- કવર સ્ટોરી – તૃપ્તિ દેસાઈ
અમે જ્યારે કામ શરૃ કર્યું ત્યારે સૌથી મોટો પ્રશ્ન પૈસાનો હતો, પરંતુ અમે નક્કી કર્યું હતું કે જે કાર્ય અમે કરવા ઇચ્છીએ છીએ તે કરીને જ રહીશું અને સારા કામની સરાહના લોકો કરે જ છે. અમે બધી જ મહિલાઓ ફાળો એકત્રિત કરીને કામ કરીએ છીએ. અમારો સૌ પ્રથમ ઝઘડો શનિ-શિંગળાપુર મંદિરને લઈને શરૃ થયો હતો. આજુ-બાજુમાં આવેલા શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ન હતો. ત્યારે પ્રશ્ન એ થતો કે શની-શિંગળાપુર મંદિરમાં મહિલાઓને દર્શન માટે કેમ નથી જવા દેતાં. આ પ્રશ્નના પ્રત્યુત્તર માટે અમે આંદોલન શરૃ કર્યું અને તેમાં અમને સફળતા પણ મળી.
મને લાગે છે કે આપણે કોઈ પણ કાર્ય શરૃ કરીએ તો તેમાં આપણી ઇચ્છાશક્તિ મજબૂત હોવી જોઈએ. જ્યારે અમે આ આંદોલન શરૃ કર્યું હતું ત્યારે સોશિયલ મીડિયાએ અમને હેરાન કર્યા હતા તો અમારા વિરોધીઓએ અમારી પર હુમલાઓ પણ કર્યા હતા, પરંતુ અમારો ઇરાદો મક્કમ હતો. મને બદનામ કરવામાં પણ સોશિયલ મીડિયાએ કોઈ કસર છોડી નહોતી. સિગારેટ અને શરાબ પીતા મારા ખોટા ફોટા વાયરલ કર્યા હતા. ધમકી આપતા ઘણા ફોન મારા પર આવતા, જ્યારે હું કોઈને કહેતી કે જે ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે તે મારા નથી. બીજા ફોટામાં મારો ચહેરો સેટ કરવામાં આવ્યો છે. ત્યારે ઘણા લોકો હુંકારો ભરતા તો અનેક લોકોને મારા અપમાનથી પ્રસન્ન થતા. આ પરિસ્થિતિમાંથી પસાર થતાં મને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ આવી કપરી સ્થિતિ સામે મારા પતિ પ્રશાંત દેસાઈ મારી પડખે હતા. તે મને સમજાવતા કે તું કોઈ પણ ક્ષેત્રે કામ કરવા જઈશ ત્યાં અનેક પ્રકારના લોકોનો તારે સામનો કરવો પડશે તારે આ માટે હંમેશાં તૈયાર રહેવું પડશે. તારી ટીકા થાય, હુમલો થાય કે તને મારી પણ નાંખવામાં આવે છતાં ન્યાય માટે તારે આગળ વધતાં રહેવું પડશે.
હવે હું કોઈનાથી ડરતી નથી, કારણ કે હવે મને મૃત્યુનો પણ ભય નથી. કામ કરતા-કરતા હું મોતને ભેટીશ તો પણ તે મારું સદ્ભાગ્ય હશે. મહિલાઓ માટે હું કામ કરતી રહીશ અને તેમના હક માટે લડતી પણ રહીશ. શરૃઆતના સમયમાં સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાઇરલ થતી હતી તેનાથી મને ઘણી તકલીફ થતી, પરંતુ હવે એ બધી વાતોને હું નજરઅંદાજ કરતા શીખી ગઈ છું. મારું સંપૂર્ણ ધ્યાન મારા કામ પર છે. જ્યારે તમે કોઈ સારું કામ કરો છો અને તેમાં સફળ થાવ છો ત્યારે લોકો તમને અભિનંદન આપે છે જે તમારા વિરોધી હોય છે તે પણ તમારી સાથે ઊભા રહે છે. સોશિયલ મીડિયા પર મારો આભાર માનવામાં આવે છે. અમારા કામ પર દરેકની નજર હોય છે. જ્યારે તમે સત્ય અને ન્યાયના માર્ગે ચાલી પોતાના નિર્ણયો પર મક્કમ રીતે કામ કરો ત્યારે કોઈની હિંમત નથી થતી કે તમારા ધ્યેયથી તમને વિચલિત કરી શકે. જે તમને ભયભીત કરવા માંગતા હોય તે પણ ધીરે ધીરે પોતાનો અવાજ બંધ કરી દે છે. આ દરેક વાત ત્યારે જ શક્ય બને જ્યારે તમને તમારા પર અને તમારા કામ પર વિશ્વાસ હોય. મારો પરિવાર આધ્યાત્મિક છે. મારી માતાના સંસ્કારે મને ન્યાય માટે લડતા શીખવ્યંુ. બાળપણમાં જ પરમપૂજ્ય ગગનગિરી મહારાજ પાસે મેં દીક્ષા લીધી છે. જ્યારે હું તેમના સાંનિધ્યમાં હતી ત્યારે તેઓ મને કહેતા કે, ખોટી રીતે કમાયેલા રૃપિયા ક્યારેય ટકતા નથી. તું ઈમાનદારીથી કોઈ પણ કાર્ય કરીશ તો તેનંુ ફળ તને જરૃર મળશે. તારા કાર્યથી સમાજની ખોટી પરંપરામાં બદલાવ આવશે, સમાજ શુદ્ધ અને સક્ષમ બનશે તો એ તારી સાચી અમીરી હશે. ક્યારેય કોઈ કાર્ય લાલચમાં આવીને નહીં, પરંતુ પોતાનો ધ્યેય સમજીને કરજે. માટે હું એવા જ કાર્ય કરીશ જે મારા ગુરુએ સમજાવ્યા છે. ઘણીવાર અમે જીવને જોખમમાં નાંખીને પણ આંદોલન કરીએ છીએ, પરંતુ લોકો અમારા સંઘર્ષને સમજી નથી શકતા. એટલું જ નહીં, તેના પર ટીકા-ટિપ્પણી પણ કરાય છે. ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું દરેક મહિલાને એટલું જ કહેવાની ખેવના કરું છું કે, એકબીજાની ટીકા કરવાનું છોડી દો, આપણે કોઈ પણ જાતિ-ધર્મ, ભાષા કે પ્રાંતના હોઈએ બસ, પોતાનાં મૂલ્યો સાથે પોતાના હક માટે લડતાં રહીશું.
(સંકલન- લતિકા સુમન, મુંબઈ)
————.