તમારા માટે, તમારી સાથે, સતત…

અને સત્યેન શાહે રિપોર્ટર અટલને મળવાનું નક્કી કર્યું

લચ્છુએ એના પિતાએ ખરીદેલ રિવૉલ્વર સેફમાંથી બહાર કાઢી

0 138

સત્-અસત્  ( નવલકથા પ્રકરણ 5 )
લે. સંગિતા સુધીર

( વહી ગયેલા વાર્તાનો સાર )

અને સત્યેન શાહે રિપોર્ટર અટલને મળવાનું નક્કી કર્યું

બિઝનેસમાં નામના મેળવ્યા બાદ સત્યેન શાહે એનજીઓ, સામાજિક સંસ્થાઓમાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો. સત્યેનને બોલિવૂડના ટોચના એક્ટરો, ડિરેક્ટરો, પ્રોડ્યુસરો તેમજ નેતાઓ જોડે ઘરોબો હતો. લેખકો-કવિઓથી લઈને દરેક ક્ષેત્રમાં તેમની ઉઠક-બેઠક અને વગ હતી. મુંબઈમાં પોતાની સાથે રહેતા સત્યેનને બધો કારભાર સોંપી કાંતિલાલ પણ ધાર્મિક કાર્યાેમાં વળી ગયા. અલબત્ત, સત્યેન સામે મયૂરી તેમજ અન્ય ચાર મહિલાઓએ કરેલા આક્ષેપો એ જરૃર કોઈનું કાવતરું છે તેવું તેમનું દ્રઢપણે માનવું હતું. પિતા કાંતિલાલની જેમ જ પુત્ર મંથન અને પત્ની સાવિત્રીને પણ સત્યેન શાહનું મૌન અકળાવતું હતું. સત્યેન ઉપર તેમને સંપૂર્ણ ભરોસો હતો છતાં તેઓ શાંત કેમ બેઠા છે અને શા માટે મીડિયા સમક્ષ જતા નથી તે વાત તેમને સમજાતી ન હતી. દરમિયાન સત્યેન સાવિત્રીની શંકા દૂર કરવા કંઈ કહે તે પહેલાં તેમના મોબાઇલ પર અટલનો ફોન આવ્યો. અટલે મિસીસ મયૂરી અને અન્ય ચાર મહિલાઓએ કરેલા આક્ષેપો વિશે હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યાે. અટલે પોતે સાચી હકીકત સમાજ સમક્ષ રજૂ કરશે તેવો ભરોસો આપ્યો. લાંબી વાતચીતના અંતે સત્યેન શાહ રિપોર્ટર અટલને સત-અસત જણાવવા માટે પોતાની ઑફિસમાં મળવા તૈયાર થયા. બીજી તરફ આખો વાર્તાલાપ સાંભળી સાવિત્રીની મૂંઝવણ ઓર વધી ગઈ. આ તરફ સત્યેન શાહ સાથે વાત કર્યા બાદ અટલનું મગજ ચકરાવે ચડી ગયું. આવી જ અસમંજસમાં તેણે મયૂરી અને તેના પતિ મહેશકુમાર મહેતાની જાણકારી મેળવી. મયૂરીએ સત્યેન શાહ સાથે પડાવેલા બધા જ ફોટામાં તે સત્યેન શાહ તરફ ઢળેલી જોવા મળી. ઉંમરમાં મયૂરીથી ખૂબ મોટા મહેશકુમાર પણ સત્યેન શાહની જેમ જ બહોળું ધંધાદારી ક્ષેત્ર ધરાવતા હોવાનું જાણવા મળ્યું. મહેશકુમારની એક કંપનીએ નોંધાવેલી નાદારીની તપાસ કરતાં અટલને જાણવા મળ્યું કે પચ્ચીસ વર્ષ અગાઉ મહેશકુમારની કંપનીએ સત્યેન શાહની કન્સ્ટ્રક્શન કંપનીને એક કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયે મહેશકુમારની કંપનીએ બે લાખની રકમ ન ચૂકવતાં સત્યેન શાહની કંપનીએ મુંબઈ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.

 એમાં મહેશકુમારના બીજા લેણદારો પણ જોડાયા હતા. આથી કોર્ટે કંપનીને નાદાર જાહેર કરી હતી. સત્યેન શાહ વિરુદ્ધ બદલો લેવા મહેશકુમારે પત્ની મયૂરી સાથે મળી જરૃર કાવતરું ઘડ્યું હશે તેવી અટલની શંકા વધુ પાકી થઈ. બીજી તરફ તેજાનીએ સત્યેન શાહને ખોખરો કરવા ઇન્ડસ્ટ્રીના મવાલીને સોપારી આપી. દરમિયાન ડેવિડ ગોન્સાલ્વિસે એના જોડીદાર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર, બોડી બિલ્ડર રોડ્રિગ્સ ફર્ર્નાન્ડીસને ફોન કરી સુઝનનું શોષણ કરનાર સત્યેન શાહને પાઠ ભણાવવા મળવાનું નક્કી કર્યું. અમર્ત્યે ટાઇગર બાય ધ ટેલનવલકથાના પ્લોટના આધારે સત્યેન શાહનું મર્ડર કરવાનો પ્લાન ઘડી કાઢી તેને અમલમાં લાવવાનો નિર્ણય કર્યાે.

હવે આગળ વાંચો…

લચ્છુએ એના પિતાએ ખરીદેલ રિવૉલ્વર સેફમાંથી બહાર કાઢી. કલાકો સુધી એ પકડીને એના બેડરૃમમાં એકલો-એકલો વિચાર કરતો બેસી રહ્યો. આખરે એણે એક નિર્ણય લીધો.

મિસ્ટર અદનાની, અઠવાડિયાથી તમે કેમ દેખાતા નથી?’ લચ્છુ અદનાની એની  કમ્યુનિટીના પ્રેસિડન્ટને ફોન કરીને કંઈ કહેવા જાય એ પહેલાં જ પ્રેસિડન્ટે એને પ્રશ્ન કર્યો.

મિસ્ટર તેજાની, હું કયા મોઢે તમને કે આપણી કમ્યુનિટીના બીજા લોકોને મળું?’

લચ્છુ, તારી વાત સાચી છે. મારા તો માન્યામાં જ નથી આવતું કે રમણીજી જેવી સાદીસીધી સ્ત્રીનું સત્યેન શાહ જેવો મોટો માણસ જાતીય શોષણ કરે.

શ્યામ, એટલે જ મને કોઈને મોઢું દેખાડવાની ઇચ્છા નથી થતી. મેં નક્કી કર્યું છે કે મારી જ રિવૉલ્વરથી હું મારી જાતને ખતમ કરી નાખું.

અરે… અરે આ તું શું બોલે છે, લચ્છુ?’

હા, શ્યામ… આ મારો છેલ્લો ફોન અને તારી જોડે મારી છેલ્લી વાત છે.

ગાંડો થયો છે? ખબરદાર છે જો આવું કંઈ પગલું ભર્યું છે તો, ક્યાં છે રમણીજી? બોલાવ એમને? મારે એમને કહેવું પડશે કે તું કેવા પાગલ જેવા વિચારો કરે છે. ખબરદાર છે, જો તેં કંઈ આડુંઅવળું પગલું ભર્યું છે તો.

તો હું શું કરું?’ બોલતાં-બોલતાં લચ્છુ અદનાની રડી પડ્યો. શ્યામ તેજાનીએ સમયસૂચકતા વાપરી બીજા મોબાઇલ ઉપરથી લચ્છુની પત્ની રમણીને ફોન કર્યો. રમણી તુરંત જ એના બેડરૃમમાં ધસી ગઈ અને લચ્છુના હાથમાંથી રિવૉલ્વર ઝૂંટવી લીધી. પછી મોબાઇલ પણ ઝૂંટવ્યો અને સામે છેડે વાટ જોઈને બેઠેલા શ્યામ તેજાનીને કહ્યું ઃ શ્યામજી, તમારો ખૂબ-ખૂબ આભાર. એ તો રિવૉલ્વર લઈને જ બેઠા હતા.

એને ફોન આપ.

રમણીએ એના પતિને મોબાઇલ પાછો આપ્યો. જો લચ્છુ, તારી સ્ત્રીનું અપમાન એટલે મારી બહેનનું અપમાન. આપણી આખી સિંધી કોમનું અપમાન. એ નાલાયકે તારી વાઈફ, મારી બહેન રમણીનું જ જાતીય શોષણ નથી કર્યું. આખી આપણી સિંધી કોમનું જાતીય શોષણ કર્યું છે. આપણે બધા સત્યેનને ઘેરો ઘાલશું. ધરણા કરશું, પોલીસને ફરજ પાડશું કે તેઓ એણે કરેલા દુષ્કૃત્ય બદલ એને એરેસ્ટ કરે અને કાયદેસર એના ઉપર કામ ચલાવે.

પણ આમાં મને કોણ સાથ આપશે?’ લચ્છુએ રડમસ અવાજે પૂછ્યું.

આપણી આખી સિંધી કોમ. જો કાલે રવિવાર છે. આપણી કોમની મિટિંગ છે. એમાં હું આ વાત બધાને જણાવીશ. મને ખાતરી છે કે આપણી કોમનાં બધાં સ્ત્રી-પુરુષો એ સાલા સત્યેનને પાઠ ભણાવવા તૈયાર થશે. સોમવારની સવારના આપણે એને ઘેરો ઘાલશું.

* * *

રવિવાર એટલે રજાનો દિવસ. મજાનો દિવસ.

અટલ નોકરી કરતો ન હતો. એને માટે બધા જ દિવસો સરખા હતા. સોમવારે પણ એ રજા માણી શકતો હતો. છને બદલે દસ વાગે ઊઠી શકતો હતો, પણ અટલે પોતાની જાતે જ, જાતને શિસ્ત પાળવાની ટેવ પાડી હતી. સોમથી રવિ, સાતે દિવસ એ છ વાગે જ ઊઠી જતો. નિત્યક્રમ પતાવી, છાપાંની હેડલાઇન્સ જોઈ, સાત વાગે એ વર્સોવામાં આવેલ લોખંડવાલા કૉમ્પ્લેક્સના એના વન રૃમ-કિચનના ફ્લેટની સાંકડી ગૅલરીમાં, ફોલ્ડિંગ ટેબલ-ખુરસી અને લૅપટૉપ મૂકીને બનાવેલ ઑફિસમાં પ્રવેશી જતો. સવારના કોઈનો ઇન્ટરવ્યૂ કરવાનો હોય તો લેખનકાર્ય મુલતવી રાખતો, અન્યથા દસ વાગ્યા સુધી એ લેખનકાર્યમાં વ્યસ્ત રહેતો. અટલ વિવિધ સામાજિક વિષયો ઉપર લખતો. પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કરતો. નવલિકાઓ તેમ જ નવલકથાઓ સર્જતો. અંગ્રેજીનાં વિખ્યાત પુસ્તકોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરતો. એનાં લખાણો શુદ્ધ, સ્પષ્ટ અને જલદ હતાં. આથી એ અનેકનો અળખામણો હતો, પણ મોટા ભાગના વાચકોને એનાં લખાણો ગમતાં હતાં. એની સાપ્તાહિક કૉલમો ચાર ગુજરાતી અખબાર અને બે સામયિકમાં નિયમિત પ્રગટ થતી. અવારનવાર વક્તવ્ય આપવા લાયન્સ‘, ‘રૉટરી‘, ‘જાયન્ટ્સ‘, ‘જૈન જાગૃતિજેવી સંસ્થાઓ અટલને આમંત્રણ પાઠવતી. સત્યવક્તા હતો એટલે પૈસો ભેગો કરી શક્યો નહોતો, પણ ચાલીસમા વર્ષે એકલો રહેતો અટલ ખાધેપીધે સુખી હતો.

 રવિવારે પણ અટલનો નિત્યક્રમ બદલાતો નહીં. ફક્ત રજાના એ દિવસે બ્રેકફાસ્ટમાં રોજની જેમ બટાટાપૌંઆ, ઉપમા, ચીઝ ટોસ્ટ, ખાખરા કે પછી બાજરાનો રોટલો ન ખાતાં અટલ જલેબી-ગાંઠિયા ખાવાનો આગ્રહ રાખતો. રજાના એ દિવસે એ લેખનકાર્ય બને ત્યાં સુધી ન આદરતાં છાપાંની પૂર્તિઓ બાર-એક વાગ્યા સુધી શાંતિથી પૂરેપૂરી વાંચતો. જો બીજો કોઈ ખાસ કાર્યક્રમ ન હોય તો રવિવારે એના માનીતા બાર બોટમ્સ અપમાં જઈ બીયરની એકાદ બાટલી ગટગટાવતો. એને મનગમતી ડિશો એ ત્યાં જ આરોગતો. ચીડિયા કા ઘોંસલાજેવા બાર બાય પંદર ફૂટના એના સિંગલ બેડરૃમમાં મૂકેલા સોફા-કમબેડને ખોલી બપોરના એકાદ-બે કલાકની ઊંઘ ખેંચી કાઢતો. સાંજના જુહૂ નહીં તો પ્રેસ ક્લબમાં અને કોઈક વાર ફિલ્મ કે નાટક જોવા જતો.

એવું શું હશે કે દિવસો સુધી ફોન પણ રિસીવ ન કરતા સત્યેન શાહ અચાનક જ મને મુલાકાત આપવા તૈયાર થઈ ગયા? શા માટે એમણે વારંવાર કહ્યું કે એમની સામે કરવામાં આવેલ આક્ષેપો જો સાચ્ચા હોય તો?’

જેણે વાચકોમાં સનસનાટી ફેલાવી હતી એવી છપ્પન પ્રકરણની હપ્તાવારે પ્રસિદ્ધ થતી નવલકથાનું સોમવારે આખરી અને વાચકોની ઇંતેજારીનો અંત લાવતું છપ્પનમું પ્રકરણ પ્રસિદ્ધ કરવા માટે લખવાનું બાકી હતું. હજુ ગઈકાલે જ એક રાજકીય નેતાએ એને એમના ઇન્ટરવ્યૂમાં ગરમાગરમ માહિતી આપી હતી. એ ઇન્ટરવ્યૂ પણ લખવાનો બાકી હતો. આ ઉપરાંત, એ જે ચાલુ કૉલમો લખતો હતો એમાંની પણ એક-બે કૉલમો લખવાની બાકી હતી. આ બધું ન વિચારતાં અટલના દિલ અને દિમાગ ઉપર સત્યેન શાહના વિચારોએ કબજો જમાવ્યો હતો.

સત્યેન શાહના વિચારમાં ને વિચારમાં અટલને આખી રાત ઊંઘ નહોતી આવી. રાત્રિ આખી જાગતાં જ પડખાં ફેરવીને પસાર કરી અટલ પાંચ વાગતાં પથારીમાંથી બેઠો થઈ ગયો. બ્રશ કરી, ચાનો કપ લઈને એ બાલ્કનીમાં મૂકેલ ટેબલની સામેની ખુરસી ઉપર જઈને બેઠો. પહેલા માળની બાલ્કનીમાંથી અટલને એની સોસાયટીના કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ બાંધતી વખતે જે કાપી નાખવામાં આવ્યું ન હતું એ ઝાડની એક ડાળી ઉપર બાંધેલ પક્ષીનો માળો દેખાતો હતો. એ માળો અને એમાંનું પક્ષી જોવાની અટલને આદત પડી ગઈ હતી. એ ઝાડ ઉપરનાં પક્ષીઓનો કલબલાટ સાંભળતાં અટલનું મન પ્રફુલ્લિત થઈ જતું. આજે અટલે એ માળા સામે ન જોયું. થોડી થોડી વારે કોલાહલ કરતાં એ ઝાડનાં પક્ષીઓ એ દિવસે એને શાંતિનો ભંગ અને વિચારમાં ખલેલ પાડતાં જણાયાં.

આવતીકાલે હું જ્યારે સત્યેન શાહને મળું ત્યારે એમને કયા સવાલો કરવા જોઈએ?’

અટલ કોઈનો પણ ઇન્ટરવ્યૂ કરવા જાય એ પહેલાં એ વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લેતો. ઇન્ટરવ્યૂમાં શું પૂછવું જોઈએ?, કઈ બાતમી મેળવવી જોઈએ?, ઇન્ટરવ્યૂ આપનારી વ્યક્તિ એને જે વિષય ઉપર જાણકારી જોઈતી હોય એ આપવાનું ટાળતી હોય તો સિફતથી એમની આગળ એ જાણકારી કઈ રીતે કઢાવવી? આ બધું અટલ વિચારી રાખતો. આથી જ એણે લીધેલા ઇન્ટરવ્યૂઝમાં જોઈતી બધી જ બાતમીઓ વાંચવા મળતી અને વાચકોને એ વાંચવામાં રસ પડતો. ભલભલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એવું ઇચ્છતી કે અટલ એમનો ઇન્ટરવ્યૂ કરે.

સત્યેન શાહને પૂછવાના સવાલો અટલે મનોમન વિચાર્યા. હવે એ સવાલોમાંથી એકાદ વીસરી ન જવાય એ માટે અટલ એ નોંધી લેવા લાગ્યો. સવાલો નોંધવાનું પૂરું કરે એ પહેલાં જ અટલે બાલ્કનીમાંથી એને રોજ છાપાં પહોંચાડનાર છોકરાને નીચે જોયો. બે મિનિટમાં જ એ છાપાવાળો પહેલે માળે આવેલ અટલના ફ્લેટ પાસે આવી પહોંચ્યો. અટલે ફ્લેટનો દરવાજો ખોલીને અધીરાઈથી છાપાં હાથમાં લીધાં. આજનાં છાપાંની પૂર્તિમાં સત્યેન શાહ વિરુદ્ધ અન્ય ચાર સ્ત્રીએ જાતીય શોષણના જે આક્ષેપો કર્યા હતા એમના ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થવાના હતા. એ ચાર સ્ત્રીઓએ શું આક્ષેપો કર્યા છે?, કેટલી હદ સુધી તેઓ જુઠ્ઠું બોલ્યાં છે? અટલને એ જાણવાની ખૂબ જ ઇંતેજારી હતી.

તંત્રી રાજેશ શાહના અખબાર ગરવો ગુજ્જુની પહેલા પાના ઉપરની હેડલાઈન્સે અટલને ચોંકાવી દીધો.

Related Posts
1 of 34

સિત્તેરની વય વટાવી ચૂકેલા બોલિવૂડના ડાન્સિંગ સુપર સ્ટારે પચાસ વર્ષ પહેલાં કરેલો બળાત્કાર

આ હેડલાઈન વાંચવાનું પૂરું કર્યું અને અટલની નજર એ અખબારના એ જ પહેલા પૃષ્ઠ ઉપર જે બીજી હેડલાઈન હતી એની ઉપર ગઈ ઃ

જાતીય શોષણ માટે પ્રતિષ્ઠિત વેપારીની ધરપકડ.

આ બે ખબર ઓછી હોય એમ અખબારના એ જ પાના ઉપર બોક્સમાં છપાયેલ આઇટમે અટલને વધુ ચોંકાવી દીધો ઃ

જાતીય શોષણ ફક્ત સ્ત્રીઓનું જ નથી થતું. સેક્સની બાબતમાં સમલિંગી પુરુષો પણ પુરુષોનું જાતીય શોષણ કરે છે. વાંચો, એક પ્રસિદ્ધ અભિનેતા અને એક પ્રસિદ્ધ કંપનીના સીઈઓની કબૂલાતો. પૃષ્ઠ-૮ ઉપર.

પૃષ્ઠ-૮ ઉપર તો હજુ વધુ ચોંકાવનારી વિગતો હતી. ગરવો ગુજ્જુએ છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકામાં જે-જે સ્ત્રીઓએ એમના ઉપર વર્ષો પહેલાં જાતીય શોષણ થયું હતું યા બળાત્કાર કરવામાં આવ્યો હતો એવી દસ મહિલાનું લિસ્ટ છાપ્યું હતું. પીડિતા સ્ત્રીનું નામ, એનું શોષણ કરનારી વ્યક્તિનું નામ, બંનેનો સંક્ષિપ્ત પરિચય અને ટૂંકમાં એમની ક્યારે, ક્યાં અને કેવી રીતે જાતીય હેરાનગતિ કરવામાં આવી હતી એ જણાવવામાં આવ્યું હતું. વાચકોને વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ‘ગરવો ગુજ્જુરોજ આવી એક સ્ત્રીનો ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરશે. દર અઠવાડિયે આવી પીડિતાઓ અને એમના શોષણકર્તાઓનાં નામો જાહેર કરશે.

આ વાંચતાં અટલનું માથું ભમવા લાગ્યું. એકાએક આ બધી સ્ત્રીઓને કેમ યાદ આવ્યું કે વર્ષો પહેલાં કોઈએ એમનું જાતીય શોષણ કર્યું હતું, કોઈએ એમના ઉપર બળાત્કાર આચર્યો હતો. જ્યારે એમનું જાતીય શોષણ થયું હતું, એમના ઉપર જ્યારે બળાત્કાર આચરવામાં આવ્યો હતો ત્યારે કેમ કોઈએ ફરિયાદ નહોતી કરી. ફરિયાદ કદાચ તુરંત ન કરી હોય, પણ આવા ગુનાની થોડા સમય બાદ તો તેઓ ફરિયાદ કરી શક્યા હોત. આવો ભયંકર અપરાધ કોઈએ કર્યો હોય અને વર્ષો સુધી આ સ્ત્રીઓ મૂંગી રહે? કોઈને કહે જ નહીં? અને અચાનક જ આ બધી સ્ત્રીઓ ફરિયાદ કેમ કરવા લાગી? વર્ષો બાદ આવી ફરિયાદ કરવા પાછળ એમનો ઉદ્દેશ શું હતો?

અને પુરુષો? તેઓ પણ એટલા કાયર હતા કે એમના પર સમલિંગી પુરુષોએ જાતીય શોષણ કર્યું એ એમણે મૂંગે મોઢે સહન કર્યું? વર્ષો પછી જ્યારે તેઓની પ્રસિદ્ધિ ઓસરવા લાગી ત્યારે જ એમને એમના પર થયેલા અત્યાચારો યાદ આવ્યા અને અખબારને જણાવવાનું સૂઝ્યું?

અટલે જોયું કે જાતીય શોષણનો આરોપ કરનારાં બધાં જ સ્ત્રીઓ અને પુરુષો એમની જિંદગીની અડધી સદી વટાવી ચૂક્યાં હતાં. એક સમયે એ સૌ સેલિબ્રિટી હતાં. ઉંમરને કારણે યા અન્ય કારણોને લીધે આજે એમની લોકપ્રિયતા ઓસરી ગઈ હતી. બધી જ વ્યક્તિઓએ જે આક્ષેપો કર્યા હતા એ વર્ષો પહેલાં બનેલી ઘટનાઓ હતી. જેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ સૌ સમાજની આગળ પડતી વ્યક્તિઓ હતી. પરલોક સિધાવેલી વ્યક્તિ સામે કોઈએ આક્ષેપો નહોતા કર્યા. અટલના મતે ચીપ પબ્લિસિટી મેળવવાનો આ એક સરળ અને સચોટ રસ્તો હતો. અલબત્ત, આ નેગેટિવ પબ્લિસિટી હતી, પણ પ્રસિદ્ધિ મેળવવાની લોકોની ઘેલછા આટલી હદ સુધી એમને લઈ જતી હોય છે.

અઢારમે વર્ષે જ અટલે રિપોર્ટર તરીકેની કામગીરી શરૃ કરી હતી. કૉલેજના મૅગેઝિનમાં એ રિપોર્ટર તરીકેનું કામ કરતો અને કૉલેજના પ્રોફેસરો અને સ્ટુડન્ટોની બધાથી અજાણ વાતો શોધી કાઢીને એ પ્રસિદ્ધ કરતો. ૧૯૪૧માં આર.કે. કરંજિયાએ પ્રસિદ્ધ કરેલ બ્લિટ્ઝસાપ્તાહિક એના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સ માટે જાણીતું હતું. આર.કે. કરંજિયા ભલભલાની અંગત, સારી-નરસી વાતો છતી કરીને ખળભળાટ મચાવી મૂકતા. સચ્ચાઈની શોધ આદરવાનો અને એના ઉપર પ્રકાશ પાથરવાનો એમનો શોખ હતો. અટલનું પણ એ જ પૅશન હતું. અટલ પણ અખબારની દુનિયામાં ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર તરીકે જાણીતો થયો હતો. એણે લીધેલો ઇન્ટરવ્યૂ, એણે પ્રસિદ્ધ કરેલી બાતમી, અધૂરી ન જ હોય, એકપક્ષીય ન હોય, એ જે લખે છે એની પૂરેપૂરી જાંચતપાસ કરીને એની સચ્ચાઈની ખાતરી કર્યા પછી જ અટલ લખતો હોય છે એવી એની છાપ હતી.

અટલ એના અનુભવના આધારે બરાબર જાણતો હતો કે જેમનું ખરેખર જાતીય શોષણ થયું હોય અને જેને એનો વાંધો હોય તેઓ તુરંત જ એની જાણ કરતા હોય છે. જેમણે સ્વેચ્છાએ જાતીય શોષણ પોતાના લાભ માટે કરવા દીધું હોય અથવા તો સામે ચાલીને અંગત લાભ માટે પોતાની જાતને સમર્પિત કરી હોય એવી સ્ત્રીઓ વર્ષો પછી ફરી પાછી પોતાના અંગત લાભ માટે વર્ષો પહેલાંની વાત ઉખેળીને જાતીય શોષણના આક્ષેપો કરતી હોય છે.

અટલને ખાતરી હતી કે જાતીય શોષણના આક્ષેપો કરનારી એ બધી વ્યક્તિઓ જુઠ્ઠી હતી. એમના આક્ષેપો ખોટા હતા. ઓસરી ગયેલી લોકપ્રિયતા પાછી મેળવવા, ફરીથી લોકો એમની વાતો કરે, એમનાં નામો લે, એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે, છાપાંમાં એમના ઇન્ટરવ્યૂઝ છપાય, આ માટે જ તેઓએ આવા ખોટા આક્ષેપો કર્યા છે. અટલનું એવું દૃઢપણે માનવું હતું કે આ વ્યક્તિઓ જે ફરિયાદ કરી રહ્યા હતા એ છૂટછાટ, એ શય્યાસુખ, બળજબરીને કારણે નહીં, પણ ફરિયાદ કરનારી વ્યક્તિએ પોતાના લાભ ખાતર કરવા દીધા હશે. એમણે એ પરિસ્થિતિમાંથી ફાયદો ઉપજાવ્યો હશે. આજે પાછા તેઓ એમના પોતાના ફાયદા માટે જ આવા આક્ષેપો, આવી જાહેરાતો કરી રહ્યા છે.

અટલને આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં બનેલ એના પોતાના જીવનનો જ એક કિસ્સો યાદ આવ્યો.

એક સામાન્ય કુટુંબની, સુંદર, ચબરાક, ભણેલી અને મહત્ત્વાકાંક્ષી વીસ-બાવીસ વર્ષની યુવતીએ એના પિતા સમાન પચાસ વર્ષ વટાવી ચૂકેલ, બે સંતાનના પિતા, જેઓ એક ખૂબ જ સફળ બિઝનેસમૅન હતા અને થોડા સમય પહેલાં જ વિધુર થયા હતા એની જોડે લગ્ન કર્યાં હતાં. લગ્નનો હેતુ એ બિઝનેસમૅનની સફળતા અને સંપત્તિ હતો એ ચોખ્ખું દેખાઈ આવતું હતું. લગ્ન બાદ પતિની શાખ અને સંપત્તિ દ્વારા એ યુવતીએ સમાજસેવા આચરવા માંડી. ઠેર-ઠેર ડૉનેશનો આપીને પોતાની વાહ વાહ બોલાવવા માંડી. રોજ રોજ અખબારોમાં એની ચૅરિટીના અહેવાલો છપાવા માંડ્યા. એ યુવતીની સેક્રેટરીએ અટલને એ યુવતીનો ઇન્ટરવ્યૂ કરવા ખાસ આમંત્રણ આપ્યું. અટલને એ યુવતી ઇન્ટરવ્યૂ કરવા યોગ્ય ન લાગી. એનામાં લુચ્ચાઈ સિવાય કોઈ આવડત જ નહોતી, જેના વિશે અટલ લખે. અટલે એ યુવતીનો ઇન્ટરવ્યૂ લેવાની ના પાડી. આમ છતાં ઇન્ટરવ્યૂ કરવા માટેનાં કહેણ આવતાં જ રહ્યાં.

એક સવારના અટલના આશ્ચર્ય વચ્ચે એ યુવતી જાતે અટલના ફ્લેટ ઉપર આવી પહોંચી. શિસ્તતા ખાતર અટલે એને એના વ્યવસ્થિત રીતે રખાયેલ નાનકડા ફ્લેટમાં આવવા દીધી. કૉફી ઑફર કરી. આવવાનું કારણ પૂછ્યું.

તમે મારો ઇન્ટરવ્યૂ કરવાની ના શા માટે પાડો છો?’

બહેન, મને તમારામાં એવું કંઈ વિશેષ જણાતું નથી કે હું તમારો ઇન્ટરવ્યૂ કરું.અટલે ઇન્ટરવ્યૂ ન કરવા પાછળનું કારણ સચ્ચાઈપૂર્વક જણાવ્યું.

વિશેષ કંઈ ન હોય તો ઉપજાવી કાઢો. તમે લેખકો અને રિપોર્ટરો એ બાબતમાં કુશળ છો.આંખો નચાવતાં અને પહેરેલ પંજાબી ડ્રેસ ઉપરનો દુપટ્ટો જાણીજોઈને ખભા પરથી સરકાવી દેતાં એ યુવતીએ જણાવ્યું.

સોરી… પણ હું એમાંનો લેખક કે રિપોર્ટર નથી.એ યુવતીની અશિષ્ટ ચેષ્ટા તરફ દુર્લક્ષ કરતાં અટલે કહ્યું.

આટલા બસ થશે?’

કળાત્મક ક્લચ ઉઘાડી એમાંથી પાંચસો-પાંચસોની વીસ નોટ કાઢીને અટલની સામે ધરતાં એ યુવતીએ કહ્યું. 

જુઓ બહેન, પૈસા તમારા પર્સમાં પાછા મૂકી દો. લક્ષ્મી જોઈને ચળી જાઉં એવો હું લેખક કે રિપોર્ટર નથી.

તો પછી મેનકાને જોઈને તો લોભાતા જ હશો.એ યુવતીનું નામ મેનકા હતું ઃ વિશ્વામિત્ર પણ એ અપ્સરાને જોઈને લોભાઈ ગયા હતા.

હવે એ યુવતીએ ખભા ઉપરથી નીચેલ પાડેલ દુપટ્ટો ફેંકી દીધો. પહેરેલ ટૉપનાં આગલાં બટનો એણે ખોલવા માંડ્યાં.

એ મૅડમ, અત્યાર સુધી હું તમારી આમન્યા રાખતો હતો. હવે તમે હદ ઓળંગી રહ્યાં છો. મહેરબાની કરીને અહીંથી ચાલ્યાં જાવ.અટલે એક હાથે એ યુવતીનો હાથ પકડ્યો, બીજા હાથે એના ફ્લેટનો દરવાજો ખોલ્યો. મેનકાને ધક્કો મારીને અટલે બહાર કાઢી. ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો.

અટલે ધાર્યું હતું એમ જ થયું. બીજે દિવસે જ મેનકાએ અટલે મારું જાતીય શોષણ કર્યું છેએવો આક્ષેપ કર્યો-.

અટલ આવું કરે જ નહીં…એવી ખાતરી ધરાવનારા, અટલને બરાબર ઓળખતા અખબારના તંત્રીઓએ એ જુઠ્ઠો આક્ષેપ છાપ્યો. મેનકાનો પતિ એની પત્નીને બરાબર ઓળખતો હતો. એણે પત્નીના આક્ષેપને રદિયો આપ્યો. અખબારોના તંત્રીઓને સૂચના આપી કે અટલ વિરુદ્ધ કંઈ પણ ન છાપવું. અટલની થોડી બદનક્ષી થઈ, પણ એ ત્યાં જ અટકી ગઈ. પછીથી અટલને જાણવા મળ્યું કે એ મેનકાને અન્ય કોઈ પુરુષ જોડે સંભોગ કરતાં એના પતિએ પકડી હતી. એ પછી એણે છૂટાછેડા લઈને મેનકાથી છુટકારો મેળવ્યો હતો.

સ્વાનુભવને કારણે અટલને સો ટકા ખાતરી હતી કે આ સ્ત્રીઓ જેઓ વર્ષો પછી જાતીય શોષણના આક્ષેપો કરે છે એમના આક્ષેપોમાં સચ્ચાઈ નથી. સત્યેન શાહ સામે કરવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા હતા.

અટલની આ માન્યતા એ જ દિવસે ગરવો ગુજ્જુમાં તેમ જ અન્ય અખબારો અને મૅગેઝિનોમાં પ્રસિદ્ધ થયેલ સત્યેન શાહ સામે જેમણે જાતીય શોષણના આક્ષેપો કર્યા હતા એ ચાર સ્ત્રીઓના ઇન્ટરવ્યૂઝ ખોટા પાડતી હતી. અટલે સત્યેન શાહને એમના ઇન્ટરવ્યૂ દરમિયાન એ જે પ્રશ્નો કરવા ઇચ્છતો હતો એની યાદીમાં આ ચાર સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ વાંચ્યા બાદ એક વધુ સવાલનો ઉમેરો કર્યો.        

(ક્રમશઃ)
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »