- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
‘અમેરિકા શા માટે આવ્યા છો?’
અમદાવાદની અંજના પટેલ ન્યુ જર્સીમાં આવેલ એક કમ્યુનિટી કૉલેજમાં બેચલર્સનો અભ્યાસ કરવા ‘એફ-૧’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ કૅટેગરીના સ્ટુડન્ટ વિઝા મેળવીને, નેવાર્ક ઍરપોર્ટ ઉપરથી ન્યુ જર્સીમાં પ્રવેશવા માટે માગણી કરી રહી હતી ત્યારે ઈમિગ્રેશન ઓફિસરે સામાન્ય રીતે તેઓ જે સવાલ બધા પ્રવાસીઓને કરતા હોય છે એવો સવાલ કર્યો.
‘ભણવા…’ અંજના એ જવાબ આપ્યો.
‘અહીં તમારું કોઈ સગું છે?’
‘ના…’
‘પટેલ છો છતાં અમેરિકામાં કોઈ સગું નથી?’
‘પટેલ અટક ધરાવતા અનેકો અમેરિકામાં છે, પણ મારું કોઈ સગું અહીં નથી.’
‘આ પહેલાં તમે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરી હતી?’
‘હા. બે વાર બી-૧/બી-૨ વિઝાની અને એક વાર એફ-૧ વિઝાની અરજી કરી હતી. પહેલી વાર બી-૧/બી-૨ વિઝાની અરજી નકારાઈ હતી. બીજી વાર વિઝા આપવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે સ્ટુડન્ટ વિઝાની અરજી નકારાઈ હતી. બીજી વાર વિઝા આપવામાં આવ્યા હતા.’
‘બી-૧/બી-૨ વિઝા મળ્યા પછી અમેરિકા આવ્યા હતા?’
‘હા. અમેરિકામાં રહેવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. હું તો પાંચ મહિનામાં જ ઇન્ડિયા પાછી ચાલી ગઈ હતી.’
‘પાંચ મહિના ક્યાં રહ્યાં હતાં?’
‘અહીં ન્યુ જર્સીમાં.’
‘એમ? તમારાં લગ્ન થઈ ગયાં છે?’
‘ના.’
‘તમે અહીં કોઈની જોડે લગ્ન કરવાની ઇચ્છા ધરાવો છો?’
‘ના. હું તો અહીં ભણવા આવી છું.’
‘ન્યુ જર્સીમાં પાંચ મહિના રહ્યા તો તમારા અહીં કોઈ મિત્ર તો હશે જ?’
‘હા.’
‘તમે એમની જોડે ઈ-મેઇલ, વૉટ્સઍપ, ટ્વિટર આ બધા ઉપર વાતચીત, ચૅટિંગ કર્યું છે?’
હવે અંજના સતર્ક થઈ. ઈ-મેઇલ અને વૉટ્સઍપ અને ચૅટિંગ વિશે ઓફિસર પૂછપરછ કરશે એવો એને સપને પણ ખ્યાલ નહોતો.
‘યંગ ગર્લ, શું વિચારમાં પડી ગયાં છો?’
‘નો… નો. કંઈ નહીં.’
‘મારા સવાલનો જવાબ આપો. એમ કરો મને તમારો મોબાઇલ જ આપો અને પાસવર્ડ જણાવો.’
ઓફિસરે અંજનાના ઈ-મેઇલ્સ અને વૉટ્સઍપના મેસેજીસ ચેક કર્યા અને અંજનાએ અરજીપત્રકમાં એ કુંવારી છે એવું જે જણાવ્યું હતું અને અમેરિકામાં મારું કોઈ સગું નથી એવું ઓફિસરને કહ્યું હતું એ જૂઠાણુ પકડાઈ ગયું. અંજના જ્યારે બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકા આવી હતી ત્યારે ત્યાં ઈલ્લિગલી રહેતા અને કામ કરતા, એની સાથે અમદાવાદમાં ભણતા યુવક જોડે એ પરણી હતી. હવે એ ભણવાને બહાને એના હસબન્ડ સાથે અમેરિકામાં કાયમ રહેવા આવી હતી. અંજનાને વળતા પ્લેનમાં ઇન્ડિયા પાછી મોકલી દેવામાં આવી. અમેરિકાના વિઝા અને એમાં પણ નૉન-ઈમિગ્રન્ટ શ્રેણીના બી-૧/બી-૨ યા એફ-૧ વિઝા મેળવતા અનેક પરદેશીઓ અંજનાની જેમ જ સાચી બાતમી છુપાવતા હોય છે અને ખોટી માહિતી આપતા હોય છે. અમેરિકામાં કાયમ રહેવાનો ઇરાદો હોય તે છતાં તેઓ ટૂંક સમય માટે જ અમેરિકા ફરવા જવું છે એવું જણાવીને બી-૧/બી-૨ વિઝા મેળવતા હોય છે. એમના અંગત સગા, પત્ની યા પતિ, ભાઈ-બહેન, માતા-પિતા અમેરિકામાં કાયદેસર યા ગેરકાયદેસર રહેતા હોય, ગ્રીનકાર્ડધારક યા સિટિઝન હોય, એ સત્ય હકીકત છુપાવતા હોય છે.
અમેરિકામાં અમારું કોઈ જ નથી એવું હડહડતું જુઠ્ઠું બોલીને વિઝા મેળવતા હોય છે. માતા યા પિતા જોડે ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પણ અનેકો એમણે લગ્ન કર્યાં હોય એ હકીકત છુપાવે છે. ભાઈ-બહેનનાં સંતાનો પોતાનાં સંતાનો છે એવું ખોટા દસ્તાવેજો બનાવીને જણાવતા હોય છે. કોઈક વાર સંદેહ જતાં ઈમિગ્રેશન ઓફિસરો આવા પરદેશીઓના મોબાઇલ ચેક કરે છે અને એમના જૂઠાણાઓ પકડાઈ જાય છે.આજના સમયમાં લગભગ દરેકેદરેક વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર અથવા ઈ-મેઇલ્સ કે વૉટ્સઍપ ઉપર એના અંગત વિચારો, અંગત ફોટાઓ, અંગત માહિતી મૂકવા લલચાતી હોય છે. ખાનગી રીતે લગ્ન કર્યાં હોય તો પણ સોશિયલ મીડિયા ઉપર તેઓ એમનાં લગ્નના ફોટાઓ મૂકે છે. વેપારીઓ અંગત લેવડ-દેવડની વાતો ઈ-મેઇલ્સ દ્વારા કરે છે. પોતાના ભૂતકાળનાં ખોટાં કામો અને ભવિષ્યના ખોટા ઇરાદાઓ લોકો ટ્વિટર ઉપર જણાવે છે. આમ સામાન્ય રીતે જે વાત છુપાવતા હોય એ સોશિયલ મીડિયા ઉપર છતી કરતા હોય છે.
પરદેશીઓના આવા જૂઠાણાઓ પકડી પાડવા ૩૧ મે, ૨૦૧૯થી અમેરિકાની સરકારે બી-૧/ બી-૨ યા એફ-૧ સંજ્ઞા ધરાવતા નૉન-ઈમિગ્રન્ટ કૅટેગરીના વિઝાના અરજીપત્રક ફૉર્મ ડીએસ-૧૬૦માં જે વિગતો માગવામાં આવે છે એમાં વધારો કર્યો છે. હવેથી નૉન-ઈમિગ્રન્ટ વિઝાના અરજદારોના અરજીપત્રક ફૉર્મ ડીએસ-૧૬૦માં દરેકેદરેક અરજદારોએ છેલ્લાં પાંચ વર્ષમાં એમણે ઈ-મેઇલ્સ, ફેસબુક, ફિલકર, ગૂગલ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ચૅટ અને યુ-ટ્યૂબ આવા-આવા જે-જે સોશિયલ મીડિયામાં ભાગ લીધો હશે એ સર્વેની જાણકારી આપવાની રહેશે. જોકે અરજદારોએ એમના પાસવર્ડ આપવાનું ફરજિયાત નથી બનાવાયું. જો જરૃર લાગશે તો કૉન્સ્યુલર ઓફિસરો વિઝાના અરજદારોના પાસવર્ડ માગશે. અરજદારો જો એ આપવાની ના પાડશે તો તેઓ જરૃરથી કંઈક છુપાવે છે એવું ધારી લઈને એમના વિઝાની અરજી નકારવામાં આવશે. એક વસ્તુ નિશ્ચિત છે, આ વધારાની માહિતી માગતાં હવેથી વિઝાની અરજીઓનો નિકાલ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં વધારો થશે. વિઝાના અરજદારો સોશિયલ મીડિયા ઉપર એમની અંગત તેમ જ જાહેર ન કરવા જેવી બાબતો મૂકતાં અટકશે કે નહીં, એ તો અરજદારો જ જાણે.
—————————–