તમારા માટે, તમારી સાથે, સતત…

સ્વાસ્થ્ય માટે નુકસાનકારક મોબાઇલ રેડિએશન

મોબાઇલ ફોનના રેડિએશનથી ડીએનએ પણ પ્રભાવિત થાય છે.

0 304

હેલ્થ સ્પેશિયલ – હેતલ રાવ

મોબાઇલ ફોન આજે નાનાથી લઈને મોટા દરેક લોકોની પ્રથમ જરૃરિયાત બની ગઈ છે. વધુ પડતો મોબાઇલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નાની-મોટી બીમારીઓની સાથે સાથે મોબાઇલ ફોનના રેડિએશનથી ડીએનએ પણ પ્રભાવિત થાય છે.

ગત વર્ષે અક્ષયકુમારની મોટા બજેટની ફિલ્મ ૨.૦ રજૂ થઈ હતી. ફિલ્મ કેટલી હિટ રહી, કેટલી આવક કરી, કયા કલાકારનું કામ બેસ્ટ હતું, તે બધી વાત કરતાં ફિલ્મની સ્ટોરી વિષયની વાત કરીએ તો તે બેસ્ટ સ્ટોરી આઇડિયા હતો. મોબાઇલ ફોનના વધતા ઉપયોગના કારણે પક્ષીઓને થતાં નુકસાન વિશેની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ઘણા બધા લોકો એવા હતા જેમને આ ફિલ્મમાં ઝાઝો રસ ના પડ્યો, કારણ કે રજનીકાન્તની રૉબોર્ટ ફિલ્મ જોયા પછી લોકોને અક્ષયની ફિલ્મ પણ એવી જ કંઈક હશે તેવી આશા હતી. બીજું કે મોબાઇલ ફોન વાપરતા અને મોબાઇલ ફોનના આદી બની ગયેલા લોકો મોબાઇલના ઉપયોગથી નુકસાન પણ થઈ શકે છે તે વાત માનવા તૈયાર જ થતા નથી. તેમના મતે તો મોબાઇલ ફોન માનવ કરતાં પણ વધુ ઉપયોગી છે, પરંતુ હકીકતમાં ફિલ્મમાં બતાવેલા મોબાઇલ ટાવર અને તેમાંથી નીકળતા રેડિએશનની અસર જેટલી પ્રાણી-પક્ષી પર થઈ રહી છે તેટલી જ અસર મોબાઇલ વપરાશકર્તા લોકો પર પણ થઈ રહી છે. ફિલ્મમાં મોબાઇલના રેડિએશનની વાત બખૂબી દર્શાવવામાં આવી છે. મોબાઇલ ફોન જેટલો ઉપયોગી નિવડ્યો છે તેટલો જ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં ના આવે તો નુકસાન પણ કરે છે. મોબાઇલ ફોનના રેડિએશન મનુષ્ય જીવ પર એટલી ગંભીર અસર કરે છે કે જો તેનાથી બચવામાં ના આવે તો જીવલેણ બીમારીનો ભોગ બનતા તમને કોઈ નહીં રોકી શકે.

મોબાઇલ ફોન આપણી મહત્ત્વની જરૃરિયાત બની ગયા છે. ત્યાં સુધી કે તેના નુકસાન વિશે જાણવા છતાં પણ આપણે નિરંતર તેનો ઉપયોગ કરતા રહીએ છીએ. મોબાઇલ ફોન રેડિએશન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે પ્રભાવિત કરે છે. માનસિક અને શારીરિક બંને રીતે આપણા શરીર પર રેડિએશનની અસર થાય છે. વિશ્વભરમાં મોબાઇલ રેડિએશનથી માનવ અને પર્યાવરણને થતાં નુકસાન વિશેનું સંશોધન ચાલી રહ્યું છે. હાલમાં જે તથ્ય સામે આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોબાઇલ પર વાત કરવા માટે ખુલ્લી જગ્યા જેટલી અનુકૂળ છે તેના કરતાં વિપરીત ઘરમાં અને ઑફિસમાં મોબાઇલનો ઉપયોગ કરવો વધુ હાનિકારક ગણવામાં આવે છે. ઘરમાં જ્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો અને મોબાઇલ રેડિએશન બંને ભેગા થવાથી શરીર પર વધુ ખરાબ અસર થાય છે.

Related Posts
1 of 262

કારણો
ઘર અને ઑફિસોમાં ઉપયોગમાં લેવાતાં કોમ્પ્યુટર, ટીવી, રેડિયો એફએમ, હિટિંગ-લાઇટિંગ લેમ્પ, માઇક્રોવેવ, ઓવન અને આજુબાજુમાંથી પસાર થતી વીજળીની લાઇન પણ અનેક પ્રકારના તરંગ ઉત્પન કરે છે. જ્યારે આપણે આવી જગ્યાઓ પર વાત કરીએ છીએ ત્યારે મોબાઇલમાંથી નીકળતાં રેડિએશન આ તરંગો સાથે ભળી જાય છે. જેના કારણે માનવીય શરીર પર બેગણી નકારાત્મક અસર થાય છે. મોબાઇલ ફોન પર આપણે જેટલી લાંબી વાત કરીએ એટલી વધુ નકારાત્મક ઊર્જા આપણા શરીરમાં પ્રવેશે છે અને ખરાબ અસર કરે છે. ઉપરાંત રેડિએશનની સાઇડ ઇફેક્ટના કારણે શરીરમાં ઓક્સિડેન્ટ્સની માત્રા વધી જાય છે. એટલંુ જ નહીં, થાક લાગવો,માથામાં સતત દુખાવો રહેવો, ઊંઘ ન આવવી, કાનમાં ઘંટ વાગતા હોય તેવો રણકાર થવો, સાંધામાં દુખાવો થવો અને યાદશક્તિ નબળી થવા લાગવી જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઘણીવાર જોવા મળ્યું છે કે રેડિએશનની અસર તમારા ડીએનએ પર પણ થાય છે.

એક સરવે પ્રમાણે મોબાઇલ ફોન અને તેના ટાવરોમાંથી નીકળતા રેડિએશન પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર કરવાની સાથે સાથે શરીરના સેલ્સ (કોષો)ના સંરક્ષણ (ડિફેન્સ) મિકેનિઝમને નુકસાન કરે છે. જ્યારે લાંબો સમય મોબાઇલ પર વાત કરવાની આદત બ્રેઇન ટ્યૂમર જેવી ગંભીર બીમારીને નોતરે છે. મગજ પર ગંભીર અસર થવામાં રેડિએશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના ફૂડ અને મેડિશન વિભાગે કરેલી શોધમાં કૅન્સર અને રેડિયો ફ્રિક્વન્સી રેડિએશન (આરએફઆર) વચ્ચે ઉચ્ચ સ્તરીય સંબંધ જોવા મળ્યો છે જે ગંભીર બાબત છે. શોધકના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ટુજી અને થ્રીજી ફોનમાં વપરાતા રેડિયો ફ્રિક્વન્સીના તીવ્ર વૅવ્ઝ ઉંદરોમાં કૅન્સરના ટ્યૂમર ઉત્પન કરે છે. આ શોધ દસ વર્ષ પહેલાં શરૃ કરવામાં આવી હતી.

બાળકો પર ગંભીર અસર
બાળકોની વાત કરીએ તો મોબાઇલ ફોનના રેડિએશનની સૌથી વધુ અને ઝડપી અસર બાળકોને થાય છે. તાજેતરમાં તો એવા ન્યૂઝ પણ સામે આવ્યા હતા કે મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગના કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકોની આંખોને ગંભીર નુકસાન થયું હતંુ. એટલું જ નહીં, ઘણા કિસ્સામાં તો બાળકોના આંખોની રોશની પણ જતી રહી હોય તેવી વિગતો સામે આવી છે. અત્યારે તો બાળક બોલતાં કે રમતાં ન શીખે તે પહેલાં મોબાઇલ જોતાં શીખી જાય છે. માતા-પિતા પણ પોતાના કામમાં વ્યસ્ત હોય અને બાળકો થોડું પણ હેરાન કરે તો મોબાઇલ ફોનમાં પોએમ (કવિતા) કે કાર્ટૂન ચાલુ કરીને આપી દે છે. શરૃઆતમાં માત્ર બાળકને શાંત રાખવા માટે મોબાઇલ ફોન આપવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે બાળક મોબાઇલનો આદી બની જાય છે. પછી તે મોબાઇલમાં ગીત કે કાર્ટૂન જોવા ન મળે ત્યાં સુધી જમવાનું પણ ટાળે છે. ત્યાં સુધી કે સૂવા માટે પણ મોબાઇલ ફોનમાં મનપસંદ ગીત જોવાની જીદ બાળક કરે છે. માતા-પિતા પણ પોતાની શાંતિ માટે કંટાળીને બાળકના હાથમાં મોબાઇલ પકડાવી દેતા હોય છે. તે અજાણ હોય છે કે જે મોબાઇલ ફોન પોતાના સંતાનના હાથમાં આપવામાં આવ્યો છે તેનું રેડિએશન બાળકના બ્રેઇન પર કેટલી નકારાત્મક અને ગંભીર અસર કરે છે. બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ મોબાઇલ ફોનના ઉપયોગમાં પણ તે ફેરફાર કરે છે. પહેલાં કાર્ટૂન કે કવિતાઓ સાંભળતંુ બાળક મોટું થતાં ગેમ રમવાની શરૃઆત કરે છે. ઘણીવાર તો હિંસક ગેમ રમતાં રમતાં બાળકનું મગજ પણ હિંસક પ્રવૃત્તિ તરફ ધકેલાઈ જાય છે. ઉપરાંત રેડિએશનની તેની યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. એક સરવે પ્રમાણે પાંચથી આઠ વર્ષનાં બાળકોમાં મોબાઇલ ફોનનો વપરાશ વધવાના કારણે તેમનામાં આંખને લગતા અનેક રોગ જોવા મળ્યા છે. એટલું જ નહીં, પરંતુ નાની ઉંમરથી જ મોબાઇલ ફોનનો શોખ ધરાવતાં બાળકો શારીરિક અને માનસિક બંને બીમારીના સકંજામાં ફસાઈ જાય છે. માતા-પિતાને જ્યાં સુધી ખબર પડે કે પોતાના સંતાનની આવી પરિસ્થિતિ મોબાઇલ ફોનના કારણે થઈ છે ત્યાં સુધી ઘણુ મોડું થઈ જાય છે.

સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે બાળકો મોબાઇલ ફોનનો વપરાશ ના કરે. તાજેતરમાં જ દરેક શાળામાં એક અભિયાન શરૃ કરવામાં આવ્યું છે જેમાં શાળા દ્વારા બાળકોનાં માતા-પિતાને સમજાવવામાં આવે છે કે તેમનાં બાળકોને મોબાઇલ ફોનથી દૂર રાખો. શાળામાં તો મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ ઘરમાં પણ બાળકોને મોબાઇલમાં ગેમ રમવા કે યુ-ટ્યૂબ જોવા માટે મોબાઇલ આપવામાં ન આવે તેવો આગ્રહ કરવામાં આવે છે. શાળાઓ દ્વારા કરવામાં આવેલી આ શરૃઆત બાળકોના ભવિષ્ય માટે ઉમદા છે, પરંતુ પરિવારે પણ બાળકોને રેડિએશન અને મોબાઇલ ફોનના વપરાશથી થતાં નુકસાનથી સચેત કરવા જરૃરી છે. એક અભ્યાસમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી મોબાઇલ ફોન સાથે જોડાઈ રહેવાથી તેની અસર મગજ પર થાય છે જેના કારણે દૃશ્યો અને ચિત્રોને યાદ રાખવાની ક્ષમતામાં ઘટાડો થતો જાય છે.  રેડિયો ફ્રિક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સાથે વધારે સંપર્કમાં રહેવાના કારણે આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »