તમારા માટે, તમારી સાથે, સતત…

આજે પણ મહિલાઓ ઘરેલુ હિંસાને સહન કરીને ચૂપ જ રહે છે

દર ૩૪ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર, દર ૨૬ મિનિટે છેડતી, ૪૩ મિનિટે અપહરણ ૯૩ મિનિટે હત્યા અને દર મિનિટે મહિલાઓ પર ઘરેલુ હિંસા થાય છે

0 351
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

દાયકાઓથી મહિલાઓ પર અત્યાચાર થતાં આવે છે અને આજે પણ યથાવત્ છે. દાયકાઓ કરતાં પણ સદીઓથી કહીશું તો વધારે સાચું કહેવાશે. વિશ્વ પ્રગતિશીલ બની રહ્યું છે, પરંતુ મહિલાઓની સ્થિતિ આજે પણ પહેલાં જેવી જ છે. ખાસ કરીને ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓમાંથી માત્ર દસ ટકા જ ન્યાય માટે અવાજ ઉઠાવે છે, જેમાંથી માંડ પાંચ-છ ટકા મહિલાઓને ન્યાય મળતો હશે. નેવું ટકા મહિલાઓ આજે પણ સમાજ, પરિવાર, સંતાનો અને કોઈ શું કહેશેના ડરથી ચૂપ રહે છે.

વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ચાહકો છે તેમને ખ્યાલ હશે કે હમણા થોડા સમયથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જોકે એ વીડિયોને નાટકીય સ્વરૃપ આપવામાં આવ્યું છે. જેમાં પતિ લગ્ન પછી પત્નીને શરૃઆતના દિવસોમાં જ લાફો ઝીંકી દે છે, કારણ એટલું જ હોય છે કે પતિને ૧૨.૭ સેન્ટીમીટરની રોટલી ખાવાની આદત હોય છે અને પત્ની તે બનાવી નથી શકતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલી સાસુ પણ વહુને કહે છે કે વહુ બેટા, મારો દીકરો એન્જિનિયર છે માટે તે દરેક વસ્તુ માપીને જ ખાય છે. હું તને શીખવીશ ચિંતા ના કરીશ અને પછી લુચ્ચાઈ ભર્યું હસે છે. વાત ત્યાંથી અટકતી નથી, વારંવાર પત્નીને પતિ મારે છે, તેના પિયરથી દહેજ લઈ આવવાની વાત કરે છે, અરે, ઘરનું બધંુ કામ કરવા છતાં તેને પંખો, ટીવી કે કોઈ પણ વસ્તુને ચાલુ કરવાનો હક નથી હોતો. પતિ અને સાસુના અત્યાચાર સહન કરતાં કરતાં તે થાકી જાય છે, પણ તેમના અત્યાચાર બંધ નથી થતા. અંતમાં પતિ પોતાના પ્રમોશન માટે પત્નીને પોતાના બોસ સાથે… બસ ત્યારે મહિલાને અહેસાસ થાય છે કે મારો પતિ તે પતિ નહીં, પણ રાક્ષસ છે. પતિ માતા સાથે મળીને તેને સળગાવવાનો પ્રયત્ન કરે છે અને પત્ની ચાલાકીપૂર્વક બચી જાય છે, પોલીસ આવે છે અને બંનેને પકડી લે છે. અંતમાં લખેલું આવે છે કે મહિલાઓએ અત્યાચાર સહન ના કરવા જોઈએ. આ વાતનું ભલે ફિલ્માંકન કરવામાં આવ્યંુ હોય, પરંતુ આજે પણ માત્ર દસ ટકા જેટલી મહિલાઓ જ પોતાના પર થતાં અત્યાચારનો ખુલાસો કરે છે, જ્યારે અન્ય નેવંુ ટકા મહિલાઓમાંથી ઘણી મહિલાઓ આત્મહત્યા કરે છે, તો ઘણી મહિલાઓને સાસરિયાંમાં જ મારી નાંખવામાં આવે છે અને તેને અકસ્માત ગણાવી અત્યાચારી બચી જાય છે અને બીજી મહિલાઓ પોતાના પર થયેલી હિંસાને લોકોથી બચાવવા તેના પર મેકઅપના થથેડા કરે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર ૩૪ મિનિટે એક મહિલા સાથે બળાત્કાર, દર ૨૬ મિનિટે છેડતી, ૪૩ મિનિટે અપહરણ ૯૩ મિનિટે હત્યા અને દર મિનિટે મહિલાઓ પર ઘરેલુ હિંસા થાય છે, જેમાં સાસુ-સસરા પતિ અને નણંદ જોડાયેલાં હોય છે.

છેલ્લાં આઠ વર્ષથી પોતાનાં લગ્ન જીવન અને બાળકને પિતાનો પ્રેમ મળી રહે તે હેતુસર સાસરિયાંનો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરનાર હેતાક્ષી પઢિયાર (નામ બદલેલ છે) કહે છે, ‘મારા અને પતિ વચ્ચે બધંુ જ બરાબર છે. મારાં સાસુ-સસરાનું તો લગ્ન પહેલાં જ નિધન થયું હતંુ. ઘર પતિ અને તેમની સાથે એક બહેન અને ભાઈ હતો. મને હતું કે હું લગ્ન પછી બધાને પોતાના બનાવી લઈશ અને પ્રેમથી જીવીશ. મારા પિયરમાં પરિવાર મોટો હતો. મમ્મી-પપ્પા, કાકા-કાકી અમે છ ભાઈ-બહેન સાથે જ રહેતાં, માટે સાસરીમાં પણ એવી જ રીતે રહેવંુ તેવી માતાની શીખે મને આઠ-આઠ વર્ષ સુધી અત્યાચાર સહન કરવા માટે શક્તિ આપી. નણંદ મારતાં, ના બોલવાનું બોલતાં અને મારા પતિ સામે જાણે કંઈ થયું જ નથી તેવા ડોળ કરતા, હું પતિને સમજાવતી કે આ મને હેરાન કરે છે, તે પણ મને સમજતા, પણ બધા કહે છે તેમ પતિ તો સૅન્ડવિચ હોય કોઈ ને કંઈ કહી ના શકે, પણ હવે મારા દીકરાના જન્મ પછી મારી સહનશીલતાની હદ આવી, પરંતુ બધંુ બરાબર થઈ જશે તેવા આશયથી હું જીવતી હતી. જીવન બરોબર થવામાં જ હતું ત્યાં મારા નણદોઈ ગુજરી ગયા અને તે નણંદ પણ મારા ઘરે આવ્યાં, એવું પણ કહી શકાય કે હું જ ડાહી થઈને તેમને લઈ આવી, પણ તે મને અને મારા પતિને સાથે જોઈ નહોતા શકતાં. એટલું જ નહીં, મારા નાના બાળકને પણ સતત ના શીખવવાનું શીખવતા, હંુ પતિને કહ્યા કરતી કે તે મને હેરાન કરે છે અને તે કહેતા કે, તંુ શાંતિ રાખ, બધંુ થઈ જશે. એમને એમ બે વર્ષ થઈ ગયાં, પણ કશું બરાબર ના થયું, હું અનેક બીમારીનો ભોગ બની. ત્યાં સુધી કે સૂવા માટે પણ દવા લેવી પડતી, પણ હવે હદ આવી ગઈ. એક દિવસ કઈ વિચાર્યા વિના હું ઘરેથી નીકળી ગઈ. આગળ મારા જીવનમાં શંુ છે તે મને ખબર નથી, પણ મારી નણંદ જે પોતે એક સ્ત્રી છે તેને મારી પાસેથી મારું બધંુ ઝૂટવી લીધું.’

Related Posts
1 of 289

ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા પંડ્યાજી કહે છે, ‘ઘરેલુ હિંસામાં પતિ ઉપરાંત સૌથી મોટો હાથ કોઈનો હોય તો તે નણંદનો છે. પોતાનું ઘર સાચવી નથી શકતી અને ભાઈનું ઘર બને તેમાં તે રાજી નથી હોતી. કોર્ટમાં આવા રોજના સંખ્યાબંધ કેસ આવે છે જેમાં મહિલા મહિલાની દુશ્મન બને છે અને પતિ બધું જાણવા છતાં થઈ જશે તેવી ખોટી વાત કરી પત્ની પર જુલ્મ કરે છે.’

કન્સલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ અને મેરેજ કાઉન્સેલિંગ સ્પેશ્યાલિસ્ટ ડૉ. અમૂલ ગુપ્તા કહે છે, ‘વર્ષો સુધી માતા-પિતાના ઘરે સ્વતંત્રપણે રહેલી યુવતી જ્યારે સાસરે આવે છે ત્યારે તે ત્યાંના રીતિ રિવાજ, બધાના સ્વભાવથી અજાણ હોય છે. તેને સેટ થવા માટે થોડો સમય આપવો જરૃરી છે. જેમ આપણી દીકરી કોઈના ઘરે જઈ ખુશ રહે તેવી ભાવના આપણે રાખતા હોઈએ છીએ, તેવી જ રીતે કોઈની દીકરી આપણા ઘરને પોતાનું સમજે તેવી ભાવના પણ રાખવી જરૃરી છે. સ્વતંત્ર વિચારશૈલી ધરાવવાનો દંભ કરતો સમાજ એટલો બધો રૃઢિચુસ્ત છે કે દીકરી અને પુત્રવધૂ માટેના નિયમો જુદા જુદા બનાવ્યા છે. આ બધાની વચ્ચે પતિએ માતા, બહેન અને પરિવાર સાથે પત્ની સેટ થાય તે માટેનું વાતાવરણ તૈયાર કરવું પડે. અંતે તો તેનો હાથ પકડીને અને તેના ભરોસે જ બધંુ છોડીને તે સાસરે આવતી હોય છે, પરંતુ આજે પણ પતિને મિત્ર કરતાં પતિદેવ બનવાનું વધારે ગમે છે. જેના કારણે માનસિક ટોર્ચરના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.’

સમાજશાસ્ત્રી ડૉ.પ્રા. કલ્પના માલપાણી કહે છે, ‘ગામડાંઓમાં જ નહીં, શહેરોમાં ઘણી બધી જ્ઞાતિઓ અને સમાજોમાં પણ દીકરીને આજે પણ પારકું ધન જ ગણવામાં આવે છે. લાખો રૃપિયા તેના અભ્યાસ પાછળ અને ખુશી પાછળ ખર્ચતા માતા-પિતા, પરિવાર તેને હસતા-હસતા કહી જ દે છે કે તમે તો પારકી થાપણ, કાલે લગ્ન કરીને ચાલ્યા જશો. બાળપણથી જ નીડર બનવાની શીખ આપતાં માતા-પિતા દીકરીના મનમાં એ વાત પણ ઠસાવે છે કે લગ્ન પછી પતિનું ઘર જ તેનું સાચું ઘર છે, ગમે તે થાય એડજસ્ટ કરીને રહેવાનું, તે જ તેની ફરજ છે. પરિવાર જે કહે તે જ સાચું તેમ સમજતી દીકરીઓ એ હદે તેમની વાતને સાચી માને છે કે સાસરીમાં થતા અત્યાચારને મૂંગા મોઢે સહન કરે છે અને બહાર ખુશ હોવાના દાવા કરે છે. આમને આમ તેનું જીવન પૂર્ણ થઈ જાય છે. જોકે હવે માતા-પિતા દીકરીની તકલીફ સમજતા થયા છે. દીકરી પણ પોતાના હક માટે લડતી થઈ છે. છતાં એ કહેવંુ અતિશયોક્તિ નથી કે ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓની સંખ્યા આજે પણ યથાવત્ છે. જેમાં હાઈપ્રોફાઇલ વર્ગની મહિલા તો ક્યારેક જ પોતાના ઘરની વાત બહાર લાવતી હોય છે. હકીકતમાં મહિલા પર હાથ ઉપાડીને પોતાની જાતને મર્દ સમજનાર પતિદેવને સાચી સજા કોર્ટ, કચેરી નહીં, પણ પત્ની જ આપી શકે છે.’

આજના સમયમાં ઘરેલુ હિંસાની વાત મજાક જેવી લાગે છે, પરંતુ હકીકતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘરેલુ હિંસાના બનાવો વધવા લાગ્યા છે. એ જુદી વાત છે કે પોલીસ ચોપડે આવા કેસ ભાગ્યે જ આવે છે. તો બીજી બાજુ ખોટી મારામારીની ફરિયાદો કરી સાસરી પક્ષને પજવણી કરતી હોય તેવી મહિલાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ એટલું ચોક્કસ છે કે આજે પણ ઘરેલુ હિંસાઓનો સામનો મહિલાઓ દર એક મિનિટે કરેે છે.
————————.

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પણ ઘરેલુ હિંસાનો ભોગ બનતી આવી છે
પોતાની જાતને હાઈપ્રોફાઇલ વર્ગમાં સમાવેશ કરતી મહિલાઓ આવી હિંસાનો ભોગ વધુ બને છે. જેમાં ખાસ કરીને બોલિવૂડ, હોલિવૂડ અને ટેલિવૂડ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ઐશ્વર્યા રાયે સલમાન ખાનને છોડ્યો તેની પાછળનું મુખ્ય કારણ તેની વધારે પડતી હેવાનિયત હતી. સલમાને એશને હંમેશાં એક વસ્તુ સમજી હતી. જ્યારે એશ તેના જુલ્મો પ્રેમ સમજી સહન કરતી રહી, પણ એક દિવસ એવો આવ્યો જ્યારે તેણે સલમાન સામે અવાજ ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે લોકોનો ભાઈજાન આજે પણ કુંવારો છે, જ્યારે એશ સારા પરિવારમાં સેટ થઈ સાથે પ્રેમાળ દીકરીની માતા પણ બની છે. એટલું જ નહીં, સલમાને પોતાની બીજી ગર્લફ્રેન્ડ સોમીઅલી સાથે પણ હેવાનિયતની બધી હદ પાર કરી હતી. જેના કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડની નિષ્ફળ અભિનેત્રી યુક્તા મુખીએ તેના પતિ પ્રિન્સ તુલીની સામે ઘરેલુ હિંસા બદલ કેસ કર્યો હતો. શ્વેતા તિવારી ‘કસોટી જિંદગી કી’ સિરિયલની પ્રેરણા બની ચાહકોના દિલમાં રાજ કરનાર આ અભિનેત્રીએ અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં રાજા ચૌધરી સાથે લગ્ન કરી સુખી જીવનની ખેવના રાખતી શ્વેતાને રાજાએ એ હદે મારી હતી કે અંતે તેને સાત વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મુક્યો. સ્વયંવર રચી પોતાની પત્ની તરીકે ડિમ્પી ગાંગુલીને પસંદ કરનાર રાહુલ મહાજન પણ હેવાનિયતમાં પાછળ નથી. ડિમ્પીને એક જ મહિનામાં એટલી બધી હેરાન કરી કે તેણે પોલીસનો સહારો લીધો. એટલું જ નહીં, રાહુલની પહેલી પત્ની પણ ઘરેલુ હિંસાનો ભોગ બની હતી. જેના કારણે તે બંને જુદા પડ્યા હતા. બેવૉચ ધારાવાહિકથી જાણીતી બનેલી પામેલા એન્ડરસન ડ્રમર ટ્રોની લીના પ્રેમમાં પડી અને બંને પરણી ગયાં, પરંતુ ટોમી તેના પર શારીરિક અને માનસિક એટલો બધો અત્યાચાર કરતો હતો કે અંતે તેને જેલમાં જવું પડ્યું. રિહાના પણ એક એવું જ નામ છે તેના બોયફ્રેન્ડે પતિ બન્યા પહેલાં જ તેના પર શારીરિક હિંસા કરી હતી. તો નશીલા અવાજથી લોકોમાં જાણીતા બનેલા અદનાન સામી તેની પહેલી પત્ની સબા ગલધારીને એટલી બધી મારઝૂડ કરતો હતો કે સબાએ તેના વિરુદ્ધમાં કેસ કર્યો હતો. આ લિસ્ટમાં મોખરે છે બોલિવૂડની સદાબહાર અભિનેત્રી ઝીન્નત અમાનનું નામ. સંજય ખાન સાથે તેનું પ્રેમ પ્રકરણ તે સમયમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું, પરંતુ સંજય ઝીન્નત સાથે મારામારી કરતો હતો. એકવાર તો પંચતારક હોટલમાં બધાની વચ્ચે ઝીન્નત પર હાથ ઉપાડ્યો, ત્યારથી બંને વચ્ચે અંતર આવી ગયંુ.

આ ઉપરાંત ઘરેલુ હિંસાનો ભોગ બની હોય તેવી અભિનેત્રીઓનું એટલું લાંબું લિસ્ટ છે કે તેનો સમાવેશ કરવો પણ શક્ય નથી, પરંતુ અંતે દરેક અભિનેત્રીએ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો અને જીવનને નવેસરથી સેટ કર્યું. કહેવાય છે કે ઘરેલુ હિંસાના બનાવો બનવા પાછળ સૌથી મોટો પ્રશ્ન પૈસા છે. પતિની કમાણી ઓછી હોય કે પછી ઘર ચલાવવામાં મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે તે પોતાનો રોષ પત્ની પર ઉતારે છે, પણ આ બિલકુલ વાહિયાત કારણ છે. હકીકતમાં એક મહિલા અજાણી હોવા છતાં પત્ની બનીને પતિના પરિવારને સાચવી જાણે છે, પણ જ્યારે પતિને પોતાના જ પરિવાર સામે પત્નીનો સાથ આપવાનો આવે છે ત્યારે તે પીછેહઠ કરે છે. કદાચ આ જ કારણોસર કહેવત પડી હશે નબરો ધણી પત્ની પર શૂરો.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »