તમારા માટે, તમારી સાથે, સતત…

ભાજપનો દક્ષિણ ભારત પરનો અશ્વમેધ અધૂરો રહી જશે

ભાજપના દસ કરોડ સભ્યો છે. ૨૦૧૪માં ચાર કરોડ હતા, તેમાં છ કરોડનો વધારો થયો

0 539
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

વરસ ૨૦૧૪થી જ ભાજપનો એ વ્યૂહ રહ્યો હતો કે ૨૦૧૯માં ઉત્તર ભારતમાં ઓછી બેઠકો મળશે તો તે ખોટ દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં જીત મેળવીને સરભર કરવામાં આવશે. એ ઉપરાંત ઈશાન ભારતમાં પણ બેઠકો મળશે એવી ગણતરી હતી. પૂર્વ ભારતમાં જે રાજ્યો ભાજપે સર કરવાના રહે છે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે. દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં પગપેસારો કરવા માટેનો પ્લાન ભાજપે તૈયાર કર્યો હતો તેને કોરોમંડળ પ્લાનજેવું ફેન્સી નામ અપાયું હતું. તેમાં દરિયાકાંઠાનાં રાજ્યોની ૧૫૦ બેઠકો આવરી લેવાઈ હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપને થોડી ઘણી સફળતા મળશે અને શક્ય છે કે નોંધપાત્ર સફળતા મળે, પણ દક્ષિણ હજી પણ મૃગજળ બની રહેશે.

દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યો ઃ કર્ણાટક, તેલંગાણા આન્ધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરી (પોંડીચેરી)નો કેન્દ્ર શાસિત વિસ્તારની કુલ મળીને લોકસભાની ૧૩૦ બેઠકો છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૧૩૦ બેઠકો નાનો ફિગર ના ગણાય. ભારતીય જનતા પક્ષ દક્ષિણના રાજ્યો પર પ્રભાવ ફેલાવવા માટે વરસોથી આકરી મહેનત કરી રહ્યો છે. કર્ણાટક કે જે દક્ષિણનો દરવાજો કહેવાય છે તે ભાજપ માટે એકવાર ખૂલ્યો પણ હતો, પણ ભાજપની રાજ્ય સરકારના આછકલાવેડા અને અપ્રમાણિક શૈલીને કારણે બંધ પણ થઈ ગયો. કર્ણાટકમાં જ યેદીયુરપ્પાની ભાજપ સરકારે સાબિત કર્યું કે ભાજપ કોઈ જવાબદાર અને નીતિનિયમોને વરેલો પક્ષ નથી. પરિણામે કર્ણાટકનો ખૂલેલો દરવાજો તો બંધ થયો, દક્ષિણનાં અન્ય રાજ્યોનાં દરવાજા પણ ભાજપ માટે ખૂલ્યાં નહીં. કર્ણાટકમાં થોડી પકડને બાદ કરતા આ હકીકત આજે પણ એટલી જ સાચી છે. દક્ષિણ ભારત આજે પણ ભાજપ માટે મૃગજળ છે. વરસ ૨૦૧૪ બાદ ભાજપે દેશમાં ઘણો ફેલાવો કર્યો, પણ દક્ષિણ ભારતમાં દાળ ગળતી નથી.

વરસ ૨૦૧૪માં ભાજપ દેશનાં ચાર રાજ્યોમાં સત્તા પર હતો. આજે પાંચ વરસ બાદ ડઝનેક રાજ્યોમાં તેની સરકારો છે. પાંચેક ગુમાવ્યા તે જુદાં. ભાજપના દસ કરોડ સભ્યો છે. ૨૦૧૪માં ચાર કરોડ હતા, તેમાં છ કરોડનો વધારો થયો. કેન્દ્રમાં ભાજપની પ્રભાવશાળી સરકાર રહી છે. કેન્દ્ર સરકાર અમુક મોરચાઓ પર નિષ્ફળ રહી છે છતાં આયુષ્યમાન ભારત, ઉજ્વલા, સૌભાગ્ય અને સ્વચ્છ ભારત અભિયાનની દેશવ્યાપી અસર જણાઈ રહી છે. દેશના વીસ કરોડ ગરીબ પર તેની સીધી અસર પડી છે. આ યોજનાઓની અસર સ્વાભાવિકપણે દક્ષિણ ભારતમાં પણ- પડે જ. છતાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષોની એકતા સામે ભાજપ હારી ગયો. દક્ષિણ પર સવારી લઈ જવાની કામના ક્યારેય પુરી ન થઈ.

વરસ ૨૦૧૪થી જ ભાજપનો એ વ્યૂહ રહ્યો હતો કે ૨૦૧૯માં ઉત્તર ભારતમાં ઓછી બેઠકો મળશે તો તે ખોટ દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં જીત મેળવીને સરભર કરવામાં આવશે. એ ઉપરાંત ઈશાન ભારતમાં પણ બેઠકો મળશે એવી ગણતરી હતી. પૂર્વ ભારતમાં જે રાજ્યો ભાજપે સર કરવાના રહે છે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે. દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં પગપેસારો કરવા માટેનો પ્લાન ભાજપે તૈયાર કર્યો હતો તેને ‘કોરોમંડળ પ્લાન’ જેવું ફેન્સી નામ અપાયું હતું. તેમાં દરિયાકાંઠાનાં રાજ્યોની ૧૫૦ બેઠકો આવરી લેવાઈ હતી અને પશ્ચિમ બંગાળમાં ભાજપને થોડી ઘણી સફળતા મળશે અને શક્ય છે કે નોંધપાત્ર સફળતા મળે, પણ દક્ષિણ હજી પણ મૃગજળ બની રહેશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તો ભાજપ હવે બીજા ક્રમે આવી ગયો છે. કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષોને બંગાળમાં અને કોંગ્રેસને ઓડિશામાં પાછળ રાખી દીધા છે.

ચૂંટણીમાં ભાજપને પ.બંગાળમાં ૧૭ ટકા મત સાથે બે બેઠકો પર વિજય મળ્યો હતો. ત્યાર બાદ ત્રિપુરામાં ભાજપે વિધાનસભામાંની ચૂંટણીઓમાં સામ્યવાદી પક્ષને હરાવ્યો. હવે એ સિદ્ધિનું ભાજપ બંગાળમાં પુનરાવર્તન કરવા માગે છે. પ.બંગાળમાં લોકસભાની ૪૨ બેઠકો છે. બેઠકોની બાબતમાં તે ઉત્તર પ્રદેશ (૮૦ બેઠકો) અને મહારાષ્ટ્ર (૪૮ બેઠકો) બાદ ત્રીજા ક્રમે આવે છે. તૃણમૂલ કોંગ્રેસના જૂના વ્યૂહકાર અને મમતા દીદીના જૂના સંગાથી મુકુલ રૉયને પોતાની તરફ ખેંચી લેવામાં ભાજપ સફળ રહ્યો છે. જોકે મુકુલ રૉયની પ્રતિષ્ઠા પણ ચીટફંડ ગોટાળાને કારણે ખરડાયેલી છે, છતાં તૃણમૂલ કોંગ્રેસમાં કાર્યકરો પર એમનો પ્રભાવ હતો. તે કાર્યકરો હવે ભાજપ સાથે જોડાયા છે. પરિણામે તૃણમૂલ નબળી પડી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગણતરી છે કે વર્તમાન ચૂંટણીમાં ભાજપ બંગાળની પચાસ ટકાથી વધુ બેઠકો પર જીત મેળવશે. ૨૦૧૪માં તૃણમૂલને ૪૨માંથી ૩૪ બેઠકો મળી હતી. દાર્જીલિંગ અને આસનસોલની બે બેઠકો ભાજપે જીતી હતી.

મમતા સામે સૌથી મોટો અને ગંભીર આરોપ એ છે કે પોતાના મુસ્લિમ મતદારોની બેન્ક (વોટ બેન્ક) વધુ મોટી થાય તે માટે એમણે બાંગલા દેશમાંથી મુસ્લિમ હિજરતીઓને બેરોકટોક પશ્ચિમ બંગાળમાં આવવા અને સ્થાયી થવા દીધા. મમતાનાં કેટલાંક પગલાં બાંગલાદેશીઓને પ.બંગાળમાં આવીને વસવા માટે ઉત્તેજન સમાન હતાં. આથી બંગાળના હિન્દુઓનો એક મોટો વર્ગ તૃણમૂલ કોંગ્રેસથી નારાજ છે. પ.બંગાળમાં આજે મુસ્લિમ મતદારોની સંખ્યા ૩૩ ટકાથી વધી ગઈ છે. ભાજપ અને તેના વડા અમિત શાહ પ.બંગાળ અને સમગ્ર ભારતમાં ‘નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ’ (એનઆરસી) લાગુ પાડવા માગે છે, જેથી ગેર કાનૂનીપણે આવીને વસી ગયેલા બાંગલાદેશીઓને વીણી વીણીને પાછા મોકલી શકાય. પ.બંગાળના હૂગલી અને ગંગા એ બંને જિલ્લાઓમાં બાંગલાદેશીઓ મોટા પાયે સ્થાયી થયા છે અને જ્યારે અહીં આ એનઆરસી અમલમાં મૂકાશે ત્યારે મોટા પાયે સામાજિક ઊથલપાથલ થશે એવી ધારણા છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો તોફાનો થવાની સંભાવના છે. અગાઉની સામ્યવાદી સરકારોએ પણ રેશન કાર્ડ અને ફૂડ સબસિડી પ્રોગ્રામોમાં આવા વસાહતીઓને સમાવી લેવાની નીતિ રાખી હતી. તેથી તેઓની વસતિ નોંધપાત્ર હદે વધી છે. ચારે તરફ મોટી સંખ્યામાં મદરેસાઓ ખૂલી ગઈ છે. બાંગલાદેશી વસાહતીઓની નવી પેઢી ખેતીવાડીની જમીન ખરીદીને, ધંધાઓ દ્વારા અને રાજકારણમાં પ્રવેશીને મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે. મમતાએ તેઓને વધુ બળ પૂરું પાડ્યું છે. મસ્જિદો અને મદરેસાઓના સ્ટાફને સરકારી પગાર આપીને તેમજ ફીરહાદ હકીમ જેવા શખ્સને કોલકાતાનો મેયર બનાવીને મમતાએ પોતાની મતબેન્કમાં અને બાંગલાદેશીઓની સંખ્યામાં વૃદ્ધિ કરી છે. હવે દીદી કહે છે કે, અમે પ.બંગાળમાં એનઆરસી ક્યારેય લાગુ થવા દઈશું નહીં ત્યારે એ પોતાની મતબેન્કની રખેવાળી કરી રહ્યાં છે, પરંતુ હિન્દુઓની નારાજગી વધી છે. તેઓ ભાજપ વડે મમતા પર કાબૂ રાખવા માગે છે. ખાસ કરીને બાંગલાદેશી સરહદને અડીને આવેલા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ ભાવના પ્રબળપણે જોવા મળે છે. છતાં સમગ્ર બંગાળ પર મમતાનો પ્રભાવ સાવ ઓસરી ગયો નથી. કેટલાક વિસ્તારોમાં અકબંધ છે. મતદારોની આ પેટર્ન જોતાં પ.બંગાળમાં ભાજપને આઠથી બાર બેઠકો મળશે એવી ગણતરી છે. અમિત શાહ કહે છે, બાવીસથી વધુ બેઠકો મળશે. ભાજપ પાસે બંગાળમાં નેતાગીરીમાં ગાયકો અને ફિલ્મી કલાકારો છે, પરંતુ રાજ્ય પર પકડ જમાવી શકે એવા એક પડછંદ નેતાની જરૃર છે.

ઓડિશામાં ભાજપના હવે સારા દિવસો આવશે એવી ભાજપને આશા છે. તેનું એક કારણ એ છે કે મુખ્યમંત્રી નવીન પટનાઈક અને એમના આ ઓડિશા એક્સક્લુઝિવ પક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ના શાસનને ઓગણીસ વરસ પૂરાં થયાં છે. નવી પટનાઈક એ કોઈ નાટકીય વ્યક્તિત્વ નથી. ખપ પૂરતું બોલે. પહેલેથી જ બહાર રહી અંગ્રેજીમાં ભણ્યા હોવાને કારણે ઉડિયા ભાષા લખી વાંચી શકતા નથી. એમણે પોતે અંગ્રેજીમાં આયુર્વેદ અને અન્ય વિષયો પર પુસ્તકો લખ્યાં છે જે દુનિયાના માતબર પ્રકાશનગૃહોએ પ્રસિદ્ધ કર્યાં છે. એમના બહેન ગીતા મહેતા અંગ્રેજી ભાષાનાં વિશ્વપ્રસિદ્ધ લેખિકા છે અને ન્યૂયૉર્કમાં વસે છે. ૧૯૯૯માં, એમના એક વખતના મુખ્યમંત્રી પિતા બીજુ પટનાઈકના અવસાન બાદ એમણે બીજુ જનતા દળની સ્થાપના કરી હતી અને વરસ ૨૦૦૦માં ભાજપ સાથે ગઠબંધન કરી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. એ મુખ્યમંત્રી બન્યા ત્યારે વાજપેયી સરકારમાં પ્રધાન હતા. સૌમ્ય અને મૃદુ સ્વભાવ, વિવાદોથી દૂર રહેવાની વૃત્તિ અને ભ્રષ્ટાચાર-મુક્ત વ્યક્તિગત જીવન તેમ જ સુશાસનને કારણે ઓડિશામાં એ લગભગ વીસ વરસ સુધી શાસન સંભાળી શક્યા છે. એમને ઉડિયા લખતા નથી આવડતું તો અધિકારીઓ એમને રોમન (અંગ્રેજી) લિપિમાં તે લખી આપે છે. એમણે એવા વફાદાર માણસો રાખ્યા છે જે રાજ્યમાં કોઈ તકલીફ હોય તો મુખ્યમંત્રીને આવીને જાણ કરે છે. પરિણામે લોકો સાથે સીધો સંપર્ક થતો ન હોવા છતાં લોકોની સમસ્યાઓથી વાકેફ રહે છે અને કોઈ સમસ્યા વિવાદ બને તે પહેલાં જ તેનું નિરાકરણ લાવે છે. કોઈ સમસ્યા પર ધ્યાન ન આપો તો ભાજપ અને શિવસેનાના સંબંધોની માફક એક મોટા વિવાદોનું સ્વરૃપ ધારણ કરે છે. ભાજપે એમના જૂના સાથીદાર પાસેથી આ કળા શીખવા જેવી છે.

ઓડિશામાં ગરીબીનું પ્રમાણ પહેલેથી જ મોટું છે છતાં ભુવનેશ્વર, કટક કે જગન્નાથપુરીમાં ક્યાંય ભિખારી જોવા મળતા નથી. શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પરંતુ દેશની સિવિલ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓડિશાના વિદ્યાર્થીઓ સફળ થઈ રહ્યા છે. નગરો, શહેરો અને ગામડાંની ગલીઓ ચોખ્ખી છે. ક્યાંય કચરાના ઢગ જોવા મળતા નથી કે ટ્રાફિક જામ થતો નથી. રાજ્યામાં ૨૩ ટકા આદિવાસીઓ અને ૪૦ ટકા દલિતો છે. છતાં ચૂંટણીમાં જ્ઞાતિવાદ જોવા મળતો નથી. ત્યાં સુધી કે નવીન પટનાઈકના વિરોધીઓએ પણ ક્યારેય અંગ્રેજી ભાષી પટનાઈકનો ભાષા બાબતે વિરોધ કર્યો નથી, પરંતુ હવે ભાજપ તરફથી પ્રચાર થઈ રહ્યો છે કે અંગ્રેજી ભાષાને બદલે ઉડિયા બોલી બોલતા નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરો. ઓડિશામાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે.

નવીન પટનાઈકના અધિકારીઓ અને પક્ષના બીજા નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો થયા છે. જેમ કે માઇનિંગ (ખનન) અને ચિટ  ફંડ કેસ. પણ નવીન પોતે દાગરહિત, પ્રમાણિક પુરવાર થયા છે. જે અધિકારી કે પ્રધાન સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકાય તેને હોદ્દા પરથી દૂર કરીને પ્રમાણિક શાસનની ઇમેજ એમણે જાળવી છે. હાલની ચૂંટણીઓમાં ઍન્ટિ-ઇન્કમ્બસીને ટાળવા ૧૬ વર્તમાન સાંસદો અને ૪૦ વર્તમાન વિધાનસભ્યોને એમણે ટિકિટો ફાળવી નથી. ૭૨ વરસના નવીન પોતાને નવીન સ્વરૃપ આપી શકે તેમ નથી. નવીન પટનાઈક બીમાર છે. હાથ ધ્રૂજે છે. હમણા એમણે યોગાસનનો વીડિયો બનાવી વહેતો મૂક્યો છે જેથી લોકોમાં એમની ક્ષમતા વિશે ભરોસો જળવાઈ રહે.

ગઈ ચૂંટણીમાં ઓડિશામાંથી ભાજપને માત્ર એક બેઠક મળી હતી. ધર્મેન્દ્ર પ્રધાન જીતીને મોદી સરકારમાં પ્રધાન બન્યા. પ્રધાન અને શ્રી અમિત શાહ હવે વારંવાર રેલીઓ યોજીને ઓડિશામાં આણ વરતાવવા મહેનત કરી રહ્યા છે. ૨૦૧૪માં દેશભરમાં મોદી લહેર ચાલી હતી ત્યારે ઓડિશાની ૨૧માંથી ૨૦ લોકસભા બેઠકો અને ૧૪૭માંથી ૧૧૭ વિધાનસભા બેઠકો બીજુ જનતાદળ જીત્યો હતો. વિધાનસભામાં ભાજપને દસ બેઠકો મળી હતી. ભાજપ હજી પણ ઓડિશામાં લગભગ નવા પક્ષ જેવો જ છે. ત્યાંનો સૌથી જૂનો પક્ષ તો કોંગ્રેસ છે. હમણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તેમાં ભાજપની સ્થિતિ સુધરી છે. રાજ્યમાં લઘુમતીઓની સંખ્યા માત્ર ત્રણ ટકા છે, તેથી ઓડિશામાં ક્યારેય કોમી રમખાણો થયાં નથી. જે મુખ્યમંત્રી ભ્રષ્ટાચરના વિરોધી હોય અને પોતાના ઉમેદવારોને પણ બદલાવતા રહે તેના વિરોધીઓ ખૂબ હોવાના. પોતાના પક્ષના જ નારાજ લોકો વિરોધી બની જાય. વૈજયંત પાંડા ઉપરાંત બીજા સાતથી આઠ નેતાઓને પણ ભાજપે પોતાની છાવણીમાં લઈ લીધા છે.

ભાજપ વિકાસના નામે જીતવા માગે છે. સંબિત પાત્રા કહે છે કે દેશમાં નરેન્દ્ર મોદી સરકારનો વિકાસ રથ જોઈને ઓડિશાની જનતા પણ ડબલ એન્જિન (બે સરકાર દ્વારા) ગ્રોથ ઇચ્છે છે અને જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે તે શક્ય બને. મતદારોને ભાજપ દ્વારા આ સમજાવવામાં આવી રહ્યું છે. મહિલા વિકાસ પર ભાજપ હવે જોર આપી રહ્યો છે, પણ બીજુ જનતા દળે લોકસભા, વિધાનસભાની ૩૩ ટકા બેઠકો સ્ત્રીઓને ફાળવીને આ મુદ્દે સરાહનીય નક્કર કામગીરી કરી બતાવી છે. ભાજપ એક મજબૂત પ્રતિસ્પર્ધી છે તે નવીન જાણે છે. સ્ત્રીઓ માટેની અનેક કલ્યાણ યોજનાઓ એમણે વરસોથી ચાલુ કરી છે. ગરીબોને એક રૃપિયે કિલો ચોખા અપાય છે. રેલવે, બસ સ્ટેશનો અને હૉસ્પિટલમાં ગરીબોને સાવ નજીવા દરે ભોજન પૂરું પડાય છે. ખેડૂતોની પૂરક આવક માટેની ‘કાલિયા’ યોજના પણ ખાસ્સી અસરકારક પુરવાર થઈ છે. મફતમાં શાળાનાં પુસ્તકો, યુનિફોર્મ, સાઇકલો, લેપટોપની યોજનાઓ છે. મહિલા ઉદ્યોજકોને પાંચ લાખની વ્યાજ-મુક્ત લોન અપાય છે. ઓડિશામાં ભાગ્યે જ કોઈ હશે જેને એક યા બીજા પ્રકારની સરકારી સહાય મળી ન હોય.

ચૂંટણી યુદ્ધમાં કોંગ્રેસ લોકસભાને બદલે વિધાનસભાની ચૂંટણીઓ પર વધુ ધ્યાન આપી રહી છે. અગાઉ રાહુલ ગાંધીએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ પ્રજાને એ નવીન પટનાઈકનો વિરોધ કરવા માટે ભરમાવી શક્યા નથી. ઓડિશામાં કોંગ્રેસમાં ખટપટો પણ ખૂબ છે. કેટલાક ભાજપમાં જોડાઈ ગયા છે. રાહુલે રાફેલનું વેન (કજિયો) લીધું છે તેની કોઈ અસર અહીં જણાતી નથી. રાહુલ કિસાનો માટે અલગ બજેટની વાત કરે છે, પણ નવીન બાબુએ તે અમલમાં મૂક્યું તેમાંથી રાહુલે પ્રેરણા લીધી છે.

દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની પ્રકૃતિ, સ્વભાવ અને સંસ્કૃતિમાં કેટલાક પાયાના તફાવતો છે. દક્ષિણના પોતાના પાંચ હજાર વરસ જૂની ભાષાઓ, સ્થાપત્ય અને કલા છે જે ઉત્તરથી જુદા જ છે. ગણિત, વિજ્ઞાન, સંશોધનનું દક્ષિણ ભારત પાવરહાઉસ છે. સરસ્વતીનું મથક. આટલા સમૃદ્ધ મગજ ધરાવતાં લોકો આટલી બહોળી સંખ્યામાં દુનિયાના કોઈ બીજા પ્રદેશમાં ભાગ્યે જ હશે. ભારતે અવકાશ સંશોધન અને આઈટી ક્ષેત્રમાં ક્રાંતિ આણી તેનો ઘણો શ્રેય દક્ષિણ ભારતને જાય છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે દક્ષિણ ભારત અનેક કારણોથી મહત્ત્વનું બને છે. આર્થિક વિકાસની બાબતમાં દક્ષિણ ભારત હંમેશાં રાષ્ટ્રીય દર (પ્રમાણ) કરતાં આગળ રહ્યું છે. હાલમાં  દક્ષિણ ભારત દેશની જીડીપી (કુલ ગ્રોસ આવક)માં ૨૨ ટકાનો અને કુલ રોજગારીમાં ૨૮ ટકાનો ફાળો આપે છે. દેશની કુલ વસતિમાં દક્ષિણનો હિસ્સો માત્ર વીસ ટકા જ છે અને તેની સામે દેશની કરવેરાની આવકમાં દક્ષિણ ભારત ૩૪ ટકાનો હિસ્સો આપે છે. એક ગણિત મુજબ આવતા વરસ સુધીમાં (૨૦૨૦માં) દક્ષિણ ભારત ૧૨૦૦ અબજ ડૉલર અથવા ૮૪ હજાર અબજ (રિપીટ ઃ અબજ) રૃપિયાની ઇકોનોમી (અર્થતંત્ર) બની જશે, જે ભારતના કુલ અર્થતંત્રનો ત્રીજો ભાગ હશે.

આ સમૃદ્ધિએ ખૂબ સારાં પરિવર્તનો અને પરિણામો આપ્યાં છે. ગરીબી રેખાથી નીચે જીવતાં લોકોનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતાં દેશનાં દસ રાજ્યોમાંથી છ રાજ્યો દક્ષિણ ભારતનાં છે. એ રાજ્યોની ગ્રામીણ અને શહેરી માળખાકીય સેવાઓમાં અને જીવનશૈલીની ગુણવત્તામાં ખૂબ નોંધપાત્ર પરિવર્તનો આવ્યાં છે. દક્ષિણ ભારતનો શહેરીકરણનો દર (પ્રમાણ) ભારતના સરેરાશ દરથી ઘણો ઊંચો છે. પ્રમાણમાં વધુ લોકોના ઘરમાં વીજળી છે. શિક્ષણનું પ્રમાણ ઘણુ છે. દેશના એન્જિનિયરિંગ સ્નાતકોમાંથી ૩૫ ટકા સ્નાતકો દક્ષિણ ભારતમાં પાકે છે. કુલ તબીબી સ્નાતકોમાંથી પચાસ ટકા તબીબો એકલા દક્ષિણ ભારતમાં તૈયાર થાય છે, જેની વસતિ માત્ર વીસ ટકા છે. દર વરસે દેશના ૨૫ ટકા પોસ્ટ – ગ્રેજ્યુએટ પણ દક્ષિણમાં જ તૈયાર થાય છે. આન્ધ્ર, તેલંગાણા, તામિલનાડુ અને કર્ણાટક આઈટી, બાયોટૅક્નોલોજી, ઑટોમોબાઇલ્સ અને ટેક્સ્ટાઇલમાં બાકીના ભારતને પાછળ રાખીને આગળ નીકળી ગયા છે. દુનિયાની સૌથી મૂલ્યવાન ટૅક્નોલોજી કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન અને એપલની અમેરિકા સિવાયની સૌથી મોટા ઑફિસ કેમ્પસો બેગ્લુરુ કે હૈદરાબાદમાં છે. હમણા દુનિયાની પ્રસિદ્ધ ફર્નિચરની કંપની ‘આઇકિયા’એ તેનો ભારતમાંનો પ્રથમ મૉલ હૈદરાબાદમાં ખોલ્યો. બાહુબલિ ફિલ્મનું બજેટ યાદ કરો. દક્ષિણની ચાર ભાષાની ફિલ્મોની સંખ્યા અને કુલ આવક બોલિવૂડને ટક્કર મારે છે. દક્ષિણ ભારત સ્ટાર્ટ-અપ કંપનીઓનું કેન્દ્ર બની રહ્યું છે.

Related Posts
1 of 262

ટૅક્નોલોજીની અનેક નવી કંપનીઓ અસ્તિત્વમાં આવી રહી છે. દક્ષિણ ભારતમાં તે માટે જરૃરી ભણેલા માણસો મળી રહે છે. ભારત સરકારની વિજ્ઞાન અને ટૅક્નોલોજીની સંસ્થાઓ અને કંપનીઓ આ કારણથી જ દક્ષિણ ભારતમાં વિકાસ પામી છે. જેવી કે, એચએએલ, બીઈએલ, બીઈએમએલ, બીએચઈએલ, એનએએલ, એડીએ, ડીઆરડીઓ, ઇસરો, આઈજી, સીએઆર વગેરે. ભારતની ટોચની દસ સોફ્ટવેર કંપનીઓમાંથી મહત્ત્વની પાંચ; ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા (જૂની સત્યમ), માઇન્ડ ટ્રી અને એમ્ફાસિસ બેંગ્લુરુમાં જન્મી, ફુલીફાલી અને સ્થાયી થઈ છે. આ ઉપરાંત બાયોકોન, ડૉ.રેડ્ડીઝ, ઇન્ડિયા ઇમ્યુનોલોજિકલ્સ અને શાંતા બાયોટેક જેવી કંપનીઓ પણ સાઉથમાં વૃદ્ધિ પામી છે.

કર્ણાટકમાં હજી ભાજપ તરફી હવામાન જોવા મળે છે, પરંતુ બાકીનાં રાજ્યોમાં ખાસ આવકાર નથી. કર્ણાટકમાં જનતાદળ (સેક્યુલર) અને કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. રાજ્ય સરકાર પણ બંનેની સંયુક્ત છે. છતાં એ વાત હળવાશથી લેવા જેવી નથી કે મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામી ચૂંટણી પ્રચાર વખતે વારંવાર સ્ટેજ પરથી રડવા મંડી જાય છે. કોંગ્રેસની સાસુગીરીથી ખુશ નથી, પણ એક મુખ્યમંત્રી સ્ટેજ પરથી રડતો રહે તો પ્રજા શો અર્થ કાઢે? જે કાઢશે તે પરિણામોમાં જણાશે. મહાનગરોના લોકો પર અને ગામડાંમાં પણ ઍર સ્ટ્રાઇકની અસર થઈ છે તેમ જણાઈ રહ્યું છે. આમેય વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાયો હતો, પરંતુ બહુમતી મળી ન હતી. એ વખતે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને લડ્યા ન હતા. મતો કપાયા હતા. આ વખતે સાથે મળીને લડી રહ્યા છે. છતાં ઓપિનિયન પૉલના મતે ભાજપનું પલ્લું ભારે છે. રાજ્યમાં લોકસભાની ૨૮ બેઠકો છે જેમાં કોંગ્રેસને વીસ અને જેડીએસને આઠ ફાળવવામાં આવી છે.

૨૦૧૪માં કર્ણાટકમાં ભાજપને ૧૭ બેઠકો કોંગ્રેસને નવ અને જેડીએસને બે બેઠકો મળી હતી. કોંગ્રેસ અને જેડીએસ ૨૦૧૪માં સાથે મળીને લડ્યા હોત તો કુલ ૧૧ને બદલે ૧૩ બેઠકો મળી હોત. ૨૦૧૮માં વિધાનસભામાં બંને પક્ષને મળીને જેટલા મતો મળ્યા હતા તે આજે જાળવી રખાયા હોય તો કોંગ્રેસ-જેડીએસ સંગઠનને ૨૧ બેઠકો અને ભાજપને માત્ર સાત બેઠકો આ ચૂંટણીમાં મળે. કર્ણાટકના દરિયાકાંઠાના પ્રદેશમાં અને મુંબઈ રાજ્યના જૂના કર્ણાટક પ્રદેશમાં ભાજપનું જોર છે ત્યાંથી તેને સાત બેઠકો મળે, પણ આ થઈ ગયા વખતના ગણિતની વાત. ત્યાર બાદ ઘણુબધું બદલાયું. રાજ્ય સરકાર અળખામણી બની છે. શેરડીના ખેડૂતને બાકીની રકમ ચૂકવાઈ નથી. ભાજપના હિન્દુત્વનો કોંગ્રેસ મન ખોલીને વિરોધ કરી શકતી નથી. કરે તો હિન્દુ મતો જતાં રહેવાનો ડર છે. નરેન્દ્ર મોદી ફેક્ટર ગઈ ચૂંટણીમાં ન હતું, પણ આ વખતે પ્રમુખ ફેક્ટર છે. આમેય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં જુદા જુદા માપદંડો કામ કરતા હોય છે. કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરો જાહેરમાં આપસમાં મારામારી પર ઊતરી આવે છે. જેડીએસ ૩૦ વરસથી કોંગ્રેસ સામે લડતો આવ્યો છે. હવે મિત્રો બન્યા છે, પણ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓમાં મિત્રતા નથી. સામે પક્ષે ભાજપની કેડરમાં જોશ છે. બૂથ મૅનેજમૅન્ટની કળા તેઓએ અમલમાં મૂકી છે. નરેન્દ્ર મોદીના નામ પર મતો મગાઈ રહ્યા છે. ભાજપે તેના ૧૬ સાંસદોને ફરીવાર ટિકિટ આપી છે.

આન્ધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાના મુદ્દા પર ચન્દ્રાબાબુ નાયડુના તેલુગુ દેશમ પક્ષે એનડીએમાંથી વિદાય લીધી ત્યારે હવે ૬૯ વરસની ઉંમરે એકલા હાથે ૪૬ વરસના એક યુવાન સામે લડવાનો વખત આવ્યો છે. આન્ધ્રમાં ઇન્ફર્મેશન ટૅક્નોલોજી ક્ષેત્રની જબરદસ્ત ક્રાન્તિના અને સમૃદ્ધિના જનક ચન્દ્રાબાબુ છે. છતાં એક વખત આન્ધ્રની પ્રજાએ એમને ઘરે બેસાડ્યા હતા અને હવે બીજી વખત ઘરે બેસવા માટે એ વડાપ્રધાન મોદીને જવાબદાર માની રહ્યા છે. આન્ધ્રમાં લોકસભાની ૨૫ બેઠકો માટે અને વિધાનસભાની ૧૭૫ બેઠકો માટે એકસાથે ચૂંટણી યોજાઈ રહી છે. ચન્દ્રાબાબુ માને છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવ, ૪૬ વરસના જગનમોહન રેડ્ડી અને વડાપ્રધાન મોદીએ ચન્દ્રાબાબુના રાજકીય જીવનને ખતમ કરવા ગેંગ બનાવી છે. મનમોહન સિંહની યુપીએ સરકારે આન્ધ્રને સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વચન આપ્યું હતું જે પાળવાની મોદી સરકારે બિલકુલ ના પાડી દીધી હતી. હવે ચન્દ્રાબાબુને શિકાર બન્યાની લાગણી સતાવી રહી છે, કારણ કે મોદી સરકારના એ સક્રિય ભાગીદાર હતા. ચન્દ્રાબાબુ તો ભોગ બન્યા, પણ કોંગ્રેસે આપેલું વચન નહીં પાળવા બદલ ભાજપ પણ આન્ધ્રમાં અણમાનીતો બન્યો છે. કોંગ્રેસના હાલ તો આન્ધ્રમાં સૌથી ખરાબ છે.

આન્ધ્ર પ્રદેશનું બે રાજ્યમાં વિભાજન કરવાનો ગુનેગાર કોંગ્રેસ પક્ષ છે. આન્ધ્રની પ્રજા વિભાજન ઇચ્છતી ન હતી. ૨૦૧૪માં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી, જે કોંગ્રેસ એક સમયે આન્ધ્ર પ્રદેશની લોકપ્રિય પાર્ટી હતી. ૨૦૧૮માં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)એ ગઠબંધન કર્યું હતું, પણ એ દુસાહસ તેઓ આન્ધ્ર પ્રદેશમાં દોહરાવી ના શકે એટલી હદે કોંગ્રેસ બદનામ છે. તેલુગુ દેસમે છેડો ફાડી નાખ્યો પછી આન્ધ્રમાં ભાજપના હાલહવાલ સારા રહ્યા નથી. ૨૦૧૪માં ટીડીપી સાથે હતી ત્યારે ભાજપને લોકસભાની બે અને વિધાનસભાની ચાર બેઠકો પર જીત મળી હતી. બંને પક્ષે મળીને જગનમોહનની વાયએસઆર કોંગ્રેસને શિકસ્ત આપી હતી. માત્ર પોણા બે ટકા મત ભાજપ-ટીડીપીને વધુ મળ્યા હતા, પણ માત્ર એટલા માર્જિનથી મળેલી બેઠકોની સંખ્યામાં ખાસ્સો મોટો ફરક પડ્યો હતો. ભાજપ-ટીડીપીને વિધાનસભાની ૧૦૨ બેઠકો મળી અને વાયએસઆરને માત્ર ૬૬ બેઠકો મળી. ભાજપ-ટીડીપીનું જોડાણ ગયા વરસે તૂટી પડ્યું.

સ્પેશિયલ સ્ટેટસની માગણીમાં એક સમયે ચન્દ્રાબાબુએ સમાધાન કરી લીધું હતું, પરંતુ જગનમોહન રેડ્ડીના વિરોધને વશ થઈ ફરીવાર માગણી બુલંદ બનાવી હતી. કેન્દ્ર સરકારે ઇન્કાર ચાલુ રાખ્યો અને આખરે છેડો ફાડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. રાહુલ ગાંધીએ આ તક ઝડપીને જાહેરાત કરી કે અમે સત્તામાં આવીશું તો મનમોહન સિંહે આપેલા વચનનું પાલન કરીશું. હવે ચન્દ્રાબાબુને ઊભા રહેવા માટે કોંગ્રેસની  કાખઘોડી મળી છે. આન્ધ્રમાં અળખામણી બનેલી કોંગ્રેસ સાથે નાતો બાંધ્યો છે.

ચન્દ્રાબાબુએ કેન્દ્ર દ્વારા પૂરા પડાયેલા નાણામાંથી પોલાવરમ જળ સિંચન યોજનાનો ચાર હજાર કરોડ રૃપિયાનો પૂરો હિસાબ આપ્યો નથી. નવું પાટનગર અમરાવતિ વિકસાવવા બદલ પૂરા પડાયેલા નાણા પણ વેડફાઈ ગયા છે એવો એમના પર ભાજપનો આરોપ છે. એમને ઍન્ટિ-ઇન્કમ્બન્સી નડી રહી છે. બીજા ગંભીર આક્ષેપો પણ છે. આ સ્થિતિમાં હુકમનું પત્તું જગનમોહન રેડ્ડીના હાથમાં છે. એ ભાજપ, કોંગ્રેસ, ટીડીપી ત્રણેયની ટીકા કરે છે, પણ પોતે ખૂબ લોકપ્રિય છે. યુ-ટ્યૂબમાં એના પ્રચારનો વીડિયો એક કરોડ લોકોએ જોયો છે. વચનોની ભરમાર આપી છે. પવન કલ્યાણ નામક તેલુગુ ફિલ્મ સ્ટારે જન સેના પક્ષ સ્થાપીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એણે પણ મફત લહાણીનાં અનેક વચનો આપ્યાં છે.

તેલંગાણા રાજ્યના જનક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડા અને મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવ (કેસીઆર)ને હવે દિલ્હી જઈ કિંગમેકર બનવાના કોડ જાગ્યા છે. એ રાજ્યની તમામ ૧૭ લોકસભા બેઠકો પર જીત મેળવવા માગે છે અને હળદરના ગાંઠિયે ગાંધી થવા માગે છે. એમની પુત્રી કે. કવિતાને નિઝામાબાદની બેઠકની ટિકિટ આપી છે જ્યાં બીજા ૧૮૪ જણ કવિતા સામે લડી રહ્યા છે. ૧૮૫ ઉમેદવારો સાથે નિઝામાબાદે નવો ઇતિહાસ રચ્યો છે અને ચૂંટણી પંચે ૧૮૫ ઉમેદવારને સમાવે તેવું હાઈકેપિસિટી ઇવીએમ ઉપયોગમાં લેવંું પડ્યું છે. ૧૭ બેઠકો (જો બધી મળે તો) સાથે કિંગમેકર બને તો કેસીઆર વળી એક નવો ઇતિહાસ રચશે. એમણે પક્ષની રાજ્યની ધુરા પુત્ર કે.ટી. રામારાવને સોંપી છે. ગયા વરસે વિધાનસભાની ચૂંટણીમાં એમને ૧૧૭માંથી ૮૮ બેઠકો મળી હતી. કોંગ્રેસને ૧૯ મળી હતી. ૮૮ બેઠકોથી સંતોષ ના થયો તો કોંગ્રેસના દસ અને અપક્ષના ત્રણ સભ્યોને તોડીને પોતાના પક્ષમાં ભેળવી દીધા હતા. કોંગ્રેસ રાજ્યમાં હતી ન હતી થઈ ગઈ.

આમ તો કોંગ્રેસનો કેસીઆર પર ઘણો ઉપકાર છે. અલગ તેલંગાણા આપ્યું હતું, પરંતુ હવે રાહુલ ગાંધી ટીઆરએસને નરેન્દ્ર મોદીની ‘બી’ ટીમ ગણાવી રહ્યા છે. ટીઆરએસના સાંસદો પાર્લિયામેન્ટમાં અવિશ્વાસ પ્રસ્તાવ સમયે ગેરહાજર રહ્યા હતા. ટ્રિપલ તલ્લાક પરના ખરડામાં મત આપવાથી દૂર રહ્યા હતા અને રાષ્ટ્રપતિ તેમ જ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મત આપ્યા હતા. આમ જોઈએ તો ટીઆરએસ કેન્દ્રમાં ભાજપ સરકારને મદદ કરતી રહી છે.

હમણાથી કેસીઆરને જનતાનો ખાસ પ્રતિસાદ મળતો નથી. હૈદરાબાદના એક સ્ટેડિયમમાં લોકો આવ્યા નહીં તેથી કેસીઆરની સભા રદ કરવી પડી હતી. રાજ્યની કેટલીક બેઠકો જીતવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં કેસીઆર દીવાસ્વપ્નમાં રાચી રહ્યા છે. છેલ્લાં પાંચ વરસમાં એ એક પણ વખત સચિવાલયની મુલાકાતે ગયા નથી. રાજ્યના મુખ્યમંત્રી માટે આ શરમજનક ગણાય. એ પોતાના ફાર્મહાઉસ અથવા તો ભવ્ય નિવાસ સ્થાનેથી કારભાર ચલાવે છે. જ્યોતિષનાં કારણોસર એમણે એમની નવી સરકાર માત્ર એક જ પ્રધાન નીમીને બે મહિના સુધી ચલાવી હતી. ભવ્ય યજ્ઞ યજ્ઞાદિ અને હવન કરવામાં સમય અને નાણા વાપરે છે. એ ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુત્વને બનાવટી ગણાવે છે અને પોતાના હિન્દુત્વને અસલી ગણાવે છે. જો હવે કેસીઆરનો ટીઆરએસ મોદીની બી ટીમ હોય તો હંગ પાર્લિયામેન્ટ વખતે કેસીઆર મદદે આવે એવી શક્યતા મજબૂત બને છે.

કેરળના રાજકીય અને સામાજિક જીવનમાં ભાજપે છેલ્લાં થોડાં વરસોથી નોંધપાત્ર હાજરી નોંધાવી છે, પણ કેરળમાં જાતિ અને ધર્મના મતદાર સમીકરણો એવાં છે કે હાજરીનું કેટલી બેઠકમાં રૃપાંતર થશે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી. કેરળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના મુખ્યમંત્રી પી. વિજ્યનનું કહેવું છે કે કેરળમાં ભાજપનું ખાતું ખૂલશે નહીં. આ લખાઈ રહ્યું છે ત્યારે કેરળની તમામ ૨૦ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મેદાનમાં એક તરફ માર્કસવાદી સામ્યવાદી પક્ષ અને ભારતીય સામ્યવાદી પક્ષનો ડાબેરી લોકશાહીય મોરચો (એલડીએફ) અને સામે પક્ષે કોંગ્રેસના નેજા હેઠળનો યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) છે. તેની સાથે મુસ્લિમ લીગ છે. બંને મોરચા કેન્દ્રમાં એકસાથે હળીમળીને રહે છે, કારણ કે એમનો કોમન દુશ્મન ભાજપ છે, પરંતુ રાજ્યમાં તેઓ એકમેકની સામે લડે છે. રાહુલ ગાંધીએ વાયનાડની સીટ પર ઉમેદવારી નોંધાવી તેથી મોરચાના નેતાઓ પ્રકાશ કરાત, સિતારામ યેચૂરી, પી. વિજ્યન વગેરે રાહુલ પર ખફા છે. તેઓ રાહુલને હરાવવા માટે કોઈ કસર છોડશે નહીં એવો ઇરાદો તેઓ જાહેર કરી ચૂક્યા છે.

કેરળમાં મતદારોના ધાર્મિક અને જાતીય સમીકરણો બાકીના ભારત કરતાં સાવ અલગ છે. કેરળની કોઈ પણ લોકસભા કે વિધાનસભાની બેઠકોમાં લઘુમતીનું પ્રમાણ ૧૫થી ૬૦ ટકા જેટલું હોય છે. મુસ્લિમ મતદારો સરેરાશ ૨૫ ટકા છે, પરંતુ વીસમાંથી દસ બેઠકોમાં તેમની સંખ્યા ૧૫થી ૬૩ ટકા જેટલી છે. ખ્રિસ્તીઓનું સરેરાશ પ્રમાણ ૧૮ ટકા છે અને દસ બેઠકોમાં એમની સંખ્યા ૧૪થી ૩૭ ટકા જેટલી છે. હિન્દુ મતદારોની સરેરાશ સંખ્યા ૫૭ ટકા છે, તેમાં ૨૪ ટકા એઝવા સમાજના, ૧૬ ટકા નાયર સમાજના અને દસ ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિના છે. ૨૦૧૪ની ચૂંટણીમાં સામ્યવાદી મોરચાને ૪૦.૨૩ ટકા મત સાથે આઠ બેઠકો અને કોંગ્રેસના નેજા હેઠળના યુડીએફને ૪૨.૦૮ ટકા મત સાથે ૧૨ બેઠકો મળી હતી. ભાજપનું ક્યાંય નામોનિશાન નથી. જોકે એનડીએને ૧૦.૮૪ ટકા મત મળ્યા હતા અને થિરુવઅનંતપુરમ બેઠક પર ભાજપના ઉમેદવાર ઓ. રાજગોપાલન કોંગ્રેસના શશિ થરૃર સામે માત્ર પંદર હજાર મતથી હારી ગયા હતા.

૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ઓ. રાજગોપાલન નેમોમની બેઠક પરથી જીત્યા તે રાજ્યમાં ભાજપને મળેલી પ્રથમ બેઠક અને પ્રથમ જીત છે. હાલની ચૂંટણીમાં ભાજપના કે. રાજશેખરન કોંગ્રેસના શશિ થરૃર સામે લડી રહ્યા છે અને તેઓ જીતશે એવી ભાજપને આશા છે. કોંગ્રેસ કેરળમાં ૧૬ બેઠકો પર, સાથી પક્ષ મુસ્લિમ લીગ બે બેઠકો પર, જ્યારે ભાજપ ૧૭ બેઠકો પર તુષાર વેલ્લાપલ્લીનો બીડીજેએસ પક્ષ ત્રણ બેઠકો પર લડી રહ્યો છે. કેરળમાં ભાજપને શું મળે છે તે જાણવાનું ઘણુ રસપ્રદ રહેશે. હમણાની શ્રીલંકાની ત્રાસવાદી ઘટનાની વાયનાડની બેઠક પર અસર પડી શકે છે. વાયનાડનું પરિણામ પણ રસપ્રદ બનશે. આ બેઠકમાં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોની સંખ્યા ૫૦ ટકા જેટલી છે. મુસ્લિમ લીગનો અહીં પ્રભાવ જોવા મળે છે, પરંતુ હમણા દુનિયામાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ લડી રહ્યા છે. ખ્રિસ્તીઓ લઘુમતીમાં છે, પરંતુ મુસ્લિમોના મિત્ર રહ્યા નથી. તેમાં કેન્દ્રની ભાજપ સરકારે શ્રીલંકાને તમામ પ્રકારની મદદ આપવાની ઑફર કરી છે તેના થકી ખ્રિસ્તીઓની સહાનુભૂતિ અંકે કરી છે. બીજી તરફ વાયનાડમાં સામ્યવાદીઓનું પણ જોર છે અને રાહુલને હરાવવા કટિબદ્ધ થયા છે ત્યારે સલામત ગણાતી બેઠક અસલામત સાબિત થાય તેમ પણ બને.

શબરી માલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશને સુપ્રીમ કોર્ટે માન્ય ઠરાવ્યો, પરંતુ ભાજપના નેજા હેઠળ હિન્દુ સંગઠનોએ ચુકાદાનું પાલન થવા દીધું નહીં. સામ્યવાદી સરકાર પણ અમલ કરવી શકી નહીં અને કોંગ્રેસ પણ મન ખુલ્લું મૂકીને વિરોધ કરી શકી નહીં. એવી ધારણા છે કે આ તમામ ઘટનામાં સૌથી વધુ રાજકીય ફાયદો ભાજપને થયો છે. રૃઢિવાદી હિન્દુ મતદારો ખુશ થયા છે. જો આ ઘટના પછી પણ કેરળમાં ભાજપને કોઈ બેઠક ના મળે તો સમજવું કે કદાચ ક્યારેય નહીં મળે અથવા તો દાયકાઓ લાગી જશે.

પુડુચેરી (પોંડીચેરી)ની એકમાત્ર લોકસભા બેઠક પર કોંગ્રેસ-ડીએમકે, એઆઈડીએમકે, કમલ હાસનનો ‘મકાલ નિધિ મૈયમ,’ ટીટીવી દિનકરનનો ‘અમ્મા માક્કલ મુનેમ કઝગમ’ વગેરે પક્ષો લડી રહ્યા છે, પણ ભાજપ ક્યાંય ચિત્રમાં નથી. કોંગ્રેસ અને કમલ હાસન બંનેએ સત્તા પર આવશે તો પુડુચેરીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાતો કરી છે. કોંગ્રેસને તેનો ફાયદો મળશે એવી ધારણા છે.

તામિલનાડુમાં ભાજપે સ્થાનિક પક્ષોની પીઠ પર સવાર થઈને જ પ્રવેશ કરવો પડે તેવી સ્થિતિ વરસો પછી પણ યથાવત્ છે. રાજ્યમાં લોકસભાની ૩૯ બેઠકોની સાથે-સાથે વિધાનસભાની ૧૭ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. પેટા ચૂંટણીનાં પરિણામો રાજ્યની ત્રણ વરસ જૂની એઆઈએડીએમકેનું ભવિષ્ય નક્કી કરશે. ૨૦૧૪માં એઆઈએડીએસકે ૩૯માંથી ૩૭ બેઠકો પર વિજયી થયો હતો. લોકસભામાં તે ત્રીજા ક્રમનો મોટો પક્ષ હતો, પરંતુ આ ચૂંટણીમાં અમ્મા જયલલિતાની હાજરી નથી તો મુખ્ય હરીફ પક્ષ ડીએમકેમાં કરુણાનિધિની હાજરી નથી. બંને પક્ષોએ અનેક પક્ષો જોડે ગઠબંધનો કર્યાં છે. ડીએમકેનું કોંગ્રેસ સાથે અને એઆઈએડીએમકેનું ભાજપ સાથે ગઠબંધન છે. શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્રક ભર્યું ત્યારે એઆઈએડીએમકેના નેતા પનીર સેલ્વમ ખાસ હાજર રહ્યા હતા. ડીએમકે ૨૦ બેઠકો પર અને એઆઈએડીએમકે ૨૦ બેઠકો પર લડશે. બાકીની બેઠકો બંને પક્ષોએ સાથી પક્ષોને ફાળવી છે. તામિલનાડુમાં કોંગ્રેસની હાજરી છે, પરંતુ ભાજપ ક્યારેય સ્વતંત્ર રીતે લડીને ચૂંટાયો નથી. ભૂતકાળમાં માત્ર જયલલિતાની મદદ વડે કન્યાકુમારીની બેઠક જીતી હતી. કોંગ્રેસ પાસે રાજ્યમાં પી. ચિદમ્બરમ જેવા નેતા છે. ભાજપ પાસે કોઈ કદાવર નેતા નથી. આમેય તામિલ લોકો સ્થાનિક પક્ષોને જ વધુ પસંદ કરે છે. માટે ભાજપ માટે ચઢાણ ખૂબ કપરાં છે. એટલું ખરું કે જો ભાજપ પોતાની રીતે જીતશે નહીં તો એઆઈએડીએમકે તેની વહારે આવશે. એ પણ ત્યારે કે જ્યારે એઆઈએડીએમકેની જીત થશે જે શક્યતા  આ વખતે નહીંવત છે. ટૂંકમાં, દક્ષિણ ભારતની કુલ ૧૩૦ સંસદીય બેઠકમાંથી ભાજપના હાથમાં ડઝન કે દોઢ ડઝન બેઠક આવી શકે છે, તે પણ કર્ણાટકમાં. દક્ષિણનો અશ્વમેધ હમણા તો અધૂરો જ રહેશે.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »