- પાંજોકચ્છ – સુચિતા બોઘાણી કનર
ભચાઉ તાલુકાનો ખડીર તરીકે ઓળખાતો વિસ્તાર રણદ્વીપ છે. આ પછાત વિસ્તારનાં બાળકો ભણવામાં વધુ રસ ધરાવતાં થાય તે માટે બ્રહ્મદીપ ટ્રસ્ટ દ્વારા અભ્યાસક્રમ આધારિત પ્રવૃતિમય શિક્ષણ આપવામાં આવે છે. આ વિસ્તારના અનેક વાલીઓ અશિક્ષિત હોવાથી શિક્ષણનું મહત્ત્વ સમજતાં નથી અને બાળકોને નિયમિત શાળામાં મોકલતાં નથી.
અનેકવખત બાળકો શાળામાં ભણાવાતા અભ્યાસથી કંટાળી જાય છે. તેઓ રસપૂર્વક પાઠ ભણતા નથી. શિક્ષકો પાસે પણ ખૂબ વધુ વિદ્યાર્થીઓ હોવાના કારણે તેઓ ઇચ્છતા હોવા છતાં બાળકોને વિવિધ પ્રયોગો કે પ્રવૃત્તિઓ થકી ભણાવી શકતા નથી. આથી બાળકોને ભણવામાં રસ પડતો નથી. તેમાં પણ જ્યારે માતાપિતા અશિક્ષિત હોય ત્યારે તેઓ પણ બાળકોને ભણવા માટે તૈયાર કરી શકતાં નથી. આથી જ બાળકોને ભણવામાં રસ જાગે અને તેઓ વધુ ને વધુ ભણવા ઇચ્છે તેવી સ્થિતિ નિર્માણ કરવાની જરૃર હોય છે. કચ્છના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં બાળકોને ‘ભાઈબંધ’ નામના પ્રોજેક્ટ દ્વારા પ્રવૃત્તિમય શિક્ષણ આપીને તેમનો ભણતર પ્રત્યેનો રસ વધારવા પ્રયત્ન કરાય છે. કચ્છના મોટા રણમાં ખડીર નામનો રણદ્વીપ આવેલો છે. ચારેબાજુ રણથી ઘેરાયેલા આ બેટ પર નાનાં-નાનાં ૧૨ ગામો અને ૬ વાંઢો છે. અત્યંત અંતરિયાળ એવા આ વિસ્તારમાં અંદાજે દસ હજાર લોકો વસે છે. ખડીર જિલ્લા મથક ભુજથી ૨૪૦ કિ.મી. અને તાલુકા મથક ભચાઉથી ૧૫૦ કિ.મી.ના અંતરે આવેલું છે. સૌથી નજીકનું શહેર રાપર ૯૦ કિ.મી. દૂર છે. આ વિસ્તારમાં ૧૮ સરકારી પ્રાથમિક શાળાઓ છે, જે પૈકીની ૧૧ શાળાઓમાં ‘ભાઈબંધ’ નામનો કાર્યક્રમ ચાલે છે.
નન્હીબાળા ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મદીપ ટ્રસ્ટના ટ્રસ્ટી બિન્દુબહેન ઝાલા પોતે શિક્ષિકા હતાં. ગાંધીનગર પાસેના રાજપુરની શાળામાં વર્ષો સુધી બાળકોને ભણાવ્યાં, પરંતુ શાળાના સમય દરમિયાન અભ્યાસક્રમ પૂરો કરાવવો પડે. આથી તેમણે શાળામાંથી રાજીનામું આપી દીધું અને પતિ પાર્થેશ પંડ્યા સાથે મળીને બાળકોને ઉપયોગી થાય તેવી રીતે ભણાવવા માટેના પ્રયોગો ચાલુ કર્યા હતા. તેમની નજર પછાત એવા ખડીર વિસ્તાર પર પડી અને તેમણે અહીં પ્રયોગ ચાલુ કરવાનું નક્કી કર્યું. આ કાર્યક્રમ માટે રતનાલના મણિભાઈ ગાલાનો આર્થિક સહયોગ તેમને મળી રહ્યો છે.
બિન્દુબહેન જણાવે છે કે, ‘ખડીર પંથકમાં કોઈ શિક્ષકો આવવા તૈયાર નથી. અહીં શિક્ષકો ઓછા અને બાળકોના પ્રશ્નો વધુ છે. આ વિસ્તારના મોટા માણસો કે બાળકો બહાર જઈ શકતા નથી. અહીંથી કોઈ શહેરમાં શિક્ષણ માટે જવું-આવવું બહુ અઘરું છે. આથી અમે એક વાન અહીં ઉપલબ્ધ કરાવી છે અને એક ‘ભાઈબંધ’ એટલે કે શિક્ષક દ્વારા આ વિસ્તારની ૧૧ જેટલી શાળાઓમાં અમે બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ આપીએ છીએ.’
‘ભાઈબંધ’ મોબાઇલ વાનમાં ભાઈબંધ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ ઢીલા જણાવે છે કે, ‘લગભગ ત્રણેક વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ શરૃ કરાયો છે. ખડીરની ૧૧ શાળાઓમાં હું બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ આપવા પ્રયત્ન કરું છું. રોજની બે સ્કૂલોની મુલાકાત લઉં છું. અઠવાડિયામાં ૧૧ શાળાઓ આવરી લેવાય છે. એક અઠવાડિયામાં એક શાળાની એક વખત મુલાકાત થાય છે. ગણિત જેવા વિષયમાં બાળકો ખૂબ કંટાળતા હોય છે, આથી હું તેમને દીવાસળી કે એવી કોઈ રોજની વપરાશની વસ્તુઓની મદદથી તેમને ગણતરી સમજાવું છું. જ્યારે વિજ્ઞાન સાદા અને સરળ પ્રયોગો થકી તેમને સમજાવવા પ્રયત્ન કરું છું. જેમ કે પ્રકાશનું કિરણ સીધી લીટીમાં પ્રવાસ કરે છે તે તેમને ટોર્ચની મદદથી સમજાવું છું. ક્યારેક ગુજરાતી વ્યાકરણ વિશે તો ક્યારેક સ્વચ્છતા, ક્યારેક આરોગ્ય વિશે પણ સરળતાથી સમજ આપું છું. પરીક્ષા નજીક હોય ત્યારે રમતાં-રમતાં તેમની સાથે પ્રશ્નોત્તરી કરું છું. શિક્ષકો પાસે બાળકોને શિસ્તમાં રહેવું પડતું હોય છે, પરંતુ મને પોતાના દોસ્તની જેમ જ તેઓ માને છે, મારાથી ડરતા નથી. આથી તેમના પ્રશ્નો મને સરળતાથી કહી શકે છે. છેલ્લાં ત્રણ વર્ષથી સતત આ બાળકો સાથે કામ કરતો હોવાથી હવે બાળકોને શાળાએ આવવું ગમે છે અને નવું શીખવામાં તેમને રસ પડે છે.’
જોે અંતરિયાળ વિસ્તારના શિક્ષણથી વિમુખ રહેતાં બાળકો પ્રવૃત્તિમય શિક્ષણથી અભ્યાસ કરવા પ્રેરાય તો તેમનું ભાવિ ઉજળું થવાની પૂરી શક્યતા છે.
——————————