તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતી ફિલ્મોદ્યોગને સબસિડીઃ કેટલો ફાયદો, કેટલું નુકસાન?

ગુજરાતી ફિલ્મોદ્યોગને સબસિડીનું ઈન્જેક્શન

0 570

કવર સ્ટોરી – નરેશ મકવાણા

ગુજરાતી ફિલ્મોદ્યોગને લઈને હાલમાં જ રાજ્ય સરકારે નવી સુધારેલી પૉલિસી જાહેર કરી છે. જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી આશા-અપેક્ષાઓ છે. અત્યાર સુધી માત્ર સબસિડી માટે ફિલ્મો બનાવીને રૃપિયા ઘરભેગા કરી દેવાની વૃત્તિ ધરાવતો એક આખો કહેવાતો ફિલ્મકારોનો વર્ગ ગાંધીનગરમાં અડિંગો જમાવીને બેસી ગયો હતો. નવી પૉલિસીમાં એમનાં માટેનાં મહત્તમ છીંડાંઓ પૂરવા પ્રયાસ કરાયો છે. વર્ષ ૧૯૩૨માં પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતારિલીઝ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોદ્યોગે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ત્યારે નવી સબસિડી પૉલિસી ગુજરાતી ફિલ્મોદ્યોગને કેટલી અને કેવી અસર કરશે તેની વાત કરીએ.

ગુજરાતી ફિલ્મોદ્યોગ હાલ નવેસરથી બેઠો થઈ રહ્યો છે. ખાસ કરીને અર્બન ગુજરાતી ફિલ્મોના ટૅગ સાથે રજૂ થઈ રહેલી કેટલીક ફિલ્મોની સફળતાએ નવી આશા બંધાવી છે. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ગયેલા યુવાવર્ગમાં પણ આ ફિલ્મો લોકપ્રિય થઈ રહી છે તે સારો સંકેત છે. તેનાથી નવી પેઢીના નિર્માતા, નિર્દેશકોનો જુસ્સો ટકી રહેશે. હાલમાં જ રજૂ થયેલી કેટલીક ફિલ્મોએ સારી એવી કમાણી કરીને સાબિત કરી દીધું છે કે ગુજરાતી ફિલ્મોનો પ્રેક્ષક ક્યાંય ગયો નહોતો, પણ તે જેવી મનોરંજનની અપેક્ષા રાખી રહ્યો હતો તેવું મળતું નહોતું. આ ફિલ્મોએ આપ્યું, માટે તે સફળ થઈ. એ રીતે ધીમી પણ મક્કમ ગતિએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે બેઠી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ તેના ટેકામાં આવી છે.

હાલ સારા સમાચાર એ છે કે રાજ્ય સરકારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મના નિર્માતાને મળતી સબસિડીમાં રૃ.૨૫ લાખ સુધીનો વધારો જાહેર કર્યો છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૬’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેના અમલીકરણ દરમિયાન વિવિધ પક્ષકારો તરફથી કેટલીક જોગવાઈઓ સુધારવા રજૂઆતો થયેલી હતી. જેને ધ્યાનમાં લઈને મેક્રો લેવલ સમિતિએ તેમાં આવશ્યક સુધારાઓ કરીને ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ બહાર પાડી છે. જે ગુજરાતી ફિલ્મોને કેવી અને કેટલી અસર કરશે તે જાણવા પ્રયત્ન કરીએ, પણ તે પહેલાં સમગ્ર પૉલિસીની સાદી સમજણ મેળવી લઈએ.

ગુજરાતી ફિલ્મોદ્યોગને સબસિડીનું ઈન્જેક્શન
રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૬માં ગુજરાતી ફિલ્મોને લઈને એક સબસિડી પૉલિસી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત નિર્માતાઓને ફિલ્મો પર સબસિડી પેટે રૃ. ૫૦ લાખ સુધીની સહાય કરવાનું નક્કી કરાયું હતું, પણ મોટા ભાગની ફિલ્મો નિયત કરેલાં ધારાધોરણોમાં બંધબેસતી ન હોઈ સબસિડીની રકમ ફિલ્મના બજેટ કરતાં પણ અનેકગણી ઓછી રહી જતી હતી. તો ઘણીવાર સારી ફિલ્મ પણ કોઈ કારણોસર થિયેટરમાં ધાર્યું પ્રદર્શન ન કરી શકતાં નિર્માતાએ સબસિડીમાં વેઠવાનું આવતું હતું. આ તમામ સમસ્યાઓને ધ્યાને લઈને સરકારે પૉલિસીમાં સુધારા કરી નવા નિયમો બનાવ્યા છે. જેમાં સબસિડી રૃ. ૫૦ લાખથી વધારીને રૃ. ૭૫ લાખ કરી આપી છે. જૂની પૉલિસી અંતર્ગત ફિલ્મે વિવિધ કેટેગરીના મળીને ૧૦૦માંથી ૪૧ માર્ક્સ મેળવવા પડતા હતા, ત્યારે તેને લઘુતમ ૫ાંચ લાખની સબસિડી મળતી. જેની સામે નવી નીતિમાં ઓછામાં ઓછા ૨૧ ગુણ મેળવનાર ફિલ્મને પણ ૫ લાખની સહાય મળી શકશે. આ ઉપરાંત સરકાર તરફથી જે પણ ગુજરાતી ફિલ્મ ‘શ્રેષ્ઠ ફિલ્મ’ જાહેર થાય તેના નિર્માતાને ૨.૫ લાખનો પુરસ્કાર પણ આપવામાં આવશે.

ઉપરાંત નેશનલ કે ઇન્ટરનેશનલ ઍવૉર્ડ જેવી નોંધપાત્ર સિદ્ધિ મેળવનારી ગુજરાતી ફિલ્મો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે ગુજરાતી ફિલ્મ ભારત સરકાર દ્વારા દેશભરની તમામ ભાષાની ફિલ્મોની સ્પર્ધામાં બેસ્ટ ફિલ્મની કક્ષામાં સ્વર્ણ કમલ પુરસ્કાર જીતશે તેના નિર્માતાને રૃ.૨ કરોડની આર્થિક સહાય મળશે. તો જે ગુજરાતી ફિલ્મ ‘બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ઇચ ઓફ ધ લેન્ગ્વેજ સ્પેસિફાઇડ ઇન શિડ્યુલ ૮ ઓફ ધ કોન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા’ની કેટેગરીમાં રજત કમળ પુરસ્કાર મેળવે તેને રૃ. ૧ કરોડની આર્થિક સહાય મળશે. આ સિવાય ઓસ્કાર ઍવૉર્ડ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ જેવા વિવિધ ૧૧ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ મેળવનારી ફિલ્મને રૃ.૫ કરોડથી લઈને ૨ કરોડ સુધીની આર્થિક સહાય કરવામાં આવશે.

આ તો થઈ ઍવૉર્ડ વિજેતા ફિલ્મોને અપાતી સહાયની વાત. આ સિવાય બાળકો માટે, મહિલા સશક્તિકરણ સંબંધિત કે ગુજરાતી સાહિત્ય કૃતિ પરથી બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મને ગ્રેડ આધારે મળવાપાત્ર આર્થિક સહાયની રકમ ઉપરાંત ૨૫ ટકા વધારાની આર્થિક સહાય મળી શકશે. ટૂંકમાં, નવી પૉલિસીમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અગાઉ ૨૧ ફિલ્મો જે સબસિડીનો લાભ મેળવવાથી કોઈ ને કોઈ કારણોસર વંચિત રહી જવા પામી રહી તેને સરકારશ્રી દ્વારા ઉચ્ચક રૃ.૫ લાખની સહાય કરવામાં આવી હતી.

સબસિડીમાં ગુજરાતી ફિલ્મોનું ગુણાંકન
નવી સબસિડી પૉલિસીમાં વિવિધ ૧૪ કેટેગરીમાં ૧૦૦ માર્ક્સને વહેંચી દેવામાં આવ્યા છે. જેમાં કથા-પટકથા- સંવાદના ૧૦ ગુણ, દિગ્દર્શન અને અભિનયના ૧૦-૧૦ ગુણ નક્કી કરાયા છે. એ પછી ગીત-સંગીત, સાઉન્ડ, એડિટિંગ, સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ, કોરિયોગ્રાફી, આર્ટ ડિરેક્શન, ધ્વનિ મુદ્રણ, ઍક્શન દ્રશ્યો, લોકેશન, કોસ્ચ્યુમ અને મેકઅપ જેવા વિભાગોને ૫ાંચમાંથી ગુણ આપવાના થાય છે. છેલ્લે સૌથી વધુ ૨૦ માર્ક્સ ફિલ્મને થિયેટરમાં પ્રેક્ષકોના મળેલા આવકાર અર્થાત્ ટિકિટોના વેચાણ માટે ફાળવવામાં આવ્યા છે. આમ બધું મળીને ૧૦૦ ગુણમાંથી ફિલ્મ કેટલા ગુણ મેળવે છે તેના આધારે તેની સબસિડીની રકમ નક્કી થશે. ફિલ્મના વિવિધ વિભાગો માટેના કુલ ૮૦ ગુણમાંથી ફિલ્મને કેટલા ગુણ મળી શકે તેમ છે તે નક્કી કરવા માટે ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીની રચના કરાઈ છે. જેમાં સરકારી અધિકારીઓ અને ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો સામેલ છે. તેઓ નિયમ સમયે ફિલ્મ જોઈને ઉપર જણાવ્યા તે વિભાગોમાં ફિલ્મના પ્રદર્શનને આધારે માર્ક્સ આપશે. આ માટે એ પ્લસથી લઈને એફ સુધીનું ગ્રેડેશન નક્કી કરાયેલું છે. (૧) જો ફિલ્મ ૦થી ૨૦ની વચ્ચે માર્ક્સ મેળવે તો કોઈ સહાય મળતી નથી. (૨) એફ ગ્રેડ અર્થાત્ ૨૧થી ૩૦ ગુણ મેળવે તો રૃ. ૫ લાખ સહાય અથવા ફિલ્મ નિર્માણના ડાયરેક્ટ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ મળે છે. (આ નિયમ દરેક ગ્રેડમાં લાગુ પડે છે) (૩) ૩૧થી ૪૦ ગુણ મેળવનાર ફિલ્મને ઈ ગ્રેડ મળે છે જેને રૃ.૧૦ લાખની સહાય મળે છે. (૪) ૪૧થી ૫૦ની વચ્ચે ગુણ મેળવનાર ફિલ્મને ડી ગ્રેડ હેઠળ રૃ.૨૦ લાખની સહાય મળવાપાત્ર હોય છે. (૫) સી ગ્રેડ, એટલે કે ૫૧થી ૬૦ની વચ્ચે ગુણ મેળવનાર ફિલ્મને ૩૦ લાખ સહાય મળે છે. (૬) ઉપરની તરફ આગળ વધીએ તો ૬૧થી ૭૦ ગુણ મેળવતી ફિલ્મ બી ગ્રેડમાં સામેલ થઈને રૃ. ૪૦ લાખની સબસિડી મેળવે છે. એ પછી (૭) ૭૧થી ૮૦ માર્ક્સ મેળવનારી ફિલ્મને એ ગ્રેડ હેઠળ રૃ. ૫૦ લાખની સબસિડી મળી શકે છે અને તેનાથી આગળ એ પ્લસ ગ્રેડ અર્થાત્ ૮૦થી ૧૦૦ ગુણ મેળવતી ફિલ્મને પૂરેપૂરી ૭૫ લાખ સબસિડી અથવા ફિલ્મ નિર્માણના પ્રત્યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ પૈકી જે ઓછી હોય તે રકમ મળશે.

જોકે અહીં આર્થિક સહાયની પાત્રતા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમ કે (૧) ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા યુ અથવા યુએ પ્રમાણપત્ર મળેલું હોવું જોઈએ. આવી ફિલ્મના નિર્માતા જ આ પૉલિસી હેઠળ આર્થિક સહાય મેળવવાને પાત્ર થશે. (૨) ફિલ્મ ૨ા અથવા તેનાથી વધારે રિઝોલ્યુશન ધરાવતા ડિજિટલ ફોર્મેટમાં ૩૫ એમએમ કે તેથી વધારે પહોળા ફોર્મેટમાં બનાવેલી હોવી જોઈએ અને ગુજરાત રાજ્યમાં લાઇસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં રિલીઝ કરવામાં આવેલી હોવી જોઈએ. (૩) ફિલ્મનું સાઉન્ડ રેકોર્ડિંગ ૫.૧ ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ અથવા તેના અપગ્રેડેડ ફોર્મેટમાં થયેલું હોવું જોઈએ. (૪) ફિલ્મનો રનિંગ ટાઇમ ઓછામાં ઓછો ૧૦૦ મિનિટ હોવો જોઈએ. (૫) ટિકિટ માટેના ૨૦ ગુણની ગણતરી માટે ફિલ્મની રિલીઝની તારીખથી લઈને ૩૬૫ દિવસની મુદત દરમિયાન વેચાયેલી ટિકિટોની સંખ્યાને ધ્યાને લેવામાં આવશે. આ માટે નિર્માતાએ સ્વખર્ચે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી શૉ દીઠ વેચાયેલી ટિકિટોની સંખ્યા દર્શાવતું પત્રક મેળવીને રજૂ કરવાનું હોય છે. (૬) ફિલ્મમાં દર્શાવવામાં આવતાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સંગીતકાર, ઍક્ટરો, ટૅક્નિશિયનો વગેરેની ક્રેડિટ ટાઇટલ ગુજરાતીમાં હોવા જ જોઈએ. છતાં નિર્માતા-દિગ્દર્શક ઇચ્છે તો ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે, પરંતુ તમામ ક્રેડિટ ટાઇટલમાં ગુજરાતી ભાષા ફરજિયાત હોવી જોઈએ. એટલું જ નહીં, અક્ષરોની સાઇઝ સિનેમાહૉલની છેલ્લામાં છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિ પણ વાંચી શકે તેટલી હોવી જોઈએ. (૭) ફિલ્મના નિર્માણમાં થયેલ કુલ ખર્ચની ૩૦ ટકા રકમ ગુજરાતમાં જ વપરાયેલી હોવી જોઈએ. જેમાં જાહેરાતના ખર્ચને સમાવી શકાશે નહીં. આ માટેના પુરાવા પ્રોડ્યુસરે રજૂ કરવાના રહેશે.

કેવી ફિલ્મને સબસિડી ન મળે
ફિલ્મને આર્થિક સહાય કેવા સંજોગોમાં મળી શકે તેની વાત કર્યા બાદ કેવા સંજોગોમાં ફિલ્મને સબસિડી ન મળી શકે તેની વાત કરીએ. આ માટે પણ ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલી છે. દા.ત. જે ગુજરાતી ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ(સીબીએફસી) દ્વારા ‘એ’ સર્ટિફિકેટ મળેલ હોય તેને આર્થિક સહાય મળી શકતી નથી. ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીની પેનલ ઉપર હોય તેવા કોઈ નિષ્ણાતો જો કોઈ ફિલ્મ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા હશે તો તેઓ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહી શકશે નહીં. ફિલ્મનું શૂટિંગ મૌલિક રીતે થયેલું હોવું જોઈએ. કલાકારોના સંવાદ અન્ય ઍક્ટરના અવાજથી ડબ કરવામાં આવ્યા હોય, કોપી કરાઈ હોય અથવા જુદી જુદી ક્લિપોનું મિક્સિંગ કરીને કે અન્ય પ્રોડ્યુસરની ફિલ્મમાંથી ટુકડા જોડીને બનાવેલી ફિલ્મ સહાયપાત્ર બનશે નહીં. ઉપરાંત કુરિવાજો, અંધશ્રદ્ધા, સામાજિક દૂષણો, રાષ્ટ્રીય એકતા વિરુદ્ધની બાબતો અને વિવાદિત મુદ્દાઓને લઈને લોકોને ગેરમાર્ગે દોરતી ફિલ્મોને પણ આર્થિક સહાયથી બાકાત રાખવામાં આવેલ છે. કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની જોગવાઈઓનો ભંગ કરતી ફિલ્મને પણ સબસિડી નહીં મળી શકે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે નિર્માતા સ્ક્રીનિંગ કમિટીના કોઈ સભ્યને કે આર્થિક સહાય મામલે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ ભજવતાં કોઈ અધિકારી કે કર્મચારીને પત્ર, ઈ-મેઇલ, ફોન કે વ્યક્તિગત સંપર્ક કરીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો ધ્યાનમાં આવશે તેની અરજી રદ કરી દેવામાં આવશે.

‘બૅટરહાફ’ અને ‘મિશન મમ્મી’ જેવી સફળ ફિલ્મોના નિર્દેશક આશિષ કક્કડને જોકે ઍડલ્ટ ફિલ્મને સહાયમાંથી બાકાત રાખવાની વાત યોગ્ય લાગતી નથી. તેમના મતે, ‘કોઈ ફિલ્મને ઘણીવાર એકાદ સીનના કારણે પણ ઍડલ્ટ સર્ટિફિકેટ મળી જતું હોય છે. અહીં ઍડલ્ટનો મતલબ માત્ર સેક્સ કે હિંસક દ્રશ્યો ન હોઈ શકે. એવું પણ બની શકે કે ફિલ્મમાં આ પ્રકારનો એક પણ સીન ન હોય છતાં તે ઍડલ્ટ હોય. એટલે આ મામલો થોડો પેચીદો છે. બાકી નવી પૉલિસીમાં મોટા ભાગની જોગવાઈઓ સરસ છે અને જો તેનો યોગ્ય રીતે અમલ થશે તો ગુજરાતી ફિલ્મોદ્યોગને તેનો ભરપૂર ફાયદો થશે.’

‘મેઘધનુષ’ અને ‘તમે કેવા?’ જેવી હટકે વિષયો પર આધારિત ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ડૉ. આર.કે. દેવમણિ પણ ઍડલ્ટ ફિલ્મોને સબસિડીમાંથી બાકાત રાખવા બાબતે સહમત નથી. ડૉક્ટરી છોડી ફિલ્મમેકર બનેલા આર.કે. દેવમણિ કહે છે, ‘એ ગ્રેડની ફિલ્મને સબસિડી ન આપવી તેવો નિયમ ભારતના અન્ય કોઈ રાજ્યમાં નથી. અગાઉ મારી ફિલ્મ ‘મેઘધનુષ’ના વિષયને લઈને સબસિડી અટકાવાઈ હતી. જેથી મારે સુપ્રીમ કોર્ટ સુધી જવાની ફરજ પડી હતી. ફિલ્મ રિલીઝ થઈ ગઈ એ પછીનાં વર્ષોમાં રાજ્ય સરકાર ઍડલ્ટ ફિલ્મોને કોઈ પણ સરકારી સહાય ન મળે તેવો નિયમ લાવી હતી. મારી ફિલ્મ આ નિયમ આવ્યો તે પહેલાં રિલીઝ થઈ ગઈ હોવા છતાં તેને સહાય ન મળી. આખરે સુપ્રીમ સુધી ગયો અને ત્યાં મારી તરફેણમાં ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે નવા નિયમો લાગુ પડતાં પહેલાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોવાથી આ ફિલ્મને તે લાગુ પાડી શકાય નહીં. મને એ નથી સમજાતું કે, અગાઉ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાના ઍવૉર્ડ મળી ચૂક્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મો મામલે બેવડાં ધોરણો કેમ? આ મામલે ફેરવિચારણા થવી જોઈએ.’

Related Posts
1 of 262

અભિનેત્રી, નિર્માત્રી, લેખિકા, રેડિયો જૉકી જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં આરતી પટેલ જેઓ રાજ્ય સરકારની ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીનાં સભ્ય પણ છે, તેઓ ઍડલ્ટ ફિલ્મને લઈને જરા જુદો મત ધરાવે છે. તેમના મતેે, ‘ઍડલ્ટ ફિલ્મને સબસિડી આપવી કે નહીં એ સરકારશ્રીનો નિર્ણય છે, પણ હું માનું છું કે આજે ‘યુએ’ કે ‘યુ’ સર્ટિફાઇડ ફિલ્મો પણ અપશબ્દોથી ભરપૂર હોય છે. એટલે ‘એ’ સર્ટિફિકેટ સેન્સર બોર્ડ તરફથી કોઈ ફિલ્મને ત્યારે જ મળે છે જ્યારે તેમાં અસંખ્ય પ્રકારનાં આવાં દ્રશ્યો હોય અથવા તો એવી ભાષા કે ખૂનામરકી હોય. હાલ જ્યારે ગુજરાતી ફિલ્મોમાં આપણે નવું ઓડિયન્સ ખેંચી લાવવા અને ફેમિલી ફિલ્મોનો જમાનો પરત ફરે તે માટે મહેનત કરી રહ્યાં છીએ. એ સ્થિતિમાં જો ઍડલ્ટ ફિલ્મોને પ્રોત્સાહન મળશે તો પરિવાર સાથે ગુજરાતી ફિલ્મ જોવા જવાના ટ્રેન્ડ પર બ્રેક લાગશે. આજે ગુજરાતી ફિલ્મો તો ઠીક કોઈ બોલિવૂડ ફિલ્મને પણ ‘એ’ સર્ટિફિકેટ મળે છે ત્યારે નિર્માતા કકળાટ કરી મૂકતો હોય છે, કારણ કે તેનાથી અડધું ઓડિયન્સ ઓછું થઈ જાય છે. ત્યારે આપણી ઇન્ડસ્ટ્રી તો નવેસરથી તૈયાર થઈ રહી છે. તેને આ પ્રકારના કન્ટેન્ટથી દૂર રાખીએ તે હાલ પૂરતું તો યોગ્ય લાગે છે.’

સબસિડીથી ઇન્ડસ્ટ્રીને ફાયદો કે નુકસાન?
કોઈ પણ નવી નીતિના અમલીકરણમાં બે બાજુઓ હોય છે. ફાયદો અને નુકસાન. રિપોર્ટિંગ દરમિયાન બંને તરફની સ્થિતિ સામે આવી. લાભની વાત કરીએ તો જૂની પૉલિસીમાં મહત્તમ મળવાપાત્ર સહાય ૫૦ લાખ રૃપિયા સુધીની હતી તે હવે વધારીને ૭૫ લાખ સુધીની કરવામાં આવી છે તે સૌથી મોટો ફરક છે. અગાઉ બે લાખ ટિકિટોના વેચાણ પર ૨૦ ગુણ મળતા હતા તેમાં ઘટાડો કરીને હવે ૪૭, ૫૦૧થી ૫૦,૦૦૦ સુધીમાં મળી રહેશે તે બહુ ફાયદાકારક વાત છે. આ સિવાય વીએફએક્સ, મેકઅપ, કોસ્ચ્યુમ્સ વગેરેના માર્ક્સ પણ ઉમેરાયા છે. ગ્રેડેશન પદ્ધતિ ૨૦૧૬માં લાગુ કરવામાં આવી ત્યારે જ નક્કી હતું કે, એકાદ વર્ષ બાદ તેને રિવ્યૂ કરવી જેથી ખામીઓને સુધારી શકાય. પહેલાં જ વર્ષે ઘણા બધા નિર્માતાઓની ફરિયાદ આવી હતી કે બે લાખ ટિકિટોના વેચાણના નિયમમાં ફેરફાર કરવો જોઈએ. જે નવી પૉલિસીમાં સુધારાયો છે.

એક નિર્માત્રી તરીકે આરતી પટેલ માને છે કે, નવું કામ કરતાં દરેક નિર્માતા-નિર્દેશક માટે સરકારની નવી પૉલિસી એક ભેટ જેવી છે. છતાં તેમને અમુક બાબતોને લઈને હજુ પણ ભય સતાવે છે. આ મામલે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, ‘આપણે આશા રાખીએ કે સારા ફિલ્મમેકરોને નવી નીતિથી ફાયદો થાય. જોકે મને હજુ એ બાબતનો ડર લાગે છે કે ક્યાંક લેભાગુ લોકો પહેલાંની જેમ જ માત્ર સબસિડી માટે ફિલ્મો બનાવી, વચેટિયાઓની મદદથી આર્થિક ફાયદો તો નહીં ઉઠાવી જાય ને? રાજ્ય સરકારની નિયત સાફ હોય તો પણ મને આ બાબતનો ડર સતત લાગ્યા કરે છે. બીજી તરફ એ બાબતે નિશ્ચિંત છું કે હવે કોઈને

સાહિત્યકૃતિ પરથી કે જાણીતી વ્યક્તિના જીવનચરિત્ર પરથી ફિલ્મ બનાવવી હશે તો આર્થિક નુકસાનીની પરવા કર્યા વિના તે પોતાનું કામ પ્રામાણિકતાથી કરી શકશે. કેમ કે સરકાર તેને આર્થિક મદદ કરવા પડખે ઊભી છે. આ પડાવ પર હજુ મને લાગે છે ગુજરાતી ફિલ્મેકર્સે ઘણુબધું શીખવાની, ભણવાની જરૃર છે. ફિલ્મ નિર્માણનાં તમામ પાસાંઓનો નવેસરથી પદ્ધતિસરનો અભ્યાસ કરવાની જરૃર છે.’

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર પણ સરકારનાં પગલાંને દિલ ખોલીને આવકારે છે, પણ તેની સાથે જ તેઓ એવી બાબતો, જેમાં હજુયે અસમંજસભરી સ્થિતિ પ્રવર્તે છે, તે તરફ ધ્યાન પણ દોરે છે. હિતેનભાઈ કહે છે, ‘બહુ સુંદર પગલું લીધું છે સરકારે. ખાસ કરીને ટિકિટોના વેચાણની મર્યાદા બે લાખથી ઘટાડીને ૫૦ હજાર કરી છે તેનાથી નિર્માતાઓને ચોક્કસ ફાયદો થશે. આ સિવાય નવી જે કેટેગરી ઉમેરી છે તેના કારણે પણ ઇન્ડસ્ટ્રીને લાભ થશે. ઉપરાંત સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવા માટે પણ નિર્માતાઓ લલચાશે. ટૂંકમાં, અત્યાર સુધીની નીતિઓમાં આ પૉલિસી સર્વોત્તમ છે તેવું હાલના તબક્કે મને લાગે છે. જોકે સરકારની આટલી સહાય પછી પણ મલ્ટિપ્લેક્સનું ગણિત હજુયે નિર્માતાની સમજણ બહાર છે. હાલ સ્થિતિ એવી છે કે તમામ ટેક્સનું ભારણ નિર્માતા ભોગવે છે અને મહત્તમ ફાયદો મલ્ટિપ્લેક્સને જાય છે. એવામાં સરકાર ફિલ્મને મદદ કરે તો પણ તેનો પૂરેપૂરો ફાયદો નિર્માતાને મળશે કે કેમ તે બાબત શંકાના દાયરામાં છે. એક બાબત હું કાયમ કહેતો આવ્યો છું કે, જ્યાં સુધી છેવાડાના ગુજરાત સુધી આપણી ફિલ્મો પહોંચશે નહીં ત્યાં સુધી તેના ટકી રહેવાની, સફળ થવાની અને મહત્તમ કમાણી કરવાની શક્યતા મર્યાદિત જ રહેશે. નાનાં શહેરોમાં થિયેટરો નથી અને મોટાં શહેરોના મલ્ટિપ્લેક્સ સુધી તેઓ પહોંચી શકે તેમ નથી. પરિણામે એક આખો વર્ગ, જે કાયમ ગુજરાતી ફિલ્મ જોવા ટેવાયેલો હતો તે આપણાથી દૂર થઈ ગયો છે. તેને ફરી સાથે લાવવા માટે પીપીપી ધોરણે થિયેટર કલ્ચર વિકસાવવું જરૃરી બની ગયું છે. સરકારની નીતિ ગુજરાતી ફિલ્મોદ્યોગને પ્રોત્સાહન આપવાની છે, પણ આ સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રી સદ્ધર નહીં બની શકે.’

જોકે બધું સારું જ છે એવું પણ નથી. એક નિર્માતા-નિર્દેશક નામ ન આપવાની શરતે જણાવે છે કે, ‘ટિકિટ વેચાણની કેટેગરી માટે ૨૦ માર્ક્સ ફાળવી દેવાયા છે તે યોગ્ય નથી. સરકારે તેમાં પડવાની જરૃર જ નહોતી. કોઈ ફિલ્મ રિલીઝ થાય તેટલું જ પૂરતું છે અને એ પછી જે રીતે ઍવૉર્ડ આપવામાં આવતાં હોય છે તે રીતે ફિલ્મની ગુણવત્તા પર જ સહાય આપવી જોઈએ. ઘણીવાર ગ્રેડેશનમાં ઉત્તમ ફિલ્મને પણ અન્યાય થતો હોય છે. જેમ કે, જૂની પૉલિસીમાં આશિષ કક્કડની ફિલ્મ ‘મિશન મમ્મી’ને સરસ હોવા છતાં સી ગ્રેડમાં સમાવવામાં આવી હતી. જેના કારણે તેને  માંડ રૃ. ૧૦ લાખ સબસિડી મળી શકી. આ ફિલ્મને સ્ક્રીનિંગ કમિટીએ ચિલ્ડ્રન ફિલ્મ તરીકે સ્વીકારીને રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં બતાવી હતી. ફિલ્મ પાછળ બધું મળીને તેમણે રૃ.૫૫ લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સબસિડી પેટે તેમને માંડ રૃ. ૧૨.૫ લાખ મળ્યા. કહેવાનો મતલબ એ કે ફિલ્મ સારી હતી. ડાયરેક્ટરે પોતાની વાત કહેવામાં ક્યાંય બાંધછોડ નહોતી કરી છતાં ગ્રેડ સિસ્ટમમાં તેને અન્યાય થયો હતો. જો આવું ફરી થતું રહેશે તો તેની નકારાત્મક અસર થશે.’

આ નિર્માતા-નિર્દેશકે તો ફિલ્મ કમિટીના સભ્યો અત્યાર સુધી કેવી રીતે ભ્રષ્ટાચાર કરતા હતા તેની પણ વાત કરી. તેમના કહેવા પ્રમાણે, ‘અગાઉ ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો રૃ.૫ લાખની સબસિડીમાંથી ૧૦ ટકા કમિશન લેતા હતા. એટલે કે રૃ.૫૦ હજાર લાંચ લઈને તેઓ ગમે તે ફિલ્મની સબસિડી પાસ કરી દેતા હતા. એટલે જ એ વખતે ભાગ્યે જ કોઈ ફિલ્મની ફાઇલ કેન્સલ થતી. હવે ગ્રેડ સિસ્ટમમાં કરાયેલા સુધારા બાદ સબસિડીની રકમ પણ વધારવામાં આવી છે ત્યારે ભ્રષ્ટાચારનું કદ પણ વધવાની પૂરી શક્યતા છે. જે-તે ફિલ્મને આગળના ગ્રેડમાં સ્થાન આપવા માટે તેઓ વધુ મોટી લાંચ લેશે. છેલ્લે અગાઉની જેમ માત્ર મળતિયા નિર્માતા-નિર્દેશકોને જ મોટી સબસિડીનો લાભ મળશે. બાકીના લોકોએ ધક્કા ખાવા પડશે. આ પરિસ્થિતિ ત્યાં સુધી નથી બદલાવાની જ્યાં સુધી સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની દાનત નહીં સુધરે. ભ્રષ્ટ આ લોકોને કારણે સરકાર ગમે તેટલી સારી યોજના બનાવે છે તો પણ તેનો લાભ નિર્માતાઓ સુધી પહોંચતો નથી. આ સ્થિતિ હજુ નજીકના ભવિષ્યમાં તો દૂર થાય તેવી કોઈ શક્યતા નથી.’

નિર્માતા-નિર્દેશક ડૉ. આર.કે. દેવમણિ ફાઇલ સબમિટ કરવાથી લઈને સબસિડી મળવા સુધીની લાંબી પ્રક્રિયાને સુધારવા પર ભાર મૂકે છે. તેમના મતે, ‘ફાઇલ સબમિટ કરવામાં ઘણો સમય લાગતો હોય છે. દસ્તાવેજો તૈયાર હોવા છતાં નાના-મોટા વાંધાવચકાઓ નીકળતાં રહે છે. પરિણામે એક ફિલ્મકારે સબસિડી મેળવવા માટે પોતાનું બધું જ કામ પડતું મૂકીને ઓછામાં ઓછા બે મહિના જેટલો સમય ફાઇલ તૈયાર કરવા પાછળ આપવો પડે છે. ફાઇલ જમા કરાવ્યા પછી બે-ત્રણ મહિનાની અંદર કમિટી ફિલ્મનું સ્ક્રીનિંગ રાખતી હોય છે અને પછી ગ્રેડ મુજબ સબસિડી મળતી હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયેલો હોવાથી મને લાગે છે કે નવી સબસિડી પૉલિસી કાગળ પર સરસ દેખાતી હોવા છતાં તે લાગુ કેવી રીતે થાય છે તેના પર બધો આધાર રહેલો છે.’

મલ્ટિપ્લેક્સનો મેન્ટનન્સ ચાર્જ
એક તરફ રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મોદ્યોગને બેઠો કરવા પગલાં લઈ રહી છે, પણ બીજી તરફ થિયેટરો પોતાના નફામાં જરાય ઢીલ મૂકવા તૈયાર નથી. હાલ સ્થિતિ એવી છે કે ક્રિસ્ટોફર નોલાન, કરણ જોહર અને આપણા ગુજરાતી સંદીપ પટેલ એમ ત્રણેય ફિલ્મ નિર્માતાઓ પાસેથી એકસરખો રૃ. ૨૪ સુધીનો મેન્ટનન્સ ચાર્જ વસૂલવામાં આવે છે. પહેલાં બે નિર્માતાઓને તો આ ચાર્જ પોસાય, પણ ઊગીને ઊભા થયેલા ગુજરાતી ફિલ્મમેકરનું શું? આટલું ઓછું હોય તેમ સરકાર ૧૮ ટકા મનોરંજન કર વસૂલે છે જેનો ભાર છેલ્લે તો કન્યાની કેડ પરની જેમ દર્શકોને માથે જ આવે છે.

આ આખાયે મામલાને સમજવા માટે ટિકિટ વેચાણ પરના નફાની વહેંચણીને સમજવી પડે. હાલ ગુજરાતી ફિલ્મોમાં ટિકિટના વેચાણમાં નિર્માતા અને થિયેટર માલિકો વચ્ચેની વહેંચણીનું ગણિત સમજાવતાં ‘લવની ભવાઈ’ના ડિરેક્ટર સંદીપ પટેલ કહે છે, ‘ટિકિટ વેચાણમાં પહેલા અઠવાડિયે નિર્માતાને ટિકિટ દીઠ ૪૫ ટકા રકમ મળે છે, બીજા વીકમાં ૪૦ ટકા અને એ પછીના અઠવાડિયે ગરજ પ્રમાણેની રકમ મળે છે! ગરજ પ્રમાણેની એટલે કે, નિર્માતા ખમતીધર હોય અને ફિલ્મનું પહેલાં બે વીકનું પ્રદર્શન સારું હોય તો ત્રીજા વીકમાં ૩૫ ટકા મુજબ મળે. એ પણ ચોથા અઠવાડિયે તો ૩૦ ટકા થઈ જ જતી હોય છે. એટલે એક ફિલ્મમેકર બે કે ત્રણ વર્ષ રાતદિવસ જોયા વિના મહેનત કરીને જે ફિલ્મ તૈયાર કરે છે તેનો તેટલો ફાયદો તેને મળી શકતો નથી.’

આપણે ત્યાં બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભુજ સહિત રાજ્યનાં તમામ મોટાં શહેરોમાં મોટા ભાગનાં મલ્ટિપ્લેક્સ અને થિયેટરોના માલિકો રાજકારણીઓ છે. ગુજરાતી ફિલ્મોદ્યોગ પર તેઓની મોનોપોલી છે. ક્યાંક તેમનાં સગાંઓ થિયેટર માલિકો છે તો ક્યાંક તેમના મળતિયા પગદંડો જમાવી ચૂક્યા છે. ટૂંકમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તેમનું નેટવર્ક એવું જડબેસલાક રીતે ગોઠવાયેલું છે કે એકેય ગુજરાતી ફિલ્મકાર તેમના શરણમાં આવ્યા વિના ફિલ્મ રિલીઝ કરી શકે નહીં. જે ફિલ્મમેકર તેમણે નક્કી કરેલા નિયમો વિરુદ્ધ જવા પ્રયત્ન કરે છે, વિરોધ કરે છે, તેની ફિલ્મને તેઓ નિશાન બનાવે છે. એના માટે તેમની પાસે અનેક રસ્તા છે. જેમ કે, ફિલ્મને વહેલી સવારનો કે બપોરે અઢી વાગ્યાનો શૉ ફાળવી દેવો. ક્યારેક રાત્રે અગિયાર વાગ્યાનો શૉ ફાળવે, પણ એક વ્યક્તિ સહપરિવાર ફિલ્મ જોવા માટે જે સમય ફાળવતી હોય (જેમ કે રવિવાર અથવા સાંજનો સમય)તેવો એકેય શૉ સામે પડનાર ફિલ્મમેકરને મળતો નથી. પરિણામે સારી ગુજરાતી ફિલ્મ પણ ધારી કમાણી કરી શકતી નથી અને તેની સીધી અસર સબસિડીના ગ્રેડ પર પડે છે. સરવાળે નિર્માતા દેવામાં ડૂબી જાય છે અને નિર્દેશકની કારકિર્દી દાવ પર લાગી જાય છે. ઇન્ડસ્ટ્રી પર મોનોપોલી ધરાવતા રાજકારણીઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બેઠી કરવાની વાતો કરે છે, પણ ખુદની મોનોપોલી ન તૂટે તેનું બરાબર ધ્યાન રાખે છે.

છેલ્લે, આટલી ચર્ચા કર્યા પછી એટલું તો સમજાય છે કે સરકારની દાનત ખોરી નથી, પણ સચિવાલય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જે વિભાગો સાથે લેવાદેવા છે ત્યાં વર્ષોથી અડિંગો જમાવીને બેસી ગયેલાં તત્ત્વો ઉત્સાહી ફિલ્મ નિર્માતાને ફાવવા દેતા નથી. આ જ લોકો છે, જેઓ ફિલ્મ નિર્માતા સુધી પહોંચતા લાભમાંથી મલાઈ તારવે છે. જો રાજ્ય સરકાર ખરેખર ગુજરાતી ફિલ્મોદ્યોગ બેઠો થાય તેમ ઇચ્છતી હોય તો વહેલી તકે આવા નુકસાનકારક તત્ત્વોને ઓળખી કાઢીને કાયમ માટે બહાર કરી દે તો જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસનો માર્ગ મોકળો થશે. બાકી વર્ષોથી જેમ ચાલ્યું આવતું હતું તેમ જ ચાલશે.

———————–,

Leave A Reply

Your email address will not be published.

Translate »