તમારા માટે, તમારી સાથે, સતત…

મસૂદની જમ્મુ જેલમાંથી છુટકારાની કહાની

હું ગુજરાતી મૂળનો છું કે તુરંત અધિકારીએ તેની સામે જોયા વગર પાસપોર્ટ પર મહોર મારી દીધી.

0 288
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

પોતાને ગુજરાતી ગણાવીને બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશેલા મસૂદ અઝહરની અલગાવવાદી નેતા સજ્જાદ અફઘાની સાથે અનંતનાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ-ત્રણ વખત મસૂદને છોડાવવાના આતંકવાદીઓના નિષ્ફળ પ્રયત્નો છતાં પણ તેઓ ચોથા પ્રયત્ને સફળ થયા. મસૂદની જેલ મુક્તિની કહાણી સમજવા જેવી છે.

મસૂદ અઝહર પહેલી વખત ૨૯ જાન્યુઆરી ૧૯૯૪માં ભારતમાં વાયા બાંગ્લાદેશ ઢાકાથી દિલ્હીમાં પ્રવેશ્યો હતો ત્યારે તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતો. ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર અધિકારીએ મસૂદને જોઈને કહ્યંુ કે તમે પોર્ટુગીઝ તો નથી લાગતા, પરંતુ જેવું મસૂદે કહ્યંુ કે હું ગુજરાતી મૂળનો છું કે તુરંત અધિકારીએ તેની સામે જોયા વગર પાસપોર્ટ પર મહોર મારી દીધી. દીવવાસીઓને પોર્ટુગલ સરકારે નાગરિકતા આપી છે એટલે ઘણા દીવવાસીઓ પોર્ટુગલ આવતા-જતા રહે છે.

ભારતમાં આવીને મસૂદે શ્રીનગરમાં અડ્ડો જમાવ્યો અને તેજાબી ભાષણો આપવા લાગ્યો. અલગાવવવાદીઓ વચ્ચેના આંતરિક ઝઘડાઓને મધ્યસ્થી બનીને ઉકેલવા લાગ્યો. એમનું મૂળ કામ હતું, કાશ્મીરી યુવાનોને ઉશ્કેરીને આતંકવાદી છાવણીઓમાં ભરતી કરાવવાનું. મસૂદ અનંતનાગમાં સજ્જાદ અફઘાની સાથે એક ઑટોમાં બેસીને જતો હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મીના જવાનોએ ઑટો અટકાવી તો બંને સવાર ઉતરીને ભાગવા લાગ્યા, પણ જવાનોએ ત્યાં જ તેમને પકડી લીધા.  મસૂદની ધરપકડ બાદ પૂછપરછમાંથી અનેક રહસ્યોનું ઉદ્દઘાટન થયું હતું. મસૂદની ૨૫ વર્ષ પહેલાંની ૧૯૯૪ની ભારત યાત્રાનું પહેલું સ્થળ દિલ્હી હતું. દિલ્હીની ફાઇવ સ્ટાર અશોકા હોટલ અને હોટલ જનપથમાં તે રોકાયો હતો. અશોકા હોટલમાંથી તેણે કાશ્મીરી અલગાવવાદી અશરફ દારને ફોન કરીને હોટલમાં મળવા બોલાવ્યો હતો. ત્યારે મસૂદ અશરફની સાથે લખનૌ, સહારનપુર અને દેવબંધના ચર્ચિત મદરેસા દારુલ ઉલુમમાં પણ ગયો હતો. દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાંથી તેણે કાશ્મીર ખીણના આતંકવાદીઓને ભેટ આપવા માટે ૧૨ કંપાસ ખરીદ્યા હતા. જેથી આતંકવાદીઓ મક્કાની દિશા જાણીને નમાજ પઢી શકે.

જેલમાં મસૂદ અઝહર શેખી મારતો ફરતો કે ભારત સરકાર વધુ દિવસ તેને જેલમાં રાખી શકશે નહીં. મસૂદ પકડાયો એના ૧૦ મહિનામાં અંતિમવાદીઓએ દિલ્હીમાં કેટલાક વિદેશીઓનું અપહરણ કરીને તેના બદલામાં મસૂદ અઝહરને છોડવાની માગણી મુકી. જોકે આ પ્રયત્ન વિફળ ગયો કેમ કે ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસ સરહાનપુરમાં બંધકોને છોડાવવામાં સફળ રહી. એક વર્ષ બાદ અરકત-ઉલ-અંસારે ફરી કેટલાક વિદેશીઓનું અપહરણ કરીને તેને મસૂદને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસ પણ અસફળ રહ્યો.

Related Posts
1 of 262

૧૯૯૯માં જમ્મુની કોટ ભલવાલ જેલમાંથી તેને ભગાડવા માટે સુરંગ ખોદવામાં આવી, પરંતુ મસૂદ અઝહર પોતાના સ્થૂળ શરીરને કારણે સુરંગમાં ફસાઈ ગયો અને પકડાઈ ગયો. થોડા મહિના પછી ડિસેમ્બર ૧૯૯૯માં કટ્ટરપંથીઓ એક ભારતીય વિમાનનનું અપહરણ કરીને કંધાર લઈ ગયા. વિમાનના યાત્રીઓને છોડવાના બદલામાં મસૂદ સહિત ત્રણ આતંકીઓની મુક્તિની શરત મૂકી. એ સમયે ભારતની જાસૂસી સંસ્થા રૉના પ્રમુખ અમરજીત સિંહ દુલતને વિશેષ ફારુખ અબ્દુલ્લા સાથે મંત્રણા કરવા શ્રીનગર મોકલવામાં આવ્યા. પત્રકાર પુષ્પેન્દ્ર કુલકર્ણી તો અલગાવવાદી નેતા વી.પી. સિંહની સરકાર વખતે ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદ સામે આરોપ લગાવતા કહે છે કે તેમની બહેનના અપહરણની વાર્તા ઘડવામાં આવી હતી, એ તો દિલ્હીમાં બેઠી હતી. જરગરને શ્રીનગરની જેલમાંથી અને મસૂદને જમ્મુની જેલમાંથી શ્રીનગર લવાયો. બંનેને નાના ગલ્ફસ્ટ્રીમ જહાજમાં બેસાડવામાં આવ્યા. દુલતના કહેવા પ્રમાણે ટેકઓફની થોડી સેકન્ડ પહેલાં સૂચના આવી કે અમારે જલ્દી દિલ્હી પહોંચવાનું છે, કારણ કે વિદેશમંત્રી જસવંત સિંહ ઍરપોર્ટ પર જ કંધાર જવા માટે અમારી રાહ જોઈ રહ્યા હતા. દિલ્હીમાં ઉતરતા વેંત બંનેને જસવંતસિંહના વિમાનમાં બેસાડવામાં આવ્યા. જ્યાં ત્રીજો આતંકી ઓમર શેખ પહેલેથી જ હાજર રાખવામાં આવ્યો હતો.

સવાલ ઊભો થયો કે કેદીઓની સાથે ભારત તરફથી કંધાર કોણ-કોણ જાય. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક કાટજુ, આઇબીના અજિત ડોભાલ અને રૉના સીડી સહાય બધાનો એકસૂર હતો કે કંધાર એવી વ્યક્તિને મોકલવી જે જરૃર પડ્યે ત્યાં મોટા નિર્ણયો લઈ શકે. જસવંતસિંહે કંધાર ઍરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે ઘણો સમય સુધી તો કોઈ વ્યક્તિ તેને મળવા જ ન આવી. જસવંત સિંહે પોતાની આત્મકથા ‘કૉલ ટૂ ઓનર – ઇન સર્વિસ ઓફ ઇમર્જિંગ ઇન્ડિયા’માં લખ્યંુ છે કે ઘણા સમય પછી વૉકીટૉકીનો અવાજ સંભળાયો. ત્રણેય નીચે ઊતર્યા એટલે તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ત્રણેય ઊતરી ગયા બાદ વિમાનની સીડી હટાવી લેવાઈ જેથી અમે ઊતરી ન શકીએ. આઈએસઆઈ આ ત્રણેય આતંકીઓના સંબંધીઓને કંધાર લઈ આવ્યું હતું જેથી અમે છોડ્યા છે તે અસલી માણસો છે તેની ખાતરી કરી શકાય. ખાતરી થઈ ગયા પછી મંત્રીના વિમાનને સીડી લગાવી અને મંત્રીઓ અને અધિકારીઓ નીચે ઊતર્યા. પાંચ વાગ્યાની આસપાસ અજિત ડોભાલ અપહરણ કરાયેલા વિમાનમાં યાત્રીઓને મળવા ગયા. વિમાનમાંથી ઉતરતી વખતે અપહરણકર્તાઓ બર્ગર અને સેંડીએ તેમને નાનું બાયનોક્યુલર ભેટ આપ્યું. ડોભાલ લખે છે કે તેમણે મને કહ્યું કે આ બાયનોક્યુલરથી તેઓ બહારની ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યા હતા. મેં બાદમાં આ બાયનોક્યુલર જસવંતસિંહને આપી દીધું.

અપહૃત યાત્રીઓ સાથે વિદેશ મંત્રી જસવંત સિંહ અને ભારતીય અધિકારીઓની ટીમ તો એ જ દિવસે પરત ફરી ગઈ, પરંતુ ભારતના ઇસ્લામાબાદ હાઈકમિશનમાં કામ કરતા એ.આર. ઘનશ્યામને ભારતીય વિમાનમાં ઈંધણ ભરવાની અને દિલ્હી લાવવાની જવાબદારી સોંપવા સાથે તેમને કંધારમાં જ છોડી દેવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાના ૧૪ સભ્યોનું ક્રૂ પણ કંધારમાં જ રોકાઈ ગયું. બાદમાં ઘનશ્યામે વિદેશ મંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં લખ્યું કે બધા નિકળી ગયા પછી અમે વિમાનમાં આંટો માર્યો તો તેમાં સહન ન થઈ શકે તેવી બદબૂ ફેલાઈ હતી. કોકપીટની પેનલ સુધી ચિકનનાં હાડકાં અને સંતરાની છાલો પડી હતી. ટોઇલેટ એકદમ ચોક થઈ ગયા હતા.

રાત્રે ૯ વાગ્યે વિમાનના કેપ્ટન સૂરીએ ઘનશ્યામ પાસે આવીને કહ્યંુ કે તાલિબાન આઇસી ૮૧૪ને ઊડવા દેવા તૈયાર નથી અને તેઓ વિમાનમાં ઈંધણ ભરવા માટે પણ આનાકાની કરી રહ્યા છે. એમની શરત એ હતી કે વિમાનને તો જ ઊડવા દેવામાં આવશે, જો વિમાનના હોલ્ડમાં રહેલી અપહરણકર્તાઓની લાલ રંગની બેગ કાઢીને તેમને આપવામાં આવશે. ૧૧ વાગ્યા સુધી કેપ્ટન સુરી વિમાનની અંદર જ હતી. લાલ રંગની પજેરો વિમાનની સામે ઊભી હતી અને તેની લાઇટો ઓન હતી. કેપ્ટન રાવે એન્જિન શરૃ કરી રાખ્યું હતું. મજૂરોએ વિમાનની અંદરથી એ લાલ સૂટકેટ કાઢીને પજેરોમાં બેઠેલા લોકોને આપી. એ લાલ સૂટકેસમાં પાંચ ગ્રેનેડ મુકેલા હતા. પછીના દિવસે સવારે પોણા દસ વાગ્યે ઈંધણ ભરીને ઍર ઇન્ડિયાનું વિમાન દિલ્હી તરફ રવાના થયું. કન્ટ્રોલ ટાવરના એક અધિકારીએ ઘનશ્યામને પેકેટ આપ્યું. જ્યારે તેને ખોલવામાં આવ્યું તો અંદર થોડી બદામ, કિસમિસ, એક નાનો ટુવાલ અને એક નૅઇલ કટર હતું. તાલિબાનના નાગરિક ઉડ્ડયન મંત્રીએ તેને ભેટ રૃપે આ મોકલ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વાત-વાતમાં સવાલો પૂછવાની ટેવ છે. તેમણે એક સવાલ કર્યો છે કે મસૂદ અઝહરની મુક્તિ વખતે અજિત ડોભાલ ક્યાં હતા? મસૂદ અઝહરજી કહેતા રાહુલ ગાંધીએ એ ભાષણમાં કહ્યંુ છે કે અજિત ડોભાલ મસૂદ અઝહર સાથે વિમાનમાં બેસીને દિલ્હીથી કંધાર ગયા હતા. આ સત્ય વાત નથી. અજિત ડોભાલ પહેલા જ કંધારમાં પહોંચી ગયા હતા અને યાત્રીઓને છોડાવવા માટે તાલિબાનો સાથે થઈ રહેલી વાતચીતની પ્રક્રિયામાં સક્રિય હતા.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે દાવો કર્યો હતો કે કંધાર વિમાન અપહરણ કાંડ બાદ ભારત સરકારે તત્કાલીન તાલિબાન સરકારને મસૂદ અને તેના બંને સાથીઓને પકડીને ભારતને સોંપી દેવા માટે નાણાની ઑફર કરી હતી. તાલિબાનના ઉડ્ડયન મંત્રી મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂર સામે આ ઑફર મૂકવામાં આવી હતી. અમેરિકી ડ્રોન હુમલામાં મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂર માર્યો ગયો છે. જોકે રૉના તત્કાલીન વડા દુલત અને વિવેક કાટજુનું કહેવું છે કે એ આખા મામલામાં પૈસાની ક્યારેય વાત નથી થઈ. અલબત્ત, અહીં એ તો કબૂલ કરવું રહ્યું કે મસૂદને છોડાવવાના ત્રણ-ત્રણ વિફળ પ્રયત્નો પછી પણ આતંકીઓ તેને ધરાર છોડાવી ગયા અને તેથી આ વાજપેયી સરકારની મોટી વિફળતા હતી.
———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »