મુંબઈમાં યોજાશે ૪૪ મુમુક્ષોનો ‘આધ્યાત્મિક લગ્નોત્સવ’
સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના માર્ગે જવાના પ્રસંગેની ઉજવણી મુંબઈમાં ૯મી માર્ચથી શરૃ
- આસ્થા – હરીશ ગુર્જર
સંસારનો ત્યાગ કરી વૈરાગ્યના માર્ગે જવાના પ્રસંગેની ઉજવણી મુંબઈમાં ૯મી માર્ચથી શરૃ થશે અને ૧૩મી માર્ચે ૪૪ મુમુક્ષો દીક્ષા ગ્રહણ કરી ૧૦ યતિધર્મ સાથે વિવાહ કરશે. પરિણામે આ પ્રસંગને આધ્યાત્મિક લગ્નોત્સવનું નામ આપવામાં આવ્યું છે, ત્યારે આ દીક્ષા મહોત્સવની તૈયારી અને દીક્ષાર્થીઓ વિશે માહિતી મેળવીએ…
દીક્ષાના પથદર્શક બનેલા ૯૪ વર્ષની વય ધરાવતાં જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ અને દીક્ષા ધર્મના મહાનાયક જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજની આધ્યાત્મવાણીથી પ્રભાવિત થઈને ૪૪ મુમુક્ષો ૧૩મી માર્ચે સાંસરિક જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગે વળશે. જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી આધ્યાત્મ જીવનમાં વળ્યા તે પહેલાં સાંસરિક જીવનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. સોશિયલ મીડિયાને જીવનની જરૃરિયાત સમજતાં આજના યુવાન મોબાઇલ પેઢીનાં યુવક-યુવતીઓ સાથે સંવાદ સાધી જૈનાચાર્યએ તેમને સાંસરિક જીવનમાં પણ જીવનને કઈ રીતે જીવી શકાય તેની સમજ આપતાં અસંખ્ય વક્તવ્યો અત્યાર સુધી આપ્યાં છે, તો બીજી તરફ દીક્ષાના માર્ગની સરળ સમજ આપતાં પુસ્તકો પણ લખ્યાં છે. મુંબઈમાં દીક્ષા ગ્રહણ કરનાર ૪૪ દીક્ષાર્થીઓમાં સૌથી નાની ૧૫ વર્ષની દેવાંશી અને સૌથી મોટી ઉંમરના ૬૬ વર્ષનાં સુશીલાબહેનનો સમાવેશ થાય છે, તો સુધીરભાઈ મોતા અને મિલનભાઈ વિરાણીનો આખો પરિવાર પણ મહારાજ સાહેબોની નિશ્રામાં દીક્ષાર્થી બનવા જઈ રહ્યાં છે. બોરીવલીની ૨ સગી બહેનો જીમીબહેન કોઠારી (૨૨) અને મોક્ષીબહેન કોઠારી (૧૮) પણ ૧૩મી માર્ચે દીક્ષા લેશે.
જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજીની નિશ્રામાં છેલ્લાં ૪ વર્ષમાં આ મુંબઈના દીક્ષા મહોત્સવ સાથે કુલ ૧૪૮ મુમુક્ષોને દીક્ષા આપવામાં આવી છે. મુંબઈમાં યોજાનારા કાર્યક્રમ પહેલાં દીક્ષાનો સૌથી મોટો કાર્યક્રમ ૧લી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સુરતમાં યોજાયો હતો. જેમાં ૪૫ દીક્ષા લેવામાં આવી હતી. ત્યાર બાદ નવેમ્બર ૨૦૧૬માં સુરતમાં જ ૩૬ ડિસેમ્બર, ૨૦૧૭માં અમદાવાદમાં ૨૬ અને પાલિતાણામાં ૧૮ દીક્ષા આપવામાં આવી હતી. મુંબઈના ૪૪ દીક્ષાર્થીઓ પૈકી સુરતના ૧૨ સહિત ગુજરાતના કુલ ૨૧, મુંબઈના ૧૭, રાજસ્થાનના ૫ અને કોલકાતાના ૧ મુમુક્ષો દીક્ષા લેશે. દીક્ષાર્થીઓ પૈકીના મોટા ભાગના મુમુક્ષોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી છે અને તમામ શિક્ષિત છે. સપરિવાર દીક્ષા ગ્રહણ કરનારા મિલનભાઈ વિરાણી ડાયમન્ડના ઉદ્યોગકાર છે.
મુંબઈમાં ૯મી માર્ચથી ૧૩મી માર્ચ સુધી યોજાનારા ભવ્ય આધ્યાત્મિક લગ્નોત્સવમાં દરરોજ ૧ લાખ લોકો હાજરી આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, આ માટે ૩ લાખ ચોરસફૂટથી વધુ વિસ્તારમાં એક નગરી વસાવવામાં આવી છે, જેમાં ૨ લાખ ચોરસફૂટ વિસ્તારમાં અન્નક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગીતની સુરાવલીઓ રેલાવવા માટે દેશની નામાંકિત શાળા અને કૉલેજોના બેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આટલા મોટા પ્રમાણમાં દીક્ષાનો આ પહેલો કાર્યક્રમ હોવાથી ૫૦૦થી વધુ જૈન સાધુ અને સાધ્વીજીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. મોટી સંખ્યામાં આવતાં લોકોની વ્યવસ્થા માટે ૩૦૦થી વધુ સ્વયંસેવકોની ટીમ તૈનાત હશે. સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવવા માટે અધ્યાત્મ પરિવારના સભ્યોએ મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૃ કરી દીધી છે. જૈનાચાર્યો દ્વારા આપવામાં આવેલા આધ્યાત્મિક લગ્નોત્સવમાં તમામ દીક્ષાઓર્થીઓનો સામાન્ય લગ્નોમાં જે રીતે છોકરાની જાન જાય છે તેમ, વાંદોલી નામની વિધિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ દીક્ષાર્થીઓના માનમાં આમ તો અત્યાર સુધી દેશનાં વિવિધ શહેરોમાં વરઘોડો નીકળી ચૂક્યો છે, પરંતુ વાંદોલી વિધિ સાથેના વરઘોડાનું મહત્ત્વ આગવું હોય છે.
દીક્ષાના પથદર્શક જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજ છે. ૪ વર્ષમાં ૧૪૮ મુમુક્ષોને ત્યાગધર્મમાં લાવનારા મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા મેળવવા વધુ ૪૦ મુમુક્ષો હાલ ગુરુકુળ વાસમાં તાલીમ લઈ રહ્યા છે. જૈનાચાર્યના સંપર્કમાં આવ્યા બાદ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરનારા વ્યક્તિને તેઓ તાત્કાલિક દીક્ષા આપતાં નથી, પણ તેને દીક્ષાનું મહત્ત્વ, સંયમ માર્ગની સ્થિતિ અને સંસાર ત્યાગની વાતોની સમજ આપવામાં આવે છે અને ત્યાર બાદ તેનું ફરી એકવાર દીક્ષા લેવા અંગે મંતવ્ય જાણવામાં આવે છે. એક રીતે દીક્ષાર્થીની તમામ પાસાંઓમાંથી ચકાસણી કરવામાં આવ્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે.
જીવના આત્મા સાથે મિલન એટલે આધ્યાત્મિક લગ્નના આ મહોત્સવને મહારાષ્ટ્રમાં યાદગાર બનાવવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ ૪૪ દીક્ષાર્થીઓને પોતાના નિવાસ સ્થાને પધારવા વિશેષ આમંત્રણ આપ્યું છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ૨૨ દીક્ષાનો કાર્યક્રમ વર્ષો પહેલાં યોજાયો હતો. ૨૫મી ફેબ્રુઆરીએ દીક્ષાર્થીઓને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૃપાણી સપરિવાર હાજર રહેવાના છે.
—————-