તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – જો ચુનિયા નીચું જો

સ્વજનોને હળવી મજાક ખાતર મૂરખ બનાવવાની વાત હતી

0 577

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

૧ લી એપ્રિલ એટલે એપ્રિલફુલ બનાવવાનો દિવસ. આ ફુલ એટલે મૂર્ખ. ફુલસ્કેપ શબ્દ પણ ફુલ એટલે મૂર્ખ ઉપરથી આવ્યો છે. પશ્ચિમમાં મૂર્ખ હોવાનો ઢોંગ કરતાં, પરંતુ સ્વભાવથી ખૂબ જ બુદ્ધિશાળી જોકર ઊંચી ટોપી પહેરતા હતા. એ ટોપીની સાઇઝ એટલે ફુલસ્કેપ સાઇઝ. ફુલ્સ કેપ એટલે મૂર્ખની ટોપી.

પહેલી એપ્રિલે એકબીજાને મૂર્ખ બનાવવાનો રિવાજ પણ પશ્ચિમની દેન છે. પૂર્વની સંસ્કૃતિ કોઈને મૂર્ખ બનાવવા માગતી જ નથી. આપણે ત્યાં ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડે વગેરે ઉજવાય છે એ પણ મૂળ તો પશ્ચિમનું અનુકરણ છે. પશ્ચિમની સંસ્કૃતિ એ દ્રાક્ષની સંસ્કૃતિ છે જેમાંથી વાઇન બને છે. આપણી પૂર્વની

સંસ્કૃતિ વાઇન નહીં, પરંતુ ડિવાઇન છે. આપણી સંસ્કૃતિમાં દ્રાક્ષ બદલે રુદ્રાક્ષ છે.

‘જે માતાજી પથુભા…’ મેં પથુભાના લવલી પાન સેન્ટર પહોંચીને જે માતાજી કર્યા.

‘એ જે માતાજી લેખક… જે માતાજી…’ પથુભાએ પોતાની આદત પ્રમાણે મારા જે માતાજીને ડબલ કરીને પરત આપ્યા.

‘તમને કંઈ સમાચાર મળ્યા?’ મેં કહ્યું.

‘ના…’ પથુભા બોલ્યા.

‘રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રવચનમાં કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે ગરીબોને માસિક છ હજાર લેખે બાર મહિને બોત્તેર હજાર આપીશું.’

‘અમારી કામવાળી કમુબહેન ચાર-પાંચ ઘરનાં વાસણ-કપડાં કરીને મહિને ત્રણ હજાર રૃપિયા કમાય છે. કમુબહેનનો ઘરવાળો જાહેર બગીચાનો ચોકીદાર છે. એનો પગાર ત્રણ હજાર છે. એમના ઘરની કુલ આવક મહિને છ હજાર છે. અમારી કામવાળી કમુબહેન ગઈકાલે જ મારા ઘરનાને કહેતી હતી કે રાહુલ ગાંધીની સરકાર આવે તો અમારે બંને વ્યક્તિએ આ ઢસરડા છોડી દેવા છે અને દર મહિને છ હજાર રૃપિયામાં બેઠાં-બેઠાં ખાવું છે અને ભગવાનનું ભજન કરવું છે.’ પથુભા બોલ્યા.

‘તો પછી તમામ ઘરનાં વાસણ-કપડાં કોણ કરશે?’

‘ઠકરાણા.. જો ઠકરાણા નહીં કરે તો લવલી પાન સેન્ટરના ધણી પથુભા બાપુ પોતે કરશે.’ પથુભાએ કહ્યું.

‘આજે પાછી બીજી જાહેરાત કરી છે.’ મેં કહ્યું.

‘વળી શું જાહેરાત કરી છે?’ પથુભાઈને આંચકો આવી ગયો.

‘રાહુલ ગાંધીએ જાહેરસભામાં કહ્યું કે જો અમારા પક્ષની સરકાર આવશે તો અમે એક વર્ષમાં બાવીસ લાખ બેરોજગારને સરકારી નોકરી આપીશું.’

‘શું વાત કરો છો?’

‘હા… પથુભા… એક વાત કહું?’

‘એક શા માટે પરંતુ બે કહો…’

‘કોંગ્રેસ હોય કે ભાજપ, આપ હોય કે બીજો કોઈ પક્ષ. મને તો આ લોકો પ્રજાને એપ્રિલફુલ બનાવતા હોય એવું લાગે છે.’

‘તમારી વાત સાચી છે. આજે બરાબર પહેલી એપ્રિલ જ છે.’

‘એ તો એક દિવસ માટે સ્વજનોને હળવી મજાક ખાતર મૂરખ બનાવવાની વાત હતી, પરંતુ નેતાઓ તો બારે મહિના પહેલી એપ્રિલ ઉજવે છે. દવાખાનું ખોલીશું, નિશાળો ખોલીશું, યુનિવર્સિટી ખોલીશું, રાહત કેન્દ્ર ખોલીશું, એવાં ઠાલાં વચનો આપે છે. અંતે કશું ખૂલતંુ નથી અને મતદારની આંખો ખૂલી જાય છે.’

‘એ ખૂલી ગયેલી આંખો અઢી વરસમાં બંધ થઈ જાય છે. બીજા અઢી વરસ સુધી બંધ જ રહે છે ત્યાં પાંચ વરસ પુરા થઈ જાય છે.’

‘પથુભાઈ એમ તો આપણા મા-બાપ પણ આપણને એપ્રિલફુલ બનાવે છે.’ મેં કહ્યું.

‘મા-બાપ ક્યારેય સંતાનોને મૂરખ ન બનાવે.’ પથુભા ખીજાઈ ગયા.

‘એ પણ મૂરખ બનાવે છે, પરંતુ જરા જુદી રીતે બનાવે છે. માબાપ પોતાનો જન્મદિવસ ઉજવવાની ના પાડે અને કહે કે પચાસ-પંચાવન વરસે હવે જન્મદિવસ ઉજવવાનો ન હોય અને પોતાનાં દરેક સંતાનનો જન્મદિવસ ધામધૂમથી ઊજવે છે.’

‘એમ તો પોતાની આર્થિક મુશ્કેલીઓ સંતાનોથી છુપાવીને એમનાં લગ્ન અને અભ્યાસ માટે લાખો રૃપિયા ખર્ચે છે.’ પથુભાએ કહ્યું.

‘પોતાના તૂટેલા ચશ્મા અને સાંધેલા ચંપલ હજુ ચાલે એવા છે એમ કહી સંતાનોને ગોગલ્સ અને બૂટ અપાવે છે એ એપ્રિલફુલ નથી તો બીજું શું છે? મેં કહ્યું.

‘દીકરો અને વહુ જુદા રહેવા જવાની વાત કરે ત્યારે આંખ સુધી આવી ગયેલાં આંસુને રોકી પરાણે હસવાનો અભિનય કરે છે એ પણ એપ્રિલફુલ જ કહેવાય.’

‘મને સિટી બસમાં નોકરી ઉપર જવાની મજા આવે છે એમ કહીને દીકરાને બાઈક અપાવતો બાપ એપ્રિલફુલ બનાવે છે.’

‘બસ… લેખક બસ… વધારે બોલશો તો હું રડી પડીશ.’ પથુભા બોલ્યા.

‘તમારા જેવો જવામર્દ માણસ રડી પડે?’

‘માબાપની યાદ તો ભલભલાને રડાવી નાખે ભાઈ, આપણા માબાપે જે રીતે

Related Posts
1 of 29

એપ્રિલફુલ બનાવ્યાં છે એ રીતે ભગવાન સૌને એપ્રિલફુલ બનાવે, પરંતુ અત્યારે તો લોકો સાવ જુદી રીતે એપ્રિલફુલ ઉજવે છે.’

‘કેવી રીતે?’

‘અંબાલાલ આજે સવારે આવ્યો હતો. એ મને કહે, મેં પાણીને એપ્રિલફુલ બનાવ્યું.’

‘પાણીને કેવી રીતે એપ્રિલફુલ બનાવી શકાય?’

‘અંબાલાલ મને કહે, મેં બાથરૃમમાં જઈને ગિઝર ચાલુ કર્યું.

‘આવી ગરમીમાં પણ એ ગરમ પાણીથી ન્હાય છે?’ મેં પૂછ્યું.

‘ઠંડા પાણીથી સ્નાન માટે જિગર જોઈએ અને ગરમ પાણીથી સ્નાન માટે ગિઝર જોઈએ-‘ પથુભાએ સિક્સર મારી દીધી.

‘અંબાલાલે શું કર્યું તે કહો.’

‘એણે ગિઝર ચાલુ કર્યું – ડોલમાં ગરમ પાણી ભર્યું અને પછી ગરમ પાણી સામે જોયા વગર જ ઠંડા પાણીથી નાહીને નીકળી ગયો.’

‘વાહ… અંબાલાલ વાહ… પાણીને મૂરખ બનાવ્યું.’

‘ચુનીલાલે જરા જુદી રીતે એપ્રિલફુલની ઉજવણી કરી.’ ચુનીલાલે અચાનક પ્રગટ થતાં કહ્યું.

‘તે કેવી રીતે ઉજવણી કરી તે હવે તું જ કહે.’ મેં કહ્યું.

‘મેં સવારના પહોરમાં મારા દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, આજે મારે તારો ૈં ઊ માપવો છે.’

‘શું માપવો છે?’ પથુભા સલવાયા.

‘ૈં ઊ એટલે બુદ્ધિનો આંક.’ મેં કહ્યું.

‘એ તો કૂવામાં હોય તો અવાડામાં આવે.’ પથુભા મૂંગા ન રહ્યા.

‘તું તારી વાત આગળ ચલાવ ચુનીલાલ.’

‘મેં મારા દીકરાને એક શબ્દ કહ્યો ઃ મલયાલમ. આ “મલયાલમ”ને ગમે તે બાજુથી વાંચો તો “મલયાલમ” જ વંચાય.’ ચુનીલાલ બોલ્યો.

‘અરે વાહ… આવો તો ક્યારેય વિચાર જ ન આવ્યો.’

‘બીજો શબ્દ છે, “નવજીવન” એને ગમે તે બાજુથી વાંચો તો “નવજીવન” જ વંચાશે.’ ચુનીલાલ બોલ્યો.

‘વાહ ચુનીલાલ કમાલ છે દોસ્ત.’ મેં પાનો ચડાવ્યો.

‘મેં મારા દીકરાને એક વાક્ય કહ્યું ઃ જો પસા સાપ જો… આ વાક્ય પણ ઊંધેથી વાંચો તો પણ ‘જો પસા સાપ જો’ એમ જ વંચાશે. પછી મેં બીજું વાક્ય કહ્યું ઃ ‘જા માણકા કાણમા જા’ આ વાક્યા પણ સવળું કે ઊંધંુ ગમે તે બાજુથી વાંચો તો એક સરખું જ વંચાશે.’

ચુનીલાલે કહ્યું.

‘હવે મને યાદ આવ્યું. મારા ધનગૌરી ફૈબા અમને એક વાક્ય કહેતાં હતાં. ‘લીમડી ગામે ગાડી મલી’ પછી અમને ઊંધેથી વાંચવાનું કહેતાં અને અમને ખૂબ આશ્ચર્ય થતું, કારણ બંને બાજુથી આ વાક્ય પણ સરખંુ જ રહે છે.

‘ચુનીલાલ… આમાં એપ્રિલફુલની વાત ક્યાં આવી?’ પથુભા બોલ્યા.

‘મેં મારા દીકરાનો  ૈં ઊ માપવા માટે કહ્યું કે તું ચુનીલાલનો દીકરો હોય તો આવું એક વાક્ય બનાવી લાવ.’

‘એણે બનાવ્યું…?’ હવે હું અધીરો થયો.

‘એણે મને કહ્યું કે પપ્પા… હું વાક્ય બનાવું, પણ પહેલાં મને વચન આપો કે તમે મને મારશો નહીં અને ગુસ્સે પણ થશો નહીં. મેં કહ્યું કે એ વાક્ય સાચંુ હશે તો ચુનીલાલનું વચન છે કે એક અક્ષર પણ બોલીશ નહીં. મેં અભયદાન આપ્યું એટલે મારો દીકરો બોલ્યો ઃ ‘જો ચુનિયા નીચું જો.’ ચુનીલાલે વાત પુરી કરી અને અમે ખડખડાટ હસી પડ્યા.

‘ત્યાં અક્ષર પણ બોલ્યો નથી ને?’ પથુભાએ પૂછ્યંુ.

‘ત્યાં વચન આપ્યું હતું એટલે મૌન રહ્યો અને અહીં આવીને બોલ્યો.’

‘તારા દીકરાએ તને બરાબરનો મૂરખ બનાવ્યો.’ મેં કહ્યું.

‘બેટો બાપથી ચડ્યો. બાપ એક નંબરી તો બેટા દસ નંબરી.’ પથુભાએ પૂરું કર્યું.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »