કચ્છનાં અભયારણ્યોમાં પ્રાણીઓને ઘાસનું ‘નીરણ’
ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ માટે પાણી અને ઘાસના પોકારો વધી રહ્યા છે
પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર
કચ્છનાં અભયારણ્યોમાં પ્રાણીઓને ઘાસનું ‘નીરણ‘
કચ્છનાં અભયારણ્યોમાં ઘુડખર, ચિંકારા, નીલગાય જેવા તૃણભક્ષી પ્રાણીઓનો વાસ છે. ત્રણ વર્ષથી દુકાળની સ્થિતિના કારણે જંગલમાં પાણી અને ઘાસની અછત ઊભી થઈ છે. ત્યારે વન ખાતા દ્વારા આ પ્રાણીઓને બચાવવા પાણી અને ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે વન્યજીવ પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે જંગલમાં વસતાં પ્રાણીઓને કુદરતે એટલા મજબૂત બનાવ્યા હોય કે તેઓ દિવસોના દિવસો સુધી પાણી કે ખોરાક વગર જીવી શકે. ત્યારે વન ખાતા દ્વારા અપાતું ઘાસ પ્રાણીઓને બચાવવા માટે જ વપરાય અને તેમાંથી ગેરરીતિ ન થાય તે સચોટ રીતે જોવું જોઈએ.
પાછલા ત્રણેક વર્ષથી કચ્છ પર મેઘરાજાની અવકૃપા ઊતરી છે. ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ માટે પાણી અને ઘાસના પોકારો વધી રહ્યા છે. પાલતુ પશુઓને બચાવવા સરકાર બહારના જિલ્લામાંથી ઘાસ મગાવીને વિતરણ કરે છે. ત્યારે જંગલમાં વસતા તૃણભક્ષી જંગલી પ્રાણીઓની હાલત કેવી થતી હશે તેવો વિચાર કોઈ પણ જીવદયાપ્રેમીઓને આવ્યા વગર ન રહે. કચ્છમાં મોટો વિસ્તાર રણનો હોવા છતાં અહીં ત્રણ અભયારણ્ય અને છારીઢંઢ જેવા જળપ્લાવિત વિસ્તારો છે. ૪૩ હજાર ચો.કિ.મી.માં ફેલાયેલા કચ્છમાં ૪૪૪ ચો.કિ.મી.માં ચિંકારા (એક પ્રકારનું હરણ) અભયારણ્ય, ૨૦૨ ચો.કિ.મી.માં ઘોરાડ અભયારણ્ય અને ૭૫૦૦ ચો.કિ.મી.થી વધુ વિસ્તારમાં આવેલું રણ વન્યપ્રાણી અભયારણ્ય છે. તેમાં ઘુડખર, ચિંકારા, નીલગાય જેવા જંગલી પ્રાણીઓ વસે છે. ખૂબ થોડા વરસાદમાં પણ રણ વિસ્તારમાં જે ઘાસ ઊગે છે તે આ પ્રાણીઓનો ખોરાક છે, પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી ખૂબ જ ઓછો વરસાદ થયો હોવાથી જંગલોમાં કુદરતી રીતે બહુ ઓછી જગ્યાએ પાણી રહ્યું છે અને ઘાસનું તણખલું પણ ઊગ્યું નથી. ત્યારે આ પ્રાણીઓને બચાવવા માટે વન ખાતાએ પોતાની રખાલોનું ઘાસ વન્ય પ્રાણીઓ માટે અનામત રાખ્યું છે. કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા તો જંગલમાં ઘાસ નખાઈ રહ્યું છે જ્યારે પૂર્વ વન વિભાગ દ્વારા ભવિષ્યની જરૃરત માટે ઘાસચારાની માગણી કરાઈ છે.
જોકે પ્રકૃતિપ્રેમીઓના મતે જંગલનાં પ્રાણીઓને તેમના હાલ પર છોડી દેવા વધુ હિતાવહ છે. આ પ્રાણીઓ માટે પાણીની ઠીક, પણ ઘાસની વ્યવસ્થા કરવાની કોઈ જરૃર હોતી જ નથી. ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આ પ્રાણીઓનાં મોત ભૂખમરાના કારણે થતાં નથી. તે દૂર દૂર સુધી ભટકીને પોતાને જરૃરી પોષણ મેળવી જ લેતાં હોય છે. ખરી જરૃર તો પ્રાણીઓના થતાં શિકાર અટકાવવાની છે. તે દિશામાં જ વન ખાતું ધ્યાન કેન્દ્રિત કરે તો દુકાળનો સમય તો પ્રાણીઓ કુદરતી રીતે સહેલાઈથી પસાર કરી શકે. અત્યારે પ્રાણીઓની ઘટતી વસતીનું મુખ્ય કારણ શિકાર છે.
ગત ચોમાસામાં કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ૨-૩ ઇંચ વરસાદ પણ પડ્યો નથી. તેના કારણે ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુઓને બચાવવા સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ આગળ આવ્યા છે. તો સંતવાણી, લોકડાયરો કે ક્રિકેટ મેચ જેવા કાર્યક્રમો પશુઓના લાભાર્થે યોજાય છે. આવા કાર્યક્રમોમાં થતી તમામ આવક ઘાસચારા પાછળ ખર્ચાય છે. સરકારે ઢોરવાડા ખોલ્યા છે, પશુપાલકોને ઘાસનું વિતરણ કરાય છે છતાં સમયાંતરે અંતરિયાળ ગામોમાં ગાયોનાં મોત થતાં હોવાના સમાચારો જાણવા મળે છે. ત્યારે પ્રથમ નજરે તો એમ જ લાગે કે જેની કોઈ દરકાર કરતું નથી એવા જંગલી પ્રાણીઓની દશા તો આનાથી પણ ખરાબ હશે. હજુ ફેબ્રુઆરી માસ જ ચાલે છે ત્યારે પણ હકીકત છે કે જંગલમાં અત્યારે નજરે પડે તેમ ક્યાંય પાણી નથી. કોઈ કોઈ જગ્યાએ જ કુદરતી રીતે એકઠું થયેલું પાણી બચ્યું છે. તો ઘાસ પણ આ વખતે ક્યાંય ઉગેલું નજરે પડતું નથી.
કચ્છના જંગલોમાં ચિંકારા, ઘુડખર જેવા વિલુપ્ત થતાં પ્રાણીઓની સાથે સાથે દીપડો, હેણોતરો, વરુ, રણબિલાડી, ઘોરખોદિયું, કીડિખાઉ, ખડમોર જેવા દુર્લભ અને ભયગ્રસ્ત પ્રાણીઓ જોવા મળે છે. કચ્છમાં નીલગાય મોટી સંખ્યામાં છે. જંગલના જીવોને પાણીની તકલીફ ન પડે તે માટે વન ખાતા દ્વારા ઠેર-ઠેર હવાડા અને ગઝલરની રચના કરાઈ છે. મહિનામાં ૪-૫ વખત તેમાં પાણી ભરાતું હોવાનું પણ જંગલ ખાતું કહે છે. આ પ્રાણીઓના ખોરાક માટે કોઈ ખાસ ગ્રાન્ટ ફાળવાતી નથી હોતી, પરંતુ દુષ્કાળ જેવી આ સ્થિતિમાં પ્રાણીઓને ઘાસ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂર્વ કચ્છ ડી.એફ.ઓ. પૃથ્વીસિંહ વિહોલના જણાવ્યા મુજબ, ‘અત્યારે જંગલ વિસ્તારમાં મોટા ભાગે તો ક્યાંય પાણી નથી, પરંતુ કુદરતી રીતે અમુક ડેમોમાં હજુ પાણી છે. છતાં અમે પાણીની તો નિયમિત વ્યવસ્થા ગોઠવી છે. ૮૩ જેટલા પોઇન્ટ પર હવાડા અને ગઝલર બનાવ્યા છે જે મહિનામાં ૪થી ૫ વખત ભરાય છે. સામાન્ય રીતે આ પ્રાણીઓને ઘાસની જરૃર હોતી નથી, પરંતુ આ વર્ષે તીવ્ર દુકાળની સ્થિતિ હોવાથી વન ખાતાએ પણ ઘાસ નાખવાનું વિચાર્યું છે. પૂર્વ કચ્છમાં હજુ ઘાસની એટલી જરૃરત ઊભી થઈ હોવાનું લાગતું નથી. છતાં ભવિષ્યમાં, ઉનાળાના આકરા તાપમાં જરૃર પડે તેમ ધારીને ઘાસચારાની માગણી કરી છે. ત્રણેક મહિના માટે ૭ લાખ કિલો ઘાસની માગણી અમે કરી છે. અત્યારે અભયારણ્યમાં ઘુડખર ૨૪૩ જેટલા છે. બીજા પ્રાણીઓ મળીને કુલ સંખ્યા ૨૧,૯૦૦થી વધુ થાય છે. જોકે ઘુડખર અભયારણ્યનો વધુ વિસ્તાર ધ્રાંગધ્રા વન વિભાગ નીચે આવે છે.‘
આવી જ વાત દોહરાવતા કચ્છ પશ્ચિમ વન વિભાગના ડી.એફ.ઓ. બકુલ અસારી કહે છે, ‘નારાયણ સરોવર અભયારણ્ય ચિંકારા માટે છે. અહીં ૧૪૪૭થી વધુ પ્રાણીઓ છે. લખપત વિસ્તારમાં દુકાળની વધુ અસર છે. અહીં અત્યારથી જ ઘાસની તંગી વર્તાઈ રહી છે. સામાન્ય રીતે વન ખાતાની રખાલોનું ઘાસ દુકાળના સમયમાં ગાયો માટે અનામત રખાતું હોય છે, પરંતુ આ વખતે અમારે તે વન્ય પ્રાણીઓ માટે અનામત રાખવું પડ્યું છે. લગભગ ૨.૧૩ લાખ કિલો ઘાસનો જથ્થો અનામત રખાયો છે. અત્યારે અમે તે જંગલમાં નાખવાનું ચાલુ કરી દીધું છે. પશ્ચિમ વન વિભાગને ૧.૫૭ લાખ કિલો ઘાસની ફાળવણી થઈ ગઈ છે જે હાલના ભાવ મુજબ રૃ.૧૬.૧૪ લાખની કિંમતનું થાય છે. અમારે જૂન જુલાઈ મહિના સુધી ઘાસની જરૃર પડશે. તેથી કદાચ વધુ જથ્થો પણ મગાવવાની જરૃર પડે.‘
સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો લાગે કે વન વિભાગે તેમની જવાબદારી નિભાવી છે, પરંતુ આ વાત વન્યજીવ પ્રેમીઓના ગળે ઊતરતી નથી. તેમના મત મુજબ, ચિંકારા કે ઘુડખર સદીઓથી કચ્છની ધરતી પર વિચરે છે. તે સમયમાં પણ દુષ્કાળ પડતો જ હતો, પરંતુ ત્યારે તેમને ઘાસ આપવાની જરૃર પડતી ન હતી. આ પ્રાણીઓમાં કુદરતી રીતે જ પોતાનું જીવન ટકાવી રાખવાની શક્તિ હોય છે. તેના માટે રોજનું ૧૫-૨૦ ચો. કિ.મી.માં ફરવું ખૂબ સ્વાભાવિક છે. ખૂબ ક્ષારવાળી જમીનમાં ઊગતી હોય તેવી વનસ્પતિ દાખલા તરીકે ગાંડા બાવળની ફળીઓ, લીયારનાં પાંદડાં, ઘાસનાં થૂમડાં ખાઈને તે જીવન ટકાવી શકે છે. દુકાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે આ પ્રાણીઓની સંખ્યા ઘટતી નથી. તેના માટે તો માનવી અને તેની અકુદરતી પ્રવૃત્તિ જવાબદાર છે. મુખ્યત્વે શિકારના કારણે પ્રાણીઓનો નાશ થાય છે. પ્રાણીઓના નૈસર્ગિક રહેણાક વિસ્તારમાં થતી ખોદકામ કે રસ્તા બનાવવા જેવી પ્રવૃત્તિના કારણે પણ પ્રાણીઓ મોતને ભેટે છે.
પ્રકૃતિપ્રેમી નવીનભાઈ બાપટ કહે છે, ‘ચિંકારા, ઘુડખર, નીલગાય જેવા પ્રાણીઓ મજબૂત હોય છે. તે દિવસો સુધી પાણી અને ખોરાક વગર ચલાવી શકે. કાંટાળા વૃક્ષ તેમનો ખોરાક બની શકે છે.
‘આ પ્રાણીઓ રણના વાતાવરણ અને હવામાનમાં રહેવા ટેવાયેલાં હોય છે. અત્યારે દુકાળના કારણે કપરો કાળ છે તે વાત સાચી. જંગલમાં વસનારા પ્રાણી અને પક્ષીઓની સ્થિતિ ગંભીર છે અને ઉનાળામાં હજુ ગંભીર થવાની છે તે વાત પણ સાચી, પરંતુ આ પ્રાણીઓને ઘાસમાંથી મળતું પાણી પૂરતું પોષણ આપે છે. જ્યારે સામાન્ય માણસને ઘાસ ન દેખાય ત્યારે તેઓ પોતાનો ખોરાક ક્યાં મળશે તે શોધી શકે છે અને તે મુજબ હિજરત કરીને જીવન બચાવે છે. જે જગ્યાએ પાણીની સગવડ કરાય છે ત્યાં પ્રાણીઓ આવે છે, પરંતુ તે જગ્યાએ તે સહેલાઈથી શિકાર બની જાય છે. આવી જગ્યાઓ શિકાર પોઇન્ટ બને છે. જંગલમાં ઘાસનાં થૂમડાં ગમે તેવી દુકાળની સ્થિતિમાં પણ હોય જ છે. તે ક્યારેય મરતાં નથી. આ થૂમડાં પ્રાણીઓ ખાય છે. સળંગ ૪-૫ વર્ષના દુકાળમાં પણ ખોરાક કે પાણીના અભાવે આવા પ્રાણીઓ મરતાં નથી, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ જ તેમને નામશેષ કરે છે.‘
જંગલી પ્રાણીઓ ઘાસ વગર મરતાં નથી તેવું વન્યજીવ પ્રેમીઓ કહે છે, પરંતુ દુકાળ વખતે વન ખાતું ઘાસનું નીરણ કરે છે. પ્રાણીઓના નામે આવેલા ઘાસમાંથી માનવી જમી ન જાય અને કોઈ ગેરરીતિ ન થાય તે જોવાનું કામ વન ખાતાએ સચોટ રીતે કરવું જોઈએ તેવું કુદરતપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
—————