તમારા માટે, તમારી સાથે, સતત…

શૉપિંગમાં કેટલી વાર લાગે?

'અરે! જે લેવા જવાના તે તો ખબર હોય ને?

0 237

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

ચાલો, આજે આપણે શૉપિંગમાં કેટલી વાર લાગે, કેટલી વાર લાગવી જોઈએ અને શૉપિંગ કેટલી વાર કરવું જોઈએ એ વિશે ગપ્પાં મારશું. ગપ્પાં એટલા માટે કે શૉપિંગની ચારે તરફ ગપ્પાં સિવાય કશું હોતું જ નથી. કોઈ વસ્તુ વેચવાવાળા વસ્તુની કિંમત અને ક્વૉલિટી બાબતે ગપ્પાં મારે, લેવાવાળા પણ ગપ્પાંથી જ શરૃઆત કરે, ખરીદ્યા પછી એ લોકો, બીજા લોકો આગળ ગપ્પાં મારે અને લોકો પણ એમનાં ગપ્પાંને ઓળખીને સામે ગપ્પાં મારે! એટલે પહેલી વાત તો, શૉપિંગ શબ્દ ભલે બહુ જાણીતો છે, પણ એ શબ્દ ફક્ત મહિલાઓ સાથે જ જોડાઈ ગયો હોવાથી થોડું અટપટું અને વિચિત્ર લાગે છે. શું આ દુનિયામાં ને ખાસ તો ભારતમાં મહિલાઓ સિવાય કોઈ શૉપિંગ જ નથી કરતું? બધી જવાબદારી જ્યારે સ્ત્રીના માથે હોય ત્યારે એણે શૉપિંગ તો ડગલે ને પગલે કરવું જ પડે. હવે વચ્ચે વચ્ચે પોતાના માટે ક્યારેક કશુંક લઈ પણ લે તો એમાં ખોટું શું? દસ જાતના શૉપિંગમાં થયેલા માથાના દુખાવાની દવા રહી છે આ નાનકડા શૉપિંગમાં, એ પુરુષોને કેમ ને ક્યારે સમજાશે? ખેર, આપણે ઘરઘરના દાખલા સાથે સાબિત કરીએ કે શૉપિંગ એટલે…એ ટુ ઝેડ ગપ્પાં!

રવિવારે શૉપિંગ કરવા જવાનું છે હં, અત્યારથી કહી રાખું એટલે ભૂલી નહીં જતા.

પાછું શૉપિંગ? હજી ગયા મહિને તો આપણે શૉપિંગ કરવા ગયેલા.

ગયા મહિને? બે મહિના થઈ ગયા આપણને ગયાને અને શૉપિંગ શૉપિંગમાં ફરક હોય ને? એ આપણે ઘરનું કરિયાણુ ને પરચૂરણ શૉપિંગ કરવા ગયેલા. રવિવારે તો મારે મારું પર્સનલ શૉપિંગ કરવાનું છે.

તો જઈ આવજે એકલી અથવા કોઈને લઈ જજે સાથે. મને નહીં ફાવે. મને શું સમજ પડે તારા શૉપિંગમાં?’

લે, આટલાં વરસો સમજ પડી ને અચાનક જ હવે સમજ નહીં પડે?’

ભઈ, સાચું કહું તો તું વાર બહુ લગાડે એક વસ્તુ લેવામાં ને પાછી દુકાનવાળા સાથે રકઝક પણ એટલી જ કરે એટલે મને એ બધું પસંદ નથી. દયા આવી જાય પેલા બિચારાની. તું જો ફટાફટ શૉપિંગ પતાવવાની હોય તો હું બે મિનિટમાં તૈયાર થઈ જાઉં ચાલ.

આજે નહીં, રવિવારે જવાનું છે. હવે શૉપિંગ કરવામાં પૈસા ખર્ચાય એટલે પૈસા વસૂલ થાય એટલો સમય પણ ખર્ચવો પડે સમજ્યા? વસ્તુ જોવી ને પારખવી પણ પડે, બીજી દુકાનોના ભાવ ને ક્વૉલિટી સાથે સરખામણી પણ કરવી પડે. એમ કંઈ દુકાનમાં જઈએ એટલે આંખો મીંચીને બધું લઈ ન લેવાય.

તોય મને તો ઘણી વાર એવું જ લાગે કે…

શું? શું લાગે તમને? કે હું આંખો મીંચીને બધું લઉં છું એમ જ ને? આ તમારી દાઢમાં બોલવાની ટેવ હું સારી રીતે જાણુ છું. હશે, એમ તો એમ. મારે તમારી સાથે માથા નથી દુખવવા. રવિવારે આવશો કે નહીં તે કહી દો એટલે મને ખબર પડે.

હવે આટલી રકઝક પછી ના કહીને મારે પસ્તાવું છે? જઈશું બસ? શાનું શૉપિંગ કરવાનું છે?’

હવે એ તો દુકાનમાં જઈશું ને જોઈશું પછી ગમશે તે લઈશું. અત્યારથી કેમ કહેવાય?’

Related Posts
1 of 29

અરે! જે લેવા જવાના તે તો ખબર હોય ને? તે પ્રમાણે પૈસા ને રિક્ષા કે ટૅક્સી કે ટેમ્પોની સગવડની સમજ પડે.

હવે તમે હદ કરો છો. નથી જવું શૉપિંગ કરવા રહેવા દો. આ બધું સાંભળીને જવા કરતાં ન જવું બહેતર છે.

હાશ!

મને ખબર જ હતી. સારું, તમે નહીં આવતા. હું મારી ફ્રેન્ડને લઈ જઈશ. મને થોડા રોકડા આપી રાખજો.

તારા કાર્ડને શું થયું?’

એ ઇમરજન્સી માટે છે. તમે તમારે રોકડા આપી રાખો ને હવે.

સારું, સાથે ન આવવાનો કંઈ તો ભોગ ધરાવવો પડે ને?’

તમતમારે બોલો, મને કંઈ પડી નથી.

તને પડી હોત તો તારો શૉપિંગ પર કંટ્રોલ હોત.

હે ભગવાન! તમે કેમ સમજતા નથી? હું દર વખતે મારું શૉપિંગ કરવા નથી જતી. ચાલો બોલો, તમારી પાસે ટાઇમ નથી ને તમને સમજ નથી પડતી એવા તમારા બહાનાને કારણે તમારા કપડાં કોણ લાવે છે? એ જ બધાં બહાનાં ઘરની વસ્તુઓને પણ લાગુ પડે. મારા શૉપિંગ માટે તો તમે આટલી માથાકૂટ કરી જ લીધી. હવે બોલો. હું દર વખતે મારા માટે શૉપિંગ કરું છું?’

ચાલ માની લીધું કે આ બધું જરૃરી છે, પણ દરેક શૉપિંગ વખતે તારુંય એક્સ્ટ્રા શૉપિંગ જરૃરી છે? મને મૂળ વાંધો આ છે. કોઈ વાર ઠીક છે, પણ દર વખતે?’

એ તમને સમજ ન પડે. જ્યારે બજાર જઈએ ત્યારે અમને એક ડિશ પાણીપૂરી ખાધા વગર જેમ સંતોષ ન થાય તેમ જો એકાદ નાની મોટી વસ્તુ ન લઈએ તો અમનેય ચેન ન પડે, સમજ્યા હવે?’

‘(!)’ હથિયાર ડાઉન!
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »