જીવનની સંધ્યાએ અભિલાષા જીવંત રાખતું વયોવૃદ્ધ કપલ
સોશિયલ મીડિયા પર મોહન-લીલા નામના વૃદ્ધ કપલનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે
- ફેમિલી ઝોન – હેતલ રાવ
થોડા સમય પહેલાં જ આવેલી ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ને જોઈને જીવનથી હારી ગયેલા કેટ-કેટલાય લોકો ફરી જીવવાના નિરર્થક પ્રયત્નમાં લાગી ગયા. નિરર્થક એટલા માટે કે ફિલ્મથી પ્રેરણા લઈને માત્ર ચાર દિવસની ચાંદનીની જેમ જીવન ઉમંગી બનાવી પાછા જૈસે થૈ વૈસે બની જશે, પરંતુ એક વયોવૃદ્ધ કપલ એવું છે જે ઉંમરનો પડાવ પાર કર્યાં પછી પણ ચાલ જીવી લઈએની ઉક્તિને સાર્થક કરી રહ્યાં છે.
છેલ્લા કેટલાય સમયથી ફેસબુક અને સોશિયલ મીડિયા પર મોહન-લીલા નામના વૃદ્ધ કપલનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ જોડી એટલી જાણીતી બની ગઈ છે કે જ્યાં જાય ત્યાં તેમને સન્માન મળે છે, કારણ કે મોહન-લીલાએ એવા સમયે જીવન જીવવાની શરૃઆત કરી છે જે ઉંમરે વડીલો મંદિરના ઓટલા ઘસે કે પોતાની ઉંમરના મિત્રો સાથે પેપર વાંચી દેશમાં થતી ઊથલ-પાથલને કોસતાં હોય છે. આ બધાથી પર આ વયોવૃદ્ધ જોડીએ નક્કી કર્યું કે હવે જે સમય આપણી પાસે છે તેમાં આપણે મનભરીને જીવી લઈએ, દુનિયા જોઈ લઈએ, અને જેટલી ખુશી મળી શકે તેટલી પોતાની યાદોમાં સમાવી લઈએ. અંતે તો બધંુ અહીં મુકીને દુનિયાને અલવિદા કહેવાનું છે, પરંતુ આ બધું કહેવામાં ઘણુ સહેલું લાગતું હોય છે, પણ જ્યારે આ રીતે જીવન જીવવાની શરૃઆત કરીએ ત્યારે ઘણા લોકોની આંખમાં તે ખટકે પણ છે. ત્યારે એ જાણવાની ઉત્સુક્તા થઈ જ આવે કે દેશ ભ્રમણ કરતાં આ યુગલે શરૃઆત કેવી રીતે કરી હશે.
૭૫ વર્ષના એક ‘યુવાન’ અને તેમને સાથ આપતી ૬૮ વર્ષની એક ‘યુવતી’ એટલે કે મોહન-લીલાએ સાબિત કરી દીધંુ કે દિલ યુવાન હોવું જોઈએ. ઉંમરનું તો રોજ ઓછી થતી જાય છે. મૂળ સુરેન્દ્રનગરના લીમડી ગામના અને હાલમાં વડોદરા રહેતા મોહનભાઈ પોપટભાઈ ચૌહાણને ઓળખે તો બધા છે, પરંતુ ‘અભિયાને’ તેમને જાણવાનો પ્રયત્ન કર્યો. મનમોજીલો સ્વભાવ, બિન્ધાસ્ત બોલી અને યુવાન દિલવાળા મોહનભાઈ પોતાના આશિકી અંદાજમાં કહે છે, ‘બાબુ મુસાય, જિંદગી એક બાર મીલતી હૈ, તો ઉસમે સૌ બાર મરને કે બજાય એક બાર જી લો.’ જે ઉંમરે લોકો ડાયાબિટીસ, બીપી, સ્નાયુઓનો દુખાવો, અશક્તિ, શ્વાસ જેવી બીમારીઓ સામે મરી-મરીને લડતા હોય છે તે ઉંમરે મોહનલાલ હાર્ટ એટેકનો સામનો કરી સ્ટેન્ટ મુકાવ્યા બાદ પણ બુલેટ લઈને પત્ની સાથે જીવનની મજા માણી રહ્યા છે. બે દીકરી અને એક દીકરાના પિતાએ પોતાનાં સંતાનો તરફની સંપૂર્ણ જવાબદારી પૂર્ણ કર્યા બાદ વિચાર્યું કે હવે આપણે પણ જીવવું જોઈએ.
મોહનલાલ કહે છે, ‘ફરવાનો શોખ તો બાળપણથી જ હતો, પરંતુ એ બાળપણનું જીવન હતું. તેની વાત જુદી હતી. જેમ-જેમ મોટા થતા ગયા તેમ તેમ જવાબદારી વધવા લાગી. નોકરી, લગ્ન, બાળકો તેમનો અભ્યાસ, ઉછેર, તેમને સેટ કરવાની ચિંતા જેવા અનેક પ્રશ્નોને નજરઅંદાજ ન કરી શકાય, પણ શોખ ક્યારેય મરતો નથી અને મને ઝિંદાદિલી પહેલેથી જ પસંદ હતી. માટે નક્કી કર્યું કે હવે ભારત ભ્રમણ શરૃ કરીશું. પહેલાં તો હું એકલો જ બુલેટ લઈને નીકળી પડતો. પછી પત્નીને પણ કહ્યું કે, તું પણ ચાલ મારી સાથે, પણ ત્યાં બુલેટ પર લાંબી મુસાફરી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઊભો થયો. તેના નિરાકરણ માટે મેં બુલેટની બાજુમાં બોગી લગાવડાવી જેમાં મારી પત્ની લીલા સારી રીતે બેસી શકે. મને હજુ પણ યાદ છે કે આજથી ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં જ્યારે મારી પત્ની અને મેં બહાર જવાનો નિર્ણય કર્યો ત્યારે અમે નક્કી કર્યું કે આ આપણી ખાનગી ટૂર હશે જેની જાણ આજુબાજુના બે-ત્રણ પાડોશી સિવાય બાળકોને પણ નહીં કરીએ. કારણ કે અમારી ઉંમરને જોતાં બાળકો કે સંબંધી જલ્દી જવા દેવા માટે તૈયાર ના થાય. બસ, પછી શું, નીકળી પડ્યા અમારી સિક્રેટ ટૂર પર ૧૯૭૪નું બુલેટ મોડલ અને તેની પર હું અને મારી પત્ની જીવનના સપનાને સાકાર કરવા. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવાં રાજ્યોની સફર ખેડી ૭૦-૭૫ દિવસે અમે ઘરે પરત ફર્યાં. જ્યારે આ વાતની જાણ સંતાનોને અને સગા-સંબંધીઓને થઈ ત્યારે તેમણે પણ અમને સહકાર આપ્યો. બાળકો થોડા ચિંતિત થયાં, પણ અમારા જુસ્સાને તેમણે પણ સલામ કરી. ત્યાર બાદ તો યુપી, એમપી, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, આસામ, મેઘાલય જેવાં અનેક રાજ્યોમાં ફર્યાં. જ્યાં જતાં ત્યાં લોકો અમને આવકારતાં. અમે માત્ર એન્જોય કરવા અને જીવનને જીવી લેવા માટે જ નીકળ્યાં હતાં.’
ટૂરનું આયોજન કેવી રીતે કરો છો અને બજેટની ફાળવણી ક્યાંથી થાય છે તે વાતનો જવાબ આપતાં મોહનલાલ કહે છે, ‘મારી નોકરી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં હતી. ૨૮ વર્ષની નોકરી બાદ હું ત્યાંથી નિવૃત્ત થયો. ત્યાંની પૉલિસી પ્રમાણે આશા કિરણ યોજનામાં મારું નામ છે. જ્યાંથી દર વર્ષે મને એક લાખ દસ હજાર રૃપિયા મળે છે. આ ઉપરાંત મારો દીકરો પણ મને હેલ્પ કરે છે અને મારી પ્રોપર્ટી છે જેનું વ્યાજ પણ આવે છે. માટે અમે આયોજન કરીને અમારી ટૂરની તૈયારી કરીએ છીએ. ચાર મહિનાની ટૂર કર્યા બાદ અમે ઘરે પરત ફરીએ છીએ. ત્યાર બાદ થોડા દિવસનો આરામ અને ટૂરનું આયોજન કરી ફરી નીકળી પડીએ છીએ. ટૂર દરમિયાન મારો રોજનો ખર્ચ ચારથી પાંચ હજાર રૃપિયા હોય છે જેનું આયોજન હું અને મારી પત્ની બંને સાથે મળીને પહેલેથી જ કરી લઈએ છીએ.’
જ્યારે લીલાબહેન કહે છે, ‘ટૂર દરમિયાન અમે બનીને રહીએ છીએ. એકબીજાના સહકારથી દેશનાં અનેક રાજ્યો ફરી લીધાં. જાત-જાતના લોકો અને ભાત-ભાતની બોલી જાણી અનેક પ્રકારનાં ભોજનનો સ્વાદ પણ માણ્યો.’ પોતાના અનુભવને વાગોળતાં લીલાબહેન વધુમાં કહે છે, ‘ઘણી જગ્યાએ એવંુ પણ બને છે કે અમને જોઈને લોકો કહે છે કે જુઓને, પ્રભુ ભજવાના સમયે ફરવા નીકળી પડ્યાં છે. સમાજ, સંતાનો કોઈની ચિંતા જ નથી. ત્યારે હું તેમને કહું છું, ભગવાન ભજવા માટે ઘરમાં રહેવંુ જરૃરી નથી અને સંતાનો સેટ થઈ ગયાં છે, પોતાના જીવનમાં ખુશ છે, તેમની લાઇફમાં ડખલ કર્યા વિના પોતાના જીવનની મજા લેવી વધુ સારી.’
એસએસસી પાસ કાકા અને ગ્રેજ્યુએટ થયેલાં કાકી બંને દેશની એવી સફર ખેડી રહ્યાં છે જેમના વિચાર સુદ્ધાંથી થાક લાગી જાય. પચાસ પાર એટલે જાણે ફરજિયાત માની લેવાનું કે આપણુ જીવન પૂર્ણતા તરફ જઈ રહ્યંુ છે અને સાઠ-સિત્તેરે પહોંચતાં તો બસ, હવે પ્રભુ તું લઈ લે, જેવું બોલતાં લોકોની સંખ્યા આપણા ત્યાં વધુ છે. તેવામાં બુલેટ લઈને એક વૃદ્ધ યુવાન કપલ ‘જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કીસને જાના..’ ગાતા નીકળે ત્યારે ખરેખર લાગે કે, ચાલ જીવી લઈએ.
—————–