિક ક્લોથનો ટ્રેન્ડ હોટ ફેવરિટ બની ગયો છે. જિન્સ, ટી-શર્ટ હોય કે કુરતા-પાયજામા હોય અમે એક કલરના જ પહેરીએ છીએ. એટલું જ નહીં, હવે કોઈ વાર ડ્રેસ પહેરીએ તેમાં પણ એક રંગ પસંદ કરીને નવો ટ્રાય કરીએ છીએ.

અમે યુવતીઓ જ નહીં, પરંતુ અમારા ગ્રૂપના બોય્ઝ પણ જિન્સ-ટીશર્ટ મેચ કરે છે. એક જ કલરનાં કપડાં પહેરવાના હોય તો મેચિંગ કરવાની ઝંઝટ નથી રહેતી. ઉપરાંત, તેની સાથે અન્ય વસ્તુ પણ મેચ કરી લઈએ છીએ. અમારા ગ્રૂપમાં આ ટ્રેન્ડને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.’

વિજય કાપૂરે કહે છે, ‘અમે નાના હતા ત્યારે હું અને મારો ભાઈ એક જેવાં કપડાં પહેરતાં હતાં, પરંતુ તે સમયે આવા ટ્રેન્ડનો સમય ન હતો. હવે એક સરખાં કપડાં એટલે ઉપર-નીચેનાં કપડાં મેચિંગ કરવાની વાત છે. હું ખાસ કરીને બ્લૂ કલરનું મેચિંગ વધારે પસંદ કરું છું. જ્યારે મારો નાનો ભાઈ તેની કૉલેજમાં રોજ એક સરખાં કપડાં જ પહેરી જાય છે. તેનું પેન્ટ વ્હાઇટ હોય તો ટી-શર્ટ કે શર્ટ પણ સફેદ કલરનું જ હોય છે, પરંતુ વીકમાં બેથી ત્રણ દિવસ તે બ્લેક કલર પહેરવાનું વધુ પસંદ કરે છે. તેના વૉર્ડરોબમાં વધારે બ્લેક કલરના ક્લોથ જ જોવા મળે છે.’

યુવાનોના અવનવા વિચારો હવે લેટેસ્ટ ટ્રેન્ડ બની રહ્યા છે. જોકે તેમાં પણ ક્યાંક ને ક્યાંક બોલિવૂડની અસર રહેલી છે. હાલના સમયમાં બોલિવૂડ કલાકારો પણ આવા ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. કદાચ તેના કારણે યુવાનોમાં મોનોક્રોમેટિક ટ્રેન્ડને વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »