તમારા માટે, તમારી સાથે, સતત…

બગોદરા-વાસદ હાઈવેનું કામ દસ વર્ષથી મંથર ગતિએ

બગોદરાથી વટામણ તારાપુર થઈને વાસદ સુધીનો ૧૦૧.૯૦  કિ.મી.નો સિક્સ લેનનો રોડ તૈયાર કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલુ થઈ.

0 746

સમસ્યા – હેતલ રાવ

હાઈવે બનાવવાની કામગીરીમાં સામાન્ય રીતે બે કે ત્રણ વર્ષનો સમયગાળો લાગે છે, પરંતુ ગુજરાતમાં એક હાઈવે એવો પણ છે જેની કામગીરી દસ વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ નથી થઈ. આ હાઈવે વિશ્વનો સૌથી લાંબો હાઈવે નથી છતાં તેના કાર્યમાં આટલો સમય લાગવો તે અનેક સવાલો ઊભા કરે છે.

આપણા સદનસીબે ગુજરાતમાં રોડ બાબતે કંઈ પણ કહેવાની જરૃર નથી. અહીંના મોટાભાગના રોડ એકદમ ટીપટોપ અને આરામદાયક રીતે મુસાફરી કરો એવા છે. સ્ટેટ હાઈવે હોય નેશનલ હાઈવે હોય કે પછી ગામને જોડતો સામાન્ય રોડ હોય, તે પણ સારા જ હોય, એવી એક આગવી ઓળખ આપણા ગરવા ગુજરાતની છે.  ગુજરાતને બાદ કરતાં જો મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં રોડ બાબતે કમનસીબી જોવા મળે છે. ત્યાં રસ્તા પર મુસાફરી કરો તો ઊંટની મુસાફરી કરી રહ્યા  છો એવો આભાસ થાય. ખેર, ત્યાં પણ હવે સારા રોડનું નિર્માણ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેે કેન્દ્ર સરકારના સારા કાર્યનું લિસ્ટ બનાવીએ તો રોડ નિર્માણને પ્રથમ ક્રમ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર રોડ બનાવવા માટે સ્ટેટ રોડ ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટ ફાળવતી હોય છે. ગુજરાત રોડ ડિપાર્ટમેન્ટ  કોર્પોરેશન  સ્થાનિક અને હાઈવેના રોડ બનાવવાની કામગીરી કરે છે તે ટેન્ડર બહાર પાડીને જે-તે કોન્ટ્રાક્ટરને રોડ બનાવાની મંજૂરી આપે છે. અહીંયા જે ચર્ચા કરવાની છે તે છે બગોદરા તારાપુરથી વાસદનો રોડ. જે  છેલ્લાં ૧૦ વર્ષથી ખોરંભે છે. જેના લીધે ઘણાબધા રાહદારી સાથે વાહનયાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દસ વર્ષ પહેલાં આ  રોડનું ખાતમુહૂર્ત વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી આ રોડ બન્યો નથી. 

નેશનલ હાઈવે ૮ પર સિક્સ લેનનો હાઈવે બનાવવા માટે નીતિન ગડકરીની કંપની જીવીકેનેે ટેન્ડર આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની રૃપરેખા પણ કાગળ પર પરિપૂર્ણ કરવામાં આવી અને ત્યાર બાદ બગોદરાથી વટામણ તારાપુર થઈને વાસદ સુધીનો ૧૦૧.૯૦  કિ.મી.નો સિક્સ લેનનો રોડ તૈયાર કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલુ થઈ. ટેન્ડરની પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી રોડની કામગીરી નહિવત્ ધોરણે ચાલી રહી છે. દસ વર્ષમાં માંડ ૨૫ ટકા જેટલું કામ થયું છે. સિક્સ-લેનનો હાઈવે બનાવવા માટે એક દશકનો સમય વીતી ગયા પછી પણ કામ પરિપૂર્ણ ન થાય તે સાબિત કરે છે કે ગરવા ગુજરાતની એક વરવી વાસ્તવિક્તા પણ છે. હાઈવેનું કાર્ય પૂર્ણ ન થવાના કારણે છેલ્લાં દસ વર્ષથી બગોદરા, ધોળકા, તારાપુર તાલુકા  સહિત આણંદ જિલ્લાના લોકો પ્રભાવિત થાય છે. અધૂરા કામના લીધે અહીંના મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેકવાર પ્રશાસનને મૌૈખિક તથા લેખિત રજૂઆત કર્યા છતાં પણ આ સિક્સ-લેનનો હાઈવે બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં જ નથી આવતી.

મહત્ત્વની બાબત એ છે કે આ હાઈવે બનાવવા માટે થઈને ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું. ઘણાબધા ખેડૂતોએ સરકારી વળતર તો મેળવ્યું, પરંતુ તેમની આજીવિકાનું સાધન છીનવાઈ ગયું. ત્યાર બાદ પણ માંડ ૨૫ ટકા જ કામ થયું એટલે કે જમીનમાં શેડ પાડીને હાઈવેની કામગીરી ચાલુ કરીને કામ અધવચ્ચે જ છોડી દેવામાં આવ્યું. સિક્સ-લેન તેના નિર્ધારિત સમયમાં પરિપૂર્ણ  થયો નથી. હાઈવેની આંશિક માહિતી પર એક નજર નાખીએ તો ટ્રાફિકનું ભારણ ઓછંુ કરવા માટે થઈનેે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ૧૦૧.૯૦ કિમીનો હાઈવે બનાવવા માટે ૧૦ વર્ષ પહેલાં ટેન્ડર પ્રક્રિયા પુરી કરવામાં આવી હતી. જેમાં સિક્સ-લેન માટે ૮૭૦ કરોડ રૃપિયા મંજૂર કરાયા હતા, ટેન્ડર પ્રમાણે હાઈવેનું કામ માત્ર ૩ વર્ષમાં પૂરું કરવાનું હતું, પરંતુ દાયકા પછી ૩૦૦ કરોડના ખર્ચે ૨૫ ટકા જ કામગીરી થઈ છે. એટલું જ નહીં, સૌથી નવાઈની વાત એ છે કે સરકારે અગાઉના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી ફરી એકવાર નવેસરથી બગોદરા વાસદ સિક્સ-લેન માટે ૧૬૫૦ કરોડનું નવું ટેન્ડર બહાર પાડ્યું. કયા કારણસર પહેલાનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો તેની માહિતી કોઈની પાસે નથી. પ્રથમ કોન્ટ્રાક્ટ રદ થતાં ફરીવાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સરકારે હાઈવે વહેલી તકે પરિપૂર્ણ કરવા માટે બે કોન્ટ્રાક્ટરોને કામ સોંપ્યું.

જોકે હાઈવેની કામગીરીના કારણે પ્રભાવિત થતાં ગ્રામજનોનું કહેવંુ છે કે બે નહીં, પણ ત્રણ કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ છે. એટલું જ નહીં, કામગીરી સોંપાયા બાદ પણ કામગીરી શરૃ કરવામાં નથી આવી. હા, પણ આવા બેદરકાર તંત્રને કારણે સરકારની તિજોરી પર મસમોટું ભારણ વધી ગયું છે. પહેલાં ૮૭૦ કરોડમાં જ સિક્સ-લેન તૈયાર થવાનો હતો, પરંતુ હવે ૧૬૫૦ કરોડમાં હાઈવે બનશે. પ્રશ્ન તો એ પણ થાય છે કે જ્યારે પહેલાના કોન્ટ્રાક્ટરે ૩૦૦ કરોડના ખર્ચે ૨૫ ટકા કામ કર્યું હતું તો પછી તેને ટાઇમલાઇન આપીને તેની પાસે કામ કેમ ના કરાવ્યું? ઘણાબધા પ્રશ્નો ઉત્તર માગી રહ્યા છે. આ તો વાત થઈ બગોદરાથી વાસદના સિક્સ-લેનના કોન્ટ્રાક્ટ વિશેની, હવે મૂળ વાત પર પરત ફરીએ. આ અધૂરા કામના કારણે બગોદરાથી વટામણ અને તારાપુર સુધી અનેક જગ્યાએ રોડને ડાઇવર્ઝન કરવામાં આવ્યો છે. અભિયાનેજ્યારે આ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો અને રૃબરૃ રોડની મુલાકાત કરી ત્યારે ખબર પડી કે ૧૨થી પણ વધુ જગ્યાએ રોડને ડાઇવર્ટ કરાયો છે. જેના કારણે રસ્તા પર ખાડા ટેકરા જોવા મળતા હતા. ઉપરાંત ધૂળની ડમરીઓ ઊડવી તો સામાન્ય વાત લાગે છે. આ ડાઇવર્ઝન જોખમી સાબિત થઈ રહ્યા છે.

Related Posts
1 of 142

 બગોદરાથી તારાપુર સુધીનો રોડ ખૂબ જર્જરિત અને અધૂરો છે. છેલ્લાં દસ વર્ષથી  રોડની આ જ હાલત છે. ફતેપુર ગામના અલ્પેશભાઈ ગોહિલ કહે છે, ‘આ રોડ પર સિક્સ-લેન હાઈવે બનવાનો હતો, પરંતુ છેલ્લાં દસ વર્ષથી ડાઇવર્ઝનના રસ્તા જોઉં છું. રાત્રિના સમયમાં તો આ રોડ પર ભારે ટ્રાફિક હોય છે. અકસ્માત થવા પણ રોજિંદા બની ગયા છે. સરકારે વહેલી તકે એટલે કે યુદ્ધના ધોરણે આ હાઈવે તૈયાર કરાવવો જોઈએ.

જ્યારે માતરના રહેવાસી અને તારાપુરમાં ફ્રેબિકેશનની દુકાન ચલાવતા ચંદુભાઈ.બી. પંચાલ કહે છે, ‘હાઈવે બનવાની કામગીરી શરૃ કરવામાં આવી તે પહેલાંથી જ રોડની પરિસ્થિતિ ખરાબ હતી. જર્જરિત રોડ હોવાથી મુસાફરી કરવામાં મુશ્કેલી થતી. જ્યારે હાઈવે બનાવવાની શરૃઆત કરવામાં આવી ત્યારે લાગ્યું કે હવે આપણા રસ્તાની તકલીફ દૂર થશે, પરંતુ હાલ તો પહેલાં કરતાં પણ કપરી સ્થિતિ થઈ ગઈ છે. રોડનું કામ પૂર્ણ જ નથી થતંુ. અમે કેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ તે માત્ર અમે જ જાણીએ છીએ. રોજના અકસ્માત અને રોજની મુસીબત છે. તંત્રએ હવે તો આ બાબતે ગંભીર બનવું જ જોઈએ.

સિક્સ-લેનનો હાઈવે અધૂરો અને માંડ ૨૫ ટકા જ કામ થયું છે. જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,’ તેમ કહેતા વટામણના જિગરભાઈ મકવાણા કહે છે, ‘હું નિયમિત આ રોડ પરથી જ આવું છું અને જઉંં છું, કારણ કે અમારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. એક આ રસ્તો છે ત્યાં પણ હાઈવેના અધૂરા કામના કારણે ઠેર-ઠેર રોડને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે આ રાજ્યનો કે કદાચ દેશનો પણ એવો પ્રથમ હાઈવે હશે જેને બનાવતા આટલાં બધાં વર્ષ લાગ્યાં છતાં પણ તે બની નથી રહ્યો. હવે તો એ પ્રશ્ન થાય છે કે આ હાઈવે બનશે કેે કેમ?’

રામપુરાના કિશનભાઈ ઠાકોર કહે છે, ‘તંત્રએ જો કામ કરવું જ હોત તો ક્યારનુંય કરી નાખ્યું હોત, પણ સામાન્ય પ્રજાનું વિચારે છે જ કોણ.. અમે દાયકાથી કેવી મુશ્કેલી અને પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે જોવાની કોઈને પડી નથી. અરે, એકવાર તો ડાઇવર્ઝનના કારણે મારો જ અકસ્માત થયો હતો. બે મહિના પગે પાટો રહ્યો, મરતાં માંડ બચ્યો છું, પણ કોઈને પડી નથી. અમે રજૂઆતો કરીને થાકી ગયા, પણ રોડ બનતો નથી.

સ્થાનિક ધારાસભ્ય પૂનમભાઈ પરમાર કહે છે, ‘હાઈવે રોડ પૂર્ણ કરવા માટે થઈને અમે લેખિત અને મૌખિક બંને રીતે અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ તેનો કોઈ પ્રત્યુત્તર મળતો નથી. કાર્ય પૂર્ણ ના થવાના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. માટે અકસ્માતની ઘટનાઓ પણ અવારનવાર બને છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પ્રજાના હિત માટે હાઈવે બનાવવા ત્વરિત પગલાં લેવાય તે અનિવાર્ય છે.

 આ રોડને હાલ અકસ્માત રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના આઠ વર્ષના આંકડા પ્રમાણે ૨૦૦૯થી  ૨૦૧૬ સુધીમાં ૧૦૦ કરતાં પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે નાના મોટા અકસ્માત થવા, કોઈનો હાથ તો કોઈનો પગ ભાંગવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો તો અકસ્માતના કારણે કાયમી હાથ-પગ ગુમાવી બેસે છે. દસ વર્ષથી અધૂરા રહેલા હાઈવેને પરિપૂર્ણ કરવા માટે થઈને તાજેતરમાં ફરીવાર હાઈવે-કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતંુ. તેને પણ એક માસ જેટલો સમય વીતી ગયો પણ કામ શરૃ થયું નથી. હવે આ હાઈવેની કામગીરી ક્યારે શરૃ થશે અને ક્યારે પૂર્ણ થશે તે તો રામ જાણે, પરંતુ લોકોની મુશ્કેલીનો અંત હજી પણ નથી આવી રહ્યો તે સ્પષ્ટ છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »