સ્વાઈન ફ્લૂની સારવારમાં ઢીલ ન મૂકો
ગુજરાત સહિત દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ યથાવત્ છે
હેલ્થ સ્પેશિયલ – નરેશ મકવાણા
ગુજરાત સહિત દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ યથાવત્ છે. રાજસ્થાન અને પંંજાબમાં પરિસ્થિતિ બગડતી જાય છે. એક દાયકા અગાઉ વર્ષ ૨૦૦૯માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને મહામારી જાહેર કરી દીધી હતી. તેમ છતાં નિષ્ણાતોના મતે જો સમયસર તેનાં લક્ષણોને પારખીને અમુક જરૃરી ટેસ્ટ કરાવીને તરત તેની સારવાર શરૃ કરી દેવામાં આવે તો તેની ગંભીર સ્થિતિને નિવારી શકાય છે. પહેલાથી જ કોઈ બીમારીથી ગ્રસ્ત અથવા જેની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે તેવી વ્યક્તિ અને ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફ્લૂ થવાની શક્યતા વધુ હોય છે.
શું છે સ્વાઈન ફ્લૂ ?
હકીકતે આ શ્વાસ સંબંધી એવી બીમારી છે જે સંક્રમણ દ્વારા ફેલાય છે અને સામાન્ય રીતે ડુક્કરોમાં જોવા મળે છે. પશ્ચિમી દેશોમાંથી ફેલાવી શરૃ થયેલી આ બીમારી આજે બદલાતા હવામાન સાથે વિશ્વના દુનિયાભરના અનેક દેશોમાં ઝડપથી ફેલાઈ રહી છે. આ બીમારીનો વાહક ટાઇપ ‘એ’ એન્ફ્લૂએન્ઝા વાયરસ એચ૧એન૧ છે, જેની શોધ સૌથી પહેલાં ઈ.સ. ૧૯૩૦માં થઈ હતી. હકીકતે આ વાયરસ હવા દ્વારા આપણા વાતાવરણમાં ફેલાય છે જેના શરૃઆતી લક્ષણો તાવના સ્વરૃપમાં સામે આવે છે.
કેવી રીતે ફેલાય છે સ્વાઈન ફ્લૂ ?
સ્વાઈન ફ્લૂના વાઇરસ જાનવરો અને પક્ષીઓમાં પ્રવેશીને તેમને સંક્રમિત કરી દે છે. માણસના શરીરમાં આ વાઇરસ બહુ ઓછો જોવા મળે છે. તેનામાં એચ૧એન૧ વાઇરસ ડુક્કરના વધારે પડતાં સંપર્કમાં આવવાથી થાય છે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, પક્ષી, માણસ અને ડુક્કર એન્ફ્લુએન્ઝા એકબીજા સાથે મળીને વારંવાર જુદી-જુદી રીતે પ્રગટ થાય છે. આવી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી રોજબરોજની ચીજવસ્તુઓ જેવી કે દરવાજા, મોબાઇલ ફોન, કી-બોર્ડ, રિમોટ કન્ટ્રોલ વગેરેથી પણ આ વાઇરસ ઝડપથી ફેલાઈ શકે છે.
સ્વાઈન ફ્લૂનાં લક્ષણો
સ્વાઈન ફ્લૂનાં અલગ-અલગ સ્તરે જુદાં-જુદાં લક્ષણો જોવા મળે છે. પ્રથમ તબક્કામાં સામાન્ય તાવ, ઉધરસ, છીંકો આવવી, ગળામાં ખારાશ, શરીરનાં વિવિધ અંગો અને માંસપેશીઓમાં દુખાવા સાથે થાકની તકલીફ રહે છે. જે લોકો પહેલેથી જ શ્વાસ સંબંધી રોગથી ગ્રસ્ત હોય તેમના માટે મધ્યમ તબક્કાનાં લક્ષણો વધુ ગંભીર થઈ શકે છે. આ તબક્કે વ્યક્તિને વધારે પડતો થાક અને ઠંડી લાગ્યા કરે છે. ફેફસાં અને શ્વાસ સંબંધી રોગો થકી આ વાયરસ જ્યારે વ્યક્તિના શરીરમાં પહોંચી જાય છે ત્યારે સમસ્યા અગાઉ કરતાં વધી જાય છે. આ તબક્કે ૩૦ ટકા દર્દીઓ ઇલાજ માટે ડૉક્ટર પાસે પહોંચે છે. ગંભીર તબક્કાના સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત વ્યક્તિના લોહીમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઓછું થવા માંડે છે. પ્રથમ તબક્કાનાં લક્ષણો ઉપરાંત અહીં દર્દીને વારંવાર ઊલટી પણ થાય છે. ઘણાને ઝાડા-ઊલટી અને ન્યુમોનિયા પણ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે તેને લિવરમાં ઈજાઓ પણ થઈ શકે છે. અંદાજે ૫ાંચ ટકા દર્દીઓ આ તબક્કે હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચતા હોય છે. જેમાંથી કેટલાકને વૅન્ટિલેટર પર પણ રાખવામાં આવે છે. શરૃઆતનાં લક્ષણો સિવાય સ્વાઈન ફ્લૂની ખરાઈ માટે લોહીની તપાસ પણ જરૃરી હોય છે. એના માટે પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. આ સિવાય દર્દીનાં નાક અને ગળાનાં દ્રવ્યોનો પણ ટેસ્ટ લેવાય છે.
સાવચેતી અને સારવાર
આ બીમારીની જાણ થયા બાદ ૪૮ કલાકમાં તેની સારવાર શરૃ થઈ જાય તો સારું છે. શરૃમાં દર્દીને પાંચ દિવસની સારવાર અપાય છે જેમાં ટેમિફ્લૂ અપાય છે. એચ૧એન૧ વાઇરસ સ્ટીલ અને પ્લાસ્ટિકમાં ૨૪થી ૪૮ કલાક સુધી, કાગળમાં ૮થી ૧૨ કલાક સુધી જીવતાં રહી શકે છે. જેને નષ્ટ કરવા માટે ડિટરજન્ટ, આલ્કોહૉલ, બ્લિચિંગ કે સાબુ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
તાવ દરમિયાન દર્દીને તાજું રાંધેલું ભોજન જ ખવડાવવું. તાજાં ફળો અને લીલાં શાકભાજી વધારે પ્રમાણમાં લેવી. પાતળી દાળ, દૂધ, ચા, ફળોનો રસ, છાશ અને લસ્સી પણ આપી શકાય. તકેદારીના ભાગરૃપે સામાન્ય વ્યક્તિએ હવામાં ફેલાયેલા વાઇરસથી બચવા માટે બહાર જતી વખતે મોંને કપડાં કે માસ્કથી ઢાંકવું. સ્વાઈન ફ્લૂના દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. આથી આયુર્વેદિક ઉપાય તરીકે અડધા કપ પાણીમાં અડધી ચમચી આંબળાનો પાઉડર મિક્સ કરીને દિવસમાં બે વાર પીવાથી દર્દીની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે આ સિવાય તુલસીનાં પ-૬ પાન અને બેત્રણ કાળાં મરીને વાટીને ચામાં નાખીને પીવાથી પણ ફાયદો થાય છે. આ ઉપાય દિવસમાં એકવાર કરી શકાય. ટૂંકમાં સ્વાઈન ફ્લૂની સારવાર જેટલી વહેલી શરૃ કરીએ તેટલો ફાયદો થાય છે.
—————-