તમારા માટે, તમારી સાથે, સતત…

સ્તન કૅન્સરઃ અમૃત કૂપ ઝેર કટોરીઓ કેમ બન્યા?

સ્તન કૅન્સર નવયુવતીઓને ભરડામાં લઈ રહ્યું છે.

0 661

હેલ્થ સ્પેશિયલ – હિંમત કાતરિયા

પહેલાં સ્તન કૅન્સર સામાન્ય રીતે ૫૦ વર્ષની વય વટાવી ચૂકેલી મહિલાઓને જ થતું. આજે તે બહુ ભેદી રીતે નવયુવતીઓને ભરડામાં લઈ રહ્યંુ છે. આપણે કાને વારંવાર સંભળાય છે કે ફલાણાની પત્નીને સ્તન કૅન્સર થયું અને સ્તન કઢાવવું પડ્યું. સ્ત્રી માટે સૌથી ગૌરવવંતું અંગ સ્તન કૅન્સરગ્રસ્ત થવાથી કઢાવવું પડે એ કંઈ ઓછી પીડાની વાત કહેવાય? આ દેશમાં ગર્ભાશયના કૅન્સરને પાછળ ધકેલીને સ્તન કૅન્સર નંબર વન બની જાય છતાં તેની કશે ચર્ચા નહીં? આ તે કેમ ચાલે? આવો જાણીએ, સ્તન કૅન્સરની વાસ્તવિક સ્થિતિને, તે થવા પાછળનાં કારણોને.

હજુ થોડાં વર્ષો પહેલાં ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતું કૅન્સર ગર્ભાશયનું કૅન્સર હતું. સ્તન કૅન્સરના વધી રહેલા પ્રમાણને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નેશનલ હેલ્થ પ્રોફાઇલ ૨૦૧૦માં ધારણા બાંધવામાં આવી હતી કે ૨૦૨૦ના વર્ષ સુધીમાં પહેલા નંબરે સ્તન કૅન્સર આવી જશે. જોકે આ આગાહી ઘણી વહેલી સાચી ઠરી. વિષયને આગળ વધારતા પહેલાં સ્તન કૅન્સરની ટૂંકી વ્યાખ્યા જાણી લઈએ. સ્ત્રીના સ્તનમાં ૧૫થી ૨૦ વિભાગો અથવા લોબ હોય છે. દરેક લોબ લોબ્યુલ નામના નાના ભાગોથી બનેલા હોય છે. લોબ્યુલ અને ડક્ટ(લોબને નિપલ સાથે જોડતી નળી) વચ્ચેની જગ્યા તંતુમય પેશીઓ અને ચરબીથી પુરાયેલો હોય છે. સ્તનમાં કોષો અમર્યાદપણે પેદા થાય અને ગાંઠનું સ્વરૃપ ધારણ કરે ત્યારે સ્તન કૅન્સર થાય છે. ગાંઠ કૅન્સરવાળી કે કૅન્સર વગરની હોઈ શકે છે.

૨૦૦૮માં ભારતમાં સૌથી વધુ ગર્ભાશયના મુખના કૅન્સરના કુલ ૧,૪૧,૬૭૪ દર્દીઓ (કૅન્સરના કુલ દર્દીઓના ૨૭ ટકા) નોંધાયા હતા. બીજા નંબરે સ્તન કૅન્સરના ૧,૩૪,૪૨૦ કેસ(કુલ કૅન્સરના ૨૫.૯ ટકા) નોંધાયા હતા. ૨૦૧૨માં સ્તન કૅન્સર ૧,૪૪,૯૩૭ કેસ(કૅન્સરના કુલ ૨૭ ટકા) સાથે પહેલા નંબરે આવી ગયું હતું અને ગર્ભાશયના કૅન્સરના કેસ ઘટીને ૧,૨૮, ૪૬૮ નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના એક સંશોધનમાં પાછલા ૨૪ વર્ષોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુમાં નોંધાયેલા કૅન્સરના કેસોનું વિશ્લેષણ કર્યું હતું અને તેમાં તારણ આવ્યું કે ભારતના મોટા શહેરોમાં મહિલાઓમાં સ્તન કૅન્સર ઝડપથી વધી રહ્યંુ છે. ૨૪ વર્ષના સમયગાળામાં આ શહેરોમાં સ્તન કૅન્સરનું પ્રમાણ બમણુ થઈ ગયું હતું. એની સામે ગર્ભાશયના કૅન્સરમાં ઘણી જગ્યાએ ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. કૅન્સરના દર્દીઓમાં આજે સૌથી વધુ મૃત્યુ પણ સ્તન કૅન્સરના દર્દીઓના થાય છે. વર્ષ ૨૦૧૫માં સ્તન કૅન્સરના નવા ૧,૫૫,૮૬૩ લાખ જેટલા નવા દર્દીઓ નોંધાયા હતા. તેની સામે સ્તન કૅન્સરથી કુલ ૭૫૯૫૭ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. સ્તન કૅન્સરના નવા દર્દીઓની સંખ્યાના ૫૦ ટકા મૃત્યુ પામે છે. દર્દીઓ અમેરિકા અને યુરોપના દેશોમાં તો સ્તન કૅન્સરની સ્થિતિ અહીં કરતાં ઘણી વધારે ખરાબ છે. અમેરિકામાં વર્તમાન વર્ષે ૨૯૨૧૩૦ મહિલાઓને સ્તન કૅન્સર થયા છે. સ્થિતિને વધુ સરળ સ્વરૃપમાં સમજાવીએ તો દર ૮ અમેરિકન મહિલા દીઠ ૧ મહિલા તેમના જીવનમાં સ્તન કૅન્સરનો શિકાર બને છે. એક અન્ય રસપ્રદ વિશ્લેષણ જોઈએ તો, અમેરિકામાં ૨૦૧૨ના એક જ વર્ષમાં સ્તન કૅન્સરના ૨.૩૩ લાખ કેસ પૈકી ૪૪ હજાર દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં. ચીનમાં ૧.૮૭ લાખ દર્દીઓ પૈકી ૪૮ હજાર દર્દીઓ

મૃત્યુ પામ્યાં હતાં, તેની સામે ભારતમાં સ્તન કૅન્સરના ૧.૪૫ લાખ પૈકી ૭૦ હજાર દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં. સ્તન કૅન્સરમાં લાંબી આવરદા આપવામાં પણ ભારતીય ડૉક્ટરો ઘણા નબળા પુરવાર થઈ રહ્યા છે.

અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીના એક રિપોર્ટમાં વિવિધ કૅન્સરમાં પાંચ વર્ષ સુધી જીવિત રહેવાના દરને જોઈએ તો, ૧૯૭૫ની સાલમાં પ્રોસ્ટેટ કૅન્સરના દર્દીઓ પૈકી પાંચ વર્ષ સુધી ૬૯ ટકા દર્દીઓ જીવતા હતા. ૧૯૮૪ની સાલથી આ દર વધીને ૭૬ ટકા થયો અને ૨૦૦૦થી સાલમાં પ્રોસ્ટેટ કૅન્સરના દર્દીઓ પૈકી ૯૯ ટકા દર્દીઓ પાંચ વર્ષ સુધી જીવતા હતા. મતલબ કે ૨૫ વર્ષમાં પ્રોસ્ટેટ કૅન્સરના લગભગ બધા જ દર્દીઓ ઓછામાં ઓછું પાંચ વર્ષ જીવવા લાગ્યા. આની સામે, ૧૯૭૫ની સાલમાં સ્તન કૅન્સરના ૭૫ ટકા દર્દી ઓછામાં ઓછું પાંચ વર્ષનું આયુષ્ય ભોગવતા હતા. જે ૧૯૮૪માં વધીને ૭૯ ટકા અને ૨૦૦૦ની સાલથી ૮૯ ટકા થયું. ૨૫ વર્ષના ગાળામાં સ્તન કૅન્સરના દર્દીને પાંચ વર્ષ જીવાડી શકવામાં માત્ર ૧૫ ટકા જેટલો વધારો થયો. આ તો અમેરિકાની સ્થિતિની વાત થઈ. અમેરિકામાં આજે સ્તન કૅન્સરના દર ૧૦૦ દર્દી પૈકી ૮૯ મહિલા પાંચ વર્ષ સુધી જીવે છે. ભારતમાં આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પીબીસીઆર(પોપ્યુલેશન બેઝ્ડ કૅન્સર રજિસ્ટ્રી) અને એચબીસીસીઆરના એક રિપોર્ટ મુજબ, ભારતમાં સ્તન કૅન્સરના ૬૦ ટકા દર્દીઓ પણ પાંચ વર્ષ સુધી જીવતા નથી.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, દિલ્હીમાં એપિડેમિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. શુભોજિત ડેએ સ્તન કૅન્સર વિષયમાં પીએચ.ડી. કર્યું છે. તેઓ ‘અભિયાન’ સાથે વાત કરતાં કહે છે, ‘મારી શોધનું તારણ એમ કહે છે કે ભારતનાં શહેરોમાં સ્તન કૅન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને ગર્ભાશયના કૅન્સરનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. શહેરીકરણને કારણે મહિલાઓની જીવનશૈલી બદલાઈ છે. બાળપણનો આહાર પોષણક્ષમ મળવાથી માસિકચક્ર જલ્દી શરૃ થઈ જાય છે. ભણતર અને કારકિર્દીમાં વધુ ધ્યાન આપવાથી લગ્ન મોડા કરી રહી છે. મોડા લગ્ન થવાથી બાળકો મોડા થાય છે. ઓછા બાળકો પેદા કરે છે અને બહુ સ્તનપાન કરાવતી નથી. આ બધી બાબતો સ્તન કૅન્સરના વધારા માટે જવાબદાર છે.

‘સ્તન કૅન્સર મામલે ડૉક્ટર અને દર્દી બંને તરફથી લાપરવાહી સામે આવે છે. અમે અમારા સંશોધનમાં જોયંુ કે ભારતમાં ૭૦ ટકા કેસમાં મહિલાને સ્તન કૅન્સરની જાણ થાય ત્યાં સુધીમાં કૅન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોય છે. સ્તન કૅન્સરમાં મહિલાઓ સ્તનમાં થયેલી ગાંઠમાં દર્દ થાય તેની રાહ જુએ છે, પરંતુ સ્તન કેન્સરની ગાંઠ શરૃઆતમાં દર્દ વગરની હોય છે. દર્દ થાય ત્યાં સુધીમાં સ્તનમાં ગાંઠ ઘણી મોટી થઈ જાય છે. આજુબાજુના પ્રદેશમાં ગાંઠના કારણે તણાવ વધી જાય છે. આ સ્થિતિમાં ઑપરેશન થાય છે, કિમોથેરાપી થાય છે, ઘણો ખર્ચ થાય છે છતાં બચવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. આ માટે આપણી હેલ્થ સિસ્ટમ પણ એટલી જ જવાબદાર છે. આરોગ્ય સેવામાં કૅન્સરને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. સ્તન કૅન્સરમાં ઘણા દેશોમાં કરવામાં આવે છે તેવું વહેલા નિદાન કે સ્ક્રિનિંગ આપણા દેશમાં કરવામાં આવતું નથી. આ બંને કારણોને લઈને સ્તન કૅન્સરગ્રસ્ત મહિલાઓ ડૉક્ટર પાસે મોડી પહોંચે છે અને બચવાની ઓછી સંભાવનાને પગલે ‘કૅન્સરનો કોઈ ઇલાજ નથી’ એવી ખોટી માન્યતાને બળ મળી રહ્યંુ છે.’

વ્યાવસાયિક ઓછા અને માનવીય ધોરણે સારવાર આપી રહેલા કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ.પી.બી. પટેલ છેલ્લાં ૪૦ વર્ષથી કૅન્સરના પ્રિવેન્શનનું કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાતભરમાં આ વિષયને લઈને ૧૦૦૦ કરતાં વધુ સેમિનાર કર્યા છે. કૅન્સર અંગેના ૧૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ગુજરાતમાં સૌ પ્રથમ સ્તન ક્લિનિક શરૃ કરનાર ડૉ. પી.બી. પટેલ કહે છે, ‘હું જ્યારે ૧૯૮૧ના અરસામાં દર્દીઓ તપાસતો ત્યારે સ્તન કૅન્સરના દર્દીઓ ૫૦ વર્ષથી ઉપરના આવતા. ૪૫ વર્ષની ઉંમરના ક્યારેક જ આવતા. અત્યારે મેં નાનામાં નાના દર્દીનું સ્તન કૅન્સરનું ઑપરેશન કર્યું તેની ઉંમર ૧૮ વર્ષની છે. ૨૫થી ૩૦ વર્ષની સગર્ભાઓના તો ઘણા ઑપરેશન કર્યા છે. ૧૯૮૫ના અરસામાં મારી પાસે રોજના ૩-૪ દર્દી આવતા, આજે રોજના ૮-૧૦ દર્દી આવે છે. હવે એગ્રેસિવ બાયોલોજિકલ બિહેવિયરવાળા ટ્યૂમર આવતા થયા છે. જેમાં બે એક જ સરખા કૅન્સર હોય, એકસરખું પ્રમાણ હોય એવા દર્દીને એકસરખી સારવાર આપતા એક દર્દી સારો પ્રતિભાવ આપે છે જ્યારે બીજો દર્દી તત્કાલ મૃત્યુ પામે છે. સમય જતા સ્તન કૅન્સરમાં બીજો એક મહત્ત્વનો ફેરફાર આવ્યો છે. પહેલાં એક જ સ્તનમાં કૅન્સર જોવા મળતું, બંને સ્તનમાં કૅન્સર જોવા મળે એવું ભાગ્યે જ બનતું. આજે બંને સ્તનમાં કૅન્સરના કિસ્સા ઘણા વધી ગયા છે. આજે બંને સ્તનનાં ઑપરેશન કર્યાં હોય એવા મારી પાસે ઘણા દર્દીઓ છે.’

ડૉ. પટેલ પહેલાં બધાં કૅન્સરની એક સમૂહમાં સારવાર કરતા હતા. સ્તનને લગતી સમસ્યાઓ લઈને આવતા દર્દીઓનું પ્રમાણ બેહદ વધી જતાં તેમણે સ્તનના રોગો માટે અલાયદો વિભાગ તૈયાર કર્યો છે. જેથી તેને અલગ રીતે સારવાર આપી શકાય. ભવિષ્યમાં સ્તન કૅન્સરની અલગ શાખા ઊભી થાય અને તેની અલાયદી હૉસ્પિટલો શરૃ થાય એવું પણ બની શકે. કેમ કે સ્તન કૅન્સરનું સ્વરૃપ પણ ઘણુ જટિલ બન્યંુ છે. પ્રાપ્ત ડેટાના આધારે ૨૫ વર્ષ પહેલાંની સ્થિતિની સરખામણીએ વર્તમાન ભારતમાં સ્તન કૅન્સરની સ્થિતિ તપાસીએ તો, તે વખતની સરખામણીએ આજે ૨૦થી ૩૦ વર્ષની વયજૂથમાં સ્તન કૅન્સરનું પ્રમાણ બમણુ થયંુ છે. ૩૦થી ૪૦ વર્ષની વયજૂથમાં બમણા કરતાં પણ ઊંચું

ગયું છે. ૪૦થી ૫૦ વર્ષની વયજૂથમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે ૫૦થી ૬૦ની વયજૂથ અને ૬૦ વર્ષ કરતાં વધુ વયજૂથની મહિલાઓમાં સ્તન કૅન્સરનું પ્રમાણ ઘટ્યું છે. આપણે ત્યાં એવું વિજ્ઞાન નથી કે જે આવા ચોક્કસ વિષયમાં કામ કરે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે, ‘આપણી જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાની જરૃર છે. કૅન્સર કન્ટ્રોલ પ્રોગ્રામ છે, પણ તે બહુ નબળો છે, તેનો બહુ પ્રચાર થતો નથી. તેમાં બહુ પૈસા નથી હોતા. નર્સોને તાલીમ અપાતી નથી. ડૉક્ટરો તપાસતા નથી. લોકોમાં જાગૃતિ નથી. આપણે ત્યાં ડૉક્ટરી તપાસ બહુ ઉપરછલ્લી થાય છે. સ્તનનું પરીક્ષણ કરવામાં આવતું નથી. પરદેશમાં કપડાં ઉતારીને તપાસ કરવાની ઢબ છે. તપાસની યોગ્ય સરકારી યંત્રણા પણ નથી. સરકારી દવાખાનામાં લાઇનમાં બેસી બતાવતા આખો દિવસ નીકળી જાય છે. ડૉક્ટરો ઉતાવળી તપાસ કરીને રવાના કરે છે. ઍપૉઇન્ટમૅન્ટથી ૧૫ મિનિટમાં તપાસ થઈ જાય એવી આપણે સગવડ ઊભી કરી શક્યા નથી. પરદેશમાં નિયમિત નિદાનમાં મોડું થાય તો તમારું બ્રેસ્ટ એક્ઝામિશન હજુ થયું નથી, આવીને કરાવી જજો એવું લખેલો પત્ર આવે છે. આપણે ત્યાં આવી પ્રોએક્ટિવ સિસ્ટમ ગોઠવવાની જરૃર છે.

‘સ્તન કૅન્સર અંગે જાગૃતિ અને વહેલા નિદાન માટે સ્વાસ્થ્ય શિક્ષણ આપવું પડે. મહિલાઓ અરીસા સામે કે બાથરૃમમાં પોતાની છાતી તપાસે તેની જાહેરાતો સમાચારપત્રો, રેડિયો, ટીવીના માધ્યમથી થવી જોઈએ. ગાંઠ જેવું લાગે તો ડૉક્ટરને બતાવે અને પછી શંકા જણાય તો બાયોપ્સી કરે. આપણા ડૉક્ટરો પણ પ્રિવેન્ટિવ ઓરિએન્ટેડ નથી. દર્દી જે ફરિયાદ લઈને આવ્યું હોય, માત્ર તેનું જ નિદાન અને સારવાર કરે છે. શરીરનું નિદાન કરતા નથી. મારી માતાને નાની ગાંઠ થઈ હતી. સદ્દનસીબે પછીથી ઑપરેશન કરીને કઢાવી નાખી, પણ એ પહેલાં ઓછામાં ઓછા પાંચ ડૉક્ટરોને બતાવ્યું હતું, પણ કોઈનુંય ધ્યાન તે તરફ ગયંુ નહોતું. એમને અસ્થમાની બીમારી હતી તે ડૉક્ટરો છાતીએ બે-ચારવાર સ્ટેથોસ્કોપ મુકીને અસ્થમાની દવા આપી દેતા હતા. ડૉક્ટરોને પણ તેમની નિદાન પદ્ધતિ બદલવાની જરૃર છે. જેમ કે કોઈ ડૉક્ટર પાસે તાવનો દર્દી આવ્યો અને તેમને પ્રશ્નો પૂછી, તમાકુનું વ્યસન હોય તો મોઢામાં કૅન્સરના કોઈ વહેલા ચિહ્નો છે કે નહીં તે તપાસી લેવું જોઈએ. ઇંગ્લેન્ડમાં એક કલાકના એક ડૉક્ટર ૬ દર્દી તપાસે છે. એક દર્દી પાછળ ૧૦ મિનિટ ફાળવે છે. આપણે ત્યાં એક ડૉક્ટર એક કલાકના કેટલા દર્દી તપાસે તે પણ હજુ સુધી નક્કી નથી થઈ શક્યું. આપણે ડૉક્ટરની તંગીની બૂમો પાડીએ છીએ, પણ ભારત ચીનને બાદ વિશ્વમાં સૌથી વધુ ડૉક્ટરો પેદા કરે છે. ભારતમાં દર વર્ષે ૫૦,૦૦૦ એમબીબીએસ ડૉક્ટરો પેદા થાય છે. સ્તનનું પરીક્ષણ કરવાનું નર્સને શીખવાડી શકાય. એનું માળખું ગોઠવવું પડે. આજે નર્સો એટલી વધુ માત્રામાં પેદા થાય છે કે તેનો પગાર ડ્રાઇવર કરતાંય ઓછો, ૬-૭ હજાર રૃપિયા હોય છે. ડૉ. માવળંકર કહે છે, ‘નર્સોને કામ મળે અને તેમની મદદથી સ્તન ક્લિનિક ખોલવાનું આયોજન કરી રહ્યા છીએ. એવું અમે શહેરી વિસ્તારોમાં ૨૫ રૃપિયામાં મહિલાઓનું સ્તન પરીક્ષણ કરી શકે તે પ્રકારે નર્સો આધારિત ક્લિનિક ખોલવાનું વિચારી રહ્યા છીએ. જેથી કરીને મહિલાઓ પરીક્ષણ કરાવતા સંકોચ ન અનુભવે અને નર્સોના પરીક્ષણમાં કશું પકડાય તો દર્દીને ડૉક્ટર પાસે મોકલવામાં આવે. અમથા અમથા ૨૦૦-૫૦૦ રૃપિયા ખર્ચવાનું કદાચ કોઈને ન પોસાય, પણ ૨૫ રૃપિયાનો ખર્ચ તો પોસાય.’

સૌથી જટિલ બાબત એ બની છે કે સગર્ભાવસ્થામાં સ્તન કૅન્સર જોવા મળી રહ્યંુ છે. ડૉ. પટેલ કહે છે, ‘આ સ્થિતિમાં સ્તનનો કુદરતી વિકાસ થયેલો હોઈ સ્ત્રીરોગ નિષ્ણાત અને બાળરોગ નિષ્ણાત બંનેની નજરમાંથી સ્તન કૅન્સર છટકી જવાની શક્યતાઓ વધુ રહે છે. આ સ્થિતિમાં સ્તન કૅન્સર પકડાય ત્યારે પણ મૂંઝવણભરી સ્થિતિ સર્જાય છે. એક તરફ નવજાત શિશુને સ્તનપાનની જરૃર છે. ત્યારે કિમોથેરાપી અને રેડિયોથેરાપીના ઇશ્યૂ ઊભા થાય છે. પહેલાં પ્રૌઢ મહિલાને સ્તન કૅન્સર પકડાતું ત્યારે અમને સામેથી સાંભળવા મળતું કે મારે તો લીલી વાડી છે. કાંઈ ચિંતા કરવા જેવું નથી, પણ આજે નવજાત શિશુ, યુવાન પતિને લઈને આવતી યુવાન માતાને સ્તન કૅન્સર ઘણા જટિલ પ્રશ્નો પેદા કરે છે, ભાવનાત્મક પ્રશ્નો પણ સર્જાય છે.’

સ્તન કૅન્સરનું વહેલું નિદાન આપણે ત્યાં થતું નથી. સામાન્ય રીતે એડવાન્સ સ્ટેજમાં સ્તન કૅન્સર આવે ત્યારે પકડાય છે. મોટા ભાગે કૅન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચે ત્યારે ખબર પડે છે. જોકે હવે સોનોગ્રાફીને કારણે પહેલા અને બીજા સ્ટેજમાં સ્તન કૅન્સર પકડાતંુ થયંુ છે. બીજા કારણોસર સોનોગ્રાફી કરાવતા હોય અને અકસ્માત કૅન્સર પકડાઈ જાય એવું બની રહ્યું છે. ડૉ. પટેલ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, ‘અમેરિકાથી એક દર્દી આવ્યો હતો. તેને સ્ટિરિયો ટેક્સિક બાયોપ્સી કરેલી હતી. આ બાયોપ્સી એટલે કે તેમાં કૅન્સરની ગાંઠ ન હોય, છતાં મેમોગ્રાફી કરીને તપાસ કરે અને કૅન્સર પકડાય. મેં મારા ડૉક્ટર મિત્રોને ફોન કરીને પૂછ્યું કે તમારી પાસે આવા કેટલા દર્દીઓ આવે છે તો બધાએ કહ્યું કે એક પણ નહીં. મેં રેડિયોલોજિસ્ટોને પણ પૂછ્યું કે તમે આવી બાયોપ્સી કેટલી કરો છો? જવાબ મળ્યો કે ભાગ્યે જ. મતલબ કે વહેલું નિદાન આપણે ત્યા થતું નથી.’ માતા બનવાની પદ્ધતિમાં આવેલો બદલાવ પણ સ્તન કૅન્સરના વધારા માટે જવાબદાર છે. કૅન્સર રિસર્ચ યુકે પ્રમાણે, મહિલામાં માતા બનવાના નિર્ણયમાં મોડંુ કરવામાં કે મોટી ઉંમરે માતા બનવામાં ૨૦-૨૨ વર્ષે માતા બનતી મહિલા કરતાં કૅન્સર બનવાની સંભાવના ત્રણ ગણી વધી જાય છે. કૅન્સર રિસર્ચ યુકે એમ પણ કહે છે કે જે મહિલા પોતાનાં બાળકોને સ્તનપાન કરાવે છે તેમને સ્તન કૅન્સરની સંભાવના ઓછી રહે છે. જે મહિલા જેટલો લાંબો સમય સુધી સ્તનપાન કરાવે છે તેનામાં સ્તન કૅન્સરથી બચવાની સંભાવના એટલી જ વધી જાય છે. આ વિષયને અનુસંધાને દક્ષિણ આફ્રિકાની મહિલાઓ વિશે ભાગ્યે જ વાત થાય છે. ત્યાંની મહિલાઓમાં સ્તન કૅન્સર થવાની સંભાવના ચાર ગણી જેટલી ઓછી હોય છે. કેમ કે તે નાની ઉંમરે માતા બની જાય છે અને લાંબા સમય સુધી પોતાનાં બાળકોને દૂધ પિવડાવતી રહે છે.

ગાંધીનગરના વહેલાલ ગામે વિશાળ પરિસરમાં વર્ષે કૅન્સર જેવા જટિલ રોગોના લાખો દર્દીઓની સારવાર કરતાં મા અનંતાનંદજી કહે છે, ‘૩૫ વર્ષથી અમે કૅન્સરના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. કૅન્સર રોગ ખતરનાક ગતિ પકડી રહ્યો છે. સ્તન કૅન્સરના કેસમાં આટલાં વર્ષોમાં અમે ૩૦ ટકાનો વધારો જોયો છે. ખાસ કરીને યુવતીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જે કૅન્સરમાં એલોપથી સારવારમાં બહુ સારા પરિણામો મળતાં નથી તેવાં સ્તન, ફેફસાં અને મગજના આયુર્વેદિક સારવારમાં બહુ સારાં પરિણામો મળે છે એવું અમે નોંધ્યંુ છે. સ્તન કૅન્સર પ્રાથમિક તબક્કામાં હોય, સીટી સ્કેન પણ તે હોવાનું ઇંગિત કરતું હોય અને બાયોપ્સી ન કરી હોય અને દર્દી અમારી પાસે આવી જાય તો સ્તન દૂર કર્યા વગર દર્દી સારો થઈ શકે છે.

‘ખાનપાનમાં પેસ્ટિસાઇડ, કેમિકલ્સ માત્ર પિઝા અને બર્ગરમાં જ નહીં, ભાખરી-શાક સહિત બધામાં પણ પ્રવેશી ગયા છે. માતાના દૂધથી શુદ્ધ કઈ વસ્તુ હોય? પણ આજે પંચમહાલની આદિવાસી સ્ત્રીઓના સ્તનના દૂધમાંથી પણ પેસ્ટિસાઇડ્સના અંશો મળ્યા છે. પશુઓ સતત દૂધ આપતાં રહે, ચરે છે, ફરે છે અને તેમને સ્ટ્રેસ નથી એટલે તેમને બ્રેસ્ટ કૅન્સર નથી થતું, આપણને થાય છે.’

આયુર્વેદમાં હાલ કુશળ તબીબો બહુ અલ્પ છે એટલે આયુર્વેદિક સારવાર કરાવવામાં ભરાઈ જવાય એવું પણ બને. રાજાશાહીના વખતમાં કુશળ આયુર્વેદિક તબીબો બહુ હતા. બલ્કે માત્ર આયુર્વેદિક તબીબો જ બધી સારવાર કરતા. કેમ કે તેમને રાજ્યશ્રય મળતો. પછીથી મળવો જોઈએ તેવો રાજ્યાશ્રય મળ્યો નહીં. એક દુર્ભાગ્યની વાત એ છે કે દેશને આઝાદ કરાવનાર ગાંધી, નહેરુ, સરદાર, મૌલાના, અરવિંદ, ટાગોર…બધા દેશદાઝવાળા હતા, પણ તેમનામાં સામાન્ય દૂષણ એ હતંુ કે તે બધા બેરિસ્ટર હતા. તેમની સંપૂર્ણ તાલીમ યુરોપિયન પદ્ધતિથી થઈ હતી. એટલે દેશને આઝાદ કર્યા પછી ચલાવવાની બધી પદ્ધતિઓ તેમણે યુરોપની અપનાવી.

સ્તન કૅન્સર મુદ્દે સમાજની પણ પ્રાથમિકતા વર્તાતી નથી. જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ એચઆઈવીમાં પેઠી એટલી કૅન્સર, સ્તન કૅન્સરમાં નથી. કોઈ બિલ્ડર કે ઉદ્યોગપતિની મહિલા સ્તન કૅન્સરમાં મૃત્યુ પામી અને તેમણે સ્તન કૅન્સર અંગે જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું હોય એવું બનતું નથી. તમાકુના કૅન્સરમાં તો સામે તમાકુની લોબી છે

જ્યારે સ્તન કૅન્સરમાં સામે પડે એવી કોઈ લોબી નથી એટલે કામ કરવું પણ સરળ બની રહે તેમ છે.

————–.

‘સરકાર શાહમૃગ નીતિ અપનાવી રહી છે…’

અલ્ટરનેટિવ મેડિસિનમાં એમડી થયેલા ડૉ. શુભોજિત ડે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, દિલ્હીમાં એપિડેમિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે, તેમણે યુનિવર્સિટી ઓફ મિશિગન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી ૨૦૦૯માં પીએચડી કર્યું છે. સ્તન કૅન્સર તેમનો પ્રમુખ સંશોધનનો વિષય રહ્યો છે. તેઓ ઇન્ડિયન કૅન્સર સોસાયટીના સંશોધન શાખાના માનદ વડા છે. તેઓ અમેરિકાની નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કૅન્સર જેવી આંતરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. જોઈએ  ડૉ. શુભોજિત ડે સાથેની અભિયાનની વાતચીત… 

Related Posts
1 of 262

અભિયાનઃ તમારા અભ્યાસનો કેન્દ્રીય વિચાર શું હતો?

ડો. શુભોજિતઃ શરૃઆતનો કેન્દ્રીય વિચાર સ્તન કૅન્સર પાછળના જોખમી પરિબળોને સમજવાનો હતો. હું પર્યાવરણીય જોખમોનો અભ્યાસ કરી રહ્યો હતો. તેમાં એવું પણ જાણવા મળ્યું કે આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ છે જેમાં રહેલા કેમિકલ શરીરમાં સ્ત્રી શરીરના હોર્મોન ઇસ્ટ્રોજન જેવો વ્યવહાર કરે છે. આપણા સાબુ, શેમ્પૂ, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રિકનાં ઉપકરણોમાં ઘણા એવાં રસાયણો છે. સાબુ, શેમ્પૂમાં રહેલા પેરાબિન ઇસ્ટ્રોજન જેવો વ્યવહાર કરે છે. પ્લાસ્ટિકને સખત બનાવવા માટે વપરાતું પીપીએ આવું એક રસાયણ છે. આવા પ્લાસ્ટિકમાં ગરમ રસોઈ રાખવાથી, તેને ઓવનમાં રાખવાથી આ રસાયણ ખોરાક વાટે શરીરમાં દાખલ થાય છે અને સ્તન કૅન્સરની સંભાવના વધારે છે. અમુક ઇલેક્ટ્રિક ઉપકરણો ગરમ થવાથી તેમાંથી ગરમી સાથે છૂટા પડતાં રસાયણો શ્વાસ વાટે શરીરમાં જઈ ઇસ્ટ્રોજન જેવું કામ કરે છે.

ડેટા પ્રમાણે સ્તન કૅન્સરનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે?

અમે અત્યારે રાજ્યવાર ડેટા બનાવી રહ્યા છીએ. આવતા વર્ષે બહાર પાડીશું. છેલ્લાં ૧૦ વર્ષોથી સ્તન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં વાર્ષિક ૫ાંચ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. સ્તન કૅન્સરનું પ્રમાણ બધાં કૅન્સરમાં સૌથી વધારે છે અને તેનું પ્રમાણ અન્ય કૅન્સરની સરખામણીએ વધુ ઝડપથી વધી રહ્યું છે. તમામ પ્રકારનાં કુલ કૅન્સરની વાત કરીએ તો તેમાં ૩૦ ટકા હિસ્સો એકલા સ્તન કૅન્સરનો છે. અન્ય તમામ કૅન્સરમાં થતાં મોતની સરખામણીએ સ્તન કૅન્સરથી સૌથી વધુ દર્દી મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે સ્તન કેન્સરના ૧૫૦૦૦ નવા દર્દીઓનો ઉમેરો થાય છે અને દર વર્ષે ૭૫ હજાર જેટલી મહિલાઓનાં સ્તન કેન્સરથી મોત થાય છે.

પહેલાં ગર્ભાશયનું કેન્સર પહેલા નંબરે હતું, સ્તન કૅન્સર કઈ સાલમાં નં.૧ કૅન્સર થયું?

શહેરોમાં તો ૧૦ વર્ષ પહેલાંથી જ સ્તન કૅન્સર ગર્ભાશયના કૅન્સરથી આગળ નીકળી ગયું હતું. ગ્રામીણ વિસ્તારમાં અત્યારે આગળ નીકળી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારમાં સ્તન કૅન્સર વધવાનાં કારણો શહેરનાં હતાં એ જ છે?

હા, કારણ બંનેનાં સરખાં છે. ગ્રામીણ વિસ્તારો હવે એકદમ ગ્રામીણ રહ્યા નથી. તે ધીરેધીરે શહેરી બની રહ્યા છે.

તમારા અભ્યાસનું એક વિચિત્ર અવલોકન…

સ્તન કૅન્સરનો વિકાસ સાથે સીધો સંબંધ છે એ આજના સમયની એક કડવી વાસ્તવિકતા છે. દુનિયાના જે દેશો વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે ત્યાં સ્તન કૅન્સરનું પ્રમાણ પણ ઘણુ વધ્યું છે. આજે ભારતમાં સ્તન કૅન્સરના કેસમાં થઈ રહેલા વધારા ઉપરથી આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે હા, ભારત વિકાસ કરી રહ્યો છે.

અન્ય દેશોની સરખામણીએ ભારત સ્તન કૅન્સરમાં ક્યાં છે?

ત્રણ દેશો- અમેરિકા, ચીન અને ભારતમાં સ્તન કૅન્સરના દર્દીઓ સૌથી વધારે છે. સ્તન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં ચીન પછી ભારત બીજા નંબરે આવે છે, પરંતુ સ્તન કૅન્સરથી મરનાર દર્દીઓનું પ્રમાણ ભારતમાં સૌથી વધુ છે. વહેલું નિદાન થાય તો સ્તન કૅન્સરના દર્દીને મરતા બચાવી શકાય. ૫ાંચ વર્ષ જીવિત રહેવાનો દર અમેરિકામાં ૯૦ ટકા, ચીનમાં ૮૦ ટકા અને ભારતમાં ૫૦ ટકા છે.

શું થઈ શકે?

સ્તન કૅન્સર અંગે જાગરુકતા અને સ્ક્રિનિંગ જરૃરી છે.

સરકાર કંઈ કરી રહી છે આ મુદ્દે?

ભારતમાં ૧૯૭૫માં નેશનલ કૅન્સર કન્ટ્રોલ પ્રોગ્રામ શરૃ કરવામાં આવ્યો હતો, પણ તે બહુ દૂર ગયો નથી. ૧૯૮૧માં નેશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ ચાલુ થયો તે સારું થયું, તેમાંથી આપણને આંકડાઓની વિગતો મળે છે. એ સિવાય તેમાં માત્ર સારવાર ઉપર જ ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં કૅન્સરની સારવાર માટે દર્દી અહીં આવે ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ જાય છે. સમાજમાં જઈને કૅન્સરનું નિદાન થવું જોઈએ એ નથી થઈ રહ્યું. પ્રિવેન્શન ઉપર સરકારનું કોઈ ધ્યાન નથી. થોડા સમય પહેલાં નેશનલ અર્બન હેલ્થ મિશન શરૃ કરવામાં આવ્યું. અર્બન અને રૃરલ હેલ્થ મિશન બંનેને ભેળવીને. તેમાં નેશનલ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ ક્રોનિક ડિસીઝ તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર, કૅન્સર અને ડાયાબિટીસના રોગોને સમાવવામાં આવ્યા છે. આ નેશનલ પ્રોગ્રામમાં કૅન્સર પહેલાં નહોતો, તેને પાછળથી ભેળવવામાં આવ્યો. કૅન્સરને સમાવ્યા પછી પણ સ્ક્રિનિંગ અને પ્રિવેન્શન ઉપર ધ્યાન અપાતું નથી. વધુ ધ્યાન સારવાર ઉપર અપાય છે. કૅન્સર નોટિફાયેબલ ડિસીઝ હોવો જોઈએ, પરંતુ સરકાર તેમ કરતી નથી કેમ કે જો તે નોટિફાયેબલ ડિસીઝ ગણાય તો તેની સારવાર સરકારે ફરજિયાત અને નિશુલ્ક આપવી પડે. સ્ક્રિનિંગમાં પણ જેને કૅન્સર પકડાય તે દરેકને આગળના તમામ તબક્કે સારવાર આપવી પડે. કૅન્સરના દરેક દર્દીની સારવાર કરી શકે તેવી ત્રેવડ સરકાર પાસે નથી એમ મને કૅન્સર સ્પેશિયાલિસ્ટો પાસેથી જાણવા મળે છે. એટલે સરકાર હકીકત જાણવા છતાં પ્રિવેન્શન ઉપર ધ્યાન નથી આપતી અને ધ્યાન આપવા માગતી પણ નથી અને શાહમૃગ નીતિ અપનાવી રહી છે.
———-.

સ્તન કૅન્સરનાં કારણો

*           કૅન્સરગ્રસ્ત મહિલાની પહેલી કે બીજી પેઢીમાં સ્તનના કૅન્સરની માત્રા વધુ જોવામાં આવે છે.

*           ૧૮ વર્ષે પહેલું બાળક આવે એને સ્તનના કૅન્સર થવાની શક્યતા મોટી ઉંમરે બનતી માતા કરતાં ત્રીજા ભાગની થઈ જાય છે.

*           કુંવારી કે બાળક વગરની સ્ત્રીને સ્તન કૅન્સરની શક્યતા વધી જાય છે.

*           સ્તનપાન ન કરાવતી માતાઓને સ્તન કૅન્સરની શક્યતાઓ વધી જાય છે.

*           કાચમાં તપાસ (સ્ક્રિનિંગ) વારંવાર કરાવવાથી સ્તનના કૅન્સરની શક્યતા વધી જાય છે.

*           ગર્ભનિરોધક દવાઓ અને અંતસ્ત્રાવોવાળી દવાઓથી સ્તન કૅન્સરની માત્રા વધી જાય છે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »