તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છના ઊંટ માટે હોસ્ટેલ શરૃ કરવામાં સરકારના ઠાગાઠૈયા

ડેરીઓ દ્વારા ઊંટડીનું દૂધ ખરીદીને તેનું વ્યવસ્થિત માર્કેટિંગ કરાઈ રહ્યું છે.

0 721
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ગાય, ભેંસની સાથે કચ્છમાં ઊંટ ઉછેર પણ મોટા પાયે થાય છે. છેલ્લા થોડા સમયથી ડેરીઓ દ્વારા ઊંટડીનું દૂધ ખરીદીને તેનું વ્યવસ્થિત માર્કેટિંગ કરાઈ રહ્યું છે. પહેલાં જે ઊંટ ઉછેરકો પોતાનો મૂળ વ્યવસાય છોડીને અન્ય કામ કરવા લાગ્યા હતા તેઓ પણ વળતર સારું મળવાથી ફરી ઊંટ ઉછેર તરફ વળવા લાગ્યા છે. ત્યારે દૂધ ઉત્પાદનની કિંમત ઘટાડવા માટે પશુ હોસ્ટેલ આશીર્વાદરૃપ સાબિત થાય તેમ હોવા છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી.

કચ્છના સરહદી વિસ્તારમાં માલધારીઓ ઊંટ ઉછેર કરે છે. ખૂબ ઓછા ખર્ચમાં ઊંટનું પાલન થઈ શકતું હોવાથી જ્યાં ઘાસનો ચારો ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારમાં ઊંટ ઉછેર થાય છે. અત્યાર સુધી ઊંટડીના દૂધની પૂરતી માગ ન હોવાના કારણે ઊંટના માલધારીઓ ધીરે-ધીરે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા હતા, પરંતુ થોડા સમય પહેલાં ઊંટડીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે મંજૂરી મળતાં અને તેના ઔષધીય ઉપયોગ વિશેની જાણકારી લોકો સુધી પહોંચતા તેનું માર્કેટ વધ્યું છે. તેમ જ મોટી મોટી ડેરીઓ આ દૂધની ખરીદી કરી રહી હોવાથી માલધારીઓ ઊંટ ઉછેર તરફ પાછા વળી રહ્યા છે. સરહદ ડેરી દ્વારા અમૂલબ્રાન્ડ સાથે બોટલમાં ઊંટડીના દૂધને બજારમાં મુકાયું છે. તેના કારણે માલધારીઓની આવકમાં ઘણો વધારો થયો છે. જોકે ઊંટપાલકો કચ્છના દૂર-દૂરના વિસ્તારમાં વસે છે તેમ જ તેઓ રખડતું જીવન ગાળે છે. તેથી દૂધ એકત્ર કરીને તેને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લાવવાનો ખર્ચ વધી જાય છે. દૂધની ઉત્પાદન કિંમત ઘટાડવી હોય તો કચ્છમાં ઊંટ માટે હોસ્ટેલ બનાવવી જોઈએ. ઊંટ હોસ્ટેલના કારણે ઊંટને વધુ પોષક આહાર પણ મળી શકશે અને તેમના આરોગ્યની સંભાળ પણ સારી રીતે લઈ શકાશે. આના કારણે ઊંટપાલન વધુ નફાકારક બની રહે તેમ છે. આવી જ રીતે ગાય, ભેંસ જેવા પશુઓ માટે પણ અલગ હોસ્ટેલ બનાવાય તો કચ્છમાં દૂધ ઉત્પાદન ખૂબ વધવાની અને માલધારીઓને આર્થિક ફાયદો થવાની પૂરી શક્યતા છે.

એનિમલ હોસ્ટેલ બનાવવા માટે સરકારે બે વર્ષથી નીતિ જાહેર કરી છે. કચ્છમાં માંડવી પાસેના ગંગાપરમાં આવી એક હોસ્ટેલ બની પણ છે, પરંતુ તેમાં બે વર્ષથી એક પણ પશુને આશરો અપાયો નથી. અત્યારે તો હોસ્ટેલ જાણે રણીધણી વગરની હોય તેમ છે. ઊંટ માટે અને ગાય, ભેંસ માટે આવી અલગ-અલગ હોસ્ટેલ ચાલુ કરવાની તાતી જરૃર છે. આવી હોસ્ટેલ સરકાર બનાવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દે તો સરહદ ડેરી તે સંભાળવા તૈયાર છે. આવી હોસ્ટેલમાં પશુઓને રાખવા, તેમનાં ખોરાક, પાણી, આરોગ્યની સંભાળ રાખવામાં આવે છે. તેમ જ પશુઓની સંયુક્ત રીતે દેખભાળ કરવામાં આવે છે. દૂધ દોહવાનું પણ સંયુક્ત રીતે જ કરાય છે. પશુમાલિકોએ પશુઓને સાચવવાનો અને તેમના ખાદ્યનો ખર્ચ આપવાનો રહે છે. તેઓ ઇચ્છે તો દૂધ પોતે જ લઈ જઈ શકે અથવા તો સંચાલક તેને વેચે અને પૈસા પશુમાલિકોને આપે. આમ પશુમાલિકો દુષ્કાળની સ્થિતિમાં પશુઓને કેમ સાચવવા?ની મૂંઝવણથી બચી શકે અને તેમને વળતર પણ સારા પ્રમાણમાં મળી રહે.આમ એક રીતે સહકારી ધોરણે જ પશુપાલન કરી શકાય. હોસ્ટેલમાં ક્રોસ બ્રિડિંગ પણ થઈ શકે અને સારી ઓલાદનાં પશુઓની સંખ્યા પણ વધી શકે. પશુઓના આરોગ્યની સંભાળ પણ લઈ શકાય. ગાય, ભેંસની જેમ જ ઊંટો માટે પણ હોસ્ટેલ બનાવી શકાય. અત્યારે કચ્છમાં અંદાજે ૧૨૦૦ પશુપાલકો પાસે ૧૨ હજારથી વધુ ઊંટો છે. રોજ ચાર હજાર લિટર દૂધનું ઉત્પાદન થાય છે. સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધ માટે લાખોંદ પાસે પ્રોસેસિંગ પ્લાન્ટ શરૃ કરાયો છે. બોટલમાં પેક કરીને દૂધ માર્કેટમાં મુકાયું છે. આ માટે રાપર અને નખત્રાણામાં કલેક્શન સેન્ટર શરૃ કરાયાં છે. હાલમાં દરરોજ ૧૫૦૦ લિટર દૂધ એકત્ર થાય છે. જેટલા દૂધનું માર્કેટિંગ કરી શકાય છે તેટલું જ કલેક્શન કરાય છે. ૧૫૦૦ લિટર દૂધ વેચાઈ જાય છે. કચ્છ ઉપરાંત અમદાવાદ, આણંદ પ્લાન્ટમાં આ દૂધ પહોંચાડાય છે. નજીકના ભવિષ્યમાં જ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ તે પહોંચાડાશે. પ્રાથમિક તબક્કે ગુજરાતમાં જ વેચાણ કરાશે, ત્યાર બાદ દેશનાં અન્ય રાજ્યોમાં તે લઈ જવાશે.

ઊંટડીનું દૂધ રૃ.૫૧ પ્રતિલિટરના ભાવેથી પશુપાલકો પાસેથી ડેરી ખરીદે છે જ્યારે પશુપાલકો અત્યાર સુધીમાં રૃ.૨૫ના ભાવે છૂટકમાં વેચતા હતા. આમ તેમને બમણા ભાવ મળે છે. કાચા દૂધ પર પ્રોસેસ કરીને તેને બોટલમાં ભરીને રૃ. ૫૦ પ્રતિ અડધા લિટરના ભાવે બજારમાં વેચાય છે. માત્ર કચ્છમાં જ રોજ દોઢસો લિટર દૂધ વેચાય છે.

Related Posts
1 of 142

લાખોંદ પાસે શરૃ કરાયેલો ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ ભારતનો સર્વપ્રથમ પ્લાન્ટ છે. જ્યારે એશિયાનો પાકિસ્તાન અને દુબઈ પછીનો ત્રીજો પ્લાન્ટ છે. ઊંટડીના દૂધમાં એક ખાસ પ્રકારની ગંધ આવે છે. જે દૂર કરવા માટે ૮૧ લાખના ખર્ચે એક મશીન પણ છે. જેના કારણે દૂધ પીનારાને દૂધમાંથી ગંધ આવતી નથી.

સરહદ ડેરીના ચૅરમેન વલમજી હુંબલના જણાવ્યા મુજબ, ‘એનિમલ અને કેમલ હોસ્ટેલ માટે ઘણો ખર્ચ થાય તેમ છે. એનિમલ હોસ્ટેલ ૫ કરોડના ખર્ચે બનવાનો અંદાજ  છે. તે માટે ૫૦ એકર જમીન પણ જોઈએ. ઉપરાંત પાણી, ઘાસચારા માટે ગોડાઉન, શેડ વગેરેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. સંસ્થા એકલે હાથે આટલો ખર્ચ કરી ન શકે. જો સરકાર હોસ્ટેલ બનાવી આપે તો તેને મેનેજ કરવાની, પશુપાલકો સાથે કામ પાડવાની જવાબદારી સંસ્થા લઈ શકે. આવી હોસ્ટેલો બનાવવા વારંવાર રજૂઆત કરાઈ છે. લાખોંદના પ્લાન્ટનું વિધિવત્ ઉદ્ઘાટન થોડા સમયમાં જ થવાનું છે ત્યારે પણ આ અંગે ફરી ધ્યાન ખેંચશું, પરંતુ દુકાળિયા કચ્છમાં આવી હોસ્ટેલ બને તો પશુપાલકોને મોટો આર્થિક ફાયદો થઈ શકે અને પશુઓનું આરોગ્ય પણ સારું રહી શકે. તેવી જ રીતે ઊંટડીનું દૂધ ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી હોવાથી તેની માગ દિન

પ્રતિદિન વધવાની જ છે. ત્યારે ઊંટ માટેની આવી અલગ હોસ્ટેલ જો બને તો દૂધ પરિવહનનો ખર્ચ ઘટી શકે, તેટલો ફાયદો રખડતું જીવન ગાળતા પશુપાલકોને થાય અને તેમનું જીવન સુધરી શકે અને તેમનાં બાળકો શિક્ષણ લઈ શકે. આથી સરકારે સત્વરે આવી હોસ્ટેલો કચ્છમાં બનાવવી જોઈએ.

પશુ અને પશુપાલકો માટે ઉપયોગી એવી હોસ્ટેલ બનાવવા સરકારે ઊંઘ ઉડાડીને સત્વરે પગલાં લેવા જોઈએ. જેથી આવનારા સમયમાં તે ઉપયોગી સાબિત થઈ શકે.
———–.

ઊંટડીનાં દૂધના ઔષધીય ગુણો
ઊંટડીનું દૂધ ગાય કે ભેંસના દૂધ કરતાં વધુ ઔષધીય ગુણો ધરાવે છે. આ દૂધમાં ચરબી ઓછી હોવાના કારણે તે પચવામાં ખૂબ સરળ છે. તેથી તે પાચનશક્તિ વધારવા ઉપયોગી છે. તેવી જ રીતે તે ડાયાબિટીસ, કૅન્સર, બ્લડપ્રેશર જેવા રોગો માટે પણ અકસીર છે. હાડકાં મજબૂત કરવા માટે તે ઉપયોગી છે. ઊંટડીના દૂધમાં આયર્નનું પ્રમાણ ગાય કે ભેંસના દૂધ કરતાં ૧૦ ગણુ વધારે છે. હિમોગ્લોબિનની કમીથી પીડાતા દર્દીઓ માટે રામબાણ છે. વિટામિન સી ભેંસના દૂધ કરતાં ૩ ગણુ વધુ છે. ચામડીના રોગ મટાડવામાં તે સહાયરૃપ છે. આ દૂધમાં ગાય અને ભેંસના દૂધ કરતાં લેક્ટોઝનું પ્રમાણ ઓછું છે. જ્યારે ક્લોરાઇડનું પ્રમાણ વધુ છે. તેથી તે મેગ્નેશિયમ વધારવામાં મદદ કરે છે. ઊંટડીના એક લિટર દૂધમાં ૫૨ યુનિટ જેટલો ઇન્સ્યુલિન સમકક્ષ પદાર્થ છે. જેના કારણે તે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ ઉપયોગી છે. આમ આ દૂધ ઔષધીય રીતે ખૂબ ઉપયોગી છે. તેના પર અત્યારે પણ સંશોધનો થઈ રહ્યાં છે. ઊંટડીના દૂધમાંથી ચા કે કૉફી બનાવવી ખૂબ મોંઘી પડે છે, પરંતુ તેનો આઇસસ્ક્રીમ અને ખીર બનાવાય છે. અમુક કંપનીઓ તેની ચોકલેટ પણ બનાવે છે. જે પણ ઔષધીય ગુણો ધરાવતી હોવાથી તેની માગ પણ વધી રહી છે.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »